બીજું શું માંગુ??
તોરણીયા, સાથિયા ને લાભ-શુભ સંગાથે
અજવાળાં, અંધારાં તાગું..
ભાળ્યો ભળાય નહિ એટલોક મુંજારોય અમળાતો,
વમળાતો હૈયાંને તાવે,
ધરબી દીધેલી કંઈ કેટલીયે વારતાયું
ડૂમાં ને ડૂસકાં થઈ આવે.
ઓરતા, અભરખાઓ ખાળું-ખમું ને
તો ય મારા જેવી જ મને લાગું..
બીજું શું માંગુ??
દીઠયું-અણદીઠયું કરી લઉં છું સ્હેજે
ત્યાં દિશાઓ કેટલીયે ખૂલે,
હથેળીમાં રેખાયું ઝાઝેરી જુએ તોય
મનડું ના મારગડો ભૂલે.
કોક દી’ ટાણું અણધાર્યું જો આવે તો
મારાથી હું જ નહિ ભાગું..
બીજું શું માંગુ?
– લક્ષ્મી ડોબરિયા
શબ્દસર..સપ્ટેમ્બર-૨૦૨૨
Leave a Reply