નિસ્બત ધરાથી રાખી,
હાથ ભલે હો ખાલી કિન્તુ, ટહેલ નથી મેં નાખી.
આકાશી અસબાબ ગમે નહિ એ કારણ નહિ આપું,
પાંખ નહીં પગ સાથે સાચું સગપણ રાખી વ્યાપું,
હાલકડોલક મન થાતું ત્યાં દ્વાર દઉં છું વાખી… નિસ્બત ધરાથી રાખી.
અઘરું છે જો ભીડ મહીં તો ખુદ સાથે ક્યાં સહેલું ?
ઢાળ-વળાંકે આમ જ સ્હેજે પગલું માંડ્યું પહેલું,
ખુદના રંગ નજરમાં રાખી ક્ષણની સફેદી સાંખી… નિસ્બત ધરાથી રાખી.
પાન ખર્યાની પીડા વેઠે, ડાળ છતાં ના તૂટે,
કૂંપળ ટોચે રાજ કરે પણ મૂળને મનમાં ઘૂંટે,
આમ જગાડે ભીતરથી કોઈ, એની જોઈ મેં ઝાંખી… નિસ્બત ધરાથી રાખી.
– લક્ષ્મી ડોબરિયા.
કવિલોક : જુલાઈ – ઑગસ્ટ : 2016 માં પ્રકાશિત ગીત.
Leave a Reply