આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સ્પર્ધામાં આગળ રહેવાના ધખારા ક્યાંક માણસજાતનું નિકંદન ન કાઢી નાખે…
‘મારા શબ્દો લખી રાખો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસ પરમાણુ શસ્ત્રો માટેની હોડ કરતાં પણ ક્યાંય વધારે ડેન્જરસ છે.’ ઈલોન મસ્કના આ શબ્દો સાથે ટેકનોલોજીના ખેરખાંઓ સહમત તો છે, પણ બ્રેક મારવા કોઈ તૈયાર નથી.
——————————
વાત વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
——————————
આવું આપણે કદી જોયું નથી. સામાન્યપણે કોઈ નવી ટેકનોલોજી માર્કેટમાં મૂકાય અને તે પ્રચલિત થાય એનાં ઘણાં વર્ષો પછી, ક્યારેક તો દાયકાઓ પછી, તે ટેકનોલોજીની વરવી બાજુ સામે આવે, તે ટેકનોલોજીનાં જોખમસ્થાનો વિશે ચર્ચા શરૃ થાય. ચેટજીપીટી નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટબોટ હજુ તો ૩૦ નવેમ્બર ૨૦૨૨ના રોજ લોન્ચ થયું હતું ને એકાએક ચારે બાજુ એઆઈ… એઆઈ થવા માંડયું. લોન્ચને હજુ પૂરા સાત મહિના પણ થયા નથી ત્યાં આ ટેકનોલોજી પર તાત્કાલિક બ્રેક મારવાની તીવ્ર માગણી ઊભી થઈ છે. ધ્યાનાકર્ષક વાત આ છે. આવી માગણી કરનારા ટેકનોલોજી ક્ષેત્રના ખેરખાંઓ જ છે. થોડાં પહેલાં એક ઓપન લેટર લખવામાં આવ્યો જેમાં ગંભીરતાપૂર્વક ડિમાન્ડ મૂકવામાં આવી હતી કે વાત કાબૂ બહાર જતી રહે તે પહેલાં ચેટજીપીટી પ્રકારની એઆઈ ટેકનોલોજી પર ચાલી રહેલાં કામ પર કમસે કમ છ મહિના માટે બ્રેક મારી દો. આ ખુલ્લા પત્રમાં સહી કરનારાઓમાં સેલિબ્રિટી બિઝનેસમેન-કમ-ટેકનોલોજિસ્ટ ઇલોન મસ્ક, એપલ કંપનીના સહસંસ્થાપક સ્ટીવ વોઝનિએક સહિત ૧૧૦૦ જેટલા મોટાં માથાં હતાં.
એવું તે શું થઈ ગયું કે આવી માગણી કરવી પડી? અને ‘વાત કાબૂ બહાર જતી રહે’ એટલે શું? આનો જવાબ વિખ્યાત અમેરિકન ફિઝિસિસ્ટ, કોસ્મોલોજિસ્ટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ચાવીરુપ કામગીરી કરનારા ડો. મેક્સ ટેગમાર્ક પાસેથી સાંભળવા જેવો છે. તેઓ કહે છે, ‘માણસે આ પૃથ્વી પર પગલાં માંડવાનું શરૃ કર્યું તે પછી આજે પહેલી વાર એ એક અજીબોગરીબ ત્રિભેટે આવીને ઊભો છે. આજે આપણી પાસે આટફિશિયલ ઇન્ટેલિજન્સ છે અને સામે બે રસ્તા પડે છે. એક રસ્તો એવો છે કે જેના પર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો વિવેકબુદ્ધિપૂર્વક ઉપયોગ કરતાં કરતાં ચાલવાથી માણસજાત અતિ સક્ષમ અને તાકાતવાન બની શકે છે, અત્યારે સુધી જે સમસ્યાઓથી તે પીડાતી રહી છે એના ઉકેલ શોધી શકે છે, સમજોને કે, માણસ પોતાનો ભાગ્યવિધાતા બની અદભુત જીવન જીવી શકે છે. બીજો રસ્તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો આડેધડ ઉપયોગ કરવાનો છે. જો બીજા રસ્તા પર આપણે આગળ વધી ગયા તો સમગ્ર માણસજાત મશીનો દ્વારા રિપ્લેસ થઈ શકે, માણસજાતનું નિકંદન સુધ્ધાં નીકળી શકે.’
તરત દલીલ કરવાનું મન થાય કે આ તો દર વખતનું છે. યંત્રો અને કારખાનાં આવ્યાં ત્યારે પણ ખૂબ કાગરોળ મચી હતી. કમ્પ્યુટર આવ્યાં ત્યારે ય હો-હા થઈ હતી. ટૂંકમાં, જ્યારે પણ કોઈ નવી ટેકનોલોજી આવી છે ત્યારે શરુઆતમાં વિરોધ થયો જ છે, પણ પછી થોડા સમયમાં લોકો જે-તે ટેકનોલોજીથી ટેવાઈ જાય, એનો ઉપયોગ કરવા લાગે ને પછી તો તેના વગર માણસને ચાલે નહીં. કહેનારાઓ કહે છે કે જોજોને, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મામલામાં પણ આવું જ થવાનું… પણ ના, એવું નહીં થાય. ‘સેપિયન્સ’ તથા અન્ય પુસ્તકો લખીને જગવિખ્યાત બની ગયેલા સુપરસ્ટાર લેખક-ચિંતક યુવલ નોઆ હરારી કહે છે તેમ, આજ સુધીમાં આપણે જેટલાં મશીનો બનાવ્યાં તે કંઈ પોતાની રીતે નિર્ણય લઈ શકતાં નથી. જેમ કે, પ્રિન્ટિંગ મશીન આપણે જે ઇચ્છીએ તે કાગળ પર છાપી શકે, મશીન પોતે પોતાની રીતે કોઈ નવું પુસ્તક ન છાપી શકે. ચાકુ પોતે નિર્ણય ન કરી શકે કે હું કોઈનું ખૂન કરીશ કે હું ફળો કાપીશ. આ નિર્ણય ચાકુ જેના હાથમાં છે તે માણસે કરવાનો હોય. તે જ રીતે ભયંકર વિનાશકારી તાકાત ધરાવતી ન્યુક્લિયર મિસાઇલ પોતાની રીતે ઉડીને દુશ્મન દેશમાં ન પડે, તે માટે માણસે કમાન્ડ આપવો પડે… પણ માનવ ઇતિહાસમાં આજે પહેલી વાર એવાં મશીન બન્યાં છે, જે પોતાની રીતે નિર્ણયો લઈ શકે છે અને તેનો અમલ પણ કરી શકે છે. આ મશીન એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીથી સુસજ્જ મશીન. ભૂતકાળની તમામ ટેકનોલોજી કરતાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આ રીતે પાયાથી જુદી પડે છે.
વીસમી સદી પૂરી થઈ તે પહેલાં માણસજાતે ‘ડીપ લર્નિંંગ’ નામનું ટેકનોલોજિકલ ગતકડું શોધી કાઢયું હતું. ડીપ લર્નિંગ એટલે કમ્પ્યુટર્સને એટલાં સક્ષમ બનાવી દેવાં કે તે માણસની મદદ વગર, પોતાની જાતે નવું નવું શીખી શકે. વિચિત્ર વાત તો આ છેઃ જે ભેજાભાજ ડેવલપરોએ મશીનને સક્ષમ બનાવવા કોડિંગ કર્યું હતું (એટલે કે તેનું કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કર્યું હતું) તેઓ ખુદ સમજી શક્યા નથી કે મશીન એક્ઝેક્ટલી કઈ રીતે આટલું બધું સ્માર્ટ બની જાય છે અને પોતાની રીતે નવું નવું શીખવા માંડે છે. ધીમે ધીમે મશીન એટલું હોશિયાર બની જાય છે કે એ પોતાની ગ્રહણશક્તિ, નિરીક્ષણશક્તિ, ડેટા અને આ ડેટાનું વિશ્લેષણ કરવાની તાકાતના આધારે સ્વતંત્રપણે નિર્ણયો લેતું થઈ જાય છે. આ નિર્ણય એટલા સચોટ હોય છે કે તે લેવામાં ખુદ માણસ પણ ગોથાં ખાઈ જાય. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાયામાં આ ડીપ learning છે. લેખની શરુઆતમાં જેનો ઉલ્લેખ થયો તે ઓપન લેટરમાં આ જ વાત કહેવાઈ છેઃ ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં કામ કરી રહેલી કંપનીઓ વચ્ચે ચેટજીપીટી પ્રકારના પ્રોગ્રામ ડેવલપ કરવાની રેસ લાગી છે. તેઓ વધુને વધુ પાવરફુલ ડિજિટલ માઇન્ડ બનાવતાં જાય છે. આ ડિજિટલ દિમાગોને ખુદ એને બનાવનારાઓ પૂરેપૂરાં સમજી શકતા નથી, એમના પર ભરોસો કરી શકતા નથી કે તે કેવી રીતે વર્તશે તે વિશે આગાહી કરી શકતા નથી.’
ઈલોન મસ્ક કહે છે, ‘મારા શબ્દો લખી રાખો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની રેસ પરમાણુ શો માટેની હોડ કરતાં પણ ક્યાંય વધારે ડેન્જરસ છે.’ મજા જુઓ. ચેટજીપીટી તૈયાર કરનાર ઓપનએઆઈ નામના ઓર્ગેનાઇઝેશનને ઊભું કરવામાં ઈલોન મસ્કનો મોટો ફાળ હતો. આજે ઇલોનને એ વાતનો સખત અફસોસ છે કે ચેટજીપીટી નામના ખૂંખાર ભસ્માસુરના સર્જનમાં પોતાનો પણ હાથ છે. ગૂગલના સેમી-સિક્રેટ રિસર્ચ-એન્ડ ડેપલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ‘ગૂગલ એક્સ’ના ભૂતપૂર્વ ચીફ બિઝનેસ ઓફિસર મૉ ગોડેટ, કે જે ખુદ કમ્પ્યુટર સાયન્ટિસ્ટ પણ છે, તેઓ તો કહે છે કે જો આ ગાંડપણ આમ જ ચાલતું રહ્યું તો આગામી છ જ વર્ષમાં, પૃથ્વી પર સૌથી બુદ્ધિશાળી માણસ નહીં હોય, પણ મશીન હશે. લૉ ઓફ એક્સલરેટિંગ રિટર્ન્સ મુજબ ૨૦૪૫ સુધીમાં મશીન માણસ કરતાં એક અબજ ગણું વધારે બુદ્ધિશાળી બની ચૂક્યું હશે. એક બાજુ ૧૬૦નો આઇક્યુ ધરાવતા આઇન્સ્ટાઇનને કલ્પો અને એની સરખામણીમાં માખીની કલ્પના કરો. ૨૦૪૫માં માણસની બુદ્ધિમત્તા આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ મશીનોની સરખામણીમાં તુચ્છ માખી જેટલી હશે! મૉ ગોડેટ તો આ મશીનો માટે ‘સેન્ટીઅન્ટ બિઈંગ’ (એટલે કે ઇન્દ્રિયોયુક્ત જીવતું અસ્તિત્ત્વ) શબ્દપ્રયોગ કરે છે, કેમ કે ધીમે ધીમે આ મશીનો લાગણી પણ ‘અનુભવવા’ લાગશે અને પોતાનું અસ્તિત્ત્વ ટકાવી રાખવા કોઈ પણ હદે જઈ શકશે.
ચેટજીપીટીનો સર્જક સેમ ઓલ્ટમેન કહે છે કે મને ખુદને હવે મારા પોતાના સર્જનથી ડર લાગવા માંડયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં માણસજાતની ભલાઈ કરવાની જબરદસ્ત ક્ષમતા છે તો માણસજાત પર મોટો ખતરો પેદા કરવાની તાકાત પણ છે. મેક્સ ટેગમાર્ક કહે છે, ‘ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુ ને વધુ શક્તિશાળી બનાવતા જવું અને સાથે સાથે એનાં સેફ્ટી ફિચર્સ પણ સખ્ખત તગડાં બનાવતાં જવાં – આ બન્ને કામ એક સાથે, એકમેકને સમાંતર થવાં જોઈતાં હતાં. એવું બન્યું નથી. આજે આપણે રઘવાયા થઈને, વધારે પૈસા કમાવાની લાલચમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને વધુને વધુ પાવરફુલ બનાવવામાં એવા મચી પડયા છીએ કે સેફ્ટી ફિચર્સના મામલામાં પાછળ પડી રહ્યા છીએ.’
ચેટજીપીટી પ્રકારની એઆઈ ટેકનોલોજીની રેસમાં માઇક્રોસોફ્ટ અને ગૂગલ સૌથી આગળ છે. ચેટજીપીટી માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન બિન્ગ સાથે વણાઈ ગયું છે તો ગૂગલ, બાર્ડ નામનું આ જ પ્રકારનું એઆઈ ચેટબોટ તૈયાર કરી રહ્યું છે. બીજી ટેક કંપનીઓ પણ દોડી રહી છે. ખતરાની જાણ હોવા છતાં કોઈને ધીમા પડવું નથી, કેમ કે ધીમા પડે તો બીજા આગળ થઈ જાય. માર્કેટ શેર કબ્જે કરવા માટે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. ધીમે ધીમે સરકારો જાગી રહી છે ને હળવે હલેસે એઆઈને લગતા કાયદાઓ બનાવવા વિશે વિચારી રહી છે. હજુ સાવ મોડું થયું નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી અત્યારે કુમારાવસ્થામાં છે અને હજુય તે માણસજાતના અંકુશમાં છે, હજુય તેને ઇચ્છિત આકાર આપી શકાય તેમ છે. ખતરો એ જ છે કે જો આ ટેકનોલોજી ખોટા હાથોમાં, ખોટી કંપની પાસે કે ખોટા દેશ પાસે જતી રહી તો ખાનાખરાબી સર્જાઇ શકે છે. આપણી પાસે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી…
– શિશિર રામાવત
Leave a Reply