નસીરુદ્દીન શાહનું ગુજરાત કનેક્શન
———————————
સિનેમા એક્સપેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
———————————
ન સીરુદ્દીન શાહની રાજકીય વિચારધારા સાથે તમે સહમત હો કે ન હો, પણ ભારતે પેદા કરેલા સૌથી મહાન અભિનેતાઓની સૂચીમાં તેમનું નામ ભારે આદરપૂર્વક મૂકાય છે તે હકીકત સાથે તો તમારે સહમત થવું જ પડે. આજે, ૨૦ જુલાઈએ, નસીરે ૭૩ વર્ષ પૂરા કરીને ૭૪મા વર્ષમાં પ્રવેશ કર્યો. આજે એમના ગુજરાત કનેક્શન વિશે થોડી વાત કરવી છે. એમનાં પત્ની રત્ના પાઠક તો ગુજરાતણ છે જ, પણ અત્યારે એમની એવી બે મસ્તમજાની ફિલ્મોને યાદ કરીએ જેનો સંબંધ ગુજરાત સાથે રહ્યો છે. નસીરુદ્દીન શાહે ‘એન્ડ ધેન વન ડે’ નામની પોતાની આત્મકથામાં આ બન્ને ફિલ્મો વિશે સરસ વાતો કરી છે.
૧૯૭૫ની આ વાત. નસીરુદ્દીન શાહની સર્વપ્રથમ ફિલ્મ ‘નિશાંત’ રિલીઝ થઈને વખણાઈ ચૂકી હતી. શ્યામ બેનેગલ એના ડિરેક્ટર. એક દિવસ શ્યામબાબુએ એમને મળવા બોલાવ્યા. એકલા નસીરને નહીં, રાજેન્દ્ર જસપાલ નામના ઑર એક ટેલેન્ટેડ યુવા એક્ટરને પણ. નસીર, ઓમ પુરી અને જસપાલ ત્રણેય દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં સાથે ભણતા. નસીર અને જસપાલ વચ્ચે સારી દોસ્તી હતી. મુંબઈમાં બન્ને સાથે જ સ્ટ્રગલ કરતા હતા. શ્યામ બેનેગલે તેમને કહ્યુંઃ જુઓ, હું એક ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છું ને એમાં તમારે બન્નેએ કામ કરવાનું છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન નામની સંસ્થા આ ફિલ્મને ફાયનાન્સ કરી રહી છે. ગુજરાતમાં સહકારી ડેરી ઉદ્યોગનો પ્રયોગ જબરદસ્ત સફળ થયો છે ને આ ફિલ્મ તેના પર જ આધારિત છે.
આ ફિલ્મ એટલે ‘મંથન’. શ્યામબાબુએ ફક્ત એટલંુ જ કહ્યું કે તમારા બેયનો રોલ સરસ છે. સાથે સાથે એવુંય કહ્યું કે ફેબુ્રઆરી-માર્ચમાં બીજું કોઈ કામ લેતા નહીં, કારણ કે આ બે મહિનામાં આપણે રાજકોટ પાસેના એક ગામમાં શૂટિંગ કરતા હોઈશું. ‘મંથન’માં ‘નિશાંત’ની લગભગ આખી કાસ્ટ ‘ભૂમિકા’માં રિપીટ થઈ હતી – નસીર ઉપરાંત સ્મિતા પાટિલ, અમરીશ પુરી, કુલભૂષણ ખરબંદા, મોહન અગાશે વગેરે. ગિરીશ કર્નાર્ડનું પાત્ર અમુલના સ્થાપક ડો. વર્ગીસ કુરિયન પર આધારિત હતું. ફિલ્મ લખી હતી વિજય તેંડુલકરે. શ્યામબાબુએ નસીરને કંઈ સ્ક્રિપ્ટ-બ્રિપ્ટ આપી નહોતી. ફક્ત એટલી જ બ્રિફ આપી હતી કે તારે એક વિદ્રોહી યુવાનનું પાત્ર ભજવવાનું છે, જે શરુઆતમાં ગામમાં સહકારી મંડળી સ્થપાય એનો વિરોધ કરે છે, પણ એન્ડમાં આ પ્રવૃત્તિમાં સામેલ થઈ જાય છે.
શૂટિંગ શરુ થયું. નસીર અને બીજા કલાકારો મુંબઈથી ફ્લાઇટ પકડીને રાજકોટ પહોંચ્યા. ઉતારો રાજકોટના એક ગેસ્ટ હાઉસમાં હતો, જ્યારે શૂટિંગ નજીકના સાંગણવા ગામે થવાનું હતું. નસીર અને કુલભૂષણ ખરબંદા ગેસ્ટ હાઉસમાં રુમ પાર્ટનર હતા. નસીરે ફિલ્મની સ્ક્રિપ્ટ છેક હવે વાંચી. પોતાનો રોલ જોઈને એ ઝુમી ઉઠયા. ભારે ઉદારદિલે એમણે જસપાલને કહ્યુંઃ બોલ, તારે આ રોલ કરવો છે? જસપાલના ફિલ્મમાં માંડ બે-ત્રણ સીન હતા. તોય એ મોઢું મચકોડીને એણે ધડ્ દઈને કહી દીધુંઃ ના. તું જ કર આ રોલ! નસીરુદ્દીન શાહે પોતાની આત્મકથામાં રાજેન્દ્ર જસપાલ વિશે પુષ્કળ લખ્યું છે. જબરદસ્ત પ્રતિભાશાળી હોવા છતાં ડ્રગ્ઝના રવાડે ચડી જવાને કારણે અને શિસ્તના અભાવને કારણે જસપાલની ફિલ્મ ઇન્ડસ્ટ્રી કશી ઓળખ ઊભી ન થઈ શકી. એનીવે.
શૂટિંગ દરમિયાન નસીર સ્થાનિક ભરવાડોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરતા. એમની જેમ ડાંગ ખભે રાખતા. ઓથેન્ટિક દેખાવાની લાહ્યમાં નસીર પેકઅપ પછી પણ કોસ્ચ્યુમ કાઢતા નહીં. આ જ કપડાંમાં ખાય-પીએ, નીચે જમીન પર સૂઈ જાય. નસીર ખાસ ભેંસ દોહતા પણ શીખ્યા હતા. નસીર લખે છેઃ ‘આ ફિલ્મમાં મારા ભાગે ઘણા ડાયલોગ્ઝ આવ્યા હતા એટલે હું સતત મારી લાઇનો ગોખ-ગોખ કર્યા કરતો. પાત્ર સમજવાને બદલે ડાયલોગબાજી કરીને છવાઈ જવામાં મને વધુ રસ હતો. શ્યામ બેનેગલ કહેતા કે મહેરબાની કરીને તારા મગજમાં તેં જે પાત્ર ઘડી રાખ્યું છે તે પ્રમાણે એક્ટિંગ ન કર, તું જે કાગળ પર લખ્યું છે એને વફાદાર રહે… પણ મેં શ્યામની વાત ન જ માની અને એ બધું જ કર્યું જે મારે નહોતું કરવાનું. સદભાગ્યે, મારા પર્ફોર્મન્સને કારણે ફિલ્મને ખાસ નુક્સાન ન થયું. શ્યામની ‘જુનૂન’ ફિલ્મમાં પણ મેં મારી આ મિસગાઇડેડ એનર્જીને બરાબર મેનેજ નહોતી કરી. આ બન્ને ફિલ્મો પછી મને કામ તો ઘણું મળ્યું, પણ આ બેમાંથી એકેય રોલને હું મારા પર્સનલ ફેવરિટ લિસ્ટમાં મૂકતો નથી.’
‘મંથન’ રિલીઝ થઈ ત્યારે સૌને હતું કે આવી ગામડીયાઓની ને સહકારી મંડળીવાળી ફિલ્મ કોણ જોવા આવશે? પણ મુંબઇમાં બાંદ્રાસ્થિત ‘જેમિની’ નામના સિંગલ-સ્ક્રીન થિયેટરમાં તે લાગલગાટ દસ વીક ચાલી. એટલું જ નહીં, ૧૯૭૬ની સૌથી હિટ ફિલ્મોમાં સ્થાન પામી. આ ફિલ્મને બેસ્ટ સ્ક્રીનપ્લેનો નેશનલ અવોર્ડ મળ્યો. ભારતની ઓસ્કર એન્ટ્રી તરીકે સુધ્ધાં તેની પસંદગી થઈ. આ ફિલ્મ માટે પ્રીતિ સાગરે ગાયેલું ‘મેરો ગામ કથા પરે’ ગીત લોકો આજે પણ ગણગણે છે.
————————————
નસીરુદ્દીન શાહ અને કેતન મહેતાની ભવાઈ
———————————
ગુજરાત સાથે કનેક્શન ધરાવતી નસીરુદ્દીન શાહની ઓર એક ફિલ્મ એટલે કેતન મહેતાની અફલાતૂન ગુજરાતી ફિલ્મ ‘ભવની ભવાઈ’ (૧૯૮૦). ઘીરુબહેન પટેલના નાટક પર તે આધારિત. કેતન મહેતાએ આ ફિલ્મની ઓફર આપી ત્યારે પહેલાં તો નસીરે ના જ પાડી દીધી. આ નકારનું કારણ હતું, કેતન મહેતાએ ડિરેક્ટ કરેલું ‘ધ લેસન’ નામનું નાટક, જેમાં નસીરે અભિનય કર્યો હતો. આ નાટકના રિહર્સલ દરમિયાન નસીર અને કેતન મહેતા ઘણી વાર બાખડી પડયા હતા. નસીર લખે છેઃ ‘અમને એક્ટરોને પાત્ર સમજવામાં ને ભજવવામાં કેતન તરફથી ખાસ મદદ મળતી નહીં. શું કરવાનું છે ને શું કરવાનું નથી તે વિશે નક્કર સૂચના આપવાને બદલે કેતન અમને સમજાય નહીં એવું કંઈક એબ્સ્ટ્રેક્ટ બોલ્યા કરતા. જેમ કે, ‘અહીં એક સ્પાઇરલ ટર્નની જરુર છે’, ‘તારે અહીં તારા પાત્રનો વિરોધાભાસ દેખાડવાનો છે’ વગેરે. છેલ્લે કંઈ સૂઝે નહીં ત્યારે એ ટોન્ટ મારતા હોય એમ બધું અમારા પર ઢોળી દેતાઃ ‘તુમ એક્ટર હો યાર, કુછ જાદુ કરો, કુછ ખેલો!’ રિહર્સલ દરમિયાન અમારી વચ્ચે ખૂબ દલીલબાજી થતી. તેને કારણે અમારી દોસ્તી ખરેખર જોખમમાં મૂકાઈ ગઈ હતી.’
નસીરે લગભગ નક્કી કરી નાખ્યું હતું કે આ માણસ સાથે ભવિષ્યમાં ક્યારેય કામ નહીં કરું, પણ કેતન ‘ભવની ભવાઈ’માં રાજાનો રોલ નસીર પાસે જ કરાવવા માગતા હતા. એમના અતિ આગ્રહ પછી નસીર ફિલ્મમાં કામ કરવા તૈયાર થયા અને આજે એમને એ વાતનો ભરપૂર આનંદ છે. આ ફિલ્મ સંચાર ફિલ્મ કો-ઓપરેટિવ સોસાયટીએ પ્રોડયુસ કરેલી, જેના નસીર પણ સભ્ય હતા. યુનિટમાં કોઈને એક ફદિયું પણ આપવામાં આવ્યું નહોતું. ઊલટાનું, લોકેશન સુધી પ્રવાસ કરવા માટે ઘણા કલાકાર-કસબીઓ ગાંઠનું ગોપીચંદન કર્યું હતું, પણ સૌના મનમાં એક જ ભાવના હતી કે આ ફિલ્મ અમારું સહિયારું સંતાન છે. ફિલ્મના મેકિંગમાં જાતજાતનાં વિઘ્નો આવ્યાં, પણ સૌ અડીખમ રહ્યા. સેટ પર હંમેશા આનંદ છવાયેલો રહેતો. ‘ભવની ભવાઈ’માં કામ કરવાનો અનુભવ નસીર અને આખા યુનિટ માટે યાદગાર સાબિત થયો. નેશનલ અવોર્ડ સહિત અનેક પારિતોષિકો જીતી ચુકેલી ‘ભવની ભવાઈ’ ગુજરાતી ભાષામાં બનેલી સર્વકાલીન શ્રેષ્ઠતમ ફિલ્મોમાં હકથી સ્થાન પામે છે.
નસીરુદ્દીન શાહ, સ્મિતા પાટિલ, ઓમ પુરી જેવાં કલાકારોને ચમકાવતી અને કેતન મહેતાએ જ ડિરેક્ટ કરેલી ઔર એક યાદગાર ફિલ્મ ‘મિર્ચ મસાલા’ પણ ચુનિલાલ મડિયાની ટૂંકી વાર્તા પર જ આધારિત હતીને! નસીરુદ્દીન શાહની ગુજરાતી ભાષામાં બનેલી લેટેસ્ટ ફિલ્મ એટલે ઢ (2017), જે મનીષ સૈનીએ ડિરેક્ટ કરી હતી.
– શિશિર રામાવત
Leave a Reply