નચતે હી છૂટે રામા દેહ સે પરનવા
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
—————————————
મનોજ બાજપાઈ કહે છે, ‘નેટુઆ’ નાટકને કારણે મને જેટલો પ્રેમ મળ્યો છે, આ પાત્રે મને જેટલો આનંદ અને સુખ આપ્યાં છે, એટલું મારા બીજા કોઈ પણ પાત્રે આપ્યાં નથી.’ શું છે આ ‘નેટુઆ’ નાટકમાં?
—————————————
રંગભૂમિ પર તૈયાર થયા પછી ફિલ્મી પડદા પર આવેલા એક્ટરોમાં કંઈક ખાસ વાત હોય છે એ તો નક્કી. ફિલ્મ ડિરેક્ટરોને નાટકોનું બેકગ્રાઉન્ડ ધરાવતા અદાકારોની ક્ષમતા પર લગભગ આંધળો વિશ્વાસ હોય છે. આ અભિનેતાઓ સિનેમામાં ભલે ગમે એટલી મોટી સિદ્ધિઓ મેળવે, પણ તેમનો પહેલો પ્રેમ તો રંગભૂમિ જ રહેતો હોય છે. એટલેસ્તો મનોજ બાજપાઈએ એક તાજા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ‘મેં જિંદગીમાં ઘણું કામ કર્યું છે, મારી ઘણી ફિલ્મો ને પાત્રો ખૂબ વખણાયાં છે, પણ ‘નેટુઆ’ નાટકને કારણે મને જેટલો પ્રેમ મળ્યો છે, આ પાત્રે મને જેટલો આનંદ અને સુખ આપ્યાં છે, એટલું મારા બીજા કોઈ પણ પાત્રે આપ્યાં નથી.’
જ્યારે ‘સત્યા’, ‘શૂલ’, ‘ગેંગ્સ ઓફ વાસેપુર’, ‘અલીગઢ’, ‘ગલીગુલૈયા’ જેવી ફિલ્મો અને ‘ફેમિલી મેન’ જેવી સફળ વેબ સિરીઝમાં યાદગાર પાત્રો નિભાવનાર મનોજ બાજપાઈ આપણા માટે સાવ અજાણ્યા એવા ‘નેટુઆ’ નાટકના છુટ્ટા મોઢે વખાણ કરે એટલે આપણું કુતૂહલ કૂદાકૂદ કરવા માંડે. આ ‘નેટુઆ’ છે શું? ને એમાં મનોજ બાજપાઈએ એવી તો કેવી કમાલ કરી નાખી હતી?
વાત છે ૧૯૯૦ની આસપાસની. પચ્ચીસ વર્ષના મનોજ બાજપાઈ તે વખતે ફુલટાઇમ થિયેટર એક્ટર હતા. ફિલ્મી કરીઅર તો હજુ ક્ષિતિજ પર પણ ડોકાઈ નહોતી. એ અરસામાં એમણે આ ‘નેટુઆ’ નામના સંગીત-નૃત્યથી ભરપૂર નાટકમાં લીડ રોલ કર્યો હતો.
રતન વર્મા નામના લેખકની ‘નેટુઆ કરમ બડા દુખદાયી’ નવલકથા એ આ નાટકનો આધાર. બિહારમાં લોકનૃત્યોની એક સમૃદ્ધ પરંપરા રહી છે. નેટુઆ નૃત્ય આ પરંપરાનો જ એક ભાગ. નેટુઆ નાચ, કે જેને લૌંડા નાચ પણ કહે છે, એમાં પુરુષ નૃત્યકાર લગ્નપ્રસંગે કે હોળી જેવા ઉત્સવો વખતે ી જેવો વેશ કાઢે. સાથી પુરુષો ગીતો ગાય, વાદ્યો વગાડે અને આ ીવેશધારી પુરુષ ઠુમકા મારી મારીને નાચે, લોકોનું મનોરંજન કરે. ગામમાં સરપંચની ચૂંટણી થવાની હોય ત્યારે પણ ઉમેદવારો લોકોને આકર્ષવા નેટુઆ નાચના કાર્યક્રમો રાખતા હોય છે. આ રીતે બક્ષિશમાં જે થોડાઘણા પૈસા પળે એમાંથી એમનું ગુજરાન ચાલે. ગામના જમીનદારો અને સરકારી બાબુઓ નેટુઆ કલાકારને નીચી નજરે જોતા હોય છે. મન થાય ત્યારે એને નચાવે, મન થાય ત્યારે એને ગાળો ભાંડે, એનું હાલતાં-ચાલતાં અપમાન કરી નાખે, અરે, જાતીય શોષણ સુધ્ધાં કરે.
‘નેટુઆ કરમ બડા દુખદાયી’નું કથાવસ્તુ કંઈક એવું છે કે જમનો નામનો એક નેટુઆ કલાકાર છે. ઘરે દીકરો જન્મ્યો ત્યારથી જ જમનાએ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે હું ભલે ીવેશ કાઢીને નાચગાના કરું, પણ મારા દીકરાને તો હું આ કામ નહીં જ કરવા દઉં. દીકરાને ભણવા માટે એ શહેર મોકલી આપે છે, પણ થાય છે એવું કે દીકરાને નર્તક જ બનવું છે. જમનો એને ધીબેડી નાખે છે ને પછી ફ્લેશબેકમાં જમનાએ એક નેટુઆ કલાકાર તરીકે કેવું શોષણ, ઉત્પીડન અને અત્યાચાર સહ્યા હતા તેની વાત આવે છે. નાટક પૂરું થયા પછી દર્શકો ઓડિટોરિયમની બહાર નીકળે ત્યારે તેઓ નેેટુઆનો ભદ્દો નાચ લગભગ ભૂલી ચૂક્યા હોય છે. એમના મન પર જે ક્યાંય સુધી છવાયેલું રહે તે હોય નેટુઆના જીવનનું કારુણ્ય, સામંતી સમાજનો દંભ, એમની દમિત જાતીયતા ને તેમાંથી પેદા થતી કઠોરતા.
‘નેટુઆ’ નાટકના એક ગીતના શબ્દો છેઃ
નચતે હી બીતે રામા સગરી ઉમરીયા,
નચતે હી છૂટે રામા દેહ સે પરનવા.
અર્થાત્ હે ભગવાન, મારી આખી ઉંમર નાચવામાં જ નીકળી ગઈ. નાચતાં નાચતાં જ મારા દેહમાંથી પ્રાણ નીકળી જશે….
સ્ત્રીવેશમાં અભિનય કરતા નટ ભારતના ઘણા પ્રાંતો અને સંસ્કૃતિઓમાં જોવા મળે છે. તેમને કેન્દ્રમાં રાખીને બનેલી ફિલ્મો ને નાટકો આપણે જોયાં છે. મનોજ શાહ દિગ્દર્શિત અફલાતૂન મ્યુઝિકલ નાટક ‘માસ્ટર ફૂલમણિ’માં આવાં જ કિરદારોની વાત છેને. ચિરાગ વોરાએ ફૂલમણિના પાત્રમાં કરેલો અભિનય અવિસ્મરણીય છે. ‘નેટુઆ’ નાટક જુદા જુદા ઘણા કલાકારોએ ભજવ્યું છે, તેના ઘણાં વર્ઝન થયાં છે. બિહારના બક્સર ગામમાં ઉછરેલા દિલીપ ગુપ્તા જેવા એક થિયેટર ડિરેક્ટર કહે છે, ‘અમે નાના હતા ત્યારે નેટુઆ નાચ જોઈને અમને બહુ કૌતુક થતું. નાચ શરૃ કરતાં પહેલાં રેગ્યુલર પુરુષ જેવા દેખાતો જુવાન માણસ તૈયાર થવા ઓરડામાં જાય ને એ બહાર આવે ત્યારે એકદમ ી જેવો બની ગયો હોય. જુવાનીયો કપડાં બદલતો હોય અને લાલી-લિપ્સ્ટિક કરતો હોય એ અમે બારી-બારણાની તિરાડમાંથી છાનામૂના એને જોયા કરતા.’
———————
મનોજ બાજપાઈનો પાત્રપ્રવેશ
———————-
‘જુવાનીનું જોશ હતું,’ મનોજ બાજપાઈ કહે છે, ‘હું રોજ અઢાર-અઢાર કલાક રિહર્સલ કરતો. કથક શીખતો. પછી પગે ઘૂંઘરુ બાંધીને ેસંગીત સાથે નાચવાની પ્રેક્ટિસ કરતો. વજનદાર ઘૂંઘરુને કારણે મારા પગની ચામડી છોલાઈ જતી. હું બેન્ડ-એઇડ લગાડીને, પગ ફરતે કપડું વીંટાળીને એની ઉપર ઘૂંઘરું પહેરીને પાછો નાચતો. ભોગ આપ્યા વગર, પરિશ્રમ કર્યા વગર આ કક્ષાનું નાટક, આ કક્ષાની સફળતા શક્ય નથી. મને કંઈ નાચતા આવડતું નહોતું, પણ તોય હું કથક શીખ્યો ને પછી લાગલગાટ બે કલાક સુધી મંચ પર આ પાત્ર ભજવતો. અમારા ગુ્રપમાં એક પ્રોફેશનલ નાલવાળો હતો (નાલ એટલે ઢોલક પ્રકારનું એક વાદ્ય). એ ક્યારેક એક્ટિંગ પણ કરી લેતો. પુષ્કળ રિહર્સલ અને શોઝને કારણે મને નાચવાની એટલી આદત થઈ ગઈ હતી કે આ નાલવાળો વાદ્ય વગાડતાં વગાડતાં ઓચિંતા રિધમ બદલી નાખતો અને મને ચેલેન્જ કરતો કે ચાલ, હું વગાડું છું તે પ્રમાણે તું નાચ! અને હું ઇમ્પ્રોવાઇઝ કરીને નાચતો પણ ખરો!’
દિલ્હીના શ્રીરામ સેન્ટર ફોર પર્ફોર્મિંગ આર્ટ્સમાં ‘નેટુઆ’ નાટક ઓપન થયું હતું ને પછી તો ભારતભરમાં એના ઘણા શોઝ થયા. આ નાટક એટલું ઊપડયું કે તેને દસદસ-પંદરપંદર વખત જોનારા રસિયા પણ હતા. મનોજ બાજપાઈ એક કિસ્સો યાદ કરે છે, ‘એક વાર શ્રીરામ સેન્ટરમાં ચાલુ શો દરમિયાન લાઇટ જતી રહી, પણ ઓડિયન્સે મારો નાચ અટકવા ન દીધો. હું અંધારામાં પણ નાચતો રહ્યો, કેમ કે લોકો ચિલ્લાતા હતા કે અમે લાઇટની વ્યવસ્થા કરીએ છીએ, તમે નાચવાનું બંધ ન કરતા! કોઈ જઈને થોકબંધ અગરબત્તી લઈ આવ્યો. પછી આખા થિયેટરમાં કેવળ અગરબત્તીઓ સળગી રહી હતી ને હું નાચતો હતો. આવું વિહંગમ દ્રશ્ય પણ મેં જોયું છે. ‘નેટુઆ’ મારું બહુ જ સફળ પાત્ર અને નાટક. આનાથી વધારે સફળ પાત્ર મેં આજ સુધી કોઈ ભજવ્યું નથી.’
સુબોધ ગુપ્તા નામનો મનોજ બાજપાઈનો તે વખતનો એક દોસ્ત. એણે ‘નેટુઆ’ પાંચ-છ વખત જોયેલું. એણે મનોજને કહેલું કે મનોજ, આના કરતાં બહેતર અદાકારી મેં જોઈ નથી. હું નેટુઆનું એક પેઇન્ટિંગ બનાવીને તને આપીશ. ‘સુબોધનું એ પ્રોમીસ હજુ એમનું એમ જ છે!’ મનોજ બાજપાઈ હસે છે, ‘મને આજની તારીખ સુધી એ પેઇન્ટિંગ મળ્યું નથી! હવે તો સુબોધ ઇન્ટરનેશનલ કક્ષાનો પેઇન્ટર બની ગયો છે. એનું એક-એક પેઇન્ટિંગ કરોડો રૃપિયામાં વેચાય છે. ફ્રાન્સમાં એનાં ઇન્સ્ટોલેશન્સ મૂકાયાં છે. એ હવે ક્યાં હાથમાં આવવાનો! પેઇન્ટિંગ તો ઠીક, એ નેટુઆનું નાનકડું સ્કેચ કરી આપે તોય ઘણું છે!’
– Shishir Ramavat
Leave a Reply