માનસિક બીમારીઓના મહામાર્કેટમાં મૂડીવાદની તબિયત રંગીન થઈ રહી છે
માનસિક રોગ માત્ર રોગ નથી, આખેઆખી ઇન્ડસ્ટ્રી છે. આજે વિશ્વનું ADHD (એટેન્શન ડેફિસીટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર) માર્કેટ ૩૨.૨૪ બિલિયન ડોલર એટલે કે ૨,૬૬૮ અબજ રુપિયા જેટલું છે, જે ૨૦૨૮ સુધીમાં વધીને ૪૯.૮૨ બિલિયન ડોલર (૪૧૨૩ અબજ રુપિયા) જેટલું થઈ જશે!
—————————
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
—————————-
આજકાલ એક માનસિક બીમારીનું નામ સારું એવું લોકજીભે ચડી ગયું છે. તે છે, એટેન્શન ડેફિસીટ હાઇપરએક્ટિવિટી ડિસઓર્ડર (એડીએચડી). એડીએચડીનું પ્રમુખ લક્ષણ છે, કોઈ એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરી ન શકવું. મન વાંદરાની જેમ એક બાબત પરથી બીજી કૂદ્યા કરે. એડીએચડી લાગુ પડયો હોય તેવી વ્યક્તિ કોઈને સાંભળી પણ ન શકે. તમે કશુંક કહી રહ્યા હો ને અધવચ્ચે તમારી વાત કાપીને અધીરાઈથી બોલવા લાગે. આવો માણસ સ્થિર બેસી ન શકે. સતત હલ-હલ કર્યા કરે, ઉઠ-બેસ કર્યા કરે, વગેરે. આ સાંભળીને સહેજે વિચાર આવે કે પણ આ બધાં લક્ષણો સામાન્યપણે બાળકોમાં પણ જોવા નથી મળતા? ચંચળતા વળી ક્યારથી માનસિક બીમારી બની ગઈ?
એડીએચડીની નિકટની અન્ય બીમારી છે, એડીડી (અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર). યુરોપ-અમેરિકામાં માનસિક સમસ્યાઓ માટે સાઇકોલોજિસ્ટ, સાઇકોથેરાપિસ્ટ કે સાઇકિએટ્રિસ્ટ પાસે જવાનું સામાન્ય છે. સંતાનને એડીએચડી હોય એટલે માબાપ સ્વાભાવિક રીતે જ એની ટ્રીટમેન્ટ શરુ કરી દે. અમેરિકામાં જોકે હવે બાળકો કરતાં વડીલોમાં આ ‘બીમારી’ ચાર ગણી વધારે ઝડપે ફેલાઈ રહી છે. વિશેષજ્ઞો એડીએચડીના પેશન્ટને દવા લખી આપે. આ દવા લે એટલે પેશન્ટનું દિમાગ થોડું શાંત રહે, એની ચંચળતા ઘટે, વગેરે.
તાજેતરમાં ઈંગ્લેન્ડમાં બીબીસીના એક રિપોર્ટરે એડીએચડી ડાયગ્નોન્સ્ટિક કૌભાંડ બહાર પાડીને તરંગો સર્જ્યા હતા. એડીએચડી માથું દુખવા જેવી કે શરદી થવા જેવી સામાન્ય બીમારી નથી. આ એક ગંભીર મુદ્દો છે. વ્યક્તિને ખરેખર એડીએચડી છે કે નહીં તેનું નિદાન કેવળ પ્રોફેશનલ વ્યક્તિ જ કરી શકે. નિદાન કરતાં પહેલાં જેન્યુઇન પ્રોફેશનલ જે-તે વ્યક્તિ સાથે અઢી-ત્રણ કલાક સુધી શાંતિથી વાતચીત કરે, એના સમગ્ર વ્યક્તિત્વનો તાગ મેળવે, એની માનસિકતામાં ડૂબકી મારે, એની અન્ય બીમારીઓ વિશેની માહિતી એકઠી કરે અને આ રીતે જે ડેટા એકત્રિત થાય તેનું વિશ્લેષણ કર્યા પછી જ વ્યક્તિને એડીએચડી છે કે નહીં તે નક્કી કરે. જો ખરેખર આ દરદ હોય તો દવા લખી આપે. શક્ય છે કે દર્દીને એડીએચડી નહીં, પણ તેનાં જેવાં લક્ષણો ધરાવતી બીજી કોઈ બીમારી હોય. ટૂંકમાં, એડીએચડીનું ડાયગ્નોસિસ એક લાંબી અને જટિલ પ્રક્રિયા છે.
બીબીસીના પેલા પત્રકારે શું જોયું? એણે જોયું કે ડાયગ્નોસ્ટિક સેન્ટરોમાં અમુક કહેવાતા પ્રોફેશનલો દર્દીને ઘણી વાર પ્રત્યક્ષ મળતા પણ નથી, માત્ર ઓનલાઇન સેશનથી કામ ચલાવી લે છે. એક મહાશયે તો દર્દીના કેસ હિસ્ટ્રીમાં ઊંડા ઊતરવાને બદલે છ-સાત મિનિટમાં જ વીંટો વાળી દઈને દવા પ્રિસ્ક્રાઇબ કરી નાખી! આ દવા એણે લાંબો સમય સુધી લેતા રહેવાની હતી. આ ખતરનાક વાત છે. એડીએચડીની બીમારી લાગુ પડી ન હોય એવી વ્યક્તિ જો આ દવાઓ શરુ કરી દે તો એની અન્ય બીમારીઓ વકરી શકે છે, ગંભીર સાઇડ ઇફેક્ટસ આવે છે.
એડીએચડી બજારની મથરાવટી વર્ષોથી મેલી રહી છે. એડીએચડી ફક્ત બીમારી નથી, આખેઆખી ઇન્ડસ્ટ્રી છે. આજની તારીખે વિશ્વનું એડીએચડી માર્કેટ ૩૨.૨૪ બિલિયન ડોલર એટલે કે ૨,૬૬૮ અબજ રુપિયા જેટલું છે. અંદાજ એવો છે કે ૨૦૨૮ સુધીમાં આ માર્કેટ વધીને ૪૯.૮૨ બિલિયન ડોલર (૪૧૨૩ અબજ રુપિયા) જેટલું થઈ જશે. આટલું અધધધ નાણું મુખ્યત્વે કોની તિજારીમાં ઠલવાય છે? એડીએચડીની દવા બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓની તિજોરીમાં. ડિપ્રેશન પણ એક ‘લોકપ્રિય’ માનસિક બીમારી છે. ડિપ્રેશનનું માર્કેટ ૨૦૩૨ની સાલ સુધીમાં ૧૬ બિલિયન ડોલર જેટલું અને એન્ક્ઝાઇટી (બેચેની)નું માર્કેટ ૨૦૨૭ સુધીમાં ૧૩ બિલિયન ડોલર જેટલું થઈ જશે એવો અંદાજ છે.
માનસિક બીમારી અને મૂડીવાદ વચ્ચે સીધો સંબંધ છે. મૂડીવાદનો તો સીધો હિસાબ છેઃ પહેલાં સમસ્યા પેદા કરો, પછી એના ઉકેલ વેચો. પહેલાં ડિમાન્ડ પેદા કરો, પછી સપ્લાય કરો. ખાસ કરીને પશ્ચિમમાં સોશિયલ મિડીયા પર માનસિક બીમારીઓની દવાઓની વિજ્ઞાાપનોનો મારો ચલાવવામાં આવે છે. એક જ ઉદાહરણ લો. સેલેબ્રલ નામની ટેલિહેલ્થ કંપનીએ ગયા વર્ષે ટિકટોક પર ફક્ત પાંચ જ મહિનામાં જાહેરાતો પાછળ ૧૪ મિલિયન ડોલર (આશરે ૧ અબજ ૧૫ કરોડ રુપિયા) ખર્ચ્યા હતા. આપણે ત્યાં તો ટિકટોક પર પ્રતિબંધ મૂકાઈ ગયો છે, પણ અન્ય દેશોમાં આ એપ પર એડીએચડી સંબંધિત જે કોન્ટેન્ટ પ્રમોટ કરાય છે એમાંનું અડધોઅડધ ગેરમાર્ગે દોરનારું હોવાનું જાણવા મળ્યું છે. આ એક ‘ઓપન સિક્રેટ’ છે કે દવાઓ બનાવતી ફાર્માસ્યુટિક કંપનીઓ તોતિંગ નાણું ખર્ચીને પોતાનું હિત સંતોષાય એ રીતે માનસિક બીમારી સંબંધિત ‘સ્ટડી’ કે ‘રિસર્ચ’ કરાવડાવે છે (જેમાં ઘણી વાર હાર્વર્ડ યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રોફેસરો સુધ્ધાં સંકળાયેલા હોય છે), આ ‘રિસર્ચ’નાં તારણો ડોક્ટરો, પ્રોફેશનલ્સ અને આમજનતા સુધી પહોંચાડવામાં આવે છે ને એ રીતે કુચક્ર ચાલ્યા કરે છે.
ખોટું નિદાન ગંભીર પરિણામોને નોતરે છે. અમેરિકન સાઇકિએટ્રિસ્ટ અસોસિએશનનો અહેવાલ કહે છે કે અમેરિકામાં લગભગ પાંચ ટકા બાળકોને ખરેખર એડીએચડીની તકલીફ છે, પણ ત્રણ ગણા એટલે કે પંદર ટકા બાળકોને આ માનસિક બીમારીના દર્દી ઘોષિત કરી દેવામાં આવ્યાં છે. આ તમામ બાળકોને એટલી પાવરફુલ દવા અપાય છે કે એની અસરો આજીવન રહી શકે. બીબીસીનો અહેવાલ બહાર પડયો એટલે દેખીતી રીતે જ એક વર્ગનો ગરાસ લૂંટાઈ ગયો. કેટલાય લોકો તેના વિરોધમાં ઉતરી આવ્યા, આ અહેવાલને ‘બેજવાબદાર અને છીછરા રિપોર્ટિંગ’નું બિરુદ આપી દેવામાં આવ્યું. અમેરિકા-ઇંગ્લેન્ડની વાતો આપણા માટે એટલા માટે રિલેવન્ટ છે કે આજે જે પશ્ચિમમાં થાય છે તે વહેલામોડું આપણે ત્યાં થયા વગર રહેવાનું નથી.
ખેર, સો વાતની એક વાત. માનસિક બીમારીઓ વધી રહી છે તે હકીકત છે, જેન્યુઇન દર્દીઓની શ્રેષ્ઠ પ્રોફેશનલ્સ દ્વારા ઉત્તમ સારવાર થવી જ જોઈએ, પણ અતિશયોક્તિ, ગેરમાર્ગે દોરતી પ્રેક્ટિસ અને ધંધાદારીપણાથી સતર્ક રહેવાનું છે. મહેરબાની કરીને ‘ડિપ્રેશન’ કે ‘ડિપ્રેસ્ડ’ જેવા શબ્દો હળવાશથી, કેઝ્યુઅલી ન વાપરીએ. ‘અરે યાર, ઘરેથી નીકળી ગયો ને મોબાઇલ ચાર્જ કરતાં જ ભૂલી ગયોે એટલે ડિપ્રેશન આવી ગયું છે’ અથવા તો ‘મિટીંગમાં એ માણસ દસ મિનિટ મોડો આવ્યો… ઇટ્સ સો ડિપ્રેસિંગ’ – આપણે શબ્દપ્રયોગો ન કરીએ. આપણે ખરેખર એવું કહેવા માગતા હોઈએ છીએ કે હું અકળાઈ ગયો છું કે મને ગુસ્સો આવ્યો છે યા તો મને કંટાળો આવી ગયો છે. અકળાવું, ક્રોધ આવવો કે કંટાળવું આ બધી મનની લાગણીઓ જ છે, પણ તે માનસિક બીમારી નથી. ડિપ્રેશન એ ગંભીર બીમારી છે.
ડિપ્રેશન જેવો જ બીજો શબ્દ છે – ઓસીડી. ઓબ્સેસિવ કમપ્લસિવ ડિસઓર્ડર. આ માનસિક બીમારી ધરાવતી વ્યક્તિ એકની એક ક્રિયા વારે વારે કર્યા કરે. વારે વારે હાથ સાફ કર્યા કરવા, ઘરમાં સવારથી રાત સુધી નોનસ્ટોપ ઝાડુ-પોતાં કર્યાં જ કરવા, દાદરો ઉતરતી વખતે પગથિયાં ગણવાં ને ગણવામાં ભૂલ થાય તો ફરી ઉપર જઈને નવેસરથી પગથિયાં ગણવાં – આ બધાં ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરનાં લક્ષણો છે. તમે ઘરને સ્વસ્છ રાખવાના આગ્રહી હો તો એવું ન કહેવાય કે મને ઓસીડી છે. આવી જ રીતે લોકો સમજ્યાવિચાર્યા વગર સ્પિલ્ટ પર્સનાલિટી, સાઇકો જેવા શબ્દપ્રયોગો રોજિંદી વાતચીતમાં કરતા હોય છે. આપણે સામાન્ય બોલચાલમાં આ બધી માનસિક બીમારીઓનાં નામ ઊછાળતાં રહીને બીમારીની ગંભીરતા ઘટાડી નાખીએ છીએ. તેનાથી બચીએ.
– શિશિર રામાવત
Leave a Reply