માણસ તદન મૂર્ખ છે? નપાવટ છે? કે બન્ને?
નઠારો માણસ કહે છે કે પૃથ્વી ક્યાં આજે ને આજે રસતાળ થઈ જવાની છે? કાલની વાત કાલે. ક્લાયમેટ ચેન્જથી જે બધાનું થશે તે મારું થશે. આજે મોજ કરોને, બાપલા! આ એટિટયુડ, આ અજ્ઞાાનતા, આ તુમાખી અને આ બદમાશી જ પૃથ્વીનો ખો વાળી રહી છે.
——————————
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
——————————
‘ચીન ધરતીની છાતીમાં એવરેસ્ટની ઊંચાઈ કરતાંય વધારે એવું ૩૨ હજાર ફૂટ ઊંડું છિદ્ર પાડશે અને પેટાળમાંથી ક્રુડ ઓઇલ ખેંચી કાઢશે…’
કાંપી ઉઠાય, થથરી જવાય એવા આ તાજા સમાચાર છે. ના, ચીન વધુ ઔદ્યોગિક વિકાસ કરી નાખશે કે આર્થિક રીતે વધારે તાકાતવાન થઈ જશે એટલે નહીં, પણ એ વિચારે કે માણસજાત દ્વારા પૃથ્વી પર હજુ કેટલા વધારે અત્યાચાર કરવાના બાકી છે? જમીનમાં કેટલાં વધારે કાણાં કરવાં છે? કેટલું તેલ ચૂસી લેવું છે? માણસે જંગલો, નદીઓ, પહાડો અને દરિયાની હાલત તો ખરાબ કરી જ નાખી છે, એ હવે સાત પાતાળને પણ છોડવા માગતો નથી? માણસ પાછો એવો મૂરખ અને અહંકારી છે કે એ ‘પૃથ્વી બચાવો’ના નારા લગાડે છે. અરે ભાઈ, પૃથ્વી અને પ્રકૃતિ તો મહાશક્તિ છે, તું એની સામે મગતરું છે. પ્રકૃતિની એક થપાટ પડશે ને માણસજાતનો પૃથ્વીને ઘડીના છઠ્ઠા ભાગમાં સફાયો થઈ જશે. તારે પહાડ, નદી, જંગલ, દરિયો, ટૂંકમાં પર્યાવરણનું સંવર્ધન એટલા માટે કરવાનું છે કે જો એ ઠીકઠાક રહેશે તો જ તું બચી શકીશ, જીવી શકીશ. અન્યથા તારો સર્વનાશ નિશ્ચિત છે. માણસજાત સામે આજે સૌથી મોટો ખતરો ક્લાયમેટ ચેન્જનો છે. ક્લાયમેટ ચેન્જની દુઃસ્થિતિ એટલી વિકરાળ બની ચૂકી છે કે એના પરચા આપણને હવે પ્રત્યક્ષ મળી રહ્યા છે. ઋતુઓની સેળભેળ થઈ ગઈ છે. ભરઉનાળે કરા પડે છે. ક્લાયમેટ ચેન્જનું વિકરાળ વાસ્તવ આપણી આંખો સામે ઊભું છે તોય આપણે સુધરતા કેમ નથી?
૦ ૦ ૦
ક્લાયમેન્ટ ચેન્જ નામની કોઈક વસ્તુ છે એની માનવજાતને સૌથી પહેલી વાર ખબર ક્યારે પડી? છેક ઈ.સ. ૧૮૨૪માં એટલે કે આજથી ૧૯૯ વર્ષ પહેલાં! ૧૯૯ વર્ષ, લગભગ બે સદી! જોસેફ ફોરિયર નામના ફ્રેન્ચ ગણિતશાસ્ત્રીએ પહેલી વાર ‘ગ્રીનહાઉસ ઇફેક્ટ’ની સંકલ્પના વિશે વાત કરી હતી. જોસેફે કહેલું કે પૃથ્વીનું વાતાવરણ એક ધાબળા જેવું છે, જે ગરમીને પોતાની અંદર ‘પૂરી’ રાખે છે. ૩૭ વર્ષ પછી, ૧૮૬૧માં, જોન ટિન્ડેલ નામના આઇરિશ ફિઝિસિસ્ટે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ સહિતના ગ્રીનહાઉસ વાયુઓના ગરમી સંગ્રહી રાખવાના ગુણધર્મોને ઓળખી કાઢ્યા અને ક્વોન્ટિફાય કરી આપ્યા (એટલે કે તેનું વૈજ્ઞાાનિક માપ વગેરે પેશ કર્યા). ઓગણસમી સદી પૂરી થવાને હજુ ચાર વર્ષની વાર હતી ત્યારે, ૧૮૯૬માં, સ્વાન્તે અર્હેનિઅસ નામના સ્વિડીશ વૈજ્ઞાાનિકે એક સંશોધન લેખ પ્રકાશિત કર્યો, જેમાં એણે કાર્બન ડાયોક્સાઇડની પૃથ્વીના વાતાવરણ પર થતી અસરો વિશે વિસ્તારથી લખ્યું હતું. તે રીસર્ચ પેપરમાં એણે એમ પણ સમજાવ્યું હતું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું જતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગમાં પરિણમે.
વિચાર કરો, વીસમી સદી બેસે તે પહેલાં માણસજાતને ગ્રીનહાઉસ ઇફેક્ટ, કાર્બન ડાયોક્સાઇડની ખતરનાક અસરો, ગ્લોબલ વોર્મિંગ વગેરે વિશે વૈજ્ઞાાનિક જાણકારી ઓલરેડી મળી ચુકી હતી. દરમિયાન દુનિયાભરમાંમાં ઔદ્યોગિક વિકાસ દિવસે ન વધે એટલો રાતે અને રાતે ન વધે એટલો દિવસે એકધારો થઈ જ રહ્યો હતો. યંત્રો, કારખાનાં, ઇમારતો…
૧૯૩૦થી ૧૯૬૦ના દાયકા દરમિયાન વૈજ્ઞાાનિકોએ મુખ્યત્ત્વે આ કામ કર્યુંઃ એમણે ચકાસ્યું કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના વધતા પ્રમાણ અને ફોસિલ ફ્યુઅલ તેમજ ક્લાઇમેટ ચેન્જ વચ્ચે કેવો સંબંધ છે. ફોસિલ ફ્યુઅલ એટલે ઉર્જાના હાઇડ્રોકાર્બન-બેઝ્ડ સ્રોતો. કોલસો અને પેટાળમાંથી ખેંચી કાઢવામાં આવતું તેલ યાને કે પેટ્રોલિયમ એ મુખ્ય ફોસિલ ફ્યુઅલ છે. મિથેન વત્તા આંશિક પ્રમાણમાં હાઇડ્રોકાર્બન ધરાવતા નેચરલ ગેસ પણ ફોસિલ ફ્યુઅલનું વાયુમય ઉદાહરણ છે. ૧૯૫૭માં અમેરિકન જીઓકેમિસ્ટ રોજર રેવેલ અને ઓશનોગ્રાફર હેન્સ સ્યુસે એક પેપર પ્રકાશિત કર્યંુ, જેમાં એમણે પ્રતિપાદિત કર્યું હતું કે દરિયાનું પાણી વાતાવરણમાં ફેલાયેલા કાર્બન ડાયોક્સાઇડને શોષવાનું કામ કરે છે. ભવિષ્યમાં આવનારા ક્લાઇમેન્ટ ચેન્જ વિશે પણ આ સંશોધનપત્રમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
ક્રમશઃ ક્લાઇમેન્ટ ચેન્જનાં જુદાં જુદાં પાસાં વિશે માણસજાતની સમજણ વધતી ગઈ. ૧૯૮૦ના દાયકાના અંતભાગથી માત્ર સાઇન્ટિફિક રિસર્ચ પેપરોમાં જ નહીં, પણ મેઇનસ્ટ્રીમ મિડીયામાં પણ ક્લાઇમેટ ચેન્જ વિશે લખાવાનું શરુ માંડયું. ઔદ્યોગિક અને આર્થિક વિકાસના નામે માણસ બેફામ કાર્બન ડાયોક્સાઇડ પેદા કરીને વાતાવરણને નુક્સાન પહોંચાડી રહ્યું છે તે વિશે ભલે અપૂરતી તો અપૂરતી પણ જાગૃતિ આવવાની આંશિક શરુઆત થઈ. ક્લાઇમેટ ચેન્જ સૌથી વધારે શબ્દ પ્રચલિત બન્યો ૧૯૮૮ પછી, કે જ્યારે યુનાઇટેડ નેશન્સ અને વર્લ્ડ મીટીઓરોલોજિલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સંયુક્તપણે ધ ઇન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ (આઇપીસીસી)ની સ્થાપના કરવામાં આવી. ક્લાઇમેટ ચેન્જ કંઈ કોઈ એક દેશની કઠણાઈ નથી, પણ સમગ્ર માનવજાત, સમસ્ત જીવસૃષ્ટિની સંયુક્ત સમસ્યા છે, તેથી જુદા જુદા દેશોમાં આ દિશામાં થઈ રહેલાં વૈજ્ઞાાનિક સંશોધનોની આપ-લે થવી જોઈએ તેવી સમજૂતી કેળવાઈ. ૧૯૯૦માં આઇપીસીસીનો સૌથી પહેલો એસેસમેન્ટ રિપોર્ટ જાહેર થયો ને પછી તો વખતોવખત રિપોર્ટ્સ જાહેર થતા ગયા. પરિણામે અણધડ માણસજાત પર્યાવરણનો કચ્ચરઘાણ કાઢી રહી છે અને તેના પાપે ક્લાઇમેટ ચેન્જની ગતિ ખૂબ તેજ થઈ ગઈ છે તે વિશે સભાનતા ક્રમશઃ ફેલાતી ગઈ. એકવીસમી સદીના આ ત્રીજા દાયકામાં આપણે પહોંચ્યા ત્યાં સુધીમાં ક્લાયમેટ ચેન્જ વિશેનાં સંશોધનો વધુ ને વધુ વ્યાપક અને સોફિસ્ટિકેટેડ બની ગયાં છે, ક્લાયન્ટ ચેન્જ એ માણસજાતના અસ્તિત્ત્વ પર સૌથી મોટો ખતરો છે તે સિદ્ધ થઈ ચુક્યું છે. તેથી હવે સરકારી કે ઔદ્યોગિક સ્તર પર જે નિર્ણયો લેવાય છે તે નક્કર જાણકારીના આધાર પર લેવાયેલા હોય છે.
૦ ૦ ૦
આગળ જોયું તેમ ક્લાયમેન્ટ ચેન્જ નામના રાક્ષસની ઓળખાણ તો આપણને બસ્સો વર્ષ પહેલાં જ થઈ ચૂકી હતી, પણ આ બસ્સોમાંથી સવાસો-દોઢસો વર્ષ તો સમજોને કે બેહોશીમાં ગયાં. દુનિયાભરના દેશોની પ્રાયોરિટીમાં આ બે જ વસ્તુ હતીઃ ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વિકાસ. આ બન્ને પ્રકારના વિકાસ માટે ફોસિલ ફ્યુઅલ (કોલસો, પેટ્રોલિયમ)નું બેફામ દહન કર્યા વગર ચાલે નહીં. સરકારી પોલિસી-મેકર્સ, ઉદ્યોગપતિઓ અને ઇવન આમજનતા ‘વિકાસ’ કરવામાં એટલા બિઝી બિઝી હતા કે પર્યાવરણની વાત આવતાં જ એમને મોટાં બગાસાં આવવા લાગતાં. સૌથી પહેલાં તો એમને આ વિષયની પૂરી જાણકારી જ નહોતી. જાણકારી નહોતી એટલે ગંભીરતા પણ નહોતી. એમને લાગતું (અસંખ્ય લોકોને હજુય લાગે છે) કે આ શું પર્યાવરણ-પર્યાવરણનાં ફાલતુ ગાણાં ગવાઈ રહ્યાં છે? સુખ-સુવિધા-લક્ઝરી જોઈતાં હોય તો ક્યાંક થોડોઘણો ભોગ તો આપવો જ પડેને! આજે હવે જ્યારે ક્લાઇમેટ ચેન્જનો આપણે પ્રત્યક્ષ અનુભવ થઈ રહ્યો છે, બધું જ ઘીના દીવા જેવું સ્પષ્ટ થઈ ગયું છે ત્યારે પણ નઠારો માણસ કહે છે કે પૃથ્વી ક્યાં આજે ને આજે રસતાળ થઈ જવાની છે? ભવિષ્યની વાત ભવિષ્યમાં. જે બધાનું થશે તે મારું થશે. આજે મોજ કરોને, બાપલા! આ એટિટયુડ, આ અજ્ઞાાનતા, આ તુમાખી અને આ બદમાશી જ પૃથ્વીનો ખો વાળી રહી છે.
ક્લાયમેટ ચેન્જ અંગે આમજનતા જાગૃત થાય ને ડિસીઝન-મેકર્સ કડક પગલાં ભરે તો કોનો ગરાસ લૂંટાઈ જાય? જવાબ સ્પષ્ટ છેઃ ફોસિલ ફ્યુઅલ (કોલસો, પેટ્રોલિયમ, નેચરલ ગેસ) ઇન્ડસ્ટ્રીનો. ગઈ સદીના ઉત્તરાર્ધથી શરુ કરીને આજ સુધીમાં એવું એકાધિક વખત બન્યું છે કે ફોસિલ ફ્યુઅલ ઇન્ડસ્ટ્રી અને એમનાં મળતિયાં જૂથો દ્વારા ક્લાઇમેટ ચેન્જ વિશે લોકોમાં કન્ફ્યુઝન પેદા કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોય. પોતાના પેટ પર લાત પડે તે કોને ગમે? આથી તેઓ ‘ના ના, આ પર્યાવરણની ચિંતા ને ક્લાયમેટ ચેન્જ ને એ બધી હંબગ વાતો છે’ એવું ઠસાવતાં કેમ્પેઇન ચલાવે, ચિરકૂટ સંસ્થાઓને તોતિંગ ફંડ આપીને બનવાટી ડેટા પેશ કરાવે, પડદા પાછળ રહીને ખોટો પ્રચાર કરાવે, જનતાનો અભિપ્રાય બદલી નાખવાની કોશિશ કરે. અમેરિકાની એક્સનમોબિલ અને કોચ ઇન્ડસ્ટ્રીઝ જેવી વિરાટ ઓઇલ અને ગેસ કંપનીઓ આ પ્રકારના કાવાદાવા માટે બદનામ થઈ ચૂકી છે. વળી, આ કંપનીઓ રાજકીય વગ ધરાવતી હોય છે તેથી કાયદા-કાનૂન એમની વિરુદ્ધ ન જાય અને તેમની દુકાન ધમધોકાર ચાલતી રહે તે સુનિશ્ચિત કરવા તેઓ બધું જ કરી છૂટે છે.
આજે ભારત વિશ્વની ટોચનાં અર્થતંત્રોમાં સ્થાન પામે છે, આપણે ઓલરેડી વિકાસના રસ્તા પર કૂચકદમ કરી રહ્યા છીએ અને આવનારાં વર્ષોમાં આ ગતિ ઓર તેજ બનવાની છે. દેશનો વિકાસ એ તો આનંદ અને ગર્વની વાત છે, પણ શું વિકાસની હોડમાં, સમૃદ્ધિના ઝળહળાટમાં ભારત પણ ઇચ્છાએ-અનીચ્છાએ પર્યાવરણનું ભોગ લેતું રહેશે? તો પર્યાવરણની ચિંતા કરવી કે દેશની તરક્કી કરવી? જવાબ છેઃ બન્ને. સવાલ છેઃ આ બન્ને એક સાથે કેવી રીતે થાય? આ પ્રશ્નનો ઉત્તર કમસે કમ અત્યારે તો દેખાતો નથી.
– શિશિર રામાવત
Leave a Reply