બ્લેક મિરરઃ ટેકનોલોજી, તમે અને ભયંકરતા
————————
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
———————–
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ-જીપીટીના આ જમાનામાં ‘બ્લેક મિરર’ વેબ શો આજે જેટલો પ્રસ્તુત છે એટલો કદાચ અગાઉ ક્યારેય નહોતો. ઇંગ્લેન્ડના ટીવી પર ૨૦૧૧થી અને નેટફ્લિક્સ પર ૨૦૧૬થી ચાલી રહેલા આ સાયન્સ ફિક્શન શોને એક મોટો દર્શકવર્ગ સર્વકાલીન શ્રેષ્ઠતમ શો ગણાવે છે. આ એ વર્ગ છે, જેને માત્ર ક્રાઇમ, સેક્સ અને ગાળાગાળીમાં નહીં, બલ્કે નક્કર, વિચારતા કરી મૂકે તેવા કોન્ટેન્ટમાં રસ છે. અલબત્ત, ‘બ્લેક મિરર’માં કોઈ પણ મેઇનસ્ટ્રીમ શોમાં હોય તે બધાં તત્ત્વો છે જ, પણ આવશ્કતા અનુસાર. વળી, તે કથાનકમાં એવી કુશળતાપૂર્વક વણાયેલાં હોય કે તમે સ્ક્રીન સામે જકડાઈ રહો. અહીં પ્રત્યેક એપિસોડમાં નવી વાર્તા છે. એપિસોડ બદલાય એટલે કલાકારો પણ બદલાય ને બધું જ બદલાય. સળંગ ધારાવાહિક ન હોવા છતાં, આ શોનો જાદુ એવો છે કે, તમને બિન્જ વોચ કરવાનું મન થાય. આ અસાધારણ શોની પ્રત્યેક સિઝન માટે ઓડિયન્સ અધ્ધર જીવે રાહ જોઈને બેઠું હોય છે. તાજી તાજી સ્ટ્રીમ થયેલી છઠ્ઠી સિઝનમાં જોકે શોએ પોતાની તાસીર સાવ બદલી નાખી છે, પણ તેના વિશે વધારે વાત કરતાં પહેલાં આ સમગ્ર શોનું એક વિહંગાવલોકન કરી લઈએ.
‘બ્લેક મિરર’ એટલે આમ તો બ્લેક સ્ક્રીન. આજે આપણે સતત કાળી સ્ક્રીન સાથે પનારો પાડીએ છીએ. મોબાઇલની સ્ક્રીન કાળી, કમ્પ્યુટરની સ્ક્રીન કાળી, ટીવીની સ્ક્રીન કાળી. આપણા વિચારો પર, આપણી જાગૃત અવસ્થા પર જાણે કાળી સ્ક્રીને કબ્જો કરી લીધો છે. ક્યારેક સમજાતું નથી કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ કે ટેકનોલોજી આપણો ઉપયોગ કરે છે? ‘બ્લેક સ્ક્રીન’નો કેન્દ્રિય સૂર જ આ છેઃ સાવધાન થઈ જાઓ, સતર્ક થઈ જાઓ. નહીં તો આ ટેકનોલોજી તમને ક્યાંયના નહીં છોડે. ટેકનોલોજી પર જો અંકુશ નહીં રહે તો માનવજાત સામે કલ્પના પણ ન થઈ ન શકે તેવી સમસ્યાઓ પેદા થઈ જશે. કેવી સમસ્યાઓ?
આજે આપણને સોશિયલ મિડીયા વગર ચાલતું નથી તો જરા વિચારો કે પાંચ-દસ વર્ષ પછી આ માધ્યમ કેટલું પાવરફુલ બની ચૂક્યું હશે. આજે આપણને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર વગેેરે પર લાઇક્સ મળે તો આનંદ થાય છે, દસકા પછી કદાચ એવી સ્થિતિ આવી ગઈ હોય કે આ લાઇક્સથી આપણું સોશિયલ સ્ટેટસ નક્કી થતું હોય. ‘નોઝડાઇવ’ નામના એપિસોડમાં જાણ્યા-અજાણ્યા સૌ કોઈ સામસામે એકમેક જજ કરીને રેન્કિંગ આપ્યા કરે છે. આખી માનવજાત એકબીજા સાથે કનેક્ટેડ છે. સોશિયલ મિડીયાની સંયુક્ત રેકિંગ સિસ્ટમમાં તમારું રેંકિંગ જેટલું વધારે એટલો તમારો સામાજિક દરજ્જો ઊંચો. હાયસ્ટ રેંકિંગ પાંચ છે, એટલે ધારો કે તમારું ઓવરઓલ રેંકિંગ સાડાચાર છે તો તમે આદરપાત્ર અને વિશ્વસનીય ગણાઓ. તમને બેંકમાંથી વધારે લોન મળે, તમને સારા એરિયામાં ઘર ખરીદી શકો કે ભાડે રહી શકો. જો તમારું રેંકિંગ ત્રણ કે તેથી ઓછું હોય તો તમારી કઠણાઈનો પાર નહીં. તો રેંકિંગ કેવી રીતે વધારવું? સુષ્ઠુ સુષ્ઠુ વર્તન કરીને. જેમ કે, રસ્તા પર કોઈ બાઇકવાળો તમારી કારને ઠોકર મારે છે. તમે મનોમન કાળઝાળ થઈ રહ્યા છો તોય તો તમારે મોઢું હસતું રાખીને એને કહેવાનુંઃ કશો વાંધો નહીં, ભાઈ. આવું તો ચાલ્યા કરે. આનો સૂચિતાર્થ શું થયો? એ જ કે તમે બાઇકસવારને સાનમાં સમજાવી રહ્યા છો કે ભલે તે મારી કારમાં ઘોબો પાડી દીધો, પણ તોય હું તારી સામે મારો મોબાઇલ ક્લિક કરીને તને પાંચમાંથી ચાર સ્ટાર આપીશ, બદલામાં તારે પણ મને કમસે કમ ચાર સ્ટાર તો આપવાના જ કે જેથી આપણા બન્નેના રેંકિંગની એવરેજ સુધરે! ટૂંકમાં, કોઈ સહજ વર્તન કરતું જ નથી. સર્વત્ર કૃત્રિમતાની જ બોલબાલા છે. હવે માનો કે તમને આવું બનાવટી વર્તન પસંદ નથી. તમે તડ ને ફડ કરનારા છો ને તમે આવી રેન્કિંગ સિસ્ટમમાં માનતા નથી. તો તમારા શું હાલ થાય? તો તમારી સાથે એવું વર્તન થશે જાણે તમે અસ્પૃશ્ય હો. સમાજ તમને હડધૂત કરીને રીતસર તમારો બહિષ્કાર કરશે.
આ થઈ ‘નોઝડાઇવ’ એપિસોડની વાત. હવે યાદ કરો તમારી કોઈ ઉબર-ઓલા ટેક્સની સવારી. રાઇડ પૂરી થયા પછી ફક્ત તમે જ ડ્રાઇવરને સ્ટાર આપતા નથી, એ પણ તમને સ્ટાર આપે છે. ડ્રાઇવરોએ તમને આપેલા ફીડબેકના આધારે નક્કી થાય છે કે તમે કેટલા સારા મુસાફર છો. જો તમારું ઓવરઓલ રેન્કિંગ સારું હશે તો ઉબર-ઓલા તમને કેટલીક વધારાની સર્વિસ પૂરી પાડશે. એટલે ટૂંકમાં, ‘નોઝડાઇવ’માં જે આત્યંતિક ચિત્ર દોરવામાં આવ્યું છે એની ઝીણી શરુઆત તો અત્યારે થઈ જ ચૂકી છે.
કેવા કેવા વિષયો છે આ શોમાં. ‘બી રાઇટ બેક’ નામના એપિસોડમાં પતિના મૃત્યુ પછી દુખી રહેતી એક સ્ત્રીના ઘરે એક મોટું પાર્સલ આવે છે. એમાંથી આબેહૂબ એના પતિ જેવો દેખાતો એક યંત્રમાનવ નીકળે છે. પતિની જેમ જ એ વાતો કરી શકે છે, હસી-ખેલી શકે છે, સેક્સ પણ કરી શકે છે. એપિસોડમાં જે પ્રશ્ન પૂછાયો છે તે આ છે – શું સ્ત્રીએ વાસ્તવિકતા સ્વીકારી લઈને મૃત પતિની ગેરહયાતીને ખેલદિલીથી સ્વીકારી લઈને એકલાં જીવતાં શીખી જવું જોઈએ? કે પછી કહ્યાગરા ક્લોન જેવા યંત્રમાનવના સહારે જૂઠની જિંદગી જીવવી જોઈએ?
‘બ્લેક મિરર’ સામે દર્શકોની ફરિયાદ એ રહેતી કે તેની વાર્તાઓમાં કાયમ મોકાણની જ વાતો હોય છે. આ ફરિયાદમાં વજૂદ પણ છે. હેપ્પી એન્ડિંગવાળો ‘બ્લેક મિરર’નો પહેલો એપિસોડ છેક ત્રીજી સિઝનમાં આવ્યો! તેનું ટાઇટલ છે, ‘સેન જુનિપેરો’. મજા જુઓ. આ જ એપિસોડ ‘બ્લેક મિરર’ની છએ છ સિઝનનો સૌથી વધુ જોવાયેલો અને સૌથી લોકપ્રિય શો બન્યો. શું છે એમાં? ‘સેન જુનિપેરો’ એ એક સાવ સાચુકલા લાગતા ડિજિટલ શહેરનું નામ છે, જેમાં જીવતાજાગતા માનવીઓ નહીં, પણ ડિજિટલ અવતારો વસે છે! વાર્તાનો કેન્દ્રિય વિષય છે, ડિજિટલ આફ્ટર-લાઇફ એટલે કે મૃત્યુ પછીનું ડિજિટલ જીવન. વૃદ્ધ માણસ સામે બે વિકલ્પ મૂકવામાં આવે છે – તમારે હવે મરવાના વાંકે જીવવું છે કે પછી, પસંદગીપૂર્વક મૃત્યુ પામીને, આફ્ટર-લાઇફ સોફ્ટવેરની મદદથી પોતાનો યુવાન ડિજિટલ અવતાર ધારણ કરીને પ્રિય પાત્રના સંગાથમાં મૃત્યુ પછીનું એક્સેટન્ડેડ ડિજિટલ જીવન જીવવું છે? કેવી અદભુત કલ્પના!
‘બ્લેક મિરર’ની છ સિઝન થઈ, પણ ટોટલ એપિસોડ્સની સંખ્યા ૨૭ જ છે. આમાં ‘બેન્ડરસ્નેચ’ નામની એક દીર્ઘ એપિસોડ – ફુલલેન્થ ફિલ્મ જ કહોને! – તે પણ ઉમેરી દો. ‘બેન્ડરસ્નેચ’ તમારે હાથમાં રિમોટ રાખીને જોવાની છે. વચ્ચે વચ્ચે સતત તમને પૂછવામાં આવશેઃ આ પાત્ર હવે શું કરશે? સામે બે વિકલ્પો મૂકવામાં આવ્યા હોય. તમે જે વિકલ્પ પર ક્લિક કરો તે પ્રમાણે સ્ટોરી આગળ વધે. એક વિડીયોગેમની જેમ આ ઇન્ટરેક્ટિવ એપિસોડ આગળ વધે છે.
તાજેતરમાં રિલીઝ થયેલી ‘બ્લેક મિરર’ની છઠ્ઠી સિઝન કોણ જાણે કેમ તદ્ન અણધારી પૂરવાર થઈ છે. અત્યાર સુધી ફ્યુચરિસ્ટિક સાયન્સ ફિક્શન રહેલો આ શોએ આ સિઝનમાં ઓચિંતા હોરર અને સુપરનેચરલ સ્વરુપ ધારણ કરી લીધું છે. આ જરાય મજા ન આવે એવી વાત છે. ‘બ્લેક મિરર’ની ઓરિજિનલ ફ્લેવર છમાંથી બે-ત્રણ એપિસોડમાં માંડ છે. ચાર્લી Brooker નામના રાઇટર-ડિરેક્ટરે ક્રિયેટ કરેલા આ શો પહેલી વાર જોવાના હો તો શરુઆત શરુઆતની સિઝનથી જ કરજો. જલસો પડશે.
– શિશિર રામાવત
Leave a Reply