બધાઈ હો… તમે દીકરો કે દીકરી નહીં, તમે મુક્તલિંગી જીવ જણ્યો છે!
પશ્ચિમના વંઠી ગયેલા લિબરલ્સ કેહે છેઃ તમારું સંતાન છોકરો છે કે છોકરી તે નક્કી કરવાવાળા તમે કોણ? તમને શી ખબર કે મોટા થઈને એ સ્ત્રી જ બનશે કે પુરુષ?
——————————-
વાત-વિચાર, એડિટ પેજ, ગુજરાત સમાચાર
——————————-
‘બધાઈ હો… આપકો લડકા હુઆ હૈ’ અથવા ‘બધાઈ હો… આપકી બહૂ ને ફૂલ-સી બચ્ચી કો જન્મ દિયા હૈ’ – આ પ્રકારના ડાયલોગ્ઝ આપણે ફિલ્મોમાં અને ટીવી સિરીયલોમાં બહુ સાંભળ્યા છે, પણ અમેરિકા અને યુરોપ જેવું અતિ ‘આધુનિક’ અને અત્યંત ‘મુક્ત’ એવું વોક કલ્ચર જો ધીરે ધીર આપણે ત્યાં પણ પ્રવર્તમાન બનશે તો સમજી લો કે આ પ્રકારની ખુશખબર સાંભળીને અમુક લોકોનું કાં તો નાકનું ટીચકું ચડી જશે અથવા તેઓ ગુસ્સે થઈ જશે. શા માટે? કારણ કે, એમના હિસાબે નવજાત બાળકને છોકરો કે છોકરીમાં ખપાવી દેવું એ પછાત માનસિકતાની નિશાની છે!
દિમાગ ચકરાઈ જાય એવી આ વાત છેને? પણ આ હકીકત છે. અમેરિકા-યુરોપમાં બાળકને છોકરો કે છોકરી નહીં, પણ મુક્તલિંગી ગણનારાઓની આખી ફોજ છે, જેમાં સ્કૂલોનો પણ સમાવેશ થઈ ગયો. આ ફોજ પોતાને ‘લિબરલ્સ’ (એટલે કે સ્વતંત્ર વિચારધારામાં માનનારા) ગણાવી, છાતી પહોળી કરી, જમીનથી ચાર વેંત અધ્ધર ચાલે છે. એક સમય હતો ત્યારે હોમોસેક્સ્યુઅલ પુરુષો, લેસ્બિયન સ્ત્રીઓ, ટ્રાન્સસેક્સ્યુઅલ્સ (જન્મે પુરુષ પણ જાતિ પરિવર્તન કરીને સ્ત્રી બનવા માગતી વ્યક્તિ અથવા એનાથી ઊલટું) વગેરેને ધુત્કારવામાં આવતા હતા, પણ આજના સમાજમાં એટલી મોકળાશ આવી ગઈ છે કે અલગ અલગ પ્રકારની સેક્સ્યુઆલિટી ધરાવનારાઓને લોકોએ મને-કમને સ્વીકારી લીધા છે. અમુક દેશોમાં સજાતીય લગ્નોને કાનૂની માન્યતા મળી ચૂકી છે. ટૂંકમાં, એલજીબીટીક્યુ (લેસ્બિયન-ગે-બાઇસેક્સ્યુઅલ-ટ્રાન્સજેન્ડર-ક્વીઅર) પ્લસ કમ્યુનિટીને અત્યારે જેટલી સ્વીકૃતિ અને સહાનુભૂતિ મળ્યાં છે એટલા ભૂતકાળમાં ક્યારેય મળ્યાં નથી.
પણ આટલાથી એમને સંતોષ નથી. છેલ્લા કેટલાક સમયથી આ કમ્યુનિટી અને તેમના સમર્થકોએ એવો ટ્રેન્ડ શરુ થયો છે કે જેના કારણે લિબરલ હોવાના ધખારા નથી એવી આમજનતા ઉકળી ઉઠી છે. તે છે, સાવ કુમળી વયનાં બાળકોને સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનના પાઠ પઢાવવાનો ટ્રેન્ડ. શા માટે? કેમ કે બાળકોને તમામ પ્રકારના લોકો પ્રત્યે સંવેદનશીલ બને, એટલે. ચાલો, આ બાળકોમાં સમસંવેદનની ભાવના વિકસે તે સારી વાત છે, પણ આ લિબરલો પાંચ ડગલાં આગળ વધી ગયાં છે. તેઓ કહે છે, તમારે તમારા સંતાનને કહેવાનું જ નહીં કે તું છોકરો છે કે તું છોકરી છે! તમે એનો ઉછેર એક મુક્તલિંગી તરીકે કરો. મોટા થયા પછી એ ખુદ નક્કી કરશે કે એણે છોકરો બનવું છે કે છોકરી! અમેરિકાની કેટલીય સ્કૂલોએ આ પ્રકારની વિચારધારા અપનાવીને જેન્ડર ઇક્વાલિટી પોલિસી દાખલ કરી છે. પરિણામ એ આવ્યું છે કે હવે કેજીમાં ભણતોે છોકરો ઘરે જઈને પૂછે છેઃ મમ્મી, શું હું છોકરો નથી?
નિકોલ સોલસ નામની એક મહિલાનો સાચો કિસ્સો સાંભળો. નિકોલનું સંતાન કિંડર ગાર્ડનમાં ભણે છે. એને ખબર પડી કે એના બચ્ચાને સ્કૂલમાં કંઈક ભળતુંસળતું જ શીખવવામાં આવે છે. કિંડર ગાર્ડનનો સેલેબસ સ્કૂલની વેબસાઇટ પર અવેલેબલ નહોતો એટલે એણે ટીચરને વિનંતી કરી કે પ્લીઝ, તમે મને કે.જી.ના સેલેબસ વિશે માહિતી આપો. એને કહેવામાં આવ્યું કે તમે સ્કૂલની વેબસાઇટ પર જઈને ઓફિશિયલી રિકવેસ્ટ મૂકો. આ મહિલા કહેઃ તમે મને એટલું તો કહો કે શું તમે કિંડર ગાર્ડનનાં બાળકોને જેન્ડર થિયરી (એટલે કે સ્ત્રીલિંગ-પુલ્લિંગ ને એવું બધું) શીખવો છો? ટીચર કહેઃ અમે અમારી સ્કૂલમાં બાળકોને ‘છોકરા’ કે ‘છોકરી’ તરીકે સંબોધન કરતા નથી, કેમ કે એમ કરવાથી એમનામાં પોતાની જાતિ વિશે પૂર્વગ્રહ બંધાઈ જાય (એટલે કે છોકરો એમ સમજવા લાગે કે પોતે છોકરો જ છે અને છોકરીને એમ લાગવા માગે કે પોતે છોકરી જ છે!) અમે સ્કૂલમાં જેન્ડર આઇડેન્ટિટીને મહત્ત્વ આપવા માગીએ છીએ. નિકોલ કહેઃ પણ કેજીમાં ભણતાં ચાર-પાંચ વર્ષનાં માસૂમ બચ્ચાઓને જેન્ડર વિશે કંઈ પણ શીખવવાની જરુર જ શી છે? ટીચર કહેઃ અમે આનાથી વધારે કંઈ કહેવા માગતા નથી. તમારે જે કોઈ સવાલો પૂછવા હોય તે સ્કૂલની વેબસાઈટ પર જઈને પૂછો. આ મહિલાએ સ્કૂલની વેબસાઇટ પર પોતાના મનમાં હતા તે બધા સવાલો પૂછી નાખ્યા. શું એને જવાબ મળ્યા? ના. ઊલટાનું જ્યારે સ્કૂલના ટીચરો અને પ્રિન્સિપાલની મીટિંગ થઈ ત્યારે ચર્ચા કરવામાં આવી કે આવા અયોગ્ય પ્રશ્ન પૂછીને નિકોલ નામની આ મહિલાએ માહોલ ખરાબ કરી નાખ્યો છે તેથી તેની વિરુદ્ધ કાનૂની કેસ કરવામાં આવે!
આ મહિલા દુખી થઈ ગઈ, પણ લિબરલ લોકોને તો સ્કૂલોમાં આ પ્રકારનું કલ્ચર વિકસી રહ્યું છે એનો ભારે આનંદ છે! કેટલાય ઘેલસફ્ફા વાલીઓ પોતાનાં સાવ નાનાં સંતાનોને સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન અને જેન્ડર આઇડેન્ટિટી વિશે રીતસર પટ્ટી પઢાવે છે. એલજીબીટીક્યુ કમ્યુનિટી આમેય અત્યંત બોલકી છે. પોતાના અધિકારો અને આઇડેન્ટિટી વિશે તેઓ સતત ઢોલનગારાં વગાડે છે. તેમનું સમર્થન કરતા એક્ટિવિસ્ટ ટાઇપના લોકો ક્યારેક મર્યાદા વટાવી નાખે છે. આ બીજો સાચો કિસ્સો જુઓ.
એક યુરોપિયન મહિલા એના પાડોશીના ઘરનું બારણું ખટખટાવે છે. ઘરનો પુરુષ દરવાજો ખોલતાં જ સ્ત્રી એના પર વરસી પડે છેઃ તમે તમારી દીકરીને ગુલાબી રંગનું ફ્રોક કેમ પહેરાવો છો? પુરુષ બઘવાઈ જાય છેઃ એટલે તમે મારા ઘરે એવી ફરિયાદ કરવા આવ્યા છો કે હું મારી બે વેર્ષની બેબીને ગુલાબી ફ્રોમ શા માટે પહેરાવું છું? સ્ત્રી કહેઃ હું તમને એમ પૂછું છું કે તમે એના બીજા રંગનાં ફ્રોક કેમ પહેરાવતાં નથી? મને લાગે છે કે તમે તમારી દીકરીને બીજા કોઈ રંગનાં કપડાં પહેરવાની છૂટ આપતાં નથી. આદમી કહેઃ શું છૂટ? મારી દીકરી હજુ બે વર્ષની છે! અને એક મિનિટ, હું મારી દીકરીને ગમે તેવા રંગના કપડાં પહેરાવું, તમને એની સાથે શંુ લાગેવળગે? સ્ત્રીનો જવાબ જુઓઃ ‘મને ચોક્કસપણે લાગેવળગે છે, કેમ કે હું ઇચ્છું છું કે આ દુનિયા ખૂબસૂરત બને, જ્યાં જેન્ડર ફ્લ્યુઇડિટી હોય, એક એવી દુનિયા કે જ્યાં માત્ર સ્ત્રી અને પુરુષ જ નહીં, પણ અલગ અલગ પ્રકારની કેટલીય જાતિ હોય. શું તમને ખાતરી છે કે તમારી દીકરી મોટી થઈને સ્ત્રી જ બનશેે? તમે કઈ રીતે કહી શકો કે એ મોટી થઈને ટ્રાન્સ-વુમન નહીં જ બને? જો એને ટ્રાન્સ-વુમન બનવું હશે ને તમે એને અત્યારથી પિન્ક કપડાં પહેરાવ્યાં કરશો તો એ કન્ફ્યુઝ થઈ જશે!’
હદ છે! જાતીય-સમાનતામાં માનનારાઓએ બાળસાહિત્યને પણ છોડયું નથી. અમેરિકામાં મોટાં મોટાં કલરફુલ ચિત્રોવાળી એ-બી-સી-ડીની એક રીતસર ચોપડી છાપવામાં આવી છે, જેને નામ આપવામાં આવ્યું છે – GayBC. શું છે એમાં? એ ફોર એલાય. એલાય એટલે સહયોગી. આ તો જાણે બરાબર છે, પણ બી ફોર બાઇ (બાઇસેક્સુઅલ, સ્ત્રી અને પુરુષ બન્ને પ્રત્યે જાતીય આકર્ષણ ધરાવતી હોય એવી વ્યક્તિ), સી ફોર કમિંગ આઉટ (એટલે કે પોતે ગે છે કે લેસ્બિયન છે એવું જાહેર કરવું), ડી ફોર ડ્રેગ (એકદમ ભડકામણી રીતે સ્ત્રીનો વેશ ધારણ કરતો પુરુષ), જી ફોર ગે, આઇ ફોર ઇન્ટરસેક્સ (છોકરી અને છોકરો બન્નેના જનનાંગો સાથે જન્મેલું બાળક), એલ ફોર લેસ્બિયન, એન ફોર નોન-બાઇનરી (એવી વ્યક્તિ જે પોતાને ફક્ત સ્ત્રી પણ નથી ગણતી ને ફક્ત પુરુષ પણ નથી ગણતી), ઓ ફોર ઓરિએન્ટેશન, ક્યુ ફોર ક્વીઅર, ટી ફોર ટ્રાન્સ! કલ્પના કરો. આ ત્રણથી સાત વર્ષનાં ટાબરિયાઓ માટેનું બાળસાહિત્ય છે!
આધુનિકતા અને સ્વતંત્રતા તો બહુ સુંદર વસ્તુઓ છે, એના નામે વંઠી જવાનું ન હોય. હવે સ્થિતિ એવી આવી ગઈ છે કે પશ્ચિમના મૂર્ખ લિબરલ્સને ‘સ્ત્રી એટલે પુખ્ત ઉંમરની માદા’ એવું સ્વીકારતા જોર પડે છે! ટ્રાન્સ કમ્યુનિટી અને તેના સમર્થકોની ઉદંડતાને કારણે યુરોપ-અમેરિકામાં કલ્પ્યા ન હોય તેવી સમસ્યાઓ પેદા થઈ રહી છે. કેવી સમસ્યાઓ? તેના વિશે પછી વાત કરીશું.
– શિશિર રામાવત
Leave a Reply