ચીર ખૂટ્યા હોય તો આ વિશ્વની હર નારને…
————–
લોગઇનઃ
હો દયાળુ તો મને ઉત્તર ખુલાસાવાર દે
કા અગોચર વિશ્વનો થોડો ઘણો અણસાર દે
ચીર ખૂટ્યા હોય તો આ વિશ્વની હર નારને
તું ભલે તલવાર ના દે, ચીસમાં તો ધાર દે
~ મધુસુદન પટેલ
————–
કૃષ્ણ એક એવું પાત્ર છે કે જેમના વિશે ગ્રંથોના ગ્રંથો લખી શકાય. ફિક્શન કથાઓની સિરિઝ થઈ શકે. એક આખો કથાસરિત સાગર રચી શકાય. નાટકો, ફિલ્મો, ડોક્યુમેન્ટ્રી, રીસર્ચ જે ધારો તે કરી શકો. કવિઓ તો સદીઓથી તેમના પર કવિતા લખતા થાકતા નથી. ભક્તો તેમના ગીત ગાઈ ગઈને અમર થઈ ગયા. પ્રેમલક્ષણાભક્તિની આખી પરંપરા કૃષ્ણભક્તિના ટેકે ઊભી છે. ઓશો રજનિશથી લઈને જે. કૃષ્ણમૂર્તિ સુધીના ચિંતકોએ કૃષ્ણની ફિલસૂફીને પોતપોતાની રીતે રજૂ કરી છે. આ એક એવું પાત્ર છે કે જેમાં દરેક માણસને કંઈક ને કંઈક મળે છે. તે ગોપીઓનાં વસ્ત્રો હરે છે, તો ગીતા પણ સંભળાવે છે. વાંસળી હોઠ પર ધરે છે તો આંગળી પર સુદર્શન પણ ધારણ કરે છે. અરે જરૂર પડે તો રણ છોડીને ભાગવામાં પણ તેમને સંકોચ નથી. સામાન્યમાં સામાન્ય માણસને કૃષ્ણ ગમે છે, તેનું કારણ જ આ છે કે સામાન્ય માણસમાં હોય તેવા તમામ ગુણ-અવગુણ તેમના પાત્રમાં જોવા મળે છે.
આપણે ત્યાં તો અવતારની પરંપરા છે. જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વધે ત્યારે ઈશ્વર અવતાર ધારણ કરે. આજે વિશ્વમાં સેંકડો યુદ્ધો થાય છે, ઠેરઠેર હત્યા, બળાત્કાર, ખુનામરકી, ચોરી, લૂંટફાટ, છેતરપીંડી જેવા અગણિત ગુનાઓ બને છે. ડગલે પગલે અધર્મરૂપી કાલીનાગ ફુંફાડા મારી રહ્યો છે, દુશાસનો વસ્ત્રાહરણમાં રચ્યાપચ્યા છે. શકુનિઓ કાવતરામાં પાવધરા થતા જાય છે. કંસ ખુલ્લે આમ અત્યાચારો આચરી રહ્યા છે. શિશુપાલો ગાળાગાળી કરી રહ્યા છે, પણ કૃષ્ણનું ક્યાંય પગેરું નથી દેખાતું. નારીના વસ્ત્રાહરણની વાત તો દૂર ખુલ્લેઆમ નગ્ન કરીને પરેડ કરાવાય છે. બળાત્કારો થાય છે. અરે, શરીરને કાપીને કૂકરમાં બાફીને કૂતરાને ખવડાવાય છે. નવજાત બાળકી સુધ્ધાંને કુદૃષ્ટિથી કચડી નાખવામાં આવે છે, પણ હજી એને આ અધર્મ ઓછો પડતો હશે તે અવતાર નથી ધરતો. જ્યાં ઈશ્વરનો વાસ ગણાય, એવાં મંદિરો પણ ધંધાની દુકાનો બનીને બેઠા છે. પૈસા વિના દર્શન પણ નથી થતાં.
સામાન્ય પ્રજા કૃષ્ણજન્મોત્સવને એક પથ્થરની મૂરત સામે બેસીને પણ ઊજવી શકે, પણ પંડિતો તેમને સમજાવશે કે ના મંદિરમાં જઈને પૂજા કરવી પડે, તો જ સાચી ભક્તિ ગણાય. આરતી ઉતારવી એ તો મહાપૂણ્યનું કામ છે, પછી આરતી ઉતારવા જાવ તો ત્યાં હજારોની બોલીઓ લાગતી હોય. જાણે હરાજી થઈ રહી હોય! શ્રદ્ધા ખુલ્લેઆમ વેચાઈ રહી છે. ધર્મનો ઠેકો લઈને બેસેલા માણસો સત્તાના સોદાગરો બની બેઠા છે.
એટલા માટે જ મધુસૂદન પટેલ જેવા જાગૃત કવિ પ્રશ્ન કરે છે. એ કોઈ ઈશ્વરનું નામ નથી લેતા. કેમ કે આજે તો કોઈ એક ઈશ્વરનું નામ લેવામાં આવે તો બીજા ઈશ્વરમાં માનનારા લોકોની લાગણી દુભાઈ જાય છે. જો પરમકૃપાળુ હોય તો એનો ખુલાસો આપે અથવા તો આ અગોચર વિશ્વમાં જે થઈ રહ્યું છે, તે કેમ આવું છે, જરા અણસાર આપે. આટઆટલાં બળાત્કારો, ચીસો, હત્યાઓ, દુષ્કૃત્યો, ગેંગરેપો થઈ રહ્યાં છે, હૈયું ફાટી જાય એ હદે નારી ચીસો પાડે છે, પણ બધાના કાન બહેરા થઈ ગયાં છે. નારી વિવશ થઈને તલવાર ઉપાડી લે એ પહેલાં એની ચીસમાં તો કમસેકમ ધાર આપ.
કદાચ ઈશ્વર જેવું કશું હશે જ નહીં, આપણે કથાઓ રચી-રચીને, અમુક પાત્રોને મહાશક્તિ તરીકે રજૂ કરી કરીને, તેમને ઈશ્વર બનાવી દીધા છે. અને તેમનું ઈશ્વરપણું સાચવવામાં અમુક વાકપટુ પંડિતોનો પણ પૂરતો હાથ હશે, જેથી ઈશ્વરના નામે સદીઓ સુધી તેમની દુકાનો ધમધમતી રહે. જન્મ, મૃત્યુ, મોક્ષ, કર્મ, આત્મા જેવી અટપટી વાતોમાં સામાન્ય માણસને એવા ગૂંચવી નાખવામાં આવે છે કે પ્રામાણિકપણે પોતાનું કર્મ કર્યે જતો માણસ એમ સમજે છે કે હું કરું તે નહીં, પણ સાધુઓ, પંડિતો, પુજારીઓ સમજાવે તે જ સાચું કર્મ કહેવાય. ધર્મના સોદાગરો પણ લોકોની શ્રદ્ધાને પૈસાના ત્રાજવે તોળી પોતાની તિજોરીઓ ભરતા રહે છે. આ બધું જોઈને જ કદાચ મધુસૂદન પટેલે આ શેર લખ્યો હશે.
————–
લોગઆઉટઃ
જન્મ, મૃત્યુ, કર્મ નહિ તો આત્માનું મુલ્ય શું?
મોક્ષ કરતા તો મને તું વૃક્ષનો અવતાર દે
– મધુસૂદન પટેલ
Leave a Reply