વાત જવા દે…
ધખધખતાં સપનાં જાવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે!
પ્હેલાં તો હું પોતે પણ એક મ્હેલ હતો
ને ભીતરનો આ વૈભવ જાણે હતો કોઈ કુબેર સરીખો,
કંઈક થયું ઓછું મારામાં અને પછી તો થતો ગયો હું
ધીરે ધીરે ખખડેલા ખંડેર સરીખો.
પછી હૃદયમાં કરોળિયાનાં જાળાં બાઝ્યાં જાળા બાઝ્યાં જાળા બાઝ્યાં વાત જવા દે
ધખધખતું સપનું જાવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે!
રોજ વિચારું જ્યાં જ્યાં ભીતરમાં ફૂટ્યા છે જ્વાળામુખી
સઘળે સઘળા સાવ ઓલવી નાખું,
પળ બે પળ તો એમ થયું કે આંસુ અંદર ડૂબાડીને
સૂરજ સુધ્ધાં લાવ ઓલવી નાખું;
કશું થયું નૈં અંદર અંદર એવા લાજ્યા એવા લાજ્યા એવા લાજ્યા વાત જવા દે,
ધખધખતાં સપનાં જાવામાં એવા દાઝ્યા એવા દાઝ્યા એવા દાઝ્યા વાત જવા દે!
– અનિલ ચાવડા
Leave a Reply