જીવતરને જન્માવી અપલક ઊભી રહેલી ક્ષણ: દાયણ
————–
લોગઇનઃ
દાયણ, આંખો વચ્ચે જીજીવિષા લઈ જીવી રહેલું જણ.
દાયણ, જીવતરને જન્માવી અપલક ઊભી રહેલી ક્ષણ.
દાયણ, અંધારામાં દીવો ધરીને દીવડાઓ પ્રગટાવે.
દાયણ, ગર્ભનાળને કાપી અઢળક આશિષો વરસાવે.
દાયણ, કોઈ પુરાતન અફળ વૃક્ષની ઝુરી રહેલી છાયા.
દાયણ, તપખિરિયાં સ્મરણોને સુંઘી ઝૈફ થયેલી કાયા.
દાયણ, કરુણ ગીતના અક્ષર અક્ષર રડી રહેલો લય.
દાયણ, હવે પછીની પેઢી માટે વ્હાલ ઢોળતું વિસ્મય.
– રાહુલ તુરી
————–
ગુજરાતી વાર્તાકાર હરીશ મંગલમની એક હૃદયસ્પર્શી વાર્તા છે. તેનું શીર્ષક છે ‘દાયણ‘. ગામને છેવાડે નાની ઝૂંપડીમાં રહેતી એક દલિત સ્ત્રી ગામના કોઈની પણ સુવાવડ ટાણે મોભાદાર બની જતી. તેના રંકપણામાં પણ રોનક આવી જતી. એક દિવસ ગામના મોભી ગણાય એવા મોટા ખોરડાની વહુને સુવાવડનો કપરો સમય આવ્યો. ડૉક્ટરે તપાસ્યું, કહ્યું, બાળક ગર્ભાશય સાથે ચોંટી ગયું છે. ઇંજેક્શન આપું છું. કલાકમાં સુવાવડ થઈ જશે. આટલું કહી ડૉક્ટર જતા રહ્યા. બે-બે કલાક સુધી કંઈ ન થતા ઘરના લોકોના જીવ તાળવે ચોંટ્યા. છેલ્લી આશા તરીકે બેનીમાના નામે ઓળખાતી ગામની એકમાત્ર દાયણને તાત્કાલિક બોલાવડાવી. ખાટલામાં પડેલી પશી અને તેના ગર્ભમાં રહેલા બાળકનો જીવ યમરાજથી વેંત છેટો હતો. બચશે કે નહીં એની આખા કુટુંબને ચિંતા. પણ બેનીમાની ચીવટ અને કોઠાસૂઝથી પશી અને બાળક બંને બચી ગયાં. બધા રાજીના રેડ. આંખો હરખનાં આંસુથી છલકાઈ ઊઠી. દોઢ-બે વરસ પછી આ જ બેનીમા એ ઘર પાસેથી નીકળ્યાં. થયું કે લાવ જોઉં પશીનો છોકરો કેવોક લાગે છે. પશી અને છોકરો ફળિયામાં જ હતા. બેનીમાએ ખબરઅંતર પૂછી છોકરાને પાસે બોલાવ્યો. પા-પા પગલી ભરતો છોકરો બેનીમા જોડે આવતો હતો. ત્યાં જ પશી સાવધ બની ગઈ ને છોકરાને બાવડાથી પકડી તેડતાં બોલી, ‘જોજે કીકલા… બેનીમાનઅ અડતો!!!’ બેનીમાના લંબાયેલા હાથને જાણે લકવો થયો હોય તેમ ધ્રૂજતાં ધ્રૂજતાં હવામાં લટકી રહ્યાં. જે હાથે પશી અને તેના બાળકને બચાવ્યાં હતા એ હાથના સ્પર્શથી આજે અભડાઈ જવાનો ભય હતો, આ કેવી કરૂણતા!!
કવિ રાહુલ તુરીએ થોડી પંક્તિમાં જ દાયણના જીવનનો આખો ચિતાર આપી દીધો છે. દરેક પંક્તિ દાયણના કરુણાસભર અને વહાલસભર વ્યક્તિત્વની છબી ઊપસે છે, તેનું લાગણીશીલ વ્યક્તિત્વ વંચાય છે આખા કાવ્યમાં. દાયણને વિષય તરીકે લઈ તેની કવિતા લખવી એ જ સાહસનું કામ છે. જે આંખોએ તેને નજીકથી જોઈ હોય, જે હૃદયે તેનું સંવેદન અનુભવ્યું હોય તે હાથથી આવું સુંદર કાવ્ય રચાઈ શકે!
ઘણી ગામઠી અને અભણ દાયણની આંતરસૂઝ એટલી ઊંચી હોય છે કે તેમની પાસે ડોક્ટર કે એમડીની ડિગ્રીઓ પાણી ભરે! તેમની પાસે પોતાના સ્વાનુભવનું અજવાળું હોય છે. આ અજવાળાએ ઘણાના અંધારામાં દીવો પેટાવ્યો હોય છે. તેમની પાસે જીણવટથી કરેલા નિરીક્ષણનું નાણું હોય છે.
આજકાલ કોઈ શહેરી યુવાનને દાયણ વિશે તો પૂછો તો એ તરત સામે પૂછે, એટલે શું? ઘણી વાર કાળની ગર્તામાં ખોવાઈ જતા શબ્દો છાના સૂર બનીને મનમાં રણક્યા કરતા હોય છે. દરેક શબ્દને પોતાની આભા હોય છે, પોતાનો નાદવૈભવ હોય છે. અમુક શબ્દ બોલાતાની સાથે, એ શબ્દ જેની માટે વપરાયો હોય તેની આભા આંખ સામે છતી થઈ જાય છે, મનના કાગળ પર એક ચિત્ર દોરાઈ જાય છે અથવા તો એમ કહો કે મનના પરદા પર એક દૃશ્ય ભજવાઈ જાય છે – આબેહૂબ દ્રશ્ય! ઘણી વાર શબ્દ પૂરો ન બોલાયો હોય તો પણ તેનો અવાજ માત્ર આપણને પૂરો સંકેત આપી દે છે. સમય પરિવર્તનશીલ છે. કાળક્રમે બદલાતું રહે છે બધું. ભાષા પણ એનાથી કઈ રીતે બાકાત રહે?
————–
લોગઆઉટ
ક્યાં ગયા ચકચકતાં બેડાં પાણિયારાં ક્યાં ગયાં?
ફ્રીઝવાસીઓ! તરસના એ સહારા ક્યાં ગયા?
ગામ આખ્ખું ગર્વ કરતું’તું દિવસમાં સો વખત,
ગામના વડલા સમા એ ભાઈચારા ક્યાં ગયા?
વીજળી ન્હોતી ઘરેઘર માણસાઈના દીવા,
કોડિયાં બળતાં હતાં જે એકધારાં ક્યાં ગયા?
કોણ સાચું બેઉ પક્ષે મન હવે મૂંઝાય છે,
માગનારા ક્યાં ગયા, એ આપનારા ક્યાં ગયા?
કોઈ અભ્યાગત કદી મુંઝાય ના ક્યાંયે જરી,
લાગણીથી પોખતાં’તા એ ઊતારા ક્યાં ગયા?
જે રહ્યા… એ ઠોકરો ખાતા અને નડતા સતત,
જે ગયા એના વિશે થાતું જનારા ક્યાં ગયા?
છે હવે ‘મિસ્કીન’ ‘ટ્રેક્ટર’ ખૂબ સારું છે મગર,
થાય છે એ વૃદ્ધ ગાડાં વાળનારા ક્યાં ગયા?
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
Leave a Reply