તમે માણસાઈને જોઈ છે?
————–
લોગઇનઃ
રોજીંદી છે ઘટના, ફગાવી દો નવાઈને
જોયા કરો પ્રત્યેક આંસુની ભવાઈને
ઘેરી વળ્યાં સૌ વૃદ્ધને ફોટો પડાવવા
જેવું કહ્યું ‘જોયેલી છે મેં માણસાઈને’
— ભાવેશ ભટ્ટ
————–
ઇટાલીની સુપ્રસિદ્ધ ગાયિકા, નામ જુલિયા માર્કિન. 1955ની આ ઘટના. એક દિવસ તેણે જાહેરમાં એવું કર્યું કે ત્યાં ઊભેલા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા અને બીજી સેકન્ડે તમામનાં મોં શરમથી જુકી ગયાં.
થયું એવું કે શહેરના ચોક પર ઊભા રહીને જુલિયાએ અચાનક પોતાની બ્રા કાઢી. ત્યાં ઊભેલી ભીડ સામે ઊંચી કરીને બતાવી અને પૂછ્યું, “બોલો કેટલા આપશો આના?” સેંકડો લોકો તેના ચાહકો. પાગલ પ્રેમીઓ. સ્ટાર પાછળની ઘેલછા ગાંડપણની હદ વટાવે તેવી હોય છે. જુલિયાની આવી જાહેરાત સાંભળી લોકો એક પછી એક બોલી લગાવવા લાગ્યા. એક સામાન્ય બ્રાના ત્રણ હજાર ડૉલર સુધીની બોલી લગાવાઈ. ત્રણ હજાર ડોલર તો 1955માં, આજના સમયમાં તેની વેલ્યુ જોઈએ, અને તે પણ રૂપિયામાં કન્વર્ટ કરીને, તો લાખો રૂપિયા થાય. આટલી મોટી બોલી લાગ્યા પછી જુલિયાએ હસીને બધાને કહ્યું, “તમે બધા કેટલા મૂર્ખા છો. એક નંબરના બેવકૂફો છો. મને નવાઈ લાગે છે કે કોઈ આટલું બેવકૂફ કઈ રીતે હોઈ શકે? તમારી યૌન ઇચ્છાઓ માટે મામુલી કપડાના ટુકડા પાછળ ખર્ચવા તમારી પાસે હજારો ડોલર છે, પણ કોઈ જરૂરિયાતમંદ, ગરીબ કે ભૂખ્યા માણસને આપવા માટે ફૂટી પાઈ પણ નથી. મને તમારી માનવતા પર ખૂબ શરમ આવે છે.”
આટલું કહીને જુલિયા ત્યાંથી જતી રહી, પણ ત્યાં ઊભેલા દરેકની હાલત જોવા જેવી થઈ ગઈ. કોઈને સ્વપ્નેય ક્યાંથી ખ્યાલ હોય કે જુલિયા પોતાનું સ્ટારપણું નહોતી વટાવતી, પણ ત્યાં ઊભેલા બધા લોકોની માણસાઈ માપતી હતી.
માણસાઈ ગુમાવવી પડે એવી કેટકેટલી ઘટનાઓ આપણી આસપાસ થઈ રહી છે. વધારે કરૂણ વાત તો એ છે કે આપણને તેની ખબર પણ નથી. આપણને લાગતું જ નથી કે આવું કરવાથી આપણી માનવતા નાશ પામી રહી છે.
આપણા અંગત સ્વાર્થ ખાતર શિકાર કરીને આપણે ઘણા જીવોને સૃષ્ટિ પરથી કાયમ માટે ખતમ કરી નાખ્યા. ઘણા જીવો કાળક્રમે કે સૃષ્ટિના પરિવર્તન સાથે પોતે પરિવર્તિત ન થઈ શક્યા એટલા નાશ પામ્યા. આપણામાં રહેલી માણસાઈનું એનાથી ઊંધું છે. તેનો કોઈ શિકાર નથી કરતું, આપણે જાતે તો તેને મારી નાખીએ છીએ.
માનવતા મરી પરવારવાની વાત નવી નથી. આ રોજબરોજનું છે. પહેલાંના સમયમાં કોઈ અપ્રામાણિકતા આચરે તો લોકો તેને એક પ્રકારની નફરતથી જોતા. લોકોની નજરમાંથી તે માણસ ઊતરી જતો. હવે ઊંધું છે. તમે સરકારી કર્મચારી હોવ અને લાંચ ન લેતા હોવ તો બાકીના કર્મચારીઓ તમને બીજા ગ્રહથી આવેલા પ્રાણીની જેમ જુએ. તમે પ્રામાણિક રહીનેમ ગુનો કરતા હોવ એ રીતે તમારી સાથે વર્તન કરવામાં આવે. ઘણા લોકો ચર્ચા પણ એવી કરતા હોય કે, “પગાર ઓછો છે, પણ બીજું બહુ મળી રહે.” આ વાક્ય ‘બીજું’ શબ્દ નીચે ખાસ ઘાટ્ટી અન્ડરલાઈન કરીને વાંચવું. ઘણા લોકો ‘બીજું બહુ મળે’ એટલા માટે જ સરકારી નોકરી કરવા મગતા હોય છે અથવા કરતા હોય છે.
સરકારી જ કેમ, કોઈ પણ જગ્યાએ જાવ, લોકોમાં પ્રામાણિકતા શોધવી એ પાતાળમાં દટાયેલો ખજાનો શોધવા બરોબર છે. ખજાનો તો કદાચ મળી પણ જશે, પણ પ્રામાણિકતા? રહેવા દો. એમાં પડવા જેવું નથી. આવા સમયમાં જો કોઈ ભૂલથી પણ એમ કહે કે મેં માણસાઈ જોયેલી છે. તો આવું કહેનાર માણસ આગળ ટોળાં લાગી જાય, તેનો ઓટોગ્રાફ લેવા લાઇન લાગે, તેની સાથે સેલ્ફી લેવા પડાપડી થાય. જો કે આવું થાય નહીં. પણ આવું કહીને કવિ ભાવેશ ભટ્ટે આપણામાં મરી ગયેલી માણસાઈ સામે લાલ બત્તી ધરી છે. માણસાઈ પરવારી ગઈ છે. હવે સૃષ્ટિ પરથી તે મરી ચૂકી છે. સૃષ્ટિમાંથી ડાયનાસોર મૃતપ્રાય થઈ ગયા, એમ આપણી માણસાઈ પણ આપણા હાથે નાશ પામી છે.
માણવતાના ઘોર અંધકારમાં કોઈક જરા અમથી પણ નૈતિકતા બતાવે તો ભીષણ કાળરાત્રીમાં નાનકડો દીવો બધાની નજરે ચડી જાય તેમ તે બધાને દેખાઈ આવે. પણ પ્રામાણિકતા ખૂબ મોંઘી વસ્તુ છે અને લોકોને મોંઘું ફાવતું નથી.
————–
લોગઆઉટઃ
ચીજ ક્યાં એ પરાઈ માંગે છે,
જિંદગી ખુદવફાઈ માંગે છે.
ચામડીથી એ સાંધવાય પડે,
જ્યાં સંબંધો સિલાઈ માંગે છે.
ધનની માફક તમે છુપાવી જે,
લોકો એ માણસાઈ માંગે છે.
હોય એવા રજૂ થવાનું બસ,
સત્ય ક્યાં બીજું કાંઈ માંગે છે.
દરગુજર મેં કર્યુ તો સામે એ,
ઊલટી મારી સફાઈ માંગે છે.
– ગુણવંત ઠક્કર
Leave a Reply