બાદ થોડો મેં કર્યો હુંકાર ત્યાં
બાદ થોડો મેં કર્યો હુંકાર ત્યાં,
આ હ્રદય નો થૈ ગયો વિસ્તાર ત્યાં.
ઓસની ને ઘાસ ની શોભા વધી,
બેઉ નો સ્વીકાર થ્યો શૃંગાર ત્યાં.
સાવ હળવી વાત માં આવે વજન,
મૌનનો લૈ લે જરી, આધાર ત્યાં.
તાપ તીણો રેતીએ પીધો અને,
ઝાંઝવાને બસ મળ્યો આકાર ત્યાં.
વીજ લે, ઓવારણાં વાદળ ના જ્યાં,
મેઘ દે આશિષ અનરાધાર ત્યાં.
આ હથેળી અટલે જીવંત છે,
છે હજુ પણ કાલ નો અણસાર ત્યાં.
પ્રશ્ન સહેલા કેમ, ક્યાં ના લાગે છે,
જ્યાં જવાબો થઈ જતા પડકાર ત્યાં.
~ લક્ષ્મી ડોબરિયા
Leave a Reply