સ્ક્રિપ્ટ વાંચવી કે નરેશન સાંભળવું?
—————–
સિનેમા એક્સપ્રેસ – ચિત્રલોક પૂર્તિ – ગુજરાત સમાચાર
——————-
ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. એક્ટરને શું વધારે ગમે – ફિલ્મની સ્ક્રિપ્ટનાં ટાઇપ થયેલાં ૬૦ કે ૭૦ કે ૯૦ પાનાં જાતે વાંચવા? કે પછી ફિલ્મના ડિરેક્ટર યા રાઇટર પાસેથી નરેશન સાંભળવું? નરેશન એટલે ફિલ્મની સંપૂર્ણ કથાનું શરુઆતથી અંત સુધી થતું મૌખિક પઠન. સ્ક્રિપ્ટ રીડીંગ કે નરેશન? – આ સવાલનો કોઈ એક જવાબ ન હોઈ શકે. ફિલ્મ કરવા જેવી છે કે નહીં તેનો નિર્ણય એક્ટર સ્ક્રિપ્ટ વાંચીને અથવા નરેશન સાંભળીને કરતો હોય છે. ઘણા એક્ટર્સને બાઉન્ડ સ્ક્રિપ્ટની જાડી ફાઈલ પલંગ પર પડયા પડયા પોતાના સમયે, પોતાની અનુકૂળતા પ્રમાણે વાંચવી ગમે છે. જેમ કે, તાપસી પન્નુ મોટા ભાગના કેસમાં ડિરેક્ટરને કહી દે છે કે સર, મને નરેશન નથી જોઈતું, તમે સ્ક્રિપ્ટ મૂકતા જાઓ, હું વાંચીને તમને ફીડબેક આપી દઈશ. ઘણા એક્ટર્સ વાંચવાના આળસુ હોય છે. જેકી શ્રોફ જેવા એક્ટરને તો માંડ બે-ચાર પાનાં વાંચે ત્યાં ઊંઘ આવવા માંડે. ઇવન ‘પરિંદા’ જેવી અફલાતૂન ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતી વખતે જેકીદાદા પાંચ મિનિટમાં નસકોરાં બોલાવવા માંડયા હતાં. એમણે આખરે ડિરેક્ટર વિધુ વિનોદ ચોપડાને કહેવું પડયું કે ભીડુ, અપુન સે નહીં હોગા. તુ સુના દે ક્યા લિખા હૈ ઇસ મેં…
નરેશન આપવું એક કલા છે. સ્ક્રિપ્ટ સારામાં સારી હોય, પણ ડિરેક્ટરને કે લેખકને તે અસરકારક રીતે નરેટ કરતાં ન આવડે ને તેને કારણે સામેની વ્યક્તિ પર એની નબળી અસર ઊભી થાય, તેમ બને. સામે પક્ષે એવા ડિરેક્ટરો-રાઇટરો પણ છે કે જે સાધારણ વાર્તાને બહેલાવી-બહેલાવીને એટલી સરસ રીતે નરેટ કરશે કે સામેની વ્યક્તિ રસપૂર્વક સાંભળ્યા કરે. ‘રંગીલા’, ‘હેરાફેરી’ જેવી કેટલીય સુપરહિટ ફિલ્મોના લેખક (સ્વ.) નીરજ વોરા, કે જે મસ્તમજાના એક્ટર અને ડિરેક્ટર પણ હતા, તેમના મોઢેથી સાંભળેલો આ કિસ્સો છે. એમને કોઈ ફિલ્મ લખવાનું અસાઇન્મેન્ટ મળ્યું હતું. એક દિવસ એમને ફોન આવ્યોઃ તમારી સ્ક્રિપ્ટ તૈયાર છેને? નીરજ વોરા કહેઃ બિલકુલ તૈયાર છે. કહેવામાં આવ્યુંઃ તો ફલાણા દિવસે આટલા વાગે સ્ક્રિપ્ટ લઈને પહોંચી જજો. ડિરેક્ટર ઉપરાંત ફિલ્મના પ્રોડયુસર, હીરો બધા હાજર હશે, તમે એમને નરેશન આપજો. નીરજ વોરા કહેઃ ભલે.
નિયત દિવસે નીરજ વોરા ફાઇલ લઈને પહોંચી ગયા. બધા બેઠા. નીરજ વોરા સામે આવ્યા, પોતાની ફાઇલ ખોલી ને પછી નરેશન આપવાનું શરુ કર્યું. નીરજ વોરા નરેશનના મહારથી હતા. એટલી સરસ રીતે વાત સામે મૂકે કે સાંભળનારાઓ સામે આખું દ્રશ્ય ખડું થઈ જાય. કોમેડી સીનમાં સૌને ખડખડાટ હસવું આવે, ઇમોશનલ સીનમાં સૌ ગંભીર થઈ જાય. લગભગ દોઢ-પોણા બે કલાક સુધી નોન-સ્ટોપ નરેશન ચાલ્યું. બધાના ચહેરા પર સંતોષ હતો. નીરજ વોરાએ ફાઇલ બંધ કરી, પોતાની બેગમાં મૂકી ને પછી પોતાને ઘરે આવ્યા. મુખ્ય વાત હવે આવે છેઃ પેલી સ્ક્રિપ્ટની ફાઇલમાં એક અક્ષર પણ લખાયેલો નહોતો! આખી સ્ક્રિપ્ટ એમના દિમાગમાં છપાયેલી હતી. અમુક ડાયલોગ અને પ્રસંગો તો એમણે તત્ક્ષણ ઘડી કાઢેલા. તેઓ વચ્ચે વચ્ચે ફાઇલનાં પાનાં ફેરવી લેતા હતા કે જેથી ડિરેક્ટર-પ્રોડયુસરને લાગે કે નીરજભાઈએ ફાઇલને રિફર કરી રહ્યા છે!
——————————–
ફિર ભૂતબંગલે કા દરવાજા ખૂલા – ચીંઈઈઈઈં…!
———————————
કેટલાય ડિરેક્ટરો નરેશન આપતાં આપતાં અમુક સીન રીતસર ભજવી બતાવતા હોય છે. નરેશન એટલે આમેય ભાવવાહી પઠન. કોઈ વળી સાથે સાથે મોઢેથી સાઉન્ડ ઇફેક્ટ્સ પણ આપતા હોય છે. (ફિર ભૂતબંગલે કા દરવાજા ધીરે સે ખૂલા – ચીંઈઈઈઈં…! ઉસી વક્ત ઉલ્લુ કી આવાઝ આઈ – આઉઉઉઉઉ…!) ક્યારેક નરેશનની પાંચ જ મિનિટમાં એક્ટરને ખબર પડી જાય કે ફિલ્મમાં કંઈ દમ નથી. જો એક્ટર સૌજન્યશીલ હોય તો બાપડાને શરમે-ધરમે બગાસાંને માંડ માંડ દબાવીને આખું નરેશન સાંભળવું પડે.
નીરજ વોરા ઉપરાંત બોલિવુડના બીજા કેટલાય ડિરેક્ટરો એવા છે, જેમનાં નરેશન ખૂબ વખણાય છે. જેમ કે, આશુતોષ ગોવારીકર (‘લગાન’, ‘સ્વદેસ’). Aatish Kapadia (‘ખિચડી’, ‘બા બહુ ઔર બેબી’, ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’, ‘હેપી ફેમિલીઃ કંડિશન્સ અપ્લાઇડ’)નું નરેશન એવું ગજબનાક હોય કે ક્રિયેટીવ મીટિંગમાં હસી હસીને બેવડા વળી ગયેલા શ્રોતા નક્કી ન કરી શકે કે સ્ક્રીન પર એપિસોડ જોવામાં વધારે મજા પડે છે કે આતિશભાઈનું નરેશન સાંભળવામાં! અમુક મેકરો નરેશન ધરાર નથી જ આપતા ને તોય એની ફિલ્મમાં કામ કરવા એક્ટરો પડાપડી કરતા હોય છે. દાખલા તરીકે, સુભાષ ઘાઈ. ‘ઐતરાઝ’માં પ્રિયંકા ચોપડાનું પર્ફોર્મન્સ વખણાયું હતું. આ ફિલ્મ અબ્બાસ-મસ્તાને ડિરેક્ટ કરેલી ને પ્રોડયુસર સુભાષ ઘાઈ હતા. પ્રિયંકાએ વિગતવાર નરેશનની માગણી કરી તો સુભાષ ઘાઈએ સ્પષ્ટ કહી દીધું હતુંઃ નરેશન નહીં મળે. તને ફિલ્મની સ્ટોરી ખબર છે, તારો રોલ ખબર છે. આટલું પૂરતું છે. તને મારા પર વિશ્વાસ હોવો જોઈએ… ને પ્રિયંકાએ કશી જ દલીદબાજી કર્યા વગર ફટાક કરતી કોન્ટ્રોક્ટ પર સહી કરી આપી હતી.
ગુલઝાર લિખિત કાગળિયાં આપવાને બદલે નરેશન આપવાનું વધારે પસંદ કરતા. એક જગ્યાએ એમણે કહ્યું છે, ‘સ્ક્રિપ્ટ વાંચવાની પ્રક્રિયા સંતોષજનક સાબિત થતી નથી. વાંચતી વખતે એક્ટરને સીનનો કે આખેઆખી ફિલ્મનો ટોન ન સમજાય એમ બને. ક્યારેક વ્યાકરણની ભૂલો હોય, વાક્યરચના ખોટી હોય. આવું બધું વાંચવામાં આવે એટલે એક્ટરને રસભંગ થયા કરે. સ્ક્રિપ્ટનું તો નરેશન જ આપવાનું હોય કે જેથી દરેક ઇમોશન, દરેક વિગત યોગ્ય રીતે એક્ટર સુધી પહોંચે. તમે એ પણ જોઈ શકો કે એક્ટર સાંભળતી વખતે ફિલ્મ સાથે કેટલી હદે કનેક્ટ થઈ રહ્યો છે. ‘મેરે અપને’ના શૂટિંગ દરમિયાન મીનાકુમારી મને પોતાની બાજુમાં બેસાડીને કહેતાંઃ તું સીન વાંચ, હું સાંભળું છું. પછી એ આંખો બંધ કરી દે અને મારું નરેશન સાંભળે. મને સમજાય કે સીન સાંભળતી વખતે મીનાજી જે-તે ડાયલોગ્ઝ કે ભાવને ઇન્ટર્નલાઇઝ કરી રહ્યાં છે. શબાના આઝમી તો મને સીન ભજવી બતાવવાનું કહેતી. તે પણ એક વાર નહીં, અનેક વાર.’
સો વાતની એક વાત. સ્ક્રિપ્ટ વાંચવી અને નરેશન આપવું – આ બન્ને રીતો સાચી છે, સ્વીકાર્ય છે. એ તો જેવો કલાકાર ને જેવો મિજાજ.
-શિશિર રામાવત
#gujaratsamachar #CinemaExpress #gulzar #aatishkapadia #NeerajVora
Leave a Reply