હાલ ખૂબ ગાજી રહેલી ‘કાંતારા’ નામની કન્નડ ફિલ્મ
હું નાનો હતો ત્યારે દર હનુમાન જયંતીએ અમે મારા વતન જામનગરમાં આવેલા ફુલિયા હનુમાનના મંદિરે અચૂક જતા. ખંભાળિયા નાકાની બહાર આવેલા આ મંદિરનું અત્યારે બહુ મહાત્મ્ય રહ્યું નથી, પણ તે વખતે તે ખાસ્સું રૂપાળું અને ધમધમતું હતું. મંદિરની રચના એવી છે કે એક બાજુ હનુમાનજીનું ગર્ભગૃહ છે, એની બરાબર સામે રામ-સીતા-લક્ષ્મણનું ગર્ભગૃહ છે અને વચ્ચે મોટો ચોક છે. હનુમાન જયંતીના દિવસે વહેલી સવારે પાંચ-સાડાપાંચ વાગે આ આખો ચોક શ્રદ્ધાળુઓથી હકડેઠઠ ભરાઈ જાય. સૌની નજર હનુમાનજીની સિંદૂર વડે લીંપેલી વિરાટ મૂર્તિ તરફ હોય. નગારાં પર જોરજોરથી દાંડી પીટાતી હોય, એકસાથે કેટલાય ઘંટ વાગતા હોય, શંખધ્વનિ ફૂંકાતો હોય અને હનુમાન ચાલીસાના ઊંચા સમૂહસ્વરોથી ગજબનાક વાતાવરણ સર્જાઈ ગયું હોય. મંદિરના પૂજારી હનુમાનજીની પ્રતિમાના ચરણો પાસે આંખ બંધ કરીને ધ્યાનસ્થ બેઠા હોય. એની સામે થોડે દૂર ઘટ્ટ સિંદૂર ભરેલું પાત્ર મૂકાયું હોય. આ પૂજારી મોટે ભાગે મારા દૂરના કોઈ મામા જ હોય.
ધીમે ધીમે માહોલ ઘૂંટાતો જાય ને પૂજારીના ચહેરા પર તીવ્રતા વધતી જાય, એનું શરીર ધીરે ધીરે અમળાવા લાગે અને જેવા હનુમાન ચાલીસા-નગારાં-ઘંટ-શંખના સમૂહસ્વરો ક્રેસન્ડો એટલે કે શિખર પર પહોંચે કે પૂજારીના શરીરમાં હનુમાનજી આવે. તેઓ પેલા સિંદૂર ભરેલા પાત્ર તરફ લપકે અને એને બે હાથે પકડી પોતાના મોઢે માંડી દે. અહીં પડકાર એ હોય કે હાજર રહેલા પુરુષોએ આ જ ક્ષણની જોઈને પૂજારી તરફ કૂદી પડવાનું અને એમને બળપૂર્વક પકડી રાખવાના. કોઈ પણ હિસાબે સિંદૂર પૂજારીના ગળા નીચે ન ઊતરવું જોઈએ, કેમ કે જો પૂજારી સિંદૂર પી જાય તો એમનો જીવ સુદ્ધાં જઈ શકે એવી માન્યતા.
પૂજારીના શરીરમાં હનુમાનજી પ્રવેશે ત્યારે એમનામાં જાણે પાંચ આખલા જેવી તાકાત આવી જાય. પાંસ-સાત હટ્ટાકટ્ટા પુરુષોએ પકડી રાખ્યા હોય તો પણ તેઓ બધાને દૂર ફગાવીને કોઈ પણ રીતે સિંદૂર ભરેલા પાત્ર સુધી પહોંચી જ જાય. હનુમાન જયંતીની ઉજવણીની આ સૌથી નાટ્યાત્મક ક્ષણો. જોનારા સૌનો જીવ અધ્ધર થઈ જાય. એક બાજુ પૂજારીને મુશ્કેટાટ પકડી રાખવાની કોશિશ થઈ રહી હોય ને પૂજારી પકડમાંથી છૂટીને સિંદૂર પીવા માટે સંઘર્ષ કરી રહ્યા હોય. આ બધું ચાર-પાંચ મિનિટ સુધી ચાલે. પૂજારી સિંદૂર પીએ નહીં, પણ સિંદૂરના પાત્રને પોતાના મોઢે લગાડવામાં તો કામિયાબ થઈ જ જાય. આવું થાય એટલે પછી ધીમે ધીમે એ શાંત થવા લાગે. પછી ઊભા થઈને જાણે વશીભૂત થઈ ગયા હોય તેમ ગર્ભગૃહમાંથી ઊભા થઈને, ભીડ વચ્ચેથી મારગ કરતાં સામે રામ-સીતા-લક્ષ્મણના ગર્ભગૃહમાં જાય અને ત્યાં એમની પૂજા કરે. જાણે સાક્ષાત્ હનુમાનજી અત્યારે રામ-સીતા-લક્ષ્મણની પૂજા કરી રહ્યા છે એવો ભાવ હાજર રહેલા સૌના મનમાં વ્યાપી જાય. પૂજા પૂરી થાય એટલે પૂજારી પાછા હનુમાનજીના ગર્ભગૃહમાં આવીને લગભગ ફસડાઈ પડે. એ સાવ નિચોવાઈ ગયા હોય. એમના હોઠ, ગાલ, હડપચી બધું જ સિંદૂરથી રંગાયેલું હોય. પછી બધા કતારબદ્ધ એમની પાસે આવીને એમને પગે લાગે. પૂજારી થાકેલા હાથે સૌને આશીર્વાદ આપે… અને આ રીતે હનુમાન જયંતીની ઉજવણી પૂરી થાય.
નાનપણમાં વરસોવરસ મેં આંખો ફાડીને આ નિહાળ્યું છે. સહેજ મોટો થયો – દસેક વર્ષનો – ત્યારે મને કહેવામાં આવતું કે શરીરમાં હનુમાનજી આવે ને એવું બધું કંઈ સાચું ન હોય, આ બધું ફક્ત ‘પર્ફોર્મન્સ’ હોય. પણ આ વિઝ્યુઅલ્સ, આ ધ્વનિઓ અને તેના ઓવરઓલ ઇમ્પેક્ટથી જબરદસ્ત રીતે મેસ્મરાઇઝ થઈ ગયેલું મારું બાળમાનસ એ માનવા તૈયાર જ ન થતું કે મેં જે કંઈ જોયું તે બધું ‘સ્ક્રિપ્ટેડ’ છે કે અભિનયમાત્ર છે. સિંદૂરના પાત્રની ઝપાઝપીમાં અમુક ટીપાં પૂજારીને ગળે ઉતરી ગયા હોય ને કેટલાય દિવસ સુધી એમનો અવાજ બેસી ગયો હોય એવું તો મને બરાબર યાદ છે.
0 0 0
નાનપણની આ ઘટના આટલી તીવ્રતાથી એકાએક શા માટે મને યાદ આવી? એને અત્યારે શેર કરવાનું પ્રયોજન શું છે? વેલ, કારણ અને પ્રયોજન છે, હાલ ખૂબ ગાજી રહેલી ‘કાંતારા’ નામની કન્નડ ફિલ્મ. તેનું હિન્દી ડબ્ડ વર્ઝન ગઈ કાલે જોયું. આ ફિલ્મમાં નાયકમાં શરીરમાં દેવ પ્રવેશે અને અજબગજબની ઘટનાઓ બને છે. તમે ‘કાંતારા’ હજુ સુધી જોઈ ન હોય તોય આગળ વાંચવામાં કશો વાંધો નથી, કેમ કે અહીં કશાં જ સ્પોઇલર નથી.
‘કાંતારા’ જોતાં જ તરત સમજાય જાય કે શા માટે આ ફિલ્મની લોકપ્રિયતા આખા દેશમાં દાવાનળની જેમ ફેલાઈ ગઈ છે. એક હાડોહાડ કમર્શિયલ મેઇનસ્ટ્રીમ ફિલ્મ પોતાના તમામ ‘મસાલાઓ’ જેવા કે સીટીમાર મારધાડ, રોમાન્સ, સ્લો મોશનમાં હીરોની એન્ટ્રી, ડાન્સ, ગીતો, ધમાકેદાર બેકગ્રાઉન્ડ મ્યુઝિક, લાગણીઓનું લથપથતું નિરુપણ – આ સઘળું યથાવત્ રહેવા દઈને, તેમાંથી કશુંય ઓછું કર્યા વગર કઈ રીતે ખુદને આર્ટની કક્ષાએ પહોંચાડી શકે એનું પરફેક્ટ એક્ઝામ્પલ કોઈ હોય તો એ ‘કાંતારા’ છે. મજા પડે તેવી વાત એ છે કે ‘કાંતારા’ના આર્ટ ક્વોશન્ટમાં એટલે કે એની કલાત્મકતામાં પણ કોઈ જ કોમ્પ્રોમાઈઝ નથી, સહેજ પણ કચાશ નથી. આપણે લાંબા સમયથી એક થિયરી સાંભળી રહ્યા છીએ કે ફિલ્મ જેટલી વધારે લોકલ યા તો રિજનલ હશે, ફિલ્મની વાર્તાનાં મૂળિયાં સ્થાનિક માટીમાં જેટલાં વધારે ઊંડાં ઊતરેલાં હશે, એટલી વધારે તે ગ્લોબલ બની શકશે. ‘કાંતારા’ આ હકીકતનું પણ ઉત્તમ દૃષ્ટાંત છે. પેન નલિનની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ કેટલી બધી સ્થાનિક, નખશિખ કાઠિયાવાડી ફિલ્મ છે, પણ એટલે જ એ દુનિયાભરના ઓડિયન્સને સ્પર્શી શકી છે, બસ, એવી જ રીતે.
‘કાંતારા’ એટલે માયાવી વન. આપણા કલ્ચરમાં ‘માતાજી આવવા’ કે ‘દેવ આવવા’ એ એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ફિનોમિના છે. માણસના શરીરમાં માતાજી અને દેવ ઉપરાંત પૂર્વજનો આત્મા પણ પ્રવેશી શકે છે! આ આખી વાત એક અંધશ્રદ્ધા કે હાસ્યાસ્પદ ડિંડવાણાથી વિશેષ કશું નથી તેની ચર્ચામાં અત્યારે આપણે ન જ પડીએ. હીકકત એ છે કે ઘર્મ અને રીતિ-રિવાજો-પરંપરામાં માનતા એક ધબકતા સમાજના સભ્ય તરીકે શરીરમાં માતાજી/દેવ/પૂર્વજ પ્રવેશવાની ઘટનાના સાક્ષી કોઈક ને કોઈક રીતે આપણે સૌ બન્યા છીએ – આ આપણો સહિયારો અનુભવ છે. ભારતના પ્રાંતે-પ્રાંતમાં, ઉત્તરથી લઈને દક્ષિણે બધે જ, કોઈક ને કોઈક સ્વરૂપે આ ઘટના અસ્તિત્ત્વ ધરાવે છે. ભારત જ શું કામ, વિદેશમાં પણ આ પ્રકારની માન્યતાઓ અને આસ્થાઓ અસ્તિત્ત્વ ધરાવે છે જ. ‘કાંતારા’માં દેશ ઉપરાંત વિદેશમાં પણ વિજયપતાકા લહેરાવી શકવાનું કૌવત છે તેમ કહેવાનું કારણ આ જ.
0 0 0
‘કાંતારા’ના રાઇટર, ડિરેક્ટર, કો-પ્રોડ્યુસર અને મેઇન એક્ટર આ ચારેય જવાબદારી એક જ માણસે ઉપાડી છે – રિષભ શેટ્ટી. ફક્ત 15 કરોડમાં આ ફિલ્મ બની છે. 96 દિવસનું સ્ટાર્ટ-ટુ-ફિનિશ શૂટિંગ થયું છે. રિષભ શેટ્ટી રંગભૂમિની પેદાશ છે (નો વન્ડર!). તેમણે એક ફિલ્મ-સ્કૂલમાં ટ્રેનિંગ લીધી છે. અલબત્ત, કોઈ ટીવી શોના આસિસ્ટન્ટ ડિરેક્ટર અને પછી ફુલફ્લેજ્ડ એક્ટર-ડિરેક્ટર બન્યા તે પહેલાં તેઓ ફિલ્મ પ્રોડ્યુસરોની ઓફિસમાં પ્યુન તરીકે પણ કામ કરી ચૂક્યા છે, ક્યારેક નિર્માતાના ડ્રાઇવર તરીકે ફરજ પણ બજાવી છે. આપણે છેલ્લા કેટલાક સમયથી બહુ રસપૂર્વક સાઉથના અમુક એક્ટરો-ડિરેક્ટરોની કરીઅરને ટ્રેક કરી રહ્યા છીએ. કલાકારોના આ લિસ્ટમાં રિષભ શેટ્ટીનું નામ હવે હકથી ઉમેરી દેજો.
0 0 0
‘કાંતારા’ના ક્લાઇમેક્સની વાત કર્યા વગર આ ફિલ્મની વાત પૂરી ન જ થઈ શકે. ઓહોહો… રૂંવાળા ઊભા કરી નાખે એવો એન્ડ છે ફિલ્મનો, સાહેબ! આટલી અસરકારક ક્લાઇમેક્સ છેલ્લે બીજી કઈ ફિલ્મમાં જોઈ હતી? યાદ પણ આવતું નથી. ‘કાંતારા’માં આર્ટ, કોમર્સ અને મસાલાનું જે રીતે મિશ્રણ થયું છે… મારા હિસાબે આ એક અત્યંત સ્માર્ટ ફિલ્મ છે. ફ્રેન્કલી, ‘પુષ્પા’ અને ‘કેજીએફ’ આ બન્ને ફિલ્મો મારી સિસ્ટમમાંથી તરફ બહાર નીકળી ગઈ હતી, પણ ‘કાંતારા’ મને દિવસોના દિવસોનો સુધી યાદ રહેવાની છે એ તો નક્કી. જુઓને, હનુમાન જયંતીની ઉજવણીવાળી સાવ ભૂલાઈ ગયેલી વાત કેવી એણે મારા ચિત્તના ભંડકિયામાંથી બહાર ખેંચી કાઢી!
‘કાંતારા’ જોતી વખતે ફિલ્મનો મધ્ય ભાગ તમને થોડો સ્ટ્રેચ થયેલો લાગી શકે, ફિલ્મના અમુક સીન-ચેષ્ટાઓ-ડાયલોગ તમને ન ગમે એવુંય બને… પણ ખરી મજા સમગ્ર અસરની છે, ભરપૂર મનોરંજનની વચ્ચેય ફિલ્મ જે રીતે મનુષ્ય અને પ્રકૃતિના સહઅસ્તિત્ત્વ વિશે બહુ જ સિરીયસ સ્ટેટમેન્ટ કરે છે, તેની છે.
‘કાંતારા’ જોજો. આ વખતે ઓસ્કર એન્ટ્રી, ઓસ્કર નોમિનેશન અને -ઓહો! – શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો ઓસ્કર અવોર્ડ ભલે પેન નલિન લઈ જાય, પણ આવતા વર્ષની ઓસ્કર એન્ટ્રી માટે ‘કાંતારા’ સ્ટ્રોન્ગ કન્ટેન્ડર બનીને ઉભરે તે માટે હેશટેગ ગો-ફોર-કંતારા અત્યારથી જ તરતું મૂકી દઈએ?
-શિશિર રામાવત
#kantarahindi #kantara
Leave a Reply