વેલકમ બેક, શાહરુખ!
—————————
સિનેમા એક્સપ્રેસ, ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
—————————–
શાહરુખની ફિલ્મ સફળ થાય ત્યારે તે ‘પર્સનલ સક્સેસ’ જેવું કેમ ફીલ થતું હશે? ખાસ કરીને પાંત્રીસ-ચાલીસ વર્ષ પાર કરી ગયેલા દર્શકોને? આજના મધ્યવયસ્ક ઓડિયન્સ માટે શાહરુખ ખાન એમની તરુણાવસ્થાનો, એમની જુવાનીનો રેફરન્સ પોઇન્ટ છે. એની ‘ફૌજી’ સિરીયલ દૂરદર્શન પર ટેલિકાસ્ટ થઈ ગઈ હતી ત્યારે તમે સ્કૂલમાં ભણતા હતા. એની સૌથી પહેલી ફિલ્મ ‘દીવાના’ રિલીઝ થઈ ત્યારે તમે નવા નવા કોલેજમાં આવ્યા હતા. તમને યાદ છે કે, ‘દીવાના’માં શાહરુખ પહેલી વાર સ્ક્રીન પર આવ્યો ત્યારે આખા થિયેટર સીટીઓ અને ચિચિયારીઓથી છલકાઈ ગયું હતું. તમને તે વખતેય નવાઈ લાગી હતીઃ આ માણસની ફિલ્મ કરીઅર હજુ તો શરુ થઈ રહી છે, બિગ સ્ક્રીન પર દેખાયેલો એની જિંદગીનો આ પહેલો જ શોટ છે, છતાંય કેમ ઓડિયન્સ એના માટે ગાંડું થઈ રહ્યું છે?
લાગે છે, શાહરુખનું લેણું ઓડિયન્સે ૩૧ વર્ષ પછી પણ પૂરેપૂરું ચૂકતે કર્યું નથી. પ્રેમનું લેણું, વહાલનું લેણું. તે સિવાય ‘પઠાન’ માટે, અને ખાસ તો શાહરુખ માટે, આવા જબરદસ્ત ઉન્માદનો વિસ્ફોટ શી રીતે થાય? એ વાત પણ લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે કે શાહરુખને માત્ર મધ્યવયસ્ક દર્શકો જ નહીં, યંગસ્ટર્સ પણ ચાહે છે. ‘પઠાન’ની આ કક્ષાની સફળતા યંગ ઓડિયન્સ વગર શક્ય નથી. શાહરુખની પ્રેમની ઝંખના વિશે ‘પઠાન’ના પ્રોડયુસર અને યશરાજ બેનરના બિગ બોસ આદિત્ય ચોપડાએ એક વાર સરસ વાત કરી હતી. કહે છે, ‘શાહરુખ ખાને બહુ જલદી મા-બાપ ખોઈ દીધા છે. એટલે એને સતત પ્રેમની જરુર પડે છે. પુષ્કળ પ્રેમની. જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ત્યાં સુધી એ તમને છોડશે નહીં. એ જાણે કે તમારો કાંઠલો પકડીને કહેશેઃ જુઓ, હું તમને પ્રેમ આપી રહ્યો છું, ઓકે? હવે મને સામો પ્રેમ આપો! બસ, શાહરુખની આ જ ક્વાલિટીએ એને સુપરસ્ટાર બનાવ્યો છે. એ કેમેરા સામે એક્ટિંગ કરતો હોય કે સ્ટેજ પર પર્ફોર્મન્સ આપતો હોય કે મિડીયાને ઈન્ટરવ્યુ આપતો હોય… એ જાણે કે સતત કહેતો હોય છે કે ‘જુઓ, મારી સામે જુઓ… મને ચાહો, ચાહતા રહો…’ એની પ્રેમની ઝંખના ક્યારેય સંતોષાતી નથી.’
શાહરુખને સૌથી અધિકૃત રીતે ઓળખી શકનારી ફિલ્મી હસ્તીઓનું લિસ્ટ બનાવવામાં આવે ત્યારે આદિત્ય ચોપડાને સંભવતઃ ટોપ-ફાઇવમાં મૂકવા પડે. પપ્પા યશ ચોપડા ‘ડર’ (૧૯૯૩) બનાવી રહ્યા હતા ત્યારે પુત્ર આદિત્ય ચોપડા તેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. એ જમાનાથી બન્ને વચ્ચે દોસ્તી. આઉટડોર શૂટિંગ દરમિયાન રાત પડે એટલે શાહરુખ, ‘ડર’ની હિરોઈન જુહી ચાવલા, આદિત્ય ચોપડા, એનાં મમ્મી પમ્મી ચોપડાં બધાં ભેગાં થઈને સ્ક્રેબલ રમતાં. એ વખતે આદિત્યે કહેલું કે શાહરુખ, હું જ્યારે ફિલ્મમેકર બનીશને ત્યારે તને લઈને એક એક્શન ફિલ્મ બનાવીશ. શાહરુખ કહેતોઃ ડન. આ વાતને ત્રણ-ચાર વર્ષના વહાણાં વાઈ ગયા.
એક દિવસ અચાનક આદિત્યનો ફોન આવ્યોઃ શાહરુખ, અબ્બીહાલ મહેબૂબ સ્ટુડિયોમાં આવી જા. મારે તને મારી ફિલ્મની સ્ટોરી સંભળાવવી છે. શાહરુખ કહેઃ બસ, આ આવ્યો. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે આદિત્ય ચોપડા પોતાની પહેલી ફિલ્મ બનાવવાની તજવીજમાં હતા. બોલિવુડમાં આવ્યો ત્યારથી શાહરુખની ઇચ્છા એક્શન હીરો બનવાની હતી, પણ કોણ જાણે કેમ એને આ પ્રકારના રોલની ઓફર જ મળતી નહોતી. બન્ને મળ્યા. આદિત્યે નરેશન આપવાનું શરુ કર્યુંઃ એક એનઆરઆઇ છોકરી છે, એક એનઆરઆઇ છોકરો છે, બન્ને વિદેશમાં મળે છે, પ્રેમ થાય છે, પછી બધા વતન પંજાબ આવે છે, ને પછી… આ ફિલ્મ હતી, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’. શાહરુખ મનોમન કહેઃ તારી ભલી થાયે! આદિત્ય તો મને લઈને એક્શન ફિલ્મ બનાવવા માગતો હતોને?શાહરુખે યશ ચોપડાને ફોન કર્યોઃ આ તમારો દીકરો ઠીક તો છેને? એક્શનપેક્ડ ફિલ્મ બનાવવાને બદલે એ કંઈક એનઆરઆઇ રોમાન્સની ફિલ્મ બનાવવા માગે છે. આદિત્યે ખાતરી આપીઃ શાહરુખ,’દિલવાલે…’ પછી આપણે એક્શન ફિલ્મ જ બનાવીશું, બસ?
‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ બની. અંગ્રેજીમાં કહે છે તેમ, રેસ્ટ ઇઝ હિસ્ટ્રી. ૧૯૯૫માં રિલીઝ થયેલી આ ફિલ્મ મારી બેટી આજની તારીખેય મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં ચાલે છે. ફિલ્મની જબરદસ્ત સફળતા જોઈને નવોદિત આદિત્યે પિતાશ્રીને કહ્યુંઃ હાલો, હજુ એક રોમેન્ટિક ફિલ્મ બનાવીએ. શાહરુખ-માધુરી-કરિશ્માને લઈને ઓર એક ફિલ્મ બનાવવામાં આવી – ‘દિલ તો પાગલ હૈ’ (૧૯૯૭). પ્રોડયુસર તરીકે આદિત્યની આ પહેલી ફિલ્મ. ‘દિલ તો પાગલ હૈ’ પણ મસ્ત ચાલી. ડિરેક્ટર તરીકેની એની બીજી ફિલ્મ એટલે ‘મોહબ્બતેં’ (૨૦૦o) અને ત્રીજી ફિલ્મ એટલે ‘રબ ને બના દી જોડી’ (૨૦૦૮). આ બન્નેમાં શાહરુખ જ હીરો, પણ હરામ બરાબર બેમાંથી એકેયમાં એક્શનનું નામોનિશાન હોય તો! ટૂંકમાં, એક્શન ફિલ્મવાળી વાત તો બાકીની બાકી જ રહી.
કટ ટુ, ૨૦૧૮. શાહરુખની ‘ઝીરો’ ફિલ્મ રિલીઝ થાય છે અને ખરાબ રીતે પિટાઈ જાય છે. શાહરુખ માનસિક અને શારીરિક એમ બન્ને સ્તરે નંખાઈ ગયો હતો. એને એકાધિક ઇન્જરી થઈ છે ને એકાધિક સર્જરી પણ કરાવી છે. આવી હાલતમાં એ આદિત્ય ચોપડાને મળે છે. આદિત્યની સાથે યશરાજનો યુવા ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ પણ છે, જેણે તાજી તાજી ‘બેન્ગ બેન્ગ’ (હૃતિક-કેટરીના) નામની સ્પાય થ્રિલર બનાવી છે. શાહરુખ કહે છેઃ યાર આદિત્ય, તમે લોકો મારા માટે એક એક્શન પિક્ચર બનાવો. એ બન્ને નવાઈ પામી જાય છેઃ આવી હાલતમાં તમારે એક્શન ફિલ્મ કરવી છે? તમારી હાલત ઓર કથળી નહીં જાય? શાહરુખ કહેઃ નહીં કથળે. એટલીસ્ટ, ટ્રાય તો કરીએ. હું ટાઇગર શ્રોફ અને હૃતિક જેવાં એક્શન સીન્સ તો નહીં કરી શકું, પણ હું મારું બેસ્ટ આપવાની કોશિશ જરુર કરીશ. મારે એવું કશુંક કરવું છે, જે મારી ઇમેજ કરતાં સાવ જુદું હોય…
આદિત્ય ચોપડા અને સિદ્ધાર્થ આનંદ બન્નેમાંથી કોઈ ખાસ કન્વિન્સ ન થયા. એ બન્નેએ ધમાકેદાર એક્શન ફિલ્મ બનાવી ખરી, પણ શાહરુખ વગર. એ હતી, ‘વોર’ (૨૦૧૯), જેમાં હૃતિક અને ટાઇગર બન્ને હતા. શાહરુખ એક જ વર્ષ બ્રેક લેવા માગતો હતો, પણ એની નિષ્ક્રિયતાના આ તબક્કામાં વર્ષો ઉમેરાતા ગયાં. આખરે આદિત્ય ચોપડા એની પાસે ગયા અને કહ્યુંઃ શાહરુખ, વર્ષો પહેલાં મેં તને લઈને એક્શન ફિલ્મ બનાવવાનું વચન આપ્યું હતું, યાદ છે? બસ, વાયદો પૂરો કરવાનો સમય આવી ગયો છે. અલબત્ત, હું માત્ર પ્રોડયુસ કરીશ, ડિરેક્ટ સિદ્ધાર્થ આનંદ કરશે.
…અને આ ફિલ્મ એટલે ‘પઠાન’. છેલ્લે આપણે શાહરુખને ‘બ્રહ્માસ્ત્ર’માં જોયો હતો, ટચુકડા રોલમાં, તોય જાણે વર્ષો જુનો ભાઇબંધ મળી ગયો હોય તેવી મજ્જા સૌને પડી ગઈ હતી. ‘પઠાન’ની પ્રચંડ સફળતા જોઈને શાહરુખ-આદિત્ય-સિદ્ધાર્થ સુધ્ધાં હેબતાઈ ગયા છે. ફિલ્મ કંઈ મહાન નથી, પણ શાહરુખનું એક્સ-ફેક્ટર અહીં બરાબર કામ કરી ગયું છે.
ખેર, શાહરુખનું આ કહેવાતું ‘એક્સ ફેક્ટર’ યા તો ચુંબકીય તાકાત કંઈ દર વખતે કામ કરતી નથી. જો એવું જ હોત તો દેશના બે ઉત્તમ ડિરેક્ટર – ઇમ્તિયાઝ અલી અને આનંદ એલ. રાય – સાથેની શાહરુખની ફિલ્મો (અનુક્રમે ‘જબ હેરી મેટ સેજલ’ અને ‘ઝીરો’) આટલી ખરાબ રીતે શી રીતે પિટાઈ જાત? ખરેખર તો ઉત્તમ ડિરેક્ટર સાથે શાહરુખ જેવો કેરિશ્મેટિક એક્ટર કામ કરતો હોય ત્યારે અફલાતૂન પરિણામ આવવું જોઈતું હતું. બન્યું એનાથી ઊલટું. આ બન્ને ફિલ્મોથી ઓડિયન્સ, મિડીયા અને સમીક્ષકો સૌ એટલા નારાજ થઈ ગયા હતા કે વાત ન પૂછો. સૌના મનમાં એવુંય થવા માંડયું હતું કે શાહરુખના દિવસો હવે પૂરા થયા, એની કરીઅરનું હવે પેક-અપ થઈ ગયું… ને ત્યાં ‘પઠાન’ એવા માહોલમાં આવી કે જ્યારે આખા દેશનું સેન્ટીમેન્ટ બોલિવુડ-વિરોધી અને ‘બેશરમ રંગ’-વિરોધી હતું. લાગતું હતું કે ‘પઠાન’ શાહરુખની કરીઅરમાં એક ઓર ‘ઝીરો’ ઉમેરી દેશે, પણ આ ફિલ્મે સપાટો બોલાવી સાબિત કરી આપ્યું કે બોલિવુડ અભી ઝિંદા હૈ! એય પૂરવાર થઈ ગયું કે શાહરુખને અમસ્તા જ ‘બાદશાહ ઓફ બોલિવુડ’નું બિરુદ મળ્યું નથી.
હવે સૌની નજર શાહરુખની આગામી ફિલ્મો પર છે. એક છે, ‘જવાન’ જે એટલી જેવું વિચિત્ર નામ ધરાવતા દક્ષિણના ડિરેક્ટર બનાવી રહ્યા છે. એના કરતાંય આપણને સૌને વધારે ઇંતઝારી ‘ડન્કી’ માટે છે. (એક્સક્યુઝ મી, સાચો ઉચ્ચાર શું છે – ‘ડન્કી’ છે કે ‘ડુન્કી’ છે કે ‘દુન્કી’?) બોલિવુડના ‘હિટ મશીન’ ગણાતા રાજકુમાર હિરાણી તેના ડિરેક્ટર છે. હિરાણી શાહરુખને ‘મુન્નાભાઈ એમબીબીએસ’માં લેવા માગતા હતા. તે વખતથી બન્નેનું સાથે કામ કરવાનું પેન્ડિંગ હતું. હવે જોવાનું આ છેઃ શું ‘પઠાન’ને કારણે પેદા થયેલા જબરદસ્ત શાહરુખ-વેવનો ફાયદો ‘ડન્કી’ને પણ મળશે અને આ ફિલ્મ પણ ચોગ્ગો કે છગ્ગો ફટકારશે? કે પછી, જેમ ઇમ્તિયાઝ અલી અને આનંદ એલ. રાય જેવા મોટા ડિરેક્ટરો સાથે કામ કરવાનું શાહરુખ માટે બુંદિયાળ સાબિત થયું હતું એવું રાજકુમાર હિરાણીના કેસમાં પણ બનશે?
લેટ્સ વેઇટ એન્ડ વોચ!
– શિશિર રામાવત
——————————–
તા.ક. – આ લેખ લખાયા પછી ‘પઠાણ’ જોવાનો મોકો મળ્યો. ખેર, આ લેખ ખાસ તો શાહરુખ વિશે છે. અંગત રીતે શાહરુખ પસંદ છે એટલે એની ફિલ્મ હિટ થાય એટલે આનંદ તો થાય, પણ મને આ ફિલ્મ હાઇલી ઓવર-રેટેડ લાગી. બહુ બહુ તો વન-ટાઇમ વૉચ કહી શકાય. ‘પઠાણ’માં મને શાહરુખ કરતાં સલમાને વધારે મજા કરાવી!
Leave a Reply