રાજા દાહિર માર્ગ કઈ તરફ આવ્યો?
સિંધ – પાકિસ્તાનમાં બ્રાહ્મણ રાજા દાહિરની પ્રતિમા મૂકવાની માગણી થાય છે, પણ આરબ આક્રાંતાઓ સામે સૌથી પહેલી બાથ ભીડનાર આ વીર શાસકને આપણે યાદ સુધ્ધાં કરતા નથી.
ટેક ઑફ – Divya Bhaskar
* * * * *
છેલ્લાં ત્રણ વર્ષની અંદર પાકિસ્તાનમાં બે ઇન્ટરેસ્ટિંગ ઘટનાક્રમ બન્યા. જૂન 2019માં લાહોરમાં હિંદુ રાજા રણજિત સિંહની પ્રતિમા ખડી કરવામાં આવી. રાજા રણજિત સિંહ 19મી સદીના પંજાબ પ્રાંતના શાસક રહી ચૂક્યા છે. ઈસ્લામિક કલ્ચરમાં સામાન્યપણે મૂર્તિઓનું ખાસ મહાત્મ્ય નથી. રાધર, મૂર્તિઓ પ્રત્યે પ્રમાણમાં અણગમો સેવવામાં આવે છે. આવી સ્થિતિમાં લાહોર કિલ્લા પર એક હિંદુ રાજાની પ્રતિમાનું સ્થાપન થાય તે ચોક્કસપણે ધ્યાન ખેંચનારી બાબત ગણાય. આ ઘટના પછી પાકિસ્તાનના એક ડિમાન્ડ ઉઠીઃ જો પંજાબના પાટનગર લાહોરમાં એક હિંદુ શાસકની પ્રતિમા મૂકાઈ શકતી હોય તો સિંધના પાટનગર કરાચીમાં હિંદુ રાજા દાહિરની પ્રતિમા કેમ મૂકાઈ ન શકે?
પહેલી વાર એવું બન્યું છે કે માત્ર પાકિસ્તાન જ નહીં, હિંદુસ્તાનમાં પણ રાજા દાહિરની ચર્ચા શરૂ થઈ હોય. વક્રતા જુઓઃ જેની પ્રતિમા મૂકાવવા માટે પાકિસ્તાનનો એક વર્ગ ડિમાન્ડ કરી રહ્યો છે તે બ્રાહ્મણ રાજા દાહિર વિશે આપણી પ્રજા લગભગ કશું જાણતી નથી! સિંધ પ્રાંતના તેઓ અંતિમ હિંદુ રાજા હતા. તેઓ એક બહાદૂર યોદ્ધા – એક વૉર હીરો હતા, હિંદુસ્તાનને આરબ આક્રમણકર્તાઓથી બચાવવા માટે જીવલેણ યુદ્ધ કરનાર તેઓ પહેલા શાસક. આરબો સામે લડતાં લડતાં તેમણે ખુદના પ્રાણની આહૂતિ આપી દીધી. રાજા દાહિરની બીજી મહત્ત્વની આળખ આ છેઃ એમણે મોહમ્મદ પયગંબરના પૌત્ર હુસેન ઇબ્ન-અલીને પોતાના રાજ્યમાં આશ્રય આપ્યો હતો.
દાહિર ઈસવી સન 679માં વિરાટ ભારતવર્ષનો હિસ્સો એવા સિંધ પ્રાંતના રાજા બન્યા. એક અનુમાન અનુસાર દાહિરનો શાસનકાળ ઈસવી સન 695થી 712 વચ્ચે ફેલાયો હતો. સિંધના પ્રતાપી રાજપૂત રાજા રાયનો કોઈ ઉત્તરાધિકારી ન હતો. આથી એમણે પોતાના પ્રધાનમંત્રી ચચ, કે જે કાશ્મીરી બ્રાહ્મણ હતા, તેમને પોતાનું રાજ્ય સોંપી દીધું હતું. રાજા દાહિર આ ચચના પુત્ર. જી.એમ. સૈય્યદ નામના પાકિસ્તાની વિદ્વાને લખેલા ‘સિંધ કે સૂરમા’ (સિંધના શૂરવીરો) સહિત અન્ય પુસ્તકોમાં રાજા દાહિર વિશે વિગતવાર વાત થઈ છે.
ઇરાન અને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યા પછી, ત્યાં વસતા હિંદુ – પારસી – બૌદ્ધ લોકોનું બળજબરીથી ઈસ્લામમાં ધર્માંતરણ કરાવ્યા પછી આરબોએ ભારતવર્ષના બલૂચિસ્તાન, સિંધ અને પંજાબ તરફ નજર નાખી હતી. તે વખતે સિંધ પ્રાંત ધર્મસહિષ્ણુ રાજા દાહિરના તાબામાં હતો. વેપારી બનીને આવેલા આરબોને તેમણે સમુદ્ર કિનારે વસવાટ કરવાની પરવાનગી આપી હતી. જળરસ્તે આરબોનો વેપારવિનિમય ચાલતો. આ આરબોએ રાજા દાહિર સાથે દગાબાજી કરી નાખી.
આરબ ખલીફાઓએ ઇસવી સન 638થી 711 દરમિયાન 15 વખત સિંધ પર આક્રમણ કર્યું હતું. છેલ્લા આક્રમણ વખતે મોહમ્મદ બિન કાસિમ નામના યુવાન સેનાપતિને નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું. કાસિમ પાસે દસ હજાર સૈનિકોનું લશ્કર હતું. સિંધ અને તેની આસપાસના પ્રાંતમાં તેમણે ખૂનખરાબા કરી મૂક્યા. કેટલાય હિંદુઓ અને પારસીઓએ અહીંથી ઉચાળા ભરીને નાસી છૂટવું પડ્યું.
રાજા દાહિરે કાસિમનો જોરદાર મુકાબલો કર્યો, પણ યુદ્ધમાં તેમની વીરગતિ થઈ. તેમનો પુત્ર પણ હણાયો. કાસિમની હિંમત વધી ગઈ. એ અલોર શહેર તરફ આગળ ધસી રહ્યો છે એવ સમાચાર દાહિરની વિધવા રાણીને મળ્યા. એણે સિંધી વીરાંગનાઓની સેના તૈયાર કરી. અરબી સેના જેવી અલોરમાં ઘૂસી કે વીરાંગનાઓએ તીર અને ભાલાથી તેનું સ્વાગત કર્યું. કંઈકેટલીય વીરાંગનાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું. કાસિમના હાથે ઝડપાઈ જ જવું પડશે એવી સ્થિતિ આવી ત્યારે કેટલીય સ્ત્રીઓએ પોતાના સતીત્વની રક્ષા માટે જૌહર કરવાનું પસંદ કર્યું.
દાહિરની પુત્રીઓ રાજકુમારી સૂરજદેવી અને પ્રેમલાએ ઘાયલ સૈનિકોની ખૂબ સેવા કરી હતી. જોકે દુશ્મનોએ બન્નેને પકડી પાડી. મોહમ્મદ કાસિમે પોતાની જીતની ખુશીમાં બન્ને રાજકુમારીઓને આરબ ખલીફા પાસે મોકલી આપી. એમની ખૂબસૂરતી પર મોહી પડેલા ખલીફાએ બન્નેને પોતાના જનાનખાનામાં મોકલી આપવાની આપવાનો હુકમ કર્યો. રાજકુમારીઓ ચતુર હતી. તેમણે હોશિયારીપૂર્વક કાસિમને સજા અપાવડાવી, પણ ખલીફાને જ્ચારે એમની ચતુરાઈની જાણ થઈ ત્યારે ક્રોધે ભરાઈને બન્ને રાજકુમારીઓનો જીવ ખેંચી લેવાનો આદેશ આપ્યો. આ આજ્ઞાનો અમલ થાય તે પહેલાં જ કન્યાઓએ ખંજર કાઢીને પોતાના પેટમાં હુલાવી દીધું.
રાજા દાહિરનો જીવ લેનાર મોહમ્મદ બિન કાસિમ પાકિસ્તાનમાં હીરો ગણાય છે. એને ‘સર્વપ્રથમ પાકિસ્તાની’નું બિરુદ આપવામાં આવ્યું છે. 1953માં પ્રગટ થયેલા ‘ફાઇવ યર્સ ઑફ પાકિસ્તાનઃ ઓગસ્ટ 1947 – ઑગસ્ટ 1952’ નામના પુસ્તકમાં એક જગ્યાએ લખાયુ છે કે, કાસિમે સિંધ કબ્જે કર્યું એટલે જ સિંધ ભારતીય ઉપખંડમાં ઇસ્લામનો સ્વીકાર કરનારો પ્રથમ પ્રાંત બન્યો. પાકિસ્તાનનું સર્જન ભલે 1947માં થયું, પણ ‘ફિફ્ટી યર્સ ઑફ પાકિસ્તાન’ નામના પુસ્તકમાં તો લખાયું છે કે પાકિસ્તાનનો પાયો તો કાસિમે સિંધ જીત્યું ત્યારે જ, ઇસવી સન 711માં જ નખાઈ ગયો હતો!
…અને જે શૂરવીર બાહ્મણ રાજા દાહિર સેને હિંદુસ્તાનને આરબ આક્રાંતાઓ બચાવવા માટે સૌથી પહેલો વિગ્રહ કર્યો હતો ને બલિદાન આપ્યું હતું તેના વિશે ભારતમાં ભણાવાતા ઇતિહાસના પાઠ્યપુસ્તકોમાં નોંધ જ નથી. ભારત પર ચડી આવેલા ક્રૂર વિદેશી આક્રમણકારીઓનાં નામ પરથી આપણે ત્યાં આખેઆખા વિસ્તારો, જાહેર ઇમારતો, રસ્તાઓ બધું જ છે, પણ આટલા વિરાટ દેશની એક પણ સડક કે ચોકને રાજા દાહિરનું નામ અપાયું નથી. આક્ષેપ તો એવો છે કે ભારતની આઠમી સદીનો ઇતિહાસ જાણી જોઈને ભૂંસી નાખવામાં આવ્યો છે. સિંધ – હિંદુસ્તાનની વીસ હજાર જેટલી કન્યાઓ-સ્ત્રીઓને દમાસ્કસ (સિરીયા)ની બજારમાં વેચી નાખવામાં આવી હતી, પણ આ વાતની નોંધ લેવાને બદલે ઇતિહાસ બીજી દિશામાં મોં ફેરવીને ઊભો રહી ગયો.
આપણા હીરોને, આપણા વીર નાયકોને આપણે યાદ રાખવા પડશે, એમની કદર કરવી પડશે. એમના વિશે ઊંડું સંશોધન કરવું પડશે, ઇતિહાસનાં ફાડી નાખવામાં આવેલાં પાનાં નવેસરથી લખવા પડશે. અતિશયોક્તિપૂર્ણ પ્રશસ્તિગાન કરવાનું નથી, પણ સાચી હકીકતોને સાચા સંદર્ભોમાં સંતુલિતપણે વિગતવાર નોંધવી પડશે. ઇતિહાસ પ્રત્યે વર્તમાને જવાબદાર રહેવું પડે છે!
#kingDahir #ShishirRamavat #TakeOff #DivyaBhaskar
Leave a Reply