Sun-Temple-Baanner

મૂંગાં પ્રાણીઓનો મૃત્યુનાદઃ ભારતનું માંસબજાર આટલું લોહિયાળ


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


મૂંગાં પ્રાણીઓનો મૃત્યુનાદઃ ભારતનું માંસબજાર આટલું લોહિયાળ


મૂંગાં પ્રાણીઓનો મૃત્યુનાદઃ ભારતનું માંસબજાર આટલું લોહિયાળ ક્યારેય નહોતું…
————————-

2014ની ચૂંટણી પહેલાં મોદીસાહેબે કોંગ્રેસની માંસ બજાર (Pink revolution)ને ઉત્તેજન આપવાની નીતિ વિરુદ્ધ ખૂબ સભાઓ ગજવી હતી. ભાજપ સત્તા પર આવ્યો એટલે સ્વાભાવિકપણે સૌને અપેક્ષા હોય કે હવે મૂંગા પ્રાણીઓની કત્લેઆમ પર લગામ લાગશે. ખરેખર શું બન્યું? માંસબજાર ઔર ગરમ બન્યું. ગાય-ભેંસનાં માંસની નિકાસ કરવામાં આપણે દુનિયામાં નંબર વન બની ગયા. મોદીસાહેબના રાજમાં પ્રાણીઓને કાપીને એનું માંસ પેદા કરવાના ધંધામાં ભારત પ્રતિ વર્ષ ૯.૬૩ ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. ભાજપના કટ્ટર સમર્થકો પણ અસ્થિર થઈ જાય તેવી આ વિગતો છે.

————————–
વાતવિચાર, ગુજરાત સમાચાર, Edit page
————————

સત્ય અને અહિંસા. સમગ્ર ગાંધીત્વનો નિચોડ આ બે શબ્દોમાં સમાઈ જાય છે. મહાત્મા ગાંધી ઉપરાંત ઓર એક ગાંધી છે જેમનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. એ છે, મેનકા ગાંધી. તાજેતરમાં એક જાહેર વાર્તાલાપ દરમિયાન મેનકા ગાંધીએ જીવદયાના પ્રકાશમાં અમુક એવી વાત કહી, જેનો સંબંધ કમનસીબે નથી સત્ય સાથે કે નથી અહિંસા સાથે. મેનકા ગાંધીએ સીધો આક્ષેપ મૂક્યો કે ભારતમાં મેડ કાઉ ડિસીઝનો ખતરો છે જ નહીં એવા જે દાવા થઈ રહ્યા છે તે સાવ પોકળ છે.

સૌથી પહેલાં તો, આ મેડ કાઉ ડિસીઝ શું છે તે સમજી લઈએ. આ ગાયોમાં થતી એક ન્યુરોલોજિકલ બીમારી છે. તે ગાયની સેન્ટ્રલ નર્વ્ઝ સિસ્ટમને ખાસ્સું નુક્સાન પહોંચાડે છે. પરિણામે ગાય સરખી રીતે ઊભી ન રહી શકે, વ્યવસ્થિત ચાલી ન શકે. ગાય આમ તો શાંત પ્રાણી છે, પણ એને આ બીમારી લાગુ પડે તો એ હિંસક બની જાય. તેથી જ તેને ‘મેડ કાઉ’ એવું નામ આપવામાં આવ્યું છે. ઘેટાં-બકરાં, હરણ વગેરે જેવાં પ્રાણીઓને પણ તે લાગુ પડી શકે છે. મેડ કાઉથી પીડાતા પ્રાણીનું માંસ જો માણસના પેટમાં જાય તો એ પણ આ રોગનો ભોગ બની શકે છે. એને બોલવામાં તકલીફ થાય, વજન ઘટવા માંડે, હલનચલનની ક્રિયા માટે દિમાગ અને અંગો વચ્ચે થતું કો-ઓડનેશન ખોરવાઈ જાય, યાદશક્તિ ક્ષીણ થવા માંડે, વગેરે.

બન્યું એવું કે વચ્ચે દહેરાદૂનના એક જૈન બિઝનેસમેનને એકાએક આ બધાં લક્ષણો દેખાવા લાગ્યાં. ડોક્ટરે એવું નિદાન કર્યું કે એ સ્લીપ એપ્નિયાનો ભોગ બન્યા છે. સ્લીપ એપ્નિયા એક પ્રકારનો સ્લીપ ડિસઓર્ડર છે, જેમાં માણસનો શ્વાસોચ્છવાસ ભયજનક રીતે અનિયમિત થઈ જાય. જૈન વ્યાપારીનાં બ્લડ સેમ્પલ અમેરિકા મોકલવામાં આવ્યાં તો ત્યાં ડાયોગ્નાઇઝ થયું કે તેઓ ખરેખર તો મેડ કાઉ ડિસીઝનો ભોગ બન્યા છે. એમની પત્ની કહેઃ શક્ય જ નથી, અમે તો ચુસ્ત શાકાહારી છીએ, અમે નોન-વેજ ખાતાં જ નથી તો મેડ કાઉનો રોગ ક્યાંથી લાગુ પડે? ભોળી ભાર્યાને પછી ખબર પડી કે એમના પતિદેવ બિઝનેસ ટ્રિપ પર જતા ત્યારે ક્યારેક નોન-વેજનો ચટાકો કરી લેતા હતા. મેનકા ગાંધીએ આ કિસ્સો એમની એક કાલમમાં પણ અગાઉ વિસ્તારપૂર્વક લખ્યો છે. તેઓ કહે છે, ‘વર્ષો સુધી ભારતીય પ્રશાસન એક જ વાતને વળગી રહ્યું છે કે ભારતમાં મેડ કાઉ ડિસીઝ જેવું કશું છે જ નહીં. જો માણસની યાદશક્તિ ઘસાવા લાગે, હલન-ચલન-બોલવા-ચાલવામાં તકલીફ થવા માંડે તો આપણે ત્યાં એને અલ્ઝાઇમર્સ અથવા એડવાન્સ્ડ અલ્ઝાઇમર્સના દર્દી તરીકે ઘોષિત કરી દેવામાં આવે છે. દુનિયાભરનાં લાખો પશુ અને કંઈકેટલાય માણસોએ મેડ કાઉ ડિસીઝને કારણે જીવ ગુમાવ્યો છે, પણ ભારત આ રોગના અસ્તિત્ત્વને જ સ્વીકારતા તૈયાર નથી.’

ભારતીય પ્રશાસને, અલબત્ત, એવું જરૃર સ્વીકાર્યું છે કે ૧૯૭૯થી ૨૦૧૬ દરમિયાન ભારતમાં મેડ કાઉ ડિસીઝના ગણીને ૮૫ કેસ નોંધાયા હતા. એક મજબૂત થિયરી એવી છે કે મેડ કાઉ ડિસીઝનો ઉદભવ ૧૯૮૦ના દાયકામાં ભારતમાં થયો હતો. ભારતથી નિકાસ પામેલા માંસમાં આ રોગનાં તત્ત્વો હતાં. સવાલ એ છે કે ભારતનું પ્રશાસન મેડ કાઉ ડિસીઝના સત્યનો – જો હોય તો – ઇન્કાર શા માટે કરે? આનો ઉત્તર પણ મેનકા ગાંધી જ આપે છેઃ ‘દુનિયામાં સૌથી વધારે ગાય અને ભેંસના માંસની નિકાસ ભારત કરે છે. જો આપણે ભુલેચુકેય કબૂલી લઈએ તો અબજો રૃપિયાની આખી માંસની ઇન્ડસ્ટ્રી કડડભૂસ થઈને તૂટી પડે.’

મેનકા ગાધી અહીં ‘બોવાઇન મીટ’ એવો શબ્દપ્રયોગ કરે છે. બોવાઇન મીટ એટલે ગાય અને ભેંસનું અનપ્રોસેસ્ડ માંસ. ભારત તેનું સૌથી મોટું એક્સપોર્ટર છે એ તો હકીકત છે. ૨૦૨૧-૨૨માં ભારતે ૩૦,૯૫૩.૨૯ કરોડ રુપિયાની એનિમલ પ્રોડક્ટ્સની નિકાસ કરી. તેમાં સૌથી મોટો હિસ્સો ભેંસના માંસનો હતો – ૨૪,૬૧૩.૨૩ કરોડ રુપિયા. ઘેટા-બકરાંનું માંસ – ૪૪૭.૪૮ કરોડ રુપિયા અને અન્ય માંસ – ૪૫.૫૨ કરોડ રુપિયા. ચક્કર આવી જાય એવા તોતિંગ આ આંકડા છે. ૨૫ હજાર કરોડ રુપિયા કરતાંય વધારે નાણાંના માંસની નિકાસ કરવા માટે ભારતનાં કતલખાનાઓમાં એક વર્ષમાં કેટલી પ્રચંડ માત્રામાં પ્રાણીઓને મારી નાખવામાં આવ્યાં હશે?

ભારત જીવદયામાં માનવાવાળા, મૂંગાં પશુ-પક્ષી પ્રત્યે ભારોભાર કરુણા ધરાવતા લોકોને દેશ છે એવી છાપ આપણા મનમાં છે. ૨૦૧૪ની ચૂંટણી પહેલાં આ સેન્ટિમેન્ટને આગળ કરીને ભાજપે કોંગ્રેસ પક્ષને બરાબર લબડધક્કે લીધો હતો. મોદીસાહેબ જોશીલા અવાજે સભાઓ ગજાવીને કહેતા હતા કે કોંગ્રેસની સરકાર શ્વેત ક્રાંતિ અને હરિત ક્રાંતિને કોરાણે મૂકીને ગુલાબી ક્રાંતિને ઉત્તેજન આપી રહી છે. પશુઓનું માંસ ગુલાબી હોય છે. ગુલાબી ક્રાંતિ યા કો પિંક રિવોલ્યુશન એટલે માંસબજારને ઉત્તેજન આપવું. ભાજપ સત્તા પર આવ્યો એટલે સ્વાભાવિકપણે સૌને અપેક્ષા હોય કે હવે મૂંગા પ્રાણીઓની કત્લેઆમ પર લગામ લાગશે.

ખરેખર બન્યું શું? એપ્રિલથી ઓક્ટોબર ૨૦૧૩ના છ મહિના દરમિયાન ભારતમાંથી ૧૩,૧૯૭ કરોડ રુપિયાના માંસની નિકાસ થઈ હતી, જ્યારે એપ્રિલથી ઓક્ટોબર ૨૦૧૪ દરમિયાન ભાજપના સત્તાકાળના એ પ્રારંભિક તબક્કામાં માંસના નિકાસમાં ૧૬ ટકાનો વધારો થયો, આંકડો ૧૬,૦૮૫ કરોડ રુપિયા પર પહોંચી ગયો. તે પછીય આ આંકડો ક્રમશઃ વધતો જ ગયો. એપ્રિલ ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨ દરમિયાન આપણે ૨૫,૦૦૦ કરોડ કરતાંય વધારે રકમનું માંસ એક્સપોર્ટ કરી નાખ્યું. ૧૯૭૧માં ભારતે ૧ લાખ ૭૯ હજાર ટન માંસ પેદા કર્યું હતું. અડધી સદી બાદ શું સ્થિતિ હતી? ૨૦૨૦માં આપણે ગાય-ભેંસ-બકરાં-ઘેટાં વગેરેની કતલ કરીને ૩૭ લાખ ૬૦ હજાર ટન માંસ પેદા કરી નાખ્યું. ટૂંકમાં, પ્રાણીઓને કાપીને એનું માંસ પેદા કરવાના ધંધામાં ભારત પ્રતિ વર્ષ ૯.૬૩ ટકાના દરે વૃદ્ધિ કરી રહ્યું છે. ખરેખર, પિંક રિવોલ્યુશન અત્યારે જેવું ફુલગુલાબી છે એવું ભૂતકાળમાં ક્યારેય નહોતું. કતલખાનાં પર લગામ મૂકવાનું તો બાજુએ રહ્યું, એક આરટીઆઇના રિસ્પોન્સમાં બહાર આવ્યું હતું કે ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન ઊલટાનાં કતલખાનાઓને અત્યાધુનિક બનાવવા માટે ૬૮ કરોડ રુપિયા જેટલી સબસિડી આપવામાં આવી હતી! ભાજપના કટ્ટર સમર્થકો પણ અસ્થિર થઈ જાય તેવી આ વિગતો છે.

ભારતમાં આટલાં બધાં જનાવરોની હત્યા થાય છે એનું કારણ એ છે કે દૂઝણાં જનાવરોની વસતિમાં ભારત દુનિયામાં નંબર વન છે. ૨૦૧૯માં આપણે ત્યાં આશરે ૧૦ કરોડ ૯૮ લાખ ભેંસ હતી અને ૭ કરોડ ૪૨ લાખ ઘેટાં હતાં. ભારતની ભેંસોના માંસની ડિમાન્ડમાં એકાએક ઉછાળો નોંધાયો છે. ૨૦૨૧-૨૨માં નિકાસ પામેલી કુલ એનિમલ પ્રોડક્ટસમાં ભેંસના માંસનો હિસ્સો ૭૯.૫૬ ટકા જેટલો છે. આપણે ભેંસોને મારીમારીને એનું માંસ કોને ખવડાવીએ છીએ? મુખ્યત્વે વિયેતનામ, મલેશિયા, ઇજિપ્ત, ઇરાક અને સાઉદી એરેબિયાને. માંસ એક્સપોર્ટ કરવાના મામલામાં અલ્લાનસન્સ પ્રાઇવેટ લિમિટેડ નામની મુંબઈની કંપની ભારતમાં નંબર વન છે. વક્રતા જુઓ. મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડનવીસની સરકાર હતી ત્યારે આ કંપનીને એક્સપોર્ટ ડયુટી ભરવામાંથી પણ મુક્તિ આપી દેવામાં આવી હતી.

આજે આખું વિશ્વ ક્લાયમેટ ચેન્જના ભયાનક પડકાર સામે ઝઝૂમી રહ્યું છે. પ્રદૂષણની વાત આવે એટલે આપણે તરત કાર્બન ડાયોક્સાઈડ… કાર્બન ડાયોક્સાઈડના મંજીરાં વગાડવા લાગીએ છીએ. આપણને ખબર હોવી જોઈએ કે ક્લાયમેટ ચેન્જ માટે કાર્બન ડાયોક્સાઇડ કરતાં દુનિયાભરનાં કતલખાનાં ૨૫ ગણો વધારે ફાળો નોંધાવે છે.

કાર્બન ડાયોક્સાઇડ એટલે પર્યાવરણની પથારી ફેરવનાર મુખ્ય ગ્રીનહાઉસ ગેસ. બીજા નંબર પર મિથેનનું નામ આવે. ત્યાર બાદ નાઇટ્રસ ઓક્સાઇડ તેમજ હાઇડ્રોક્લોરોફ્લોરોકાર્બન આવે. ગ્રીનહાઉસ ગેસ એટલે એવો કોઈ પણ વાયુ જે વાતાવરણમાંથી ઇન્ફ્રારેડ રેડિયેશનને શોષી લે, જેને કારણે હવામાં ગરમી વધારે સમય સુધી ટકેલી રહે, ઝળુંબતી રહે. આનું પરિણામ આખરે ગ્લોબલ વોર્મિંગના સ્વરુપમાં આવે. ૨૦૨૧માં ગ્લાસગો ખાતે યોજાયેલા એક અધિવેશનમાં એકસો દેશો એ વાતે સહમત થયા કે અમે ૨૦૩૦ સુધીમાં અમારા દેશમાંથી મિથેનનું ઉત્સર્જન ૩૦ ટકા જેટલું ઘટાડી નાખીશું. આ એકસો દેશોમાં ભારત નથી. દુનિયામાં સૌથી વધુ મિથેન પેદા કરતા દેશોમાં ચીન અને રશિયા પછી ભારતનું નામ ત્રીજા નંબરે છે, તો પણ.

આનું શું કારણ? ભારત કેમ મિથેનના ઉત્સર્જનને ગંભીરતાથી લેતું નથી? આનું કારણ એ કે આપણે ત્યાં સૌથી વધારે મિથેન કૃષિ ક્ષેત્ર પેદા કરે છે. આપણા શાસકોએ સ્પષ્ટપણે કહી દીધું છે કે એગ્રિકલ્ચર સેક્ટરને કારણે થતા મિથેન ગેસના ઉત્સર્જન વિશેની કોઈ પણ પ્રકારની ચર્ચાથી અમે દૂર રહીશું. ભારત કૃષિપ્રધાન દેશ છે, કેટલાય ખેડૂતો અને ખેતમજૂરો હજુ ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે. આવી સ્થિતિમાં અમારે સૌથી પહેલાં ખેડૂતોની સ્થિતિ સુધારવાની ચિંતા કરવાની હોય, મિથેન ગેસની નહીં!

ભારતનું આ પ્રકારનું સ્ટેન્ડ સમજી શકાય તેવું છે. જે વાત સમજી શકાતી નથી તે આ છેઃ મિથેન ગેસ પેદા કરતું એક સ્થળ કતલખાનું પણ છે. ખેડૂતો પર આકરાં પગલાં લઈ ન શકાય, પણ આ કતલખાનાં સામે તો કડક થઈ જ શકાય છેને! ધાર્મિક કારણો કે જીવદયામાં માનનારાઓની લાગણીને બાજુ પર રાખીએ. કતલ માટે તૈયાર કરવામાં આવતાં જનાવરોને જેટલું અનાજ, પાણી તેમજ ચરવા માટે જમીનની જરુર પડે છે તેને ધ્યાનમાં લો. માંસની નિકાસ કરીને આપણે અબજો રુપિયા કમાઈએ છીએ તે ખરું, પણ તમામ પરિબળો ધ્યાનમાં લેતાં સ્પષ્ટપણે સમજાય છે કે માંસનું ઉત્પાદન સરવાળે આપણને અત્યંત મોંઘું પડે છે. જો કતલખાનાં પર લગામ મૂકાય તો પ્રાણીઓના જીવ તો બચશે જ, પર્યાવરણનો દાટ પણ ઓછો વળશે. જે સત્ય છે, જે યથાર્થ છે તેનાથી લાંબો સમય દૂર રહી શકાતું નથી. માણસજાતે ટકી રહેવું હશે તો જીવહિંસાને અનિવાર્યપણે વહેલીમોડી રોકવી જ પડશે. બહુ ચાલ્યું પિંક રિવોલ્યુશન. ઇનફ!

– shishir Ramavat

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.