ભારતનું યૌવન, જપાનનો બુઢાપોઃ શું જપાનની જણનારીઓમાં જોર નથી?
—————————
શું ભારતને ચિર યૌવનના આશીર્વાદ મળ્યા છેે? ના. આજે ભારતીયોની સરેરાશ ઉંમર ૨૯ વર્ષ છે, જે ૨૦૫૦ની સાલ સુધીમાં ૩૮ વર્ષ થઈ જશે. વૃદ્ધોના વસતિવધારાની સમસ્યાથી ‘પીડાતા’ જપાન, ચીન અને સાઉથ કોરિયા પણ એક સમયે ‘યંગ કંટ્રી’ ગણાતા હતા. ઇવન અમેરિકા પણ.
—————————
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
—————————
છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારત એક આકર્ષક વિરોધિતામાંથી પસાર થઈ રહ્યો છે. વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિ ધરાવતો આપણો દેશ વર્તમાનના આ બિંદુ પર દુનિયાનો સૌથી યુવાન દેશ પણ છે. ભારતના પ્રાચીનત્વ અને યૌવનના ગજબના કોમ્બિનેશનને આખું વિશ્વ આંખો પહોળી કરીને જોઈ રહ્યું છે. ભારતીયોની સરેરાશ ઉંમર ફક્ત ૨૯ વર્ષ છે. દેશની અડધોઅડધ વસતિ ૨૯ વર્ષ કે તેના કરતાં નાની વયની છે. ભારતની રક્તવાહિનીઓમાં ગરમ, યુવાન લોહી વહી રહ્યું છે. ગરમ લોહીવાળો જુવાન માણસ ઉર્જાથી ફાટફાટ થતો હોય, એની સામે ખૂબ બધી સંભાવનાઓ અને પડકારો હોય, આશાઓ અને નિરાશાઓ હોય. યુવાન ભારત માટે પણ આ વાત એટલી જ સાચી.
જપાનમાં સ્થિતિ આપણા કરતાં સાવ વિપરીત છે. જપાનીઓની સરેરાશ ઉંમર ૪૮ વર્ષ છે. જપાન દિવસે-દિવસે ઘરડું થતું જાય છે. જપાનના પ્રાઇમ મિનિસ્ટર ફુમિઓ કિશીદાએ એટલે જ થોડા દિવસો પહેલાં ચિંતિત સ્વરે ઘોષણા કરી નાખીઃ જપાનની વસતિ ઉત્તરોત્તર ઘટતી જાય છે. મહેનત કરનારા યુવાનોનો વર્ક-ફોર્સ સંકોચાતો જાય છે અને નિવૃત્તિ માણી રહેલા વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. જો આ જ સિલસિલો ચાલતો રહ્યો તો જપાનના સામાજિક સંતુલનને તૂટતાં બહુ વાર નહીં લાગે.
જપાની વડા પ્રધાનનું ટેન્શન સમજાય એવું છે. જપાનની વસતિ હાલ લગભગ ૧૨ કરોડ ૬૦ લાખ જેટલી છે. ગયા વર્ષે, ૨૦૨૨માં,જપાનમાં ફક્ત ૭,૯૯,૭૨૮ બચ્ચાં જન્મ્યાં. આઠ લાખ કરતાંય ઓછા. આટલો ઓછો જન્મદર જપાને પહેલી વાર જોયો. ૧૯૮૨માં જપાનીઓએ પંદર લાખ બાળકો પેદા કર્યાં હતાં. ચાલીસ જ વર્ષમાં આ આંકડો અડધો થઈ ગયો. જપાનમાં અત્યારે માણસો જન્મે છે ઓછા, મરે છે વધુ.
જપાનની વસતિ જો સ્થિર રાખવી હોય તો ફટલિટી રેટ ૨.૧ હોવો જોઈએ. એટલે કે એક જપાની ીએ તેના જીવનકાળ દરમિયાન ૨.૧ બાળક પેદા કરવાં જોઈએ. તેને બદલે એ ફક્ત ૧.૩ બાળકો જ પેદા કરે છે. બાળકની સંખ્યાના સંદર્ભમાં પોઇન્ટવાળો આંકડો વિચિત્ર લાગે છે, એટલે સાદી ભાષામાં કહી શકાય કે પ્રત્યેક જપાની સ્ત્રી જો પોતાના ફળદ્રુપ જીવન દરમિયાન કમસે કમ બે બાળકો પેદા કરે તો જ જપાનની વસતિ ઘટતી અટકી શકે તેમ છે. એને બદલે જપાની ઓરત એક બાળક પેદા કરીને અટકી જાય છે.
શું જપાનની જણનારીઓમાં જોર નથી? જપાની જુવાનોની મર્દાનગી ઘટી ગઈ છે? ના એવું જરાય નથી. જપાનની વસતિ ઘટવાનાં ત્રણચાર કારણો છે. એક તો છે, તબલાતોડ મોંઘવારી. જપાન દુનિયાની ત્રીજા નંબરની સૌથી મોટી ઇકોનોમી છે એ વાત સાચી, પણ અહીંનું કોસ્ટ-ઓફ-લિવિંગ બહુ ઊંચું છે. ૧૯૯૫માં સરેરાશ જપાનીપરિવારની વાષક આવક ૬.૫૯ મિલિયન યેન હતી, જે ૨૦૨૦માં ઘટીને ૫.૬૪ મિલિયન યેન થઈ ગઈ. અહીંના પગારધોરણો અને મજૂરી જરાય હરખાવા જેવાં નથી. જોબ ઇન્સિક્યોરિટી પુષ્કળ છે. અધૂરામાં પૂરું, જપાનમાં બાળઉછેર દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં વધારે મોંઘો છે. આવી સ્થિતિમાં જપાની દંપતીઓ બે-ત્રણ બચ્ચાં પેદાં તો કરી નાખે, પણ એમને મોટા કરવામાં એમની કમર તૂટી જાય. તેથી તેઓ એક બાળકનાં મા-બાપ બનીને સંતોષ માને છે. બીજું કારણ, જગ્યાનો અભાવ. જપાનનાં શહેરોમાં મકાનો મુંબઈની જેમ નાનાં નાનાં હોય છે. માચીસ બોક્સ જેવડાં ઘરમાં વસતિ વધે એટલે જગ્યાનીતાણમતાણ શરૂ થઈ જાય. શહેરોમાં વસતાં યુવાન દંપતીઓનાં વૃદ્ધ મા-બાપ સામાન્યપણે દૂર ગામડાંમાં રહેતાં હોય છે. જીવનધોરણ ટકાવી રાખવા પતિ-પત્ની બન્ને કમાતાં હોય એટલે ઘરમાં દાદા-દાદી કે નાના-નાનીની સપોર્ટ સિસ્ટમ વગર બીજું બાળક કરવાની હિંમત જ ન થાય. જપાનમાં એવા કેટલાંય મોડર્ન યુવક-યુવતીઓ છે, જેમને કાં તો લગ્ન જ કરવાં નથી અથવા લગ્ન કર્યાં હોય તો બાળક પેદા કરવા નથી.
જપાનની ઇમિગ્રેશન પોલિસી વિચિત્ર છે. એટલે એવુંય નથી કે અમેરિકામાં જેમ દુનિયાભરના લોકો વસે છે એમ અન્ય દેશોમાંથીજપાનમાં આવીને વસેલા લોકોનો મોટો સમાજ હોય. જપાનીઓને પાછા દીર્ઘાયુષના આશીર્વાદ મળ્યા છે. જપાનીઓ આખી દુનિયામાં સૌથી વધારે જીવે છે. આજની તારીખે સરેરાશ જપાનીનું આયુષ્ય ૮૪ વર્ષ છે. દર ૧૫૦૦માંથી એક જપાનીની ઉંમર ૧૦૦ વર્ષ કરતાં વધારે હોય છે. આજે જપાનની ૨૯ ટકા વસતિની ઉંમર ૬૫ ટકા કરતાં વધારે છે. દેશમાં યુવાનો ઓછા થતા જાય ને બુઢાઓની વસતિ વધતી જાય તો શું થાય? દેખીતું છે કે ઓફિસોમાં, ફેક્ટરીઓમાં કામ કરનારાઓની સંખ્યા ઘટતી જાય અને નિવૃત્ત યા નિષ્ક્રિય સિનિયર સિટીઝનોનો આંકડો મોટો થતો જાય.આ બોલવામાં ને સાંભળવામાં અપ્રિય લાગે છે, પણ વૃદ્ધ લોકો અર્થોપાર્જન માટે કામ કરતા ન હોવાથી તેઓ અર્થતંત્રમાં કશો ફાળો નોંધાવી શકતા નથી. કોઈ પણ દેશનું અર્થતંત્ર આખરે તો તેની ઉત્પાદનક્ષમતા પર જ આધારિત હોવાનું. પ્રોફેશનલ્સ અને વર્કર્સ પૂરતા પ્રમાણમાં ન હોય એટલે એની સીધી માઠી અસર દેશની ઇકોનોમી પર પડે. જપાનમાં એવી કેટલીય ઇન્ડસ્ટ્રીઝ છે, જેમાં કામ કરનારાઓ મળતા નથી. ઇકોનોમી કન્ઝ્યુમર્સના જોરે ચાલે છે. આપણે ભલે ઉપભોક્તાવાદને ગાળો આપીએ, પણ અપ્રિય હકીકત એ જ છે કે જેટલો ઉપભોક્તાવાદ વધારે, જેટલો માલ વધારે વેચાય એટલું અર્થતંત્ર તગડું બને. સિત્તેર-એંસી વર્ષના વૃદ્ધો બાપડાં કરી કરીને શું શોપિંગ કરવાના? યુવાન વસતિ ઘટે એટલે કન્ઝયુમર્સ પણ ઘટે. સામે પક્ષે, સિત્તેર-એંસી-નેવું વર્ષના વૃદ્ધોનેસાચવવામાં, એમને પેન્શન વગેરે આપવામાં, એમના દવા-દારૃમાં સરકારે એકધારો પુષ્કળ ખર્ચ કરતાં રહેવો પડે. આમ, જપાનનીઇકોનોમીને બન્ને તરફથી માર પડી રહ્યો છે.
જપાની પ્રાઇમ મિનિસ્ટર એટલે જ ઘાંઘા થયા છે. તેઓ કહે છે કે, જુવાનિયાઓ, શું કરો છો તમે? બહુ થયું. હવે વધારે રાહ જોઈ શકાય એવું છે જ નહીં. ઇટ્સ નાઉ ઓર નેવર! તમતમારે ચિંતા કર્યા વગર બિન્દાસ બીજું-ત્રીજું બેબી પ્લાન કરવા માંડો, બાળઉછેરને લગતી પોલિસીઓને અમે ટોપ પ્રાયોરિટી આપીશું, બસ?
૦ ૦ ૦
જપાન જેવી જ સમસ્યા સાઉથ કોરિયાની છે. અહીંનો ફટલિટી રેટ દુનિયામાં સૌથી નીચો છે અને વૃદ્ધોની સંખ્યા વધતી જાય છે. સાઉથ કોરિયન સરકાર તેથી જ વધારે સંતાન ધરાવતાં પરિવારોને ખાસ સબસિટી આપે છે, પેરેન્ટલ લીવ વધારી છે, વિદેશથીવર્કર્સ કામ કરવા સાઉથ કોરિયા આવવા આકર્ષાય તે માટે ઇમિગ્રેશનના કાયદા હળવા કર્યા છે તેમજ ગ્લોબલ ટેલેન્ટ વિસા આપવાનું શરૃ કર્યું છે. ઈટાલીના પણ આ જ સમસ્યા છે -બચ્ચાં ઓછા જન્મે છે ને વૃદ્ધો વધતા જાય છે. તેથી ઇટાલિયન સરકાર વધારે બાળકો ધરાવતાં પરિવારોને ટેક્સમાં રાહત આપે છે, ત્રીજું-ચોથું-પાંચમું સંતાન જન્મે તો ખાસ ‘બેબી બોનસ’ આપે છે. વૃદ્ધોની મોટી ફોજ અને નીચો જન્મદર ધરાવતા જર્મનીમાં સ્કિલ્ડ લેબરની તંગી છે એટલે અહીંની સરકારે યુરોપ બહારના લોકોને આકર્ષવા માટે જાતજાતની સ્કીમ અમલમાં મૂકી છે, ઇમિગ્રન્ટ્સને જર્મન ભાષા શીખવવા માટે વિશેષ સહાય પૂરી પાડે છે. સિંગાપોરમાં પણ વૃદ્ધોના વસતિવધારાની અને રશિયામાં ઓછા જન્મદરની સમસ્યા છે.
૦ ૦ ૦
તો શું ભારતને ચિર યૌવનના આશીર્વાદ મળ્યા છેે? ના. ભારત કંઈ હંમેશ માટે દુનિયાનો સૌથી યુવાન દેશ નહીં રહે. ધ યંગેસ્ટ કંટ્રીનો ખિતાબ ગુમાવવાની દિશામાં આપણે ઓલરેડી કદમ માંડી દીધાં છે. અભ્યાસ કહે છે કે ૧૯૫૦ના દાયકામાં પ્રત્યેક ભારતીય સ્ત્રી સરેરાશ ૫.૯ બાળક પેદા કરતી હતી, પણ ૨૦૨૦માં ભારતીય નારીએ સરેરાશ ફક્ત ૨.૨ બચ્ચાં જ જણ્યાં. યુનાઇટેડ નેશન્સે અંદાજ બાંધ્યો છે કે ૨૦૫૦ની સાલ સુધીમાં ભારતીયોની સરેરાશ ઉંમર ૩૮ વર્ષ થઈ ગઈ હશે. યાદ રહે, એક સમયે જપાન, સાઉથ કોરિયા અને ચીન પણ ‘યંગ કંટ્રી’ હતા. ઇવન અમેરિકા પણ જુવાન દેશ ગણાતો હતો, પણ ત્યાંય વૃદ્ધોની વસતિ વધતાં અત્યારે તે ડેમોગ્રાફિક ટ્રાન્ઝિશનમાંથી પસાર થઈ રહ્યો છે.
ટૂંકમાં, યૌવન કોઈનું કાયમ રહેતું નથી. ન માણસનું, ન દેશનું.
– શિશિર રામાવત
Leave a Reply