પીએસ-વન : જાહેર જનતાના હિતમાં અનાઉન્સમેન્ટ.
ભાઈસાહેબ / બહેનબા… ધારો કે તમે મહાન ફિલ્મમેકર મણિરત્નમની ગઈ કાલે જ રિલીઝ થયેલી ફિલ્મ ‘પોનીઇન સેલ્વન પાર્ટ-વન’ એટલે કે ટૂંકમાં ‘પીએસ-1’ જોવા જવાનું વિચારતા હો તો મહેરબાની કરીને થિયેટરનું પગથિયું ચડતાં પહેલાં એટલીસ્ટ બે-ચાર કલાક પાક્કું હોમર્વક કરીને જજો. જો એવું નહીં કરો તો તમારી હાલત મારા જેવી થઈ જશે. ત્રણ કલાકને અંતે હું ઓડિટોરિયમની બહાર નીકળ્યો ત્યાં સુઘીમાં મારું મગજ બહેર મારું ગયું હતું ને આંખો એવી ફાટી ગઈ હતી કે જાણે જીવતું ભૂત ના જોઈ લીધું હોય! મને થાય કે હાય રામ, આ શું હતું? દુનિયાભરની ફિલ્મો જોઈ છે, અઘરી અઘરી આર્ટ ફિલ્મો જોઈ છે ને થોડીઘણી ખબર પણ પડી છે… પણ આ પીએસ-1માં તો હરામ બરાબર કંઈ સમજાયું હોય તો! આખેઆખી પિક્ચર માથા પરથી ગઈ! આપણને તો ટેન્શન થઈ જાય કે ભગવાને જે કંઈ સમજણશક્તિ આપી હતો એનો એકાએક નાશ થઈ ગયો કે શું? કંઈ ટપ્પા કેમ પડતા નથી? સ્ક્રીન પર દેખાતા આ બધા લોકો કોણ છે? આમાં કોણ કોનો ભાઈ છે, કોણ કોનો દીકરો છે, કોણ કોની પ્રેમિકા કે વાઇફ છે ને એમની લાઇફમાં પ્રોબ્લેમ શું છે ને શું કામ બધા ગાંડાની જેમ મારામારી કરે છે ને આ બધાને આખરે શું જોઈએ છે? મા કસમ, જિંદગીમાં આટલું બાધ્ધાપણું ક્યારેય ફીલ નથી થયું!
પોનીઇન સેલ્વન દક્ષિણ ભારતના ચૌલ વંશનો રાજા હતો એટલી જ આપણને ખબર છે. પ્રમોશનલ એક્ટિવિટીના ભાગરૂપે મણિરત્નમ અને એમના કલાકારોના ત્રણેક જેટલા આખેઆખા ઇન્ટરવ્યુ જોયા હતા એટલે થોડું ઘણું હોમર્વક તો કર્યું કહેવાય. તોય આવા હાલ થયા, બોલો! ખરેખર તો આ લોકોએ ફિલ્મનો શો શરૂ કરતાં પહેલાં ઓડિયન્સ માટે અડધી કલાકનો ફરજિયાત વર્કશોપ યોજવો જોઈએ. બધાના હાથમાં એક-એક માર્ગદર્શિકા કે ગાઈડ પકડાવી દેવી જોઈએ કે જેમાં તમામ પાત્રોનાં (ભયંકર, મગજની નસ ખેંચી નાખે એવાં, કેમેય કરીને યાદ ન રહે એવાં) નામ લખ્યાં હોય, બધાં પાત્રો વચ્ચે શું સગપણ છે તે સમજાવતો ચાર્ટ હોય, દરેકનો ટૂંકો પરિચય હોય અને દરેકના જીવનની મુખ્ય સમસ્યા તેમજ હેતુ શું છે એ પણ લખ્યું હોય. આટલું કર્યા પછીય ફિલ્મમાં થોડો ઘણો રસ પડે તો પડે!
જ્યાં સુધી આપણને વાર્તા ને પાત્રો જ સમજાયાં ન હોય ત્યાં અભિનય કે સિનેમેટોગ્રાફી કે પ્રોડક્શન વેલ્યુ કે વીએફએક્સની શું વાત કરવી? આપણને થાય કે ચાલો, ગીતોમાં કંઈક મજા આવશે, પણ અહીં તો એ.આર. રહેમાને પણ દાટ વાળ્યો છે. ટૂંકમાં, આ ફિલ્મ સાઉથમાં ચાલી જાય તો ચાલી જાય, બાકી હિન્દી બેલ્ટમાં તો એ ઓડિયન્સ પર કાળો કેર વર્તાવશે. મૂળ આ ફિલ્મ કલ્કિ કૃષ્ણમૂર્તિ નામના લેખકે લખેલી ને પાંચ ભાગમાં ફેલાયેલી મહાનવલકથા પર આધારિત છે. તમિળનાડુમાં આ નવલકથા ક્લાસિક ગણાય છે ને તે ખાસ્સી લોકપ્રિય નીવડી છે. મણિરત્નમે જાણે માની લીધું છે કે આખું ભારત ખાસ આ તમિળ નવલકથા વાંચીને બેઠું છે ને સૌને નવલકથાનું એકેએક પાનું ગોખાયેલું છે. ફિલ્મની શરૂઆતમાં એક્ચ્યુઅલી આવું ડિસ્કલેઇમર મૂકવાની જરૂર હતી – ફક્ત કલ્કિલિખિત તમિળ નવલકથાના ચાહકો માટે….
બસ બહુ લખ્યું. ઇનફ! હું મૂર્છિત થઈને ઢળી પડું તે પહેલાં કોઈ કડક ચા પીવડાવો, ભાઈ. દેસી દારુ બી ચાલશે, યાર…!
– Shishir Ramavat
Leave a Reply