ગુજરાતી ભાષા ફાવે તેમ લખાય, એમ?
દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 15 જુલાઈ 2-2-
ટેક ઓફ
અત્યાર સુધી માત્ર છાપામાં લખનારા અને ટીવીવાળા ગુજરાતી ભાષા પર અત્યાચાર કરી શકતા હતા. સોશિયલ મિડીયાને કારણે આજે સાડાછ કરોડ ગુજરાતીઓને માતૃભાષા પર અત્યાચાર કરવાનો પરવાનો મળી ગયો છે.
* * * * *
સોશિયલ મિડીયા જેવું લેવલર બીજું એકેય નથી. લેવલર એટલે બધાને એક જ સ્તર પર લાવી દેતી વસ્તુ. ફેસબુક નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પને જે પ્લેટફૉર્મ આપે છે તે જ પ્લેટફૉર્મ તમને પણ આપે છે. ટ્વિટર પર અમિતાભ બચ્ચનના ટ્વિટની તરત નીચે તમારું ટ્વિટ હોઈ શકે છે. માત્ર ફેમસ વ્યક્તિની જ નહીં, તમારી પોસ્ટ પણ વાઇરલ થઈને હજારો-લાખો લોકો સુધી પહોંચી શકે છે, જો તે દમદાર હશે તો. અત્યાર સુધી માત્ર પત્રકારો અને કોલમનિસ્ટો છાપામાં લેખો લખીને પોતાના વિચારો વ્યક્ત કરી શકતા હતા. આજે સમગ્ર પ્રજા ગમે ત્યારે સોશિયલ મિડીયા પર જઈને પોતાનું મંતવ્ય જણાવી શકે છે, અહેવાલ આપી શકે છે, પોતાના ગમા-અણગમા દુનિયા સામે બેધડક રજૂ કરી શકે છે. સરસ વાત છે આ.
સોશિયલ મિડીયાને કારણે આજે અસંખ્ય લોકો ગુજરાતીમાં લખતા થયા છે. ગુજરાતી ભાષાને, ફોર ધેટ મેટર, ચલણમાં હોય તેવી કોઈ પણ ભાષાને, જીવંત ને ધબકતી રાખી શકવાની સોશિયલ મિડીયાની તાકાત જબરદસ્ત છે. આ અદભુત વાત છે. તકલીફ એ છે કે સોશિયલ મિડીયા બેધારી તલવાર જેવું છે. અત્યાર સુધી માત્ર પત્રકારો અને કોલમનિસ્ટો કે પછી ગુજરાતી ન્યુઝ ચેનલોવાળા જ ગુજરાતી ભાષા પર અત્યાચાર કરી શકતા હતા. આજે સ્થિતિ એવી આવી ગઈ છે કે સોશિયલ મિડીયાને પ્રતાપે સાડાછ કરોડ ગુજરાતીઓ માતૃભાષા પર ગમે ત્યારે, દિવસ-રાત દરમિયાન કેટલીય વાર, સતત અત્યાચાર કરી શકે છે.
ગોબરું, ચિતરી ચડે એવું, માથામેળ વગરનું, દમ વગરનું… આપણે કેવું ગુજરાતી લખીએ છીએ સોશિયલ મિડીયા પર? જરા થોભીને જુઓ તો ખરા. માત્ર ઉચ્ચ કક્ષાની સાહિત્યિક ભાષામાં જ લખવું જોઈએ તેવું કોઈ કહેતું નથી. તે જરૂરી પણ નથી ને શક્ય પણ નથી, પણ સાહેબ, ગુજરાતીમાં લખતી વખતે ભાષાનું થોડુંઘણું માન તો જાળવો. બેઝિક નિયમો તો પાળો. ફેસબુક પર કોઈની પોસ્ટ વાંચીએ યા તો વોટ્સએપ પર કોઈનું ફૉરવર્ડ મળે ત્યારે લખાણનો મુદ્દો સમજાય જાય, માણસ શું કહેવા માગે છે એટલી ખબર ખબર પડી જાય એટલે આપણને સંતોષ થઈ જાય છે. તે લખાણની ભાષા, વ્યાકરણ, વાક્યોનું બંધારણ, જોડણી વગેરે તમ્મર ચડી જાય તેટલાં વાહિયાત હોય તો પણ આપણને ફર્ક પડતો નથી. આપણા પેટનું પાણી સુધ્ધાં હલતું નથી. ગંદી ગુજરાતીમાં લખાયેલો પ્રેરણાદાયી ક્વૉટ કે ટુચકો આપણે ફટાફટ વાંચી જઈએ છીએ ને પાછા તેને શૅર કે ફોરવર્ડ પણ કરી નાખીએ છીએ. ભાષાના મામલામાં આપણી ઉદારતાનો જોટો જડે તેમ નથી.
‘ને’, ‘નું’, ‘ના’, ‘નો’, ‘માં’, ‘થી’ – આ અક્ષરોને મૂળ શબ્દથી અલગ પાડી દેવાનો કાયદો ક્યારથી અમલમાં આવી ગયો? લોકો લખશે કે –
‘નરેન્દ્ર મોદી ને દેશ ચલાવતા આવડતો નથી’,
‘કોરોના નો કાળો કેર’, ‘લૉકડાઉન માં છૂટ અપાશે’,
‘અમિતાભ બચ્ચન થી ચડિયાતો કોઈ એક્ટર નથી’….
અરે સાહેબ, નરેન્દ્ર ‘મોદી ને’ કે નરેન્દ્ર ‘મોદીને?
‘કોરોના નો’ કે ‘કોરોનાનો?
‘લૉકડાઉન માં’ કે ‘લૉકડાઉનમાં?
‘બચ્ચન થી’ કે ‘બચ્ચનથી?
ને-નો-માં-થી… આ અક્ષરોની પહેલાં સ્પેસ શા માટે ઘુસાડી દો છો તમે? આ ગુજરાતી ભાષા છે, હિન્દી નથી. હિન્દીમાં આ પ્રકારના અક્ષરો છૂટ્ટા પડી જાય, પણ ગુજરાતીમાં નો-ની-નુ-ના-ને જેવાં વિભક્તિનાં પ્રત્યયો અને માં-થી જેવા અક્ષરો આગલા શબ્દની સાથે જોડાયેલા જ રહે.
લોકો દલીલ કરશે કે એ તો અમે મોબાઇલમાં ગુજરાતી ટાઇપ કરતા હોઈએ ત્યારે શબ્દ પૂરો થાય પછી આપોઆપ સ્પેસ થઈ જાય છે. એમાં અમે શું કરીએ? આ ટેક્નોલોજીકલ ગરબડ છે તે સાચી વાત છે. જ્યાં સુધી ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ, સેમસંગ જેવી કંપનીઓ આ ક્ષતિ પર કામ નહીં કરે ત્યાં સુધી આ ગરબડ થતી રહેશે, પણ સાહેબ, તમે પોતે સ્પેસ દૂર કરીને શબ્દને વ્યવસ્થિત કેમ કરતા નથી? શા માટે તમે ઊંધું ઘાલીને ટાઇપ કર્યા જ કરો છો ને બિનજરૂરી સ્પેસ હટાવ્યા વગર, લખાણને એડિટ કર્યા વગર ફેસબુક કે વૉટ્સએપ પર ચડાવી દો છો?
રસ્તાઓ પર તોતિંગ હોર્ડિંગ અને પોસ્ટરોમાં, છાપા-મૅગેઝિન-ટીવી પર જોવા મળતી મોંઘીદાટ જાહેરાતોમાં આવી ભયાનક ભૂલો આંખ પર સતત અથડાતી રહે છે. થથરી ઉઠાય છે આ ગંદવાડ જોઈને. એડવર્ટાઇઝમેન્ટ પાછળ હજારો-લાખો રૂપિયા ખર્ચી નાખનારા વિજ્ઞાપનદાતાઓ પોતાની પ્રોડક્ટની એડમાં સાચી ગુજરાતી ભાષા વાપરવાનો આગ્રહ કેમ રાખતા નહીં હોય? જાહેરાત તૈયાર કરનારી એડ એજન્સીઓને ખુદને સમજાતું નહીં હોય કે લખાણમાં ગુજરાતી ભાષાનો દાટ વળી ગયો છે? શું તેઓ તદ્દન અભણ કોપીરાઇટરોને નોકરીએ રાખતા હશે? શું તેઓ તેલુગુ અને તમિલભાષીઓ પાસે ગુજરાતી જાહેરાતો લખાવતા હશે? શક્ય છે, બિલકુલ શક્ય છે. કદાચ તેઓ પરગ્રહના નિવાસીઓ પાસે સસ્તામાં ગુજરાતી કોપીરાઇટિંગ કરાવતા હોય એવુંય બને. તે સિવાય આટલી બધી ભૂલો કેવી રીતે રહી જાય?
સો વાતની એક વાત. અત્યાર સુધી લિખિત ગુજરાતી ભાષાની ગરિમા સાચવવાની જવાબદારી મુખ્યત્ત્વે સાહિત્યકારો, છાપાં-મૅગેઝિનો, ટીવી ચેનલો-અને એડ એજન્સીઓ પર હતી. હવે આ જવાબદારી સોશિયલ મિડીયા પર માતૃભાષામાં પોતાની વાત રજૂ કરતા તમામ ગુજરાતીઓ ઉપાડી લેવાની છે.
– Shishir Ramavat
Leave a Reply