ટેરરિસ્ટ બાપની સામે પડવા માટે કઈ કક્ષાની નૈતિક તાકાત જોઈએ?
————————
મોસાબ હસન યોસેફ એટલે દુનિયાના સૌથી પ્રસિદ્ધ એક્સ-મુસ્લિમમાંનો એક. હમાસ જેવા પેલેસ્ટાઇનના ખતરનાક આતંકવાદી સંગઠનના સહસંસ્થાપકનો એ દીકરો. એણે દુશ્મન દેશ ઇઝરાયલ સાથે હાથ મિલાવી લીધા. એણે પૂરી પાડેલી ગુપ્ત માહિતીના પ્રતાપે કેટલાય આતંકવાદી હુમલા ખાળી શકાયા ને સેંકડો નિર્દોષ લોકોનો જીવ બચ્યો. ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરી લેનાર મોસાબ આજકાલ શું કરે છે?
—————————————-
વાત વિચાર, ગુજરાત સમાચાર, Edit Page
—————————————-
થોડી વાર માની લો કે નાઇન-ઇલેવનનો અટેક કરીને અમેરિકાના કોન્ફિડન્સનો ભાંગીને ભુક્કો બોલાવી દેનાર ટેરરિસ્ટ ગુ્રપ અલ-કાઇદાનો વડો ઓસામા બિન લાદેન જીવતો છે. એવુંય માની લો કે એની છ પત્નીઓ થકી થયેલાં વીસ-પચ્ચીસ સંતાનો પૈકીનો એક દીકરો એનો ઉત્તરાધિકારી બનવાનો છે. ઓસામા બિન લાદેન એને સઘન તાલીમ આપી રહ્યો છે કે જેથી પોતે નિવૃત્ત યા તો અલ્લાહને પ્યારો થાય પછી અમેરિકા જેવા ‘શેતાન’ દેશને તહસનરસ કરી નાખવાનું પોતાના મુખ્ય મિશનને આ દીકરો આગળ ધપાવી શકે.
શું તમે કલ્પના કરી શકો છો કે ઓસામા બિન લાદેનનો આ દીકરો અમેરિકા સાથે ભળી જઈને એનો ગુપ્ત ખબરી ગયો હોય? આવું થાય તો શું થાય? પોતાના વાલિદ અને અલ-કાઇદાના બીજા ટોચના સભ્યો હવે ક્યાં અને કેવા ટેરરિસ્ટ અટેક કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે એની રજેરજની માહિતી આ દીકરા પાસે હોય અને એ ચોરીછૂપીથી આ સઘળી ઇન્ફર્મેશન અમેરિકાની ગુપ્તચર સંસ્થા સીઆઇએને પહોંચાડતો હોય…
આ તો આપણે કેવળ કલ્પના કરી, પણ હવે એક એવા ઘટનાક્રમ વિશે વાત કરીએ જે બિલકુલ સત્ય છે. તમે ફક્ત અલ-કાઇદાની જગ્યાએ હમાસ મૂકી દો અને ઓસામા બિન લાદેનને શેખ હસન યોસેફ વડે રિપ્લેસ કરી નાખો. હમાસ એટલે અલ-કાઇદા જેવું જ ખતરનાક ટેરરિસ્ટ ગુ્રપ અને શેખ હસન યોસેફ એટલે હમાસના સહ-સંસ્થાપક. હમાસ જે લાંબાલચ્ચ એરેબિક નામનું શોર્ટ ફોર્મ છે તેનો અર્થ થાય છે, ઇસ્લામિક રેઝિસ્ટન્સ મૂવમેન્ટ. અમેરિકા, યુરોપિયન સંઘ, ઇંગ્લેન્ડ, કેનેડા, ઇઝરાયલ અને જપાને હમાસને ટેરરિસ્ટ સંગઠન તરીકે ઘોષિત કર્યું છે. તેની સામે, અલબત્ત, ચીન-રશિયા-બ્રાઝિલ-સિરીયા-ઇરાન-ઇજિપ્ત અને અન્ય એવા કેટલાક દેશો હમાસને ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન ગણવાની ના પાડે છે. ૨૦૦૬માં હમાસ રીતસર પેલેસ્ટાઇનમાં લેજિસ્લેટિવ ઇલેક્શન જીતી ગયું હતું, જેના પગલે અતિ વિવાદિત ગાઝા પટ્ટી પર વ્યાવહારિક રીતે હમાસનું શાસન સ્થપાઈ ગયું. પેલેસ્ટાઇનમાં, ટૂંકમાં, હમાસનું રાજકીય વજન ખાસ્સું એવું છે.
કેટલીક વૈશ્વિક અથડામણો એવી છે જે દાયકાઓથી ચાલ્યા જ કરે છે ને તેનો અંત જ આવતો નથી. પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચેની સમસ્યા આ પ્રકારની છે. હમાસનું એક જ લક્ષ્ય છેઃ દુશ્મન દેશ ઇઝરાયલને છિન્નભિન્ન કરીને તેનું અસ્તિત્ત્વ શૂન્ય કરી નાખો! ભારતમાં જેમ રૉ (રિસર્ચ એન્ડ એનેલિસિસ વિંગ) તેમજ આઇબી (ઇન્ટેલિજન્સ બ્યુરો) નામની જાસૂસી સંસ્થા કામ કરે છે, અમેરિકામાં જેમ સીઆઇએ (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી) અને એફબીઆઈ (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) નામની ગુપ્તચર સંસ્થા ધમધમે છે, તેમ ઇઝરાયલમાં મોસાદ અને શિન બેટ નામની ઇન્ટેલિજન્સ એજન્સીઓ સક્રિય છે. મોસાદ આંતરાષ્ટ્રીય સ્તરે ઓપરેટ કરે છે, જ્યારે શિન બેટ ઇઝરાયલની આંતરિક સુરક્ષાની સંભાળ રાખે છે.
કહે છેને કે સત્ય કલ્પના કરતાંય વધારે વિચિત્ર, વધારે હેરતઅંગેજ હોઈ શકે છે. ઇઝરાયલની શિન બેટ એજન્સીએ દુશ્મન દેશના ટેરરિસ્ટ ગુ્રપ હમાસના વડાના મોસાબ હસન યોસેફને સાધીને પોતાનામાં ભેળવી દીધોે! અત્યારે દુનિયાભરમાં એક્સ-મુસ્લિમોની સંખ્યા ક્રમશઃ વધી રહી છે. (સામે પક્ષે, આંતરરાષ્ટ્રીય સ્તરે મુસ્લિમોની વસતિ વધી રહી છે તે પણ એક સત્ય છે.) એક્સ-મુસ્લિમ એટલે જેનો જન્મ અને ઉછેર મુસ્લિમ પરિવારમાં થયો હોય, પણ મોટપણમાં એણે મુસ્લિમ ધર્મનો ત્યાગ કર્યો હોય. મોસાબ યોસેફ દુનિયાના સૌથી ફેમસ એક્સ-મુસ્લિમોમાંનો એક છે.
મોસાબને નાનપણમાં લડવૈયા બનવું હતું. પેલેસ્ટાઇનમાં આમેય નાના છોકરાઓ પાસેથી અપેક્ષા રહેતી હોય છે કે મોટા થતાંની સાથે જ એ હાથમાં અસ્ત્રોશસ્ત્રો પકડી લેશે. મોસાબ હજુ માંડ દસ વર્ષનો હતો ત્યારે એણે ઇઝરાયલીઓ પર પથ્થરમારો કર્યો હતો. નાનપણમાં એણે આવાં ઘણાં પરાક્રમો કર્યા હતા ને એ કેટલીય વાર જેલ પણ જઈ આવ્યો હતો. હમાસની સ્થાપના ૧૯૮૭માં થઈ ત્યારે મોસાબની ઉંમર હશે નવેક વર્ષ. નજર સામે, કહો કે ખુદના ઘરમાં જ, પોતાના ફાધર અને એના સાગરીતો દ્વારા આ સંગઠનની સ્થાપના થઈ એણે જોઈ. મોસાબના દાદા બહુ પ્રતિષ્ઠિત ઇમામ હતા. પેલેસ્ટાઇનમાં આ પરિવારનો ઠાઠ લગભગ રોયલ ફેમિલી જેવો. મોસાબ જરા જુવાન થવા લાગ્યો ત્યારે એના ફાધર શેખ હસન યોેસેફે એને પોતાનો સહાયક બનાવી દીધો. પોતે જે કંઈ રાજકીય પ્રવૃત્તિઓ કરતા (જે ક્રમશઃ આતંકવાદી પ્રવૃત્તિઓ બનવા લાગી હતી) તેમાં શેખ હસન દીકરાને સાથે રાખે. એમનો ઇરાદો દીકરાને કાચી ઉંમરથી જ ‘ધંધા’માં પલોટવાનો હતો. આમેય એ ઘરનો મોટો દીકરો હતો. પોતે જે ‘વારસો’ આપી જવાના હતા એની દેખભાળ પછી મોસાબે જ તો રાખવાની હતી. એમને શું ખબર કે ઘર કા ભેદી હી લંકા ઢાએગા?
જે છોકરાનું મન નાનપણથી જ દૂષિત કરી નાખવામાં આવ્યું હોય તેનામાં શું સાચું છે ને શું ખોટું તે નક્કી કરવાનો વિવેક કેવી રીતે આવ્યો? કદાચ તે મોસાબના મુકદ્દરમાં લખાયું હતું. મોસાબ ચોવીસ-પચીસનો થયો હશે ત્યારે એને પહેલી વાર ભાન થયું કે પોતાના ફાધર અને હમાસના એમના સાગરીતો જે કૃત્યો કરી રહ્યા છે એ અત્યંત ખોટાં અને ખરાબ છે. ઇઝરાયલના હમદર્દ હોવાની શંકા માત્ર હોય તેવા પેલેસ્ટાઇનના નાગરિકોને હમાસના માણસો ઉપાડી લાવતા, તેમને બંદી બનાવી તેમના પર અમાનવીય અત્યાચાર ગુજારતા ને આખરે અલ્લાહને પ્યારા કરી દેતા. આવી રીતે સેંકડો લોકોને હણી નાખવામાં આવ્યા હતા. મોસાબ આ બધું જોઈને હબકી જતો. એણે જોયું કે પોતાનાં લક્ષ્યો પૂરાં કરવા એના ફાધર અને હમાસના સાથીદારો નિર્દોષ બાળકો તેમજ સ્ત્રીઓને પણ છોડતા નથી. મોસાબના મનમાં જાતજાતના સવાલો પેદા થવા લાગ્યા – માત્ર હમાસ પ્રત્યે જ નહીં, ઇસ્લામ ધર્મ પ્રત્યે પણ.
બન્યું એવું કે ૧૯૯૬માં મોસાબ ઇઝરાયલી ઇન્ટેલિજન્સ એજન્સી શિન બેટના હાથમાં ઝડપાઈ ગયો. એને જેલમાં નાખવામાં આવ્યો. અહીં તેની સઘન પૂછપરછ થઈ. મોબાસે તરત એક ફર્ક નોંધ્યોઃ એ હમાસ જેવા ટેરરિસ્ટ ગુ્રપના કો-ફાઉન્ડરનો દીકરો હોવા છતાં ઇઝરાયલીઓ એની સાથે નમ્રતાથી વર્તી રહ્યા હતા, જ્યારે હમાસવાળા તો જેનો કશો જ વાંકગુનો ન હોય એવા પોતાના જ દેશના નાગરિકોને પણ બર્બરતાથી મારી નાખતા હતા. ઇઝરાયલની ગુપ્તચર સંસ્થાના સાહેબોએ મોસાબ સામે એક ઓફર મૂકીઃ તું અમારો ખબરી બની જા. હમાસ શું પ્લાનિંગ કરી રહ્યું છે એની સઘળી બાતમી અમને ગુપચુપ પહોંચાડતો જા. જો તું આ ઓફર સ્વીકારી લઈશ તો અમે તને માનભેર છોડી મૂકીશંુ.
મોસાબે ઓફર સ્વીકારી લીધી.
૧૯૮૭માં મોસાબ ઇઝરાયલની જેલમાં છૂટીને ઘરે આવ્યો ત્યારે એ જુદો જ માણસ બની ચૂક્યો હતો. હવે પછીનાં દસ વર્ષ દરમિયાન એ હમાસના પ્લાનિંગ અને ગતિવિધિઓની રજેરજની બાતમી ઇઝરાયલી ગુપ્તચર સંસ્થાને આપતો રહ્યો. ઇઝરાયલના કયા નાગરિકો હમાસ સાથે સાંઠગાંઠ ધરાવે છે તેની ઇન્ફર્મશન પણ તે પહોંચાડતો. આ બધાનું પરિણામ બહુ સ્પષ્ટ હતુંઃ મોસાબે પૂરી પાડેલી ટોપ સિક્રેટ માહિતીના આધારે ઇઝરાયલના સત્તાધારીઓ આગોતરાં પગલાં લઈ લેતાં. પરિણામે ઇઝરાયેલમાં કંઈકેટલાય સુસાઇડ બોમ્બિંગ અને અન્ય પ્રકારના આતંકવાદી હુમલાઓને ખાળી શકાયા. સેંકડો નિર્દોષ લોકોના જીવ બચી ગયા. અરે, ૨૦૦૧માં ઇઝરાયલના ફોરેન મિનિસ્ટર, કે જે પછી ઇઝરાયલના પ્રેસિડન્ટ બન્યા, એમને ખતમ કરી નાખવાનું ષડયંત્ર પણ મોસાબની ગુપ્ત માહિતીના આધારે નિષ્ફળ બનાવી શકાયું.
મોસાબ આ બધું કંઈ પૈસા માટે નહોતો કરતો. ગર્ભશ્રીમંત પરિવારના નબીરાને નાણાનું શું આકર્ષણ હોય? એણે ઇઝરાયલી ઇન્ટેલિજન્સ એજન્સી સામે સ્પષ્ટ શરત મૂકી હતી કે તમારે હમાસના માણસોને મારી નાખવાના નથી, માત્ર એમને બંદી બનાવવાના છે.
કહેવાય છે કે ૧૯૯૯માં એક બ્રિટીશ પાદરી થકી પહેલી વાર મોસાબને ખ્રિસ્તી ધર્મનો પરિચય થયો. એણે ઇસ્લામ છોડીને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય લઈ લીધો. ૨૦૦૫માં એનું વિધિવત્ ધર્માંતરણ થયું. ૨૦૦૭માં એ વેસ્ટ બેન્ક (પેલેસ્ટાઇન) છોડીને અમેરિકા જતો રહ્યો ને પછીના વર્ષે ખુલ્લેઆમ એલાન કરી દીધું કે એ હવે એક્સ-મુસ્લિમ છે, એ ખુદને એક ખ્રિસ્તી તરીકે આઇડેન્ટિફાય કરે છે. સામે પક્ષે, એના પિતાજી શેખ હસને યોસેફે પણ જાહેર કરી દીધું છે આવો વિશ્વાસઘાતી માણસ મારો દીકરો હોઈ શકે જ નહીં, એક બાપ તરીકે હું એને ડિસ-ઓન કરું છું!
મોસાબ એક બોલકો માણસ છે. એણે ‘સન ઓફ હમાસઃ અ ગ્રિપિંગ અકાઉન્ટ ઓફ ટેરર, બિટ્રેયલ, પોલિટિકલ ઇન્ટ્રીગ એન્ડ અનથિન્કેબલ ચોઈસીસ’ નામની આત્મકથા લખી છે. આ પુસ્તકના આધારે પછી ‘ધ ગ્રીન પ્રિન્સ’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બની જેને સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અવોર્ડ સુધ્ધાં મળ્યો.
સારપ અને વિદ્રોહવૃત્તિ પણ ચેપી હોતી હશે? ૨૦૧૯માં મોસાબના નાના ભાઈ સુહેબ યોસેફે બળવો પોકાર્યો. એણે દુશ્મન દેશ ઇઝરાયલની એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ આપ્યો, જેમાં તેણે હમાસમાં ખદબદતા ભ્રષ્ટાચાર વિશે ખુલીને વાતો કરી.
મોસાબ હસન યોસેફ હવે દુનિયાભરમાં ફરીને વકતવ્યો આપે છે. એ વર્ષો સુધી અમેરિકામાં વૈભવી જીવન જીવ્યો, પણ કહે છે કે હાલ એ એશિયાના કોઈ દેશમાં શિફ્ટ થઈ ગયો છે.
– Shishir Ramavat
Leave a Reply