ચીંથરે વીંટયા રતનની પરખ કરીને એને પ્રકાશિત કરે એ ગુરુ!
—————
કચરાં-પોતાં-વાસણ જેવાં ઘરકામ કરતી બેબી હાલદાર નામની અલ્પશિક્ષિત સ્ત્રીના જીવનમાં એવું તે શું બન્યું કે એ ઉત્તમ લેખિકા બની ગઈ અને એની આત્મકથાના દેશ-વિદેશની ૨૧ ભાષાઓમાં અનુવાદ થયા?
—————–
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
—————–
કહે છેને કે બુદ્ધિ કોના બાપની? આ જ ઉક્તિ પ્રતિભાને પણ લાગુ નથી પડતી શું? પ્રતિભા કે સર્જનાત્મકતા ક્યાં કોઈના પિતાશ્રીની જાગીર છે? એ કંઈ માણસનું બેકગ્રાઉન્ડ જોઈને થોડી પ્રગટે છે? જો મા સરસ્વતીનાં આશીર્વાદ માણસનું સ્ટેટસ જોઈને ઊતરતાં હોત તો પારકા ઘરે કચરા-પોતાં-વાસણ-કપડાં કરીને પેટિયું રળતી બેબી હાલદાર નામની મહિલા બેસ્ટસેલિંગ લેખિકા થોડી બની શકી હોત અને એના પુસ્તકનો દેશ-વિદેશની ૨૧ ભાષાઓમાં અનુવાદ થોડો થયો હોત?
આપણાં ઘરોમાં રોજ નાનાં-મોટાં કામો કરતા લોકોનો વર્ગ એવો છે, જેમના તરફ આપણે સામાન્યપણે વિશેષ ધ્યાન આપતા નથી. તેઓ બસ, હોય છે. મૌન અને નિરુપદ્રવી. બેબી હાલદાર ભાગ્યશાળી હતી કે એ જેના ઘરમાં કામ કરતી હતી તે સજ્જન ચીંથરે વીટયા રતનને પારખી શકનાર ઝવેરી સાબિત થયા. બેબીની ખુદની કહાણી ભારે ઘટનાપ્રચુર છે. એ જન્મી કાશ્મીરમાં. એના દારુડિયા પિતાજી આખા કુટુંબને પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ લાવ્યા. બેબી ચાર વર્ષની થઈ ત્યારે એની મા ઘર છોડીને જતી રહી. દારૃડિયા પતિના અત્યાચારથી એ ત્રાસી ગઈ હતી. એ દીકરાને સાથે લઈ ગઈ, પણ બે દીકરીઓને બાપના ભરોસે છોડતી ગઈ. બાપે બીજાં લગ્ન કર્યાં, પછી ત્રીજાં લગ્ન કર્યાં. ફિલ્મી પારકી માની જેમ આ દીકરીઓની અપરમા પણ ત્રાસ વર્તાવવામાં કશું બાકી ન રાખતી. આવા માહોલમાં ભણતર કેવું ને વાત કેવી. તોય બેબી વચ્ચે વચ્ચે બંગાળી માધ્યમની નિશાળે જતી. નિશાળમાં એને બહુ મજા પડતી. કમસે કમ એને વાંચતા-લખતા તો આવડી જ ગયું.
એ બાર વર્ષની હતી ત્યારે એક દિવસ અચાનક એનો હાથ પકડીને ઘરે લઈ જવામાં આવી. ઘર બહુ બધા લોકો ભેગા થયા હતા. બેબીને સાડી પહેરાવીને એક બાજોઠ પર બેસાડી દેવામાં આવી. એની બાજુમાં એક માણસ બેઠો હતો. બેબી કરતાં એ ૧૪ વર્ષ મોટો હતો. પંડિત મંત્રોચ્ચાર કરતા હતા. બેબીને કશું સમજાતું નહોતું કે આ બધું શું ચાલી રહ્યું છે. એને એમ કે ઘરમાં પૂજા રાખી લાગે છે. વિધિઓ પૂરી થઈ એટલે એને કહેવામાં આવ્યુંઃ બેબી, તારાં લગન થઈ ગયાં છે, તારે હવે આ ઘર છોડીને સાસરે જતાં રહેવાનું છે. બાર વર્ષની અબુધ બાળકીને કેટલી સમજ હોવાની? પહેલી જ રાતે ૩૬ વર્ષનો વર આ બાળવધૂ પર તૂટી પડયો. આ ક્રમ રોજનો થઈ પડયો. બેબીએ પહેલાં સંતાનને જન્મ આપ્યો ત્યારે એ ફક્ત ૧૩ વર્ષની હતી. બેબીએ તરૃણાવસ્થા સરખી જોઈ જ નહીં. કિશોરીમાંથી એ સીધી ી બની ગઈ. અઢાર વર્ષની થાય એ પહેલાં એ ત્રણ બચ્ચાંની મા બની ગઈ – એક દીકરી અને બે દીકરા. એ ખુદને સંભાળે કે છોકરાંવને સાચવે? પાછું, કમાવાનું તો ખરું જ. બેબી પારકાં કામ કરતી. બે પૈસા કમાઈને ઘરે લાવે તોય વરનો ત્રાસ અટકે નહીં. હાલતાં-ચાલતાં મારઝૂડ ચાલતી જ હોય.
જિંદગી દે-ઠોક કરતી ચાલતી હતી ત્યાં એક અત્યંત કરૃણ ઘટના બની ગઈ. બેબીની બાજુમાં જ એની બહેનનું સાસરું. એક દિવસ ખબર પડી કે દારૃડિયા બનેવીએ બહેનનું ગળું દબાવીને એને મારી નાખી છે. બેબી ભાંગી પડી. બાળકોને બાદ કરતાં આખી દુનિયામાં એનું પોતાનું કહી શકાય એવી એની બહેન જ હતી. હવે એ પણ ન રહી. જિંદગીમાં એક ક્ષણ એવી આવે છે, જ્યારે માણસનો માંહ્લલો ચીસ પાડીને લગભગ આદેશાત્મક સૂરે કહી દે છેઃ બસ, બહુ થયું. જેટલું સહન કરવાનું હતું તે કરી લીધું, હવે આનાથી વધુ નહીં. બેબીએ જોયું કે પોતાની સહનશક્તિનું તળિયું આવી ગયું છે. કોણ જાણે ક્યાંથી એનામાં હિંમત પ્રગટી. એને થયું કે હું ઘરકામ કરીને કમાઉં છું, વરના ટેકા વગર એકલે હાથે ત્રણેય છોકરાંવને ઊછેરું છું. મારે શું કામ આ નર્કમાં સબડવું જોઈએ?
…અને પચ્ચીસ વર્ષની બેબી ત્રણેય બચ્ચાંને લઈને નીકળી ગઈ, નવી જિંદગી તરફ. એ જે ટ્રેનમાં બેઠી હતી તે દિલ્લી જતી હતી. દિલ્હી પહોંચીને ક્યાં જવાનું છે, શું કરવાનું છે, કશી જ ખબર નહોતી. ફક્ત એટલી સ્પષ્ટતા હતી કે મારે અહીં તો નથી જ રહેવું. અલ્પશિક્ષિત બેબીને એક જ કામ આવડતું હતું – ઘરકામ કરવાનું. દિલ્હી આવીને એ પારકાં કામ કરવા લાગી. એણે કેટલાંય ઘર બદલ્યાં. કહો કે બદલવા પડયાં. કોઈ ઘરે પૂછાતું કે તારો મરદ ક્યાં છે? આ ત્રણ છોકરાં કોનાં છે? અમુક ઘરમાં એની સાથે આભડછેટ કરવામાં આવતી. તારે કિચનમાં નહીં જવાનું, તારે ફલાણી વસ્તુઓને નહીં અડવાનું. બેબી જુએ કે ઘરમાં કૂતરો પાળ્યો છે એનેય મારા કરતાં વધારે આદર મળે છે. જ્યાં સ્વમાન ઘવાય એવા ઘરમાંથી બેબી નીકળી જતી. સદભાગ્યે આપણાં શહેરોની વ્યવસ્થા એવી રીતે ગોઠવાઈ છે કે ઘરકામ કરનારાઓને જરૃર સૌને પડે જ છે. તેથી બેબીને કામ મળી રહેતું.
આ રીતે એ પહોંચી ગુડગાંવમાં રહેતા એક રિટાર્યડ પ્રોફેસરના ઘરે. પ્રબોધ કુમાર એમનું નામ. તેઓ યુનિવસટીમાં એન્થ્રોપોલોજી ભણાવતા. મહાન હિન્દી સાહિત્યકાર મુનશી પ્રેમચંદ એમના દાદા થાય. પ્રોફેસર પ્રબોધ સૌમ્ય અને સજ્જન માણસ હતા. બેબીને અહીં શાંતિ હતી. ચાર વર્ષ સુધી મોંમાંથી એક શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યા વગર એ કામ કરતી રહી. બેબી આખા ઘરમાં ઝપાટાભેર ઝાપટઝૂપટ કરે, પણ પુસ્તકોના કબાટ સાફ કરતી વખતે એની ગતિ ધીમી પડી જાય. ધૂળ દૂર કરતાં કરતાં એ હળવેકથી કોઈ પુસ્તક હાથમાં લે, ધીમેથી એનાં પાનાં ફેરવે ને પાછું મૂકી દે. પ્રોફેસરસાહેબ રોજ એની આ ચેષ્ટા જોયા કરે. એક દિવસ એમણે પૂછી લીધુઃ બેબી, તને વાંચતા આવડે છે? બેબીએ માથું હલાવીને હા પાડી. તરત પ્રોફેસરે એના હાથમાં એક બંગાળી ચોપડી મૂકી દીધી. એનું શીર્ષક હતું, ‘અમાર મેયેબાલા’ (મારું છોકરીપણું). લેખિકા હતાં, તસલીમા નસરીન.
ચોપડીનાં પાનાં ફેરવતાં એને લાગ્યું કે આ જાણે એના જીવનની જ કહાણી છે. પછી તો પ્રોફેસર એને એક પછી એક પુસ્તક આપતાં ગયાં. બેબીને જેવો ટાઇમ મળે કે એ અધ્ધર શ્વાસે વાંચી જાય. એને તો જાણે ગોળનું ગાડું મળી ગયું. એક વાર પ્રોફેસરને દક્ષિણ ભારતના પ્રવાસે જવાનું થયું. જતાં પહેલાં એમણે બેબીના હાથમાં એક નોટબુક અને પેન મૂકી. પછી કહેઃ તું લખ! બેબીને સમજાયું નહીં કે પ્રોફેસર શું કહી રહ્યા છે. પ્રોફેસરે કહ્યુઃ તારી લાઇફમાં જે કંઈ બન્યું છે, તેં જે કંઈ અનુભવ્યું છે તે આ નોટમાં લખી નાખ.
બેબી સ્થિર થઈ ગઈ. છેલ્લે હાથમાં પેન પકડી હતી એ વાતને વીસ વર્ષ થઈ ગયાં. મને કેવી રીતે લખતાં આવડે? પણ સાહેબ કહીને ગયા છે તો લખવું તો પડશે. એક રાત્રે બાળકો સૂઈ ગયાં પછી બેબી પોતાની ઝૂંપડીમાં નોટ લઈને બેઠી. કાગળ પર થોડા અક્ષર પાડયા. પછી મૂંઝાઈ. શબ્દો યાદ ન આવે. જોડણી ન સૂઝે. શબ્દોમાંથી આખું વાક્ય કેવી રીતે બને તે ન સમજાય. તોય એ જેવું લખાય એવું લખતી રહી… ને જાણે લાગણીઓનો બંધ તૂટયો. આટલાં વર્ષોેની પીડા જાણે વ્યક્ત થવા માટે રાહ જોઈને બેઠી હતી. પ્રોફેસર પાછા આવ્યા ત્યાં સુધીમાં બેબીએ નોટબુકનાં સો પાનાં લખી નાખ્યાં હતાં.
પ્રોફેસરને નવાઈ લાગવી સ્વાભાવિક હતી. એણે પોતે કશુંક લખવું હોય તો ચોખ્ખું ટેબલ જોઈએ, ચોક્કસ પ્રકારની સ્ટેશનરી જોઈએ, ખાસ તો મૂડ જોઈએ… જ્યારે બેબી તો કામની વચ્ચે થોડી મિનિટો મળે તોય લખ્યા કરતી. કૂકરની સીટી વાગે એની રાહ જોવાની હોય તો એ કિચનના પ્લેટફોર્મ પાસે ઊભાં ઊભાં લખવા માંડે. એક બાજુ બટેકાં-ટમેટાં પડયાં હોય ને વચ્ચે એનાં નોટ-પેન પડયાં હોય.
પ્રોફેસરને ખરો ઝટકો તો બેબીએ આખું લખાણ પૂરું કરીને એમને સુપરત કર્યું ત્યારે લાગ્યો. બેબીનું લખાણ વાંચીને તેઓ ઝૂમી ઉઠયા. આ એક એવી ીની આત્મકથા હતી, જેણે નાનપણથી આજ સુધી એવાં એવાં દુખો સહ્યાં છે જેની કદાચ આમ વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે. પ્રોફેસરે આ બંગાળી હસ્તપ્રતને શીર્ષક આપ્યુઃ ‘આલો આંધારિ’ પ્રોફેસરે બેબીનું લખાણ પોતાના કેટલાક સાહિત્યિક મિત્રોને વંચાવ્યું. તેઓ માની ન શક્યા કે આ લખાણ ઘરમાં ઝાડુપોંછા કરતી ને અમને ચાના કપ આપવા આવતી પેલી લગભગ અભણ કહી શકાય એવી ીએ લખ્યું છે. તેમણે તો આ લખાણને ‘ધ ડાયરી ઓફ એન ફ્રેન્ક’ નામની વર્લ્ડ ક્લાસિક સાથે સરખાવ્યું.
પ્રોફેસરે પછી પ્રકાશકની શોધ આદરી. આખરે એક પ્રકાશક તૈયાર થયો. એમણે ૨૦૦૨માં આ બંગાળી પુસ્તક છાપ્યું. પહેલાં જ અઠવાડિયાંમાં પુસ્તક સોલ્ડ-આઉટ થઈ ગયું. આ લખાણમાં એવું કશુંક હતું કે જે કોલેજ જતી કન્યાઓથી લઈને બૌદ્ધિક વર્ગ સુધીના સૌ કોઈને સ્પર્શી જતું હતું. ઉર્વશી બુટાલિયા નામના એક ફેમિનિસ્ટે પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો – ‘અ લાઇફ લેસ ઓર્ડિનરી’. અરે, ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’ અખબારે આ પુસ્તકની નોંધ લેવી પડી. પછી તો ધડાધડ તેના અનુવાદ થવા લાગ્યા. કુલ ૨૧ ભાષાઓમાં પુસ્તક અવતર્યું, જેમાં ફ્રેન્ચ, જપાનીઝ, કોરીઅન અને જર્મન ભાષા પણ આવી ગઈ.
લેખનકલાએ બેબી હલ્દરને આગવી ઓળખ આપી છે. પહેલાં પુસ્તકની સફળતા પછી એણે બીજાં બે પુસ્તકો લખ્યાં. આજે દેશ-વિદેશની સાહિત્યિક કાર્યક્રમોમાં એને આમંત્રણ મળે છે.
…અને હા, ૪૮ વર્ષીય બેબી હાલદાર આજની તારીખે પણ પ્રોફેસર પ્રબોધ કુમારના ત્યાં પહેલાંની જેમ જ ઘરનાં બધાં કામ કરે છે. પ્રોફેસરને એ પોતાના ગુરુ ગણે છે, મેન્ટર ગણે છે. વૃદ્ધ થઈ ચુકેલા ગુરુને હવે સારસંભાળની જરૃર છે. એમને મૂકીને કેવી રીતે જવાય? ગુરૃ-શિષ્યના સંબંધનો એક રંગ આ પણ છે!
– શિશિર રામાવત
Leave a Reply