જેમ્સ કેમેરોનઃ પહેલાં ટેકનોલોજી વિકસાવો, પછી ફિલ્મ બનાવો!
—————————–
સિનેમા એક્સપ્રેસ, ગુજરાત સમાચાર, ચિત્રલોક પૂર્તિ
——————————–
જાણે બ્લુ શાહીના હોજમાં ધુબાકો મારીને તાજ્જો બહાર નીકળ્યો હોય તેમ એના નખથી માંડીને સ્પાઈક્ડ શિખા સુધીનું સમગ્ર શરીર નીલવર્ણી બની ગયું છે. આવા ભાભડભૂતડા જેવા કંકાલસમ શરીર પર એણે એટલે કે બોલિવુડ બોય ઉર્ફ બોબોએ સફેદ ટીશર્ટ ને નીચે અસંખ્ય છિદ્રોવાળું જીન્સ ચડાવ્યું છે. બોબો સ્ટાઇલો મારતો મારતો પુનઃ એક વાર તમારી સામે ઉપસ્થિત થાય છે ને તમે અવાક્ થઈને બે-ચાર ઘડી એને જોતા રહો છો. પછી માંડ તમારી વાચા ફૂટે છે. તમે કહો છો, અલ્યા બોબો, હમણાં દિવાળી આવશે, નવું વર્ષ આવશે… તું કાં અત્યારે કસમયે હોળી રમીને આવ્યો?
બોબો અર્થગંભીર સ્મિત લહેરાવીને કહે છે, ‘ઓહ, તમે અજ્ઞાાનીના અજ્ઞાાની જ રહ્યા. આ હોળીનો લૂક નથી, આ તો જેમ્સ કેમરોનની ‘અવતાર’ સિરીઝનો લૂક છે. કેમ ભૂલી ગયા પેલો પેન્ડોરા નામનો ગ્રહ ને તેના પર વસતી ને’વી નામની પ્રજા! એ દસ-દસ ફૂટ ઊંચાં પરગ્રહવાસી ી-પુરુષોનાં શરીર આવાં જ બ્લુ-બ્લુ હતાંને, કામણગારા કૃષ્ણ જેવાં!’
અરે, પણ ‘અવતાર’ની સિક્સલ ‘અવતારઃ ધ વે ઓફ ઓફ વોટર’ તો હજુ બે મહિના પછી રિલીઝ થવાની છે – છેક ૧૬ ડિસેમ્બરે. એનું અત્યારે શું છે? એના કરતાં તું ‘આદિપુરુષ’ના ટીઝર વિશે કેમ ટિપ્પણી કરતો નથી?
‘ઓહ… મને યાદ ન અપાવો એ ભયાનક દશ્યાવલિની!’ બોબો નાટકીય થઈ જાય છે, ‘આના કરતાં બહેતર વિઝયુઅલ ઇફેક્ટ્સ તો મેં પોગો અને કાર્ટૂન નેટવર્ક પર જોઈ છે. ‘આદિપુરુષ’ની એ થર્ડ રેટ ટીઝરને બહુ ગાળો પડી ચૂકી છે. હવે નવેસરથી ગાળો આપીને મારે માહોલને વધારે ટોક્સિક નથી બનાવવો. એના કરતાં હું ‘અવતાર-ટુ’ની મસ્તમજાની વાતો ન કરું?… અને આ ફિલ્મ જ એટલી ભવ્યાતિભવ્ય છે કે એના વિશે વાતો કરવા માટે બે મહિના પણ મને ઓછા પડશે.’
તમે સમજી જાઓ છો કે બોબો અવતારાખ્યાન સંભળાવ્યા વગર તમને છોડશે નહીં. તમે ડાહ્યાડમરા થઈને તેની સામે ગોઠવાઈ જાઓ છો અને બોબો પોતાનું અગાધ જ્ઞાાન શેર કરવાનું શરુ કરે છે. ઓવર ટુ બોબો…
૦ ૦ ૦
જેમ્સ કેમરોનની ‘અવતાર’ ફિલ્મ તો તમે જોઈ જ છેને? ના જોઈ હોય તો આ લેખ પૂરો કર્યા પછી ફટાક કરતાં ઓટીટી પર જઈને જોઈ કાઢજો. તેર વર્ષ પહેલાં રિલીઝ થયેલી આ ફિલ્મનું બમ્પર બજેટ હતું ૨૩૭ મિલિયન ડોલર… અને એણે બોક્સઓફિસ પર કેટલી અધધધ કમાણી કરી હતી, જાણો છો? ૨.૯૦૬ બિલિયન ડોલર એટલે કે ૨,૩૬ અબજ ૬૨ કરોડ રુપિયા, ફક્ત! સિનેમાના ઇતિહાસની સૌથી મહાનતમ ફિલ્મોમાં ‘અવતાર’ અગ્રેસર છે. જેમ્સ કેમરોને બનાવેલી અપ્રતીમ ફિલ્મ ‘ટાઇટેનિક’ના પ્રેમમાં તો આખી દુનિયા ઓલરેડી પડી ચૂકી હતી, ને તે પછી એમણે ‘અવતાર’ જેવી માસ્ટરપીસ બનાવી.
એમણે ‘અવતાર’ની સિક્વલ બનશે તેવી ઘોષણા તો ૨૦૦૯માં જ કરી નાખી હતી. એમણે કહ્યું હતું કે ૨૦૧૫માં ‘અવતાર’ પાર્ટ-ટુ આવી જશે. એક ફિલ્મ બનાવવા માટે પાંચ વર્ષ આમ તો પૂરતો સમય ગણાય, પણ પાંચને બદલે તેર વર્ષ થઈ ગયાં. જેમ્સ કેમરોન એક ફિલ્મ બનાવવા પાછળ આટલો બધો સમય શા માટે લે છે? એનું કારણ છે. જેમ્સ કેમરોન માત્ર ડિરેક્ટ-પ્રોડયુસર નથી, તેઓ ઇન્વેન્ટર પણ છે. એમના મનમાં ફિલ્મ સ્ક્રીન પર કેવી દેખાવી જોઈએ અને તેના માટે ફિલ્મ કેવી રીતે શૂટ કરવી પડશે તેનું સ્પષ્ટ ચિત્ર હોય છે. તકલીફ એ હોય છે કે આ કલ્પના સાકાર કરવા માટે જરૃરી ટેકનોલોજીનું અસ્તિત્ત્વ જે-તે સમયે હોતું નથી. આથી સૌથી પહેલાં તો જેમ્સ કેમરોનની કંપની આવશ્યક ટેકનોલોજી ડેવલપ કરે ને પછી તેનો ઉપયોગ કરીને ફિલ્મ બનાવે!
‘અવતાર’ પાર્ટ-વનનો જ દાખલો લો. ‘ટાઇટેનિક’ પછી છેક ૧૨ વર્ષે આ ફિલ્મ આવી, કેમ કે જેમ્સ કેમરોન ‘અવતાર’ માટે ફોટોરિયલિસ્ટિક કમ્પ્યુટર-જનરેટેડ પાત્રો બનાવવા માગતા હતા. તેના માટે તેઓ વર્ચ્યુઅલ કેમેરા સિસ્ટમ ડેવલપ કરવા માગતા હતા કે જેના થકી તેઓ સાવ નવી જ રીતે મોશન કેપ્ચર ફિલ્મમેકિંગ કરી શકે. આ સિસ્ટમમાં એવું હોય કે એમાં એક્ટર અને એના ડિજિટલ અવતાર બન્નેને એકસાથે જોઈ શકાય. તેથી ડિરેક્ટર જાણે લાઇવ શૂટિંગ કરતા હોય અદ્લ એવી જ રીતે ડિજિટલ દશ્યોનું શૂટિંગ પણ કરી શકે. એક બાજુ અસલી એક્ટર જેવો અભિનય કરે, ચહેરા પર જેવા હાવભાવ લાવે સેમ-ટુ-સેમ એવી જ ભાવભંગિમાઓ અને એક્સપ્રેશન્સ તેના એનિમેટેડ અવતારમાં પણ ઝીલાતા જાય. તે પણ રિઅલ ટાઇમમાં! ‘અવતાર’ ફિલ્મ સ્ક્રીન પર ગજબનાક અસર ઊપજાવી શકી તેનું કારણ આ જ. પછી તો હોલિવુડમાં ને દુનિયાભરમાં વર્ચ્યુઅલ કેમેરા વડે મોશન કેપ્ચર કરીને ‘ધ અમેઝિંગ સ્પાઇડરમેન’થી માંડીને ‘એવેન્જર્સઃ એન્ડગેમ’ જેવી કંઈકેટલીય ફિલ્મો બની ગઈ. આ બધી ફિલ્મોમાં મોશન કેપ્ચર ટેકનોેલોજીનો એટલો બધો ઉપયોગ થઈ ગયો કે તેનું નાવીન્ય ખતમ થઈ ગયું.
દેખીતું છે કે જેમ્સ કેમરોન સ્વયં ‘અવતાર’ની સિક્વલ બનાવી રહ્યા હોય ત્યારે ભલે પોતે જ ઇન્વેન્ટ કરેલી પણ હવે ચવાઈનો ચુથ્થો થઈ ગયેલી ટેકનોલોજીનો બેઠ્ઠો ઉપયોગ ન જ કરે. વળી, ‘અવતારઃ ધ વે ઓફ ઓફ વોટર’ની વાર્તા મુખ્યત્ત્વે પેન્ડોરા ગ્રહ પર આવેલા દરિયાના પેટાળમાં આકાર લે છે. અગાઉ ક્યારેય અન્ડરવોટર શૂટિંગ કરતી વખતે મોશન કેપ્ચર ટેકનોેલોજીનો ઉપયોગ થયો નહોતો. જેમ્સ કેમેરોન સામે હવે નવો પડકાર આ હતોઃ એક એવી બ્રાન્ડ ન્યુ મોશન કેપ્ચર સિસ્ટમ વિકસાવવી જે પાણીની નીચે પણ એટલી જ અસરકારકતાથી કામ કરી શકે. આ સિસ્ટમ ડેવલપ કરવામાં જ ખાસ્સો સમય નીકળી ગયો.
ચાલો, નવી સિસ્ટમ તો બની ગઈ, પણ કલાકારોનું શું? એમણે પણ પાણીમાં ડૂબકીઓ લગાવવી પડી હશે, ખરું? બિલકુલ. અરે, આ મામલામાં તો કેટ વિન્સલેટે કમાલ કરી નાખી. કેટ વિન્સલેટ એટલે ‘ટાઇટેનિક’ની રુપકડી હિરોઈન, જે ‘અવતારઃ ધ વે ઓફ ઓફ વોટર’માં પણ છે. આ ફિલ્મ માટે કેટ શ્વાસ રોકીને ૭ મિનિટ ૧૪ સેકન્ડ સુધી અન્ડરવોટર રહીને ટોમ ક્ઝનો રેકોર્ડ તોડી નાખ્યો (જુઓ તસવીર). હોલિવુડના સુપરસ્ટાર ટોમ ક્ઝે ‘મિશન ઇમ્પોસિબલ- રૉગ નેશન’ (૨૦૧૫) ફિલ્મના શૂટિંગ દરમિયાન શ્વાસ રોકીને ૬ મિનિટ લાંબો શોટ આપ્યો હતો. વાસ્તવમાં, ‘ટાઇટેનિક’ના શૂટિંગ દરમિયાન ત્રસ્ત થઈ ગયેલી કેટ વિન્સલેટે લગભગ પ્રણ લઈ લીધું હતું કે આ માણસ (એટલે કે જેમ્સ કેમરોન) એટલી બધી કઠિન પરિસ્થિતિમાં અમારી પાસે કામ કરાવે છે કે જિંદગીમાં ફરી ક્યારેય એની ફિલ્મ નહીં કરું! પણ કલાકાર તો આખરે કલાકાર છે. પડકાર જેટલો મોટો હશે, એનો સંતોષ પણ એટલો તીવ્ર હશે. ‘અવતારઃ ધ વે ઓફ ઓફ વોટર’ માટે કેટે અન્ડરવોટર શૂટિંગ કરવા માટે ખાસ ટ્રેનિંગ લીધી અને ૭.૧૪ મિનિટ શ્વાસ રોકીને સૌને ચકિત કરી નાખ્યા. ફિલ્મનું ઘણું શૂટિંગ અસલી દરિયાકિનારામાં થયું છે અને ઘણાં દશ્યો વિશેષપણે બનાવવામાં આવેલા તોસ્તાનછાપ હોજમાં ફિલ્માવવામાં આવ્યા છે. એ તો ઠીક, પણ…
૦ ૦ ૦
-પણ શું, બોબો? તમારી સમાધિ તૂટે છે. આગળ તો બોલ!
‘હોય કંઈ!’ બોબો મુસ્કુરાય છે, ‘આવી ભવ્ય ફિલ્મ કે જેની ચાર-ચાર સિક્વલ બનવાની હોય એની બધ્ધેબધ્ધી વાતો હું એક જ બેઠકમાં થોડો કહી દઉં? વધુ રસિક ભાગ આવતા શુક્રવારે.’
આટલું કહીને બોલિવુડ બોય ઉફ બોબો ‘જય સિનેમાદેવી… જય સિનેમાદેવી…’ના પ્રચંડ પોકારો કરતો એક્ઝિટ લે છે.
– શિશિર રામાવત
Leave a Reply