કંગના, કાર્તિક અને કમઠાણ
——————————-
સિનેમા એક્સપ્રેસ (ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર) : આંખોમાં ઝનૂન આંજીને, હેર જેલ વડે શાહુડીના કાંટા જેવી હેરસ્ટાઇલ કરીને અને હાથમાં નકલી મશીનગન ધારણ કરીને બોલિવુડ બોય ઉર્ફ બોબો સ્ટાઇલો મારતો મારતો તમારી સામે એન્ટ્રી લે છે. બહાર એવી સૉલિડ ગરમી છે કે એના સાંઠીકડા જેવા શરીર પર ચડાવેલું પાતળું સફેદ ટીર્શટ પરસેવાથી લથબથ થઈને લગભગ પારદર્શક થઈ ગયું છે. નીચે ઢીલુંઢસ, કધોણું થઈ ગયેલું સ્કાય-બ્લુ જીન્સ પહેર્યું છે ને એમાંય પાછા મોટાં મોટાં છિદ્રો છે. એક છિદ્રમાંથી બોબોનું અણીદાર ગોઠણ, અખબારની ટિપિકલ ભાષામાં કહીએ તો, દષ્ટિગોચર થાય છે.
‘એસી ઑન ન કરતા… પંખો ફાસ્ટ ન કરતા… પાણી ન મગાવતા…’ બોબો આવતાંવેંત ત્રાડ પાડે છે.
તમને થાય કે છે કે શું બોબો આત્મપીડનના માર્ગે આગળ વધી ગયો છે કે શું? તમે એને પ્રેમથી કહો છો કે ભાઈ, સૌથી પહેલાં તો તું નિરાંતે બેસ અને આ રમકડાની મશીનગન બાજુમાં મૂક.
‘ના… મશીનગન તો હાથમાં જ રહેશે!’ બોબો આગઝરતી નજરે ત્રાટક કરે છે, ‘ને હું આમ ઊભો જ રહીશ, ઘોડાની જેમ! તમને ખબર નથી, આજે ‘ધાકડ’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે? એમાં કંગના લોકોનાં હાડકાં ભાંગે ને હું અહીં બેઠો બેઠો હવા ખાઉં?’
એટલે બોબો ‘ધાકડ’ વિશે વાત કરવા આવ્યો છે, એમ?
‘’ધાકડ’ અને ‘ભુલભુલૈયા-ટુ’ બન્ને વિશે,’ જાણે યુદ્ધનું એલાન કરતો હોય તેમ બોબો ઘોષણા કરે છે, ‘હવેથી હું દર શુક્રવારે તમારી સામે આમ પ્રગટ થઈશ ને નવીનક્કોર રિલીઝ થયેલી ફિલ્મો વિશેનું મારું અગાધ જ્ઞાન તમારી સાથે શૅર કરીશ…’
તમે કશું બોલ્યા વિના જાડું નેપ્કિન બોબો તરફ ધરો છો અને એ પરસેવો લૂછીને પ્રલાપ શરુ કરે છે.
0 0 0
કંગના રનૌતની નવી ફિલ્મ આવી નથી ને વિવાદોનો પટારો નવેસરથી ખૂલ્યો નથી. જુઓને, ‘ધાકડ’ વખતે જ એવું થયું. રિલીઝ ડેટ નજીક આવતી ગઈ એમ કંગનાએ ફિલ્મના પ્રમોશન દરમિયાન જાતજાતનાં નિવેદનો કરવા માંડ્યાં. એણે કહ્યું કે આ બધા સ્ટાર કિડ્સ (રણબીર, આલિયા, વરુણ ધવન જેવાં ફિલ્મી પરિવારોનાં પ્રિવિલેજ્ડ સંતાનો) બાફેલાં ઈંડાં જેવાં દેખાય છે. અનન્યાએ એકવાર પોતાની ટેલેન્ટના નામે કપિલ શર્માના શોમાં પોતાનો જીભડો બહાર કાઢીને ખુદના નાકના ટેરવાને અડાડી દેખાડ્યો હતો. કંગનાએ હમણાં એક જગ્યાએ કારણ વગર અનન્યાની આ ચેષ્ટાનાચાળા પાડ્યા. બોબોને સમજાતું નથી કે ફિલ્મી પરિવારનાં સંતાનો બાફેલાં ઈંડાં જેવાં દેખાતાં હોય કે હવાઈ ગયેલા પાપડ જેવા, ‘ધાકડ’ના પ્રમોશન સાથે એને શું લાગેવળગે?
કંગના અળવીતરી તો ખરી જ. જુઓને, એક ઇન્ટરવ્યુમાં એણે ‘બે બચ્ચાંના બાપ’નો ઉલ્લેખ કર્યો હતો ને પછી ખી-ખી-ખી કરતી દાંત કાઢવા માંડી હતો. એનો ઈશારો પોતાના એક્સ લવર્સ તરફ હતો. હૃતિક રોશન અને આદિત્ય પંચોલી બન્ને બે સંતાનના બાપ છે. તાજેતરમાં ધામધૂમથી પૂરા થયેલા ‘લોક-અપ’ નામના સુપરહિટ વેબ રિયાલિટી શોની હોસ્ટ બનેલી કંગનાએએક દિવસ કોઈ જ સંદર્ભ વગર હૃતિકની છ આંગળીઓને લઈને ઠઠ્ઠો કર્યો હતો. તમને કહેવાનું મન થાય કે બેન કંગના, હૃતિક બાપડો વર્ષોથી ચુપચાપ બેઠો છે, એ તને હવે ક્યાંય નડતો નથી તો એને છ આંગળી હોય કે આઠ આંગળી, તું શું કામ કારણ વગર એને અટકચાળા કરે છે?
ખેર, કંગનાની ઇમેજ એટલી ધાકડ થઈ ગઈ છે (ધાકડ એટલે માથાભારે, ભારાડી) કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ એની સામે પડતું નથી. બધા સમસમીને ચુપ રહે છે. સૌ જાણે છે કે કંગના અનગાઇડેડ મિસાઇલ જેવી છે. એની વિરુદ્ધ કશુંય બોલીશું તો એ ગમે ત્યારે, ગમે એની તરફ ધસી જઈને બોમ્બાર્ડિંગ કરી શકે છે.
એક મિનિટ. એવું ન સમજતા હં, કે બોબોને કંગના પસંદ નથી. હોય કંઈ! બોબો તો એનો સુપર ફેન છે. ફક્ત કારણ વગર ગમે તેવાં સ્ટેટમેન્ટ આપવાની કુટેવને બાદ કરતાં બોબોને બાકીની કંગના ખૂબ ગમે છે.એનું મુખ્ય કારણ એ કે કંગના પોતાના કામમાં એટલે કે અભિનયમાં નિપુણ છે. એ ઓરિજિનલ છે. એના જેવું ઇન્ડસ્ટ્રીમાં ખરેખર બીજું કોઈ નથી. કંગના જે રીતે પહેલાં બોલિવુડનાં મોટાં માથાંઓ સામે ને પછી મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ લડી તે માટે જબરદસ્ત હિંમત જોઈએ ને વિચારોમાં વજ્ર જેવી દૃઢતા જોઈએ.
કંગના જેવી રિયલ લાઇફમાં ધાકડ હિરોઈનને સાઇન કરનારો ડિરેક્ટર કેવો ધાકડ હોવો જોઈએ! ‘ધાકડ’ના હેન્ડસમ ડિરેક્ટરનું નામ છે, રજનીશ ઘાઈ અથવા રેઝી ઘાઈ. એમની આ પહેલી જ ફિલ્મ છે. તેઓમૂળ એડવર્ટાઇઝિંગના માણસ. અગાઉ નાની મોટી ચારસો જેટલી વિજ્ઞાપનો બનાવી ચૂક્યા છે.
વેલ, બોબો તો ‘ધાકડ’ જોવાનો. સોએ સો ટકા જોવાનો.
0 0 0
તમે 2007માં આવેલી ઓરિજિનલ ‘ભૂલભુલૈયા’ જોઈ હતી – અક્ષયકુમાર અને વિદ્યા બાલનવાળી? (એમાં આપણા તગડા ગુજરાતી એક્ટર જિમિત ત્રિવેદી પણ હતા, જેમની ‘જયસુખ ઝડપાયો’ નામની ગુજરાતી ફિલ્મ ટૂંક સમયમાં આવવાની છે.) ‘ભૂલભુલૈયા’ એન્ટરટેનિંગ ફિલ્મ હતી. એમાંય વિદ્યાના મંજુલિકા નામના ભૂતિયા પાત્ર પરથી તો આજે પણ મીમ બને છે. જોઈએ, આજ રિલીઝ થનારી એની સિક્વલ કેવીક મનોરંજક પૂરવાર થાય છે. મૂળ ફિલ્મ પ્રિયદર્શને ડિરેક્ટ કરી હતી, સિક્વલના ડિરેક્ટર અનીસ બઝમી છે. કિઆરા અડવાણી હિરોઈન છે. ‘ભૂલભુલૈયા-ટુ’માં અમર ઉપાધ્યાય પણ છે. અમર ઉપાધ્યાય યાદ છે? ‘ક્યુંકિ સાસ ભી કભી બહૂ થી….’ ટીવી સિરિયલનો હીરો, તુલસીનો વર મિહિર, કે જે જ્યારે મરી ગયો હતો ત્યારે ભારતની સિરિયલપ્રેમી જનતામાં હાહાકાર થઈ ગયો હતો. અમર અચ્છા અદાકાર છે, પણ કોણ જાણે કેમ ‘ક્યૂંકિ…’ પછી એમની કરીઅરનું અપેક્ષા પ્રમાણે ટેક ઓફ થયું જ નહીં.
‘ભૂલભુલૈયા-ટુ’નો હીરો કાર્તિક આર્યન હી-હી-હી કરતો હસતો હોય ત્યારે તમને પણ નાના બચ્ચા જેવો નથી લાગતો? એની છેલ્લી બન્ને ખાસ કશી અસર ઊપજાવી શકી ન હતી (‘લવ આજકલ – ટુ’ અને ‘ધમાકા’). આ બાજુ કંગનાની છેલ્લી અતિ મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘થલાઇવી’ પણ કંઈ ચાલી નહોતી. આજે એમનો શુક્રવાર એમના માટે નસીબવંતો પૂરવાર થયો છે કે બુંદિયાળ એની કાલ સુધીમાં પાક્કી ખબર પડી જશે.
(તાજા કલમઃ વેલ, ખબર પડી ગઈ. પહેલા દિવસના બોક્સઓફિસ કલેક્શન પ્રમાણે કંગનાની ‘ધાકડ’ના ખાસ કંઈ ઉકાળી શકી નથી એટલે બોબો દુખી દુખી થઈ ગયો છે, પણ સામે પક્ષે, ‘ભૂલભુલૈયા-ટુ’ના રિપોર્ટ સારા છે એટલે એ થોડી રાહત અનુભવે છે.)
0 0 0
એક મિનિટ… હલો. વાત હજુ પૂરી થઈ નથી. આ અઠવાડિયા મલ્હાર ઠાકરની ફિલ્મ ‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે? નામની ગુજરાતી ફિલ્મ પણ રિલીઝ થઈ છે. એ પણ ગુરુવારે. (મલ્હાર, પ્લીઝ તમારું વિકીપિડીયા પેજ અપડેપ કરાવો, એમાં ‘સોનુ…’નું નામોનિશાન નથી.) ‘મૃગતૃષ્ણા’ નામની ઓર એક સરસ મજાની ફેસ્ટિવલ ફીલ ધરાવતી ગુજરાતી ફિલ્મ પણ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. (એના વિશે આખેઆખી અલાયદી પોસ્ટ ફેસબુક પર શેર કરી છે. વાંચી કાઢો.)
0 0 0
તો ચાલો, બોબોનો જવાનો સમય થઈ ગયો છે. મૂળ તો એને આજથી ફ્રાન્સમાં શરૂ થયેલા અલ્ટ્રા ગ્લેમરસ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જવું’તું, પણ પછી એને થયું કે ના રે ના, આટલી ગરમીમાં ફ્રાન્સ સુધી લાંબું કોણ થાય! એટલે પછી એણે નજદિકી સિનેમાઘરો પર ફોકસ કર્યું.
… અને આ સાથે બોલિવુડ બોય ઉર્ફ બોબો મા સિનેમાદેવીને મનોમન વંદન કરીને, ઢીલા થઈ ગયેલા જિન્સને સહેજ ઉપર ખેંચીને, નકલી મશીનગનને કપડાંના બાચકાની જેમ ખભે નાખીને ઉતાવળે એક્ઝિટ લે છે.
– શિશિર રામાવત
Leave a Reply