કપરા કાળમાં આનંદિત રહેવાની કળા
——————————
વાત-વિચાર, ગુજરાત સમાચાર, એડિટ પેજ
——————————
કેમેરા અને લાઇટ્સ બરાબર ગોઠવાઈ ગયા છે. કેમેરાની એક તરફ ડિરેક્ટર, સિનેમેટોગ્રાફર, બન્નેના આસિસ્ટન્ટ અને બીજા ક્રૂ મેમ્બર છે. કેમેરાની સામેની બાજુ બે વયોવૃદ્ધ આદમી બેઠા છે. બન્નેની ઉંમર ૮૦ના આંકડાને વટાવી ચૂકી છે. એન્કર પ્રસ્તાવના બાંધે છે ને હજુ તો વાતચીતની શરુઆત કરે તે પહેલાં જ બેમાંથી એક આદમી બીજાને ટપારે છેઃ ‘સાંભળો, કેમેરા સામે જરા ગંભીર રહેજો. ગાંડા ન કાઢતા. તમે ધર્મગુરુ છે એ યાદ રાખજો!’
બીજો આદમી જોઈ રહે છે ને બીજી જ પળે બન્ને જણા મોટેથી હસી પડે છે. એમના ખડખડાટ, નિર્દંશ હાસ્યથી વાતાવરણમાં હળવાશ ફૂંકાઈ જાય છે.
ખરેખર તો આ બન્ને પુરુષો ધર્મગુરુ છે. તે પણ વિશ્વવિખ્યાત ધર્મપુુરુષો. બન્નેને શાંતિ માટેનો નોબલ પુરસ્કાર મળી ચૂક્યો છે. બેમાંથી એક છે દલાઈ લામા અને બીજા છે, ડેસમન્ડ ટુટુ. એક બૌદ્ધ સાધુ ને બીજા ખ્રિસ્તી આર્ચબિશપ. તિબેટમાંથી હકાલપટ્ટી થયા બાદ દલાઈ લામાએ દાયકાઓથી હિમાચલ પ્રદેશમાં આવેલા ખૂબસુરત ધરમશાલાને પોતાનું ઘર બનાવ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાના ડેસમન્ડ ટુટુએ રંગભેદ વિરુદ્ધ ખૂબ કામ કર્યું છે. ગયા ડિસેમ્બરમાં ૯૦ વર્ષની ઉંમરે ડેમસન્ડ ટુટુનું અવસાન થયું એની થોડા સમય પહેલાં બન્ને ભેગા થયા હતા. બન્નેએ ખૂબ બધી વાતો કરી. તેમની આ મુલાકાતના પરિણામ સ્વરુપે એક અફલાતૂન ડોક્યુમેન્ટરી ફિલ્મ બની – ‘મિશનઃ જોય – ફાઇન્ડિંગ હેપીનેસ ઇન ટ્રબલ્ડ ટાઇમ્સ’ અને એક બેસ્ટસેલર પુસ્તક લખાયું – ‘ધ બુક ઑફ જોયઃ લાસ્ટિંગ હેપીનેસ ઇન અ ચેન્જિંગ વર્લ્ડ’.
દલાઈ લામા અને ડેસમન્ડ ટુટુ દાયકાઓથી એકબીજાના દોસ્તાર છે. આમ તો બન્ને નવમા દાયકામાં પ્રવેશી ચુકેલા બુઢા બાબા, પણ સાથે મળીને એવી ધમાલ કરે કે જાણે આઠ વર્ષનાં તોફાની ટાબરિયાં જોઈ લ્યો. એકધારી હસાહસ, નોન-સ્ટોપ મસ્તી. ‘અમે તો વર્લ્ડફેમસ સ્પિરિચ્યુઅલ લીડર્સ છીએ’ એવી કોઈ આત્મસભાનતા નહીં. કશો આડંબર નહીં. માત્ર ને માત્ર હળવાશ. આ જ તો નિશાની છે સાચુકલા આધ્યાત્મિક ગુરુની. આમ જોવા જાઓ તો દલાઈ લામા અને ડેસમન્ડ ટુટુ બન્ને વિધર્મી કહેવાય, પણ એમની વચ્ચે સંવાદિતા કમાલની. આજે જ્યારે ધર્મને નામે વાતાવરણને ભયાનક ઝેરીલું બનાવી દેવામાં આવ્યું છે ને ધર્મના મુદ્દે આંતરરાષ્ટ્રીય રાજકારણ ખેલાઈ રહ્યું છે ત્યારે દલાઈ લામા અને ડેસમન્ડ ટુટુનું જીવનદર્શન વધારે પ્રસ્તુત બની જાય છે.
તમે મૃત્યુ વિશે શું વિચારો છો? પેલી મુલાકાત દરમિયાન એન્કરે બન્નેને સવાલ કર્યો હતો. ડેસમન્ડ ટુટુ ખડખડાટ હસી પડયા ને દલાઈ લામા સામે આંગળી ચીંધીને કહે, ‘આને મરવા સામે વાંધો નહીં હોય કારણે કે એ પુનર્જન્મમાં માને છે!’ ડેસમન્ડ ટુટુનો કહેવાનો અર્થ એ હતો કે બૌદ્ધ ધર્મમાં પુનર્જન્મની વિભાવના છે, પણ અમારા ખ્રિસ્તીઓમાં પુનર્જન્મની કોઈ વ્યવસ્થા નથી! દલાઈ લામા કહે, ‘ખ્રિસ્તીઓની ધાર્મિક માન્યતા પ્રમાણે મર્યા પછી સ્વર્ગમાં જવાય છે, એટલે આપણે મૃત્યુ બાદ ભગવાનની હાજરીમાં સ્વર્ગમાં મળીશું. તમે ખ્રિસ્તી ધર્મનું સારું પાલન કર્યું છે એટલે પહેલાં તમે ઉપર જજો. ઉપર જઈને કંઈક એવો જુગાડ કરજો કે (હું ખ્રિસ્તી નથી છતાંય) તમારી પાછળ પાછળ સ્વર્ગમાં આવી શકું!’
…ને ફરી પાછું આખા ઓરડાને છલકાવી મુકતું મુક્ત હાસ્ય. દલાઈ લામા અને ડેસમન્ડ ટુટની આ ટિપ્પણીઓમાં નિર્દોષ વિનોદ છે, પણ એકમેકના ધર્મ પ્રત્યે અનાદર બિલકુલ નથી. ધર્મના મામલામાં ભારોભાર ગરિમાપૂર્ણ હોવું ને છતાય હળવાફૂલ રહી શકવું – આ શું એટલી બધી અઘરી વાત છે? ખેલદિલી અને સહિષ્ણુતા વચ્ચે નિકટનો સંબંધ છે. ખેલદિલી અને ક્ષમાભાવ પણ એકમેકની નિકટની સ્થિતિઓ છે. વાત માત્ર ધાર્મિક માન્યતાઓની નથી. આપણી કોશિશ તો એવી હોવી જોઈએ કે આ સદગુણો રોજ-બ-રોજના જીવનમાં કેળવી શકાય.
‘કોઈને માફ કરી દેવાનો અર્થ એ નથી કે બધું ભૂલી જવાનું છે,’ દલાઈ લામા કહે છે, ‘સ્મૃતિમાં ભલે એ બધું પડયું રહે. હા, એમાંથી સામેની વ્યક્તિ પ્રત્યે ધિક્કાર અને ગુસ્સો પેદા ન થવા જોઈએ. ભુલાય ભલે નહીં, પણ નેગેટિવ લાગણીઓ પર અંકુશ રહે, એને પેદા જ ન થવા દેવાય – આનું નામ ક્ષમા. સહિષ્ણુ બનવું કે સામેની વ્યક્તિને માફ કરી દેવી એ કંઈ નિર્બળતાની નિશાની નથી. ના, જરાય નહીં. સોએ સો ટકા નહીં. એક હજાર ટકા નહીં. આ તો તાકાતની નિશાની છે.’ ડેસમન્ડ ટુટુ આ વાત સાથેસહમત થતાં કહે છે, ‘બિલકુલ. જે લોકો કહેતા હોય કે ક્ષમા આપવી એ દુર્બળતાની નિશાની છે એમણે ખરેખર સાચા દિલથી ક્ષમા આપવાનો અનુભવ લીધો જ હોતો નથી.’
દલાઈ લામા અને ડેસમન્ડ ટુટુની કોઈ પણ તસવીર કે વિડીયો ક્લિપ યાદ કરો. એમના ચહેરા હંમેશા આનંદિત દેખાશે. ડેસમન્ડ ટુટુ કહે છે, ‘દલાઈ લામા કેટલા શાંત અને સ્થિર લાગે છે, પણ એ કંઈ પહેલેથી આવા નહોતા. એક સમય એવો હતો જ્યારે એ પણ ગુસ્સે થઈ જતા, ચિડાઈ જતા. મગજ ઠંડું રાખવું એ બોડી બનાવવા જેવું કામ છે. તમારે એક્સરસાઇઝ કરવી પડે છે, શાંત સ્વભાવને પ્રયત્નપૂર્વક ડેવલપ કરવો પડે છે.’ આટલું કહીને તેઓ ઉમેરે છે, ‘આપણે સૌએ પરફેક્શન સુધી પહોંચવાનું છે. આપણે હજુ સુધી પરફેક્ટ થયા નથી… યુ આર અ માસ્ટરપીસ ઇન મેકિંગ.’
કેટલી સુંદર વાત. ઈશ્વરે આપણને સૌને માસ્ટરપીસ જ બનાવ્યા છે. અથવા કહો કે, આપણા સૌમાં માસ્ટરપીસ બનવાની પૂરેપૂરી સંભાવના પડેલી છે. બસ, પળેપળ જાગૃત રહીને, ભરપૂર પરિશ્રમ કરીને એ પૂર્વનિશ્ચિત કક્ષા સુધી પહોંચવાનું છે. દલાઈ લામા કહે છે, ‘હું થોડાં વર્ષોમાં નેવુંનો થઈશ, પણ તોય મારી જાતને હજુ વિદ્યાર્થી જ ગણું છે. રોજ કંઈક ને કંઈક નવું શીખતો રહું છું. વિકાસ માટે સમય જોઈએ. પ્રત્યેક મિનિટ, પ્રત્યેક દિવસ, પ્રત્યેક મહિનો-વર્ષ-દાયકો તમે વિકસતા હો છો.’
ઘણી વાર વધતી જતી ઉંમરની સભાનતા માણસને નિષ્ક્રિય બનાવી દે છે યા તો ધીમો પાડી નાખે છે. આ ઉંમરે હવે શું થાય? – આ એક બિલકુલ પલાયનવાદી, આળસુ અને કામચોર બહાનું છે. ડેસમન્ડ ટુટુ એટલે જ કહે છે, ‘તમે જીવનના કોઈ પણ તબક્કે હો, તમે એક નવી શરૃઆત કરી જ શકો છો. તમારાથી જેટલું થાય એટલું કરો… અને આ આખી પ્રક્રિયામાં તમને જે આનંદની અનુભૂતિ થશે એનાથી તમે ખુદ નવાઈ પામી જશો.’
આનંદ! આ બન્ને અધ્યાત્મ પુરુષોનો આ સ્થાયી ભાવ રહ્યો છે. દલાઈ લામા કહે છે, ‘આપણી મોટા ભાગની પીડા આપણે જાતે જ ઊભી કરી હોય છે. તો આનો અર્થ એ થયો કે આપણે ખુદને માટે આનંદનું સર્જન પણ કરી જ શકીએ છીએ. આપણા દષ્ટિકોણ, એટિટયુડ અને જે-તે પરિસ્થિતિ તેમજ સંબંધોમાં આપણે કેવી રીતે પ્રતિક્રિયા આપીએ છીએ તેના પર સઘળો આધાર છે.’ આટલું કહીને તેઓ ઉમેરે છે, ‘આનંદની માત્રા વધારવાના મને ત્રણ રસ્તા દેખાય છે. જે કોઈ પરિસ્થિતિ છે તેને વધારે પોઝિટિવલી જુઓ, જે કંઈ મળ્યું છે તે બદલ કૃતજ્ઞા બનો – શક્ય એટલી વધારે ઊંડાણથી ધન્યતાનો અનુભવ કરો, અને ત્રીજું, ભલા બનો – મોટા મનના બનો. જિંદગીમાં ફ્રસ્ટ્રેશન તો આવશે જ, પણ આવી પરિસ્થિતિમાં એવું ન વિચારો કે આનાથી હું કેવી રીતે છૂટકારો મેળવું? બલ્કે, પોતાની જાતને એવો પ્રશ્ન પૂછો કે આ જે કંઈ સંજોગો ઊભા થયા છે એનો હું કઈ રીતે હકારાત્મક ઉપયોગ કરી શકું?’
ડેસમન્ડ ટુટુએ એક જગ્યાએ કહ્યું છે કે, ‘જે લોકો ન્યાય માટે લડતા હોય એમણે તો ખાસ આનંદી, હૂંફાળા અને ખુલ્લા મનના હોવું પડે, તો જ બીજાઓને તમારી યાત્રામાં સહભાગી થવાનું મન થશે… જો તમારું મન નેગેટિવ જજમેન્ટ અને ક્રોધથી ભરેલું હશે તો તમે બીજાઓથી અળગા થઈ જશો, એકલા પડી જશો, પણ જો તમારું દિલ ખુલ્લું હશે ને ભરોસો તેમજ મૈત્રીભાવથી સભર હશે તો તમે શારીરિક રીતે એકલા હશો કે દૂર કશેક ગુફામાં રહેતા હશો તો પણ એકલતાનો અનુભવ નહીં થાય.’
સત્ત્વશીલ મનુષ્યોની આ વાતો સત્ત્વશીલ પણ છે અને પ્રેક્ટિકલ પણ છે. દલાઈ લામા અને ડેસમન્ડ ટુટુની હાસ્યવિનોદથી ભરપૂર વિચારશીલ ગોષ્ઠિની ડોક્યુમેન્ટરી ફિલ્મ અત્યારે ફક્ત અમેરિકા અને કેનેડામાં આઇ-ટ્યુન્સ પર જ જોઈ શકાય છે. વહેલા-મોડી તે નેટફ્લિક્સ પ્રકારના ઓટીટી માધ્યમ પર જરુર મૂકાશે. હા, યુટયુબ પર ડોક્યુમેન્ટરીની ઝલક દેખાડતી નાની નાની વિડીયો ક્લિપ્સ અવેલેબલ છે. જોજો.
– શિશિર રામાવત
Leave a Reply