ઓમ્ મંગલમ્ singleમ્
ઓમ્ મંગલમ્ singleમ્: ફિલ્મમેકર સંદીપ પટેલ બેટ લઈને મેદાનમાં બહુ ઓછા ઉતરે છે, પણ જ્યારે ઉતરે છે ત્યારે ચોગ્ગો ને છગ્ગો ફટકારે છે. ‘લવની ભવાઈ’ ચોગ્ગો હતો, તો ‘ઓમ્ મંગલમ્ singleમ્’ છગ્ગો છે, મારી દષ્ટિએ. વિષયના નાવીન્ય અને ઓવરઓલ અપીલને ધ્યાનમાં લેતાં ‘ઓમ્ મંગલમ્ singleમ્’ મને ‘લવની ભવાઈ’ કરતાં ચાર કદમ આગળ લાગે છે.
શું પ્રેમસંબંધ ઝરણા જેવો હોય છે, નદી જેવો હોય છે કે તળાવ જેવો? પ્રેમને કદાચ જુદા જુદા તબક્કે આ ત્રણેય જેવા બનવું હોય છે. એને ઝરણાની માફક ઉછળકૂદ પણ કરવી હોય છે, એને નદી જેવો વેગ અનુભવીને છેલ્લે સમુદ્રની વિરાટતામાં પણ ભળી જવું છે અને એને સરોવર જેવી નિશ્ચિંતતા-સ્થિરતા-સલામતી પણ જોઈએ છે. આજે રિલીઝ થયેલી નવીનક્કોર ગુજરાતી ફિલ્મ ‘ઓમ્ મંગલમ્ singleમ્’ જોતી વખતે અને જોયા પછી તમારા મનમાં આ પ્રકારના વિચારો જાગશે.
સંબંધને થોડા સમય માટે ‘પોઝ’ કરી દેવો – ફિલ્મનો આ સેન્ટ્રલ આઇડિયા જ કેટલો મસ્ત છે. ‘ઓમ્ મંગલમ્ singleમ્’ હજુ લખાઈ રહી હતી ત્યારે, કોરોનાકાળનાય ઘણા મહિનાઓ પહેલાં, ત્યારે સંદીપભાઈએ આ ફિલ્મ વિશે બહુ ઉત્કટતાપૂર્વક વાતો કરી હતી. કોરાનાને કારણે ફિલ્મની રિલીઝ જે રીતે ડીલે થયા કરતી હતી તે જોતાં મનમાં શંકા જાગતી હતી કે આ ફિલ્મ આખરે પડદા પર આવશે ત્યારે ક્યાંક સ્ટેલ (વાસી) તો નહીં લાગેને? નથી લાગતી બોસ, સહેજ પણ નથી લાગતી. ફિલ્મના લૂક-એન્ડ-ફીલ સુપરફ્રેશ છે.
આરોહી પટેલ અને મલ્હાર ઠાકર ફુલ ફાર્મમાં છે. ચાર્મિંગ સ્ક્રીન પ્રેઝન્સ અને સહજ અભિનય એ આરોહીના સૌથી મોટાં પ્લસ પોઇન્ટ્સ છે. મલ્હારને સ્ક્રીન પર જોવા-માણવા હંમેશા ગમે છે. આ ફિલ્મનો અભિનય એમના સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સીસમાંનો એક ગણાશે એ તો નક્કી. તત્સત્ મુનશી પોતાની આ પહેલી જ ફિલ્મમાં સુંદર છાપ છોડે છે. આ ફિલ્મનું સરપ્રાઇઝ પેકેજ જો કોઈ હોય તો એ છે, ભામિની ઓઝા ગાંધી. એમના લીધે ફિલ્મમાં એક નિશ્ચિત વજન ઉમેરાઈ જાય છે. અભિનયના મામલામાં ભામિની એમના પતિદેવ પ્રતીક ગાંધીનું માથું ભાંગે એવાં છે એવું મને હંમેશા લાગ્યું છે!
મિતાઈ શુક્લ અને નેહલ બક્ષી પર્સેપ્ટિવ દિમાગ ધરાવતાં બુદ્ધિશાળી-સંવેદનશીલ યુવા લેખકો છે. સંબંધોની જટિલતા અને સૂક્ષ્મતાઓને તેઓ બરાબર સમજે છે. ફિલ્મ જોતી વખતે કેટલાય દ્રશ્યો ને સંવાદો પર તમને ‘આહ’ અને ‘વાહ’ કરવાનું મન થશે – આ મિતાઇ-નેહલની કલમની કમાલ છે. આરતી પટેલ માટે શું કહીશું – તેઓ વધારે સારાં અભિનેત્રી છે કે વધારે સારાં નિર્માત્રી? મને લાગે છે કે નિર્માત્રી આરતી પટેલ, અભિનેત્રી આરતી પટેલ પર ક્રમશઃ પોઝિટિવ રીતે હાવી થઈ રહ્યાં છે!
…અને ફિલ્મનું સંગીત. સચિન-જિગર ‘ઓમ્ મંગલમ્ singleમ્’માં ફરી પૂરબહારમાં ખિલ્યા છે. ‘ઓમ્ મંગલમ્ singleમ્’નું સંગીત નિશ્ચિતપણે ‘આલ્બમ ઓફ ધ યર’ છે. ઇન ફેક્ટ, ફિલ્મના સંગીત એટલું સમૃદ્ધ છે કે તેના વિશે અલાયદી પોસ્ટ લખી શકાય તેમ છે. તમામ ગીતો નીરેન ભટ્ટે લખ્યા છે. ગુજરાતી ગીતમાં ‘ખૂણેથી ખૂણેથી’ જેનો શબ્દપ્રયોગ અજમાવવાનું એમને જ સુઝી શકે!
સેકન્ડ હાફના ઉત્તરાર્ધમાં ફિલ્મ થોડી….ક ખેંચાય છે, પણ ફિલ્મ સમગ્રપણે એટલી મજાની છે કે આ વાત ગૌણ બની જાય છે. આ રોમેન્ટિક કોમેડી તમામ વયજૂથના, અને ઇન ફેક્ટ, તમામ ભાષાના દર્શકોને ગમી જાય તેવી છે. ભારતની અન્ય કોઈ ભાષામાં તેની રિમેક બનશે તો મને જરાય આશ્ચર્ય નહીં થાય. ‘ઓમ્ મંગલમ્ સિંગલમ્’ જોજો. ફિલ્મ પોતે હળવીફૂલ હોય, પણ એ જે વિચારોના તિખારા જન્માવે તે જબરા શક્તિશાળી હોય એવું ઓછું બનતું હોય છે!
– Shishir Ramavat
Leave a Reply