ઓગળતા સંબંધની આરપાર
————————————–
તેં જે થેન્ક્યુ સ્પીચ આપી એમાં તેં કેટલાય લોકોનાં નામ લીધાં, પણ તું મારું નામ કેમ ન બોલ્યો?
——– મલ્ટિપ્લેક્સ – Divya Bhaskar ——–
શુદ્ધ ઘી જેવી ઓરિજિનલ, હેબતાવી દે, ડિસ્ટર્બ કરી મૂકે અને ભારતીય ધારાધોરણો પ્રમાણે ‘એક્સટ્રીમ’ ગણાય તેવી ‘જાઉં કહાં બતા અય દિલ’ નામની અસરકારક ફિલ્મ વિશે આપણે ગયા અઠવાડિયે વિગતે વાત કરી હતી. આજે લગભગ એ જ કુળની બીજા એક રિલેશનશિપ ડ્રામા વિશે વાત કરવી છે. હોલિવુડની આ નવી અંગ્રેજી ફિલ્મનું નામ છે, ‘માલ્કમ ઍન્ડ મૅરી’. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી આ વખતનાં ઓસ્કર નોમિનેશન્સ જાહેર થયાં નથી, પણ સંભવિત દાવેદારોની સૂચિઓ બનવા લાગી છે. તે પ્રમાણે ‘માલ્કમ ઍન્ડ મૅરી’ બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં અને તેનાં બન્ને કલાકારો જૉન ડેવિડ વોશિંગ્ટન તેમજ ઝેન્ડયા અનુક્રમે બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસની શ્રેણીના નોમિનેટ થાય તેવી મજબૂત શક્યતા છે.
‘માલ્કમ ઍન્ડ મૅરી’ લૉકડાઉન ચાલતું હતું ત્યારે, જૂન-જુલાઈ દરમિયાન કેલિફોર્નિયાના એક સ્ટાઇલિશ બંગલામાં ફક્ત પંદર દિવસમાં શૂટ કરી નાખવામાં આવી હતી. કોરોનાની માર્ગદર્શિકા પ્રમાણે સેટ પર બધા મળીને ટોટલ બાર જ માણસો હાજર હોય. હીરો-હિરોઈને પોતાનો મેકઅપ-હેર વગેરે જાતે કરી લેવાનાં. આ મિનિમલિસ્ટિક ફિલ્મ છે એટલે પ્રોડક્શનમાં આમેય કોઈ તામજામ નથી. નથી કલાકારોનો કાફલો. એક જ સેટ અને શરૂઆતથી અંત સુધી ફક્ત એક લિવ-ઇન કપલ. મજાની વાત એ છે કે તોય આ ફિલ્મ જોતી વખતે નાટકનો વિડીયો જોતા હોઈએ એવી લાગણી થતી નથી. આ એક નખશિખ, નિર્ભળ, ગુડલુકિંગ સિ-ને-મા જ છે. ફિલ્મમાં સ્ત્રી અને પુરુષ સતત
વાતો કર્યે જાય છે ને એમાંથી એમના સંબંધના જુદા જુદા રંગો ઊપસતા જાય છે.
વાર્તા કંઈક એવી છે કે માલ્કમ અને મૅરી હોલિવુડનું એક યુવાન સેલિબ્રિટી કપલ છે. સંવાદો પરથી આપણને સમજાય છે કે માલ્કમ અગાઉ ફિલ્મલેખક હતો. હવે ડિરેક્ટર તરીકે એણે નવી શરૂઆત કરી છે. મૅરી એક સમયે ફિલ્મોમાં હિરોઈન હતી. એ ડ્રગ્ઝની બંધાણી થઈ ગઈ હતી. માંડ માંડ એ આ દૂષણમાંથી બહાર આવી શકી, જેમાં માલ્કમે લીધેલી કાળજીનું ઘણું યોગદાન હતું. મૅરીએ અભિનય કરવાનું છોડી દીધું છે. તે હવે કેવળ માલ્કમની લિવ-ઇન ગર્લફ્રેન્ડ છે. માલ્ક્મ અને મૅરી એક મોડી રાતે પોતાનાં ઘરે પાછાં ફરે છે ને અહીંથી ફિલ્મની શરૂઆત થાય છે. તેઓ માલ્કમની ડિરેક્ટર તરીકેની સર્વપ્રથમ ફિલ્મના પ્રીમિયરમાંથી પાછા ફર્યાં છે. માલ્કમના ડિરેક્શનથી બધા ખૂબ પ્રભાવિત થયા હતા. એની ખૂબ વાહવાહી થઈ હતી. ફૂલાઈને ફાળકો થઈ ગયેલો માલ્કમ ફુલ વોલ્યુમમાં ગીત મૂકીને શરાબ પીતાં પીતાં ખૂબ ઝૂમે છે. મૅરી કિચનમાં ખાવાનું બનાવી રહી છે. એ થોડી અકળાયેલી, ધૂંધવાયેલી દેખાય છે. થોડી વારમાં આપણને (અને માલ્કમને) એના ધૂંધવાટનું કારણ ખબર પડે છે. મૅરી એને પૂછે છેઃ તારી ફિલ્મ પૂરી થઈ પછી તેં જે થેન્ક્યુ સ્પીચ આપી એમાં તેં કેટલાય લોકોનાં નામ લીધાં, પણ તું મારું નામ કેમ ન બોલ્યો?
માલ્કમે ડિરેક્ટ કરેલી ફિલ્મની મુખ્ય નાયિકા એક ડ્રગ એડિક્ટ હતી અને માલ્કમે એની પીડા તેમજ સંઘર્ષને અત્યંત અધિકૃત રીતે પડદા પર પેશ કર્યાં હતા. આ અસરકારક નિરૂપણને કારણે જ લોકો માલ્કમ પર ઓવારી ગયા હતા. મૅરી આક્ષેપ કરે છે કે તું તારી નાયિકાનો સંઘર્ષ સાચુકલી રીતે દેખાડી શક્યો, કેમ કે તેં મને ડ્રગ્ઝને લીધે બરબાદ થતી ને પછી આ દૂષણમાંથી બહાર આવતી સાવ નજીકથી જોઈ છે. તને આ ફિલ્મ બનાવવાની પ્રેરણા મારા પરથી જ મળી છે, છતાંય થેન્ક્યુ સ્પીચમાં તેં મારી નોંધ સુધ્ધાં ન લીધી?
આપણને થાય કે વાત તો બરાબર છે. માલ્કમને જો મૅરી પરથી ફિલ્મ બનાવવાની પ્રેરણા મળી હોય તો થેન્કયુ સ્પીચ આપતી વખતે જાહેરમાં મૅરીને જશ તો આપવો જ જોઈએને! માલ્કમ કહે છેઃ મૅરી, તું ખોટું સમજે છે. હકીકત તો એ છે કે મેં તને મારી ફિલ્મમાં એક્ટ્રેસ તરીકે ચાન્સ ન આપ્યો તે વાતનું તને પેટમાં દુખે છે. પેલી એક્ટ્રેસની બધાએ ખૂબ પ્રશંસા કરી એટલે તને બળતરા થાય છે. એક વાત સમજી લે – મારા જીવનમાં તારા પહેલાં ઘણી સ્ત્રીઓ આવી હતી. નાયિકાનું પાત્ર મેં ઘણી સ્ત્રીઓના આધારે ઘડ્યું છે. હા, ફિલ્મમાં મેં હિરોઈનને જે રીતે નિરાશ થતી દેખાડી છે ફક્ત એટલું જ મેં તારા પરથી લીધું છે.
કઈ સ્ત્રીને આવું સાંભળવું ગમે? બન્ને વચ્ચે દલીલબાજી ચાલતી રહે છે. ઘણી વાર પલડું માલ્કમની તરફેણમાં ભારે થતું લાગે, તો ઘણી વાર મૅરીની તરફેણમાં. જેમ ડુંગળીનું એક-એક પડ ઊતરતું હોય તેમ તેમનો સંબંધ આપણી સામે ખુલ્લો થતો જાય છે. આપણને સમજાય કે મૅરી લાગણીના સ્તરે માલ્કમ પર ડિપેન્ડન્ટ થઈ ગઈ છે અને માલ્કમની આભામાં એ દબાઈ ગઈ છે એવું ભલે લાગે, પણ વાત એટલી સાદી નથી. માલ્કમ પણ એના પર આધારિત છે જ. માલ્કમ ટેલેન્ટેડ માણસ છે તે સાચું, પણ એની તાકાતનો એક મોટો સ્રોત મૅરી છે. જો મૅરી એને આટલો પ્રેમ કરતી ન હોત, એને સમર્પિત ન હોત, એને સ્થિરતા અને હૂંફનો અનુભવ કરાવતી ન હોત તો માલ્કમ અત્યારે જે સ્તર પર પહોંચ્યો છે ત્યાં કદાચ ન પહોંચ્યો હોત.
બન્ને એકબીજાની દુખતી નસો દબાવે છે. કદાચ બન્નેના દિલમાં લાંબા સમયથી એકબીજા પ્રત્યે ઘણી ફરિયાદો એકઠી થઈ ગઈ હતી, જે અત્યાર સુધી બહાર નહોતી આવી. મન-મગજમાં જે કંઈ ધરબાયેલું હતું તે સઘળું જાણે તે રાત્રે સ્ફોટ સાથે બહાર નીકળી રહ્યું છે. ફિલ્મના ડિરેક્શન અને લખાણની મજા આ છેઃ દર્શકને વગર કહ્યે પ્રતીતિ થયા કરે છે કે ભલે બન્ને બાખડતાં હોય, પણ બન્નેના દિલમાં એકમેક પ્રત્યે આદર છે, બન્નેએ એકબીજાને ઊંડાણથી, સચ્ચાઈપૂર્વક ચાહ્યાં છે. બન્ને કૉન્ફિડન્ટ માણસો છે, સ્વતંત્ર દિમાગ ધરાવે છે, પણ સાથે સાથે તેઓ કોઈક ને કોઈક સ્તરે અસલામતી પણ અનુભવે છે. એવુંય લાગે કે બન્ને પોતાની જાત પ્રત્યે પણ સાચાં અને પ્રામાણિક છે એટલે શક્ય છે કે આ સંબંધ કદાચ હવે પછી ન પણ ટકે.
માલ્કમ અને મૅરી વચ્ચે વાતો, ઝઘડા, ખાણી-પીણી, પ્રેમ વગેરે ચાલતું હોય છે તે દરમિયાન મધરાતે માલ્કમની ફિલ્મનો સૌથી પહેલો રિવ્યુ કોઈ ઓનલાઇન પ્લેટફૉર્મ પર મૂકાય છે. રિવ્યુમાં ફિલ્મના ભારોભાર વખાણ થયા છે એટલે બન્ને રાજી રાજી છે, પણ તોય માલ્કમને એ વાતો વાંધો પડે છે કે હું એક બ્લૅક ફિલ્મમેકર છું તે મુદ્દા પર આટલો બધો ભાર શું કામ મૂકાયો છે!
આ બ્લેક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મમાં આગળ શું થાય છે? માલ્કમ અને મૅરી વચ્ચે છેલ્લે બધું થાળે પડી જાય છે? આનો જવાબ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડે. જૉન ડેવિડ વોશિંગ્ટન અને ઝેન્ડયા બન્નેએ અત્યંત પ્રભાવશાળી અભિનય કર્યો છે. ડિરેક્ટર સૅમ લેવિન્સને એક્ટર અને એક્ટ્રેસને (ત્રણેય આ ફિલ્મનાં નિર્માતાઓ પણ છે) ભારે સંતુલન જાળવીને સરખું મહત્ત્વ આપ્યું છે. સૅમ અને જૉન બન્ને ‘નેપો-કિડ્સ’ છે. જૉનના પિતા ડેન્ઝલ વૉશિંગ્ટન હોલિવુડના પ્રથમકક્ષ અભિનેતા રહી ચૂક્યા છે, જ્યારે સૅમના પિતા બૅરી લેવિન્સન ‘રેઇનમેન’ (1988) જેવી હિટ ફિલ્મ લખી તેમજ ડિરેક્ટ કરી ચૂક્યા છે. સાવ ઓછા બજેટમાં ને ઓછા દિવસોમાં બનેલી ફિલ્મ કેટલી મસ્તમજાની હોઈ શકે તે જાણવા માટે પણ ‘માલ્કમ ઍન્ડ મૅરી’ જોવી જોઈએ. ‘જાઉં કહાં બતા અય દિલ’ની માફક આ ફિલ્મ પણ નેટફ્લિક્સ પર અવેલેબલ છે.
– Shishir Ramavat
#malcolmmarie #ShishirRamavat #Multiplex #DivyaBhaskar
Leave a Reply