‘અલ્લાહ તેરો નામ’ તો હું જ ગાઈશ!
—————————–
સુપરહિટ ‘હમ દોનોં’ રિલીઝ થઈ તે વાતને 60 વર્ષ પૂરાં થયાં. આ ફિલ્મના મેકિંગ દરમિયાન કેવાં કેવાં નાટક થયાં હતાં?
—- મલ્ટિપ્લેક્સ – Divya Bhaskar ——–
ડિરેક્ટર હોવું ને ડિરેક્ટર તરીકે રજૂ થવું આ બન્ને જુદી સ્થિતિ છે. દેવ આનંદની ક્લાસિક ફિલ્મ ‘હમ દોનોં’ (1961)ના ડિરેક્ટર તરીકે અમરજીત નામના મહાશયનું નામ ભલે વંચાય છે, પણ પડદા પાછળની કથા કંઈક જુદી છે. વાત એમ હતી કે વિજય આનંદ ઉર્ફ ગોલ્ડી પોતાના બેનર નવકેતન ફિલ્મ્સના નેજા હેઠળ અમરજીતને ડિરેક્ટર તરીકે ચાન્સ આપવા માગતા હતા. વિજય આનંદને દેવ આનંદના નાના ભાઈ તરીકે પરિચય આપવાની જરૂર નથી, કેમ કે તેઓ ખુદ અફલાતૂન ડિરેક્ટર હતા. ‘ગાઇડ’, ‘તીસરી મંઝિલ’, ‘જ્વેલથીફ’ અને ‘જોની મેરા નામ’ સહિતની કેટલીય યાદગાર ફિલ્મો એમના નામે બોલે છે.
દેવ આનંદ ઇચ્છતા હતા કે ‘હમ દોનોં’નું લેખન અને ડિરેક્શન બન્ને ગોલ્ડી કરે, પણ ગોલ્ડીની જીદ હતી કે ના, મેં અમરજીતને પ્રોમીસ આપ્યું છે એટલે મારે એની પાસે જ આ ફિલ્મ ડિરેક્ટ કરાવવી છે. દેવ આનંદે કહ્યુઃ અમરજીત કેવું કામ કરશે એની કોઈ ગેરંટી નથી. જો એ લોચા કરશે તો ફિલ્મ તારે પૂરી કરવી પડશે. ગોલ્ડી કહેઃ ડન.
ગોલ્ડીએ જાણીતા રંગકર્મી સત્યદેવ દૂબે અને અમરજીતને મુંબઈથી પોતાની સાથે લઈને જીપમાં કાશ્મીર જવા નીકળી પડ્યા. રસ્તામાં હોટલમાં રોકાવાનું થાય ત્યાં તેઓ ‘હમ દોનોં’ની સ્ક્રિપ્ટ લખવા માંડતા. કાશ્મીરમાં તેમણે હાઉસબોટ ભાડે કરી. વીસ દિવસમાં સંવાદો સાથેની આખેઆખી સ્ક્રિપ્ટ રેડી કરી નાખી. મુંબઇ પાછા ફર્યા બાદ દેવ આનંદે સ્ક્રિપ્ટ સાંભળીને તરત કહ્યુઃ શૂટિંગની તૈયારી શરૂ કરો.
‘હમ દોનોં0નાં ગીતો જયદેવે કંપોઝ કર્યા છે. એ જમાનામાં તેઓ નવકેતન ફિલ્મ્સમાં નોકરી કરતા હતા. શરૂઆતમાં તેઓ એસ.ડી. બર્મનને આસિસ્ટ કરતા. ગોલ્ડી ‘હમ દોનોં’માં જયદેવને સ્વતંત્રપણે મ્યુઝિક કંપોઝર તરીકે હવાલો સોંપવા માગતા હતા. લતા મંગેશકરે શરત મૂકીઃ હું જયદેવના સંગીત નિર્દેશનમાં કામ કરીશ ખરી, પણ ફિલ્મમાં જે બન્ને ભજનો છે – ‘અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ’ અને ‘પ્રભુ તેરો નામ’ – તે તમારે મારી પાસે જ ગવડાવવા પડશે. ગોલ્ડી વાસ્તવમાં ‘અલ્લાહ તેરો નામ’ પ્રતિષ્ઠિત ગાયિકા એમ. એસ. સુબ્બુલક્ષ્મી પાસે ગવડાવવા માગતા હતા, પણ લતા નારાજ ન થાય તે માટે એમણે શરત માની લીધી. લતાની દષ્ટિ કેટલી પારખુ હતી તે જુઓ. આજે ‘અલ્લાહ તેરો નામ…’ એમના સવર્કાલીન શ્રેષ્ઠતમ ગીતોની યાદીમાં સ્થાન પામે છે. ઇન ફૅક્ટ, ફિલ્મમાં એકએકથી ચડિયાતાં ગીતો છે – ‘અભી ના જાઓ છોડકર…’ (રફી-આશા), ‘મૈં ઝિંદગી કા સાથ નિભાતા ચલા ગયા….’ (રફી), ‘કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા…’ (રફી) વગેરે. આ બધાં અમર ગીતો છે.
ગીતો તૈયાર થયાં એટલે નાયિકાઓ તરીકે સાધના અને નંદાની વરણી કરવામાં આવી. તમે નોંધ્યુ હશે કે ‘હમ દોનોં’ના ડાયલોગ્ઝ બહુ ચોટદાર છે. ગોલ્ડીએ સંવાદો પાછળ વિશેષ ધ્યાન આપ્યું હતું એનું કારણ છે. ગોલ્ડી ખુદ ફિલ્મ ડિરેક્ટ કરતા હોય ત્યારે તેઓ વિઝ્યુઅલ્સ અને એક્શન પર વધારે ભાર મૂકતા, પણ તેઓ જાણતા હતા કે અમરજીત આવું નહીં કરી શકે. તેથી જો એક્ટરોને દમદાર ડાયલોગ્ઝ આપીશ તો એમની અદાકારી આપોઆપ ખીલી ઉઠશે.
શૂટિંગ શરૂ થયું. અમરજીત ડિરેક્ટર તરીકે નબળા છે તે ગોલ્ડી જાણતા હતા. તેઓ સેટ પર એક્ટરો-ટેક્નિશીયનોની હાજરીમાં એમને શીખવે કે સલાહ-સૂચના આપે તો યુનિટમાં અમરજીતનું માન ન જળવાય. તેથી ગોલ્ડીએ અમરજીતને ઘરે બોલાવીને શોટ્સ કેવી રીતે લેવા, કૅમેરા ક્યાં ગોઠવવા વગેરે કાગળ પર આકૃતિઓ દોરીને વિગતવાર સમજાવ્યું.
શૂટિંગના પહેલા જ દિવસે ગરબડ થઈ ગઈ. ગોલ્ડી સેટ પર પહોંચીને જોયું કે અમરજીતે આકૃતિ દોરેલો કાગળ ઊંધો પકડ્યો છે. તેઓ સિનેમેટોગ્રાફરને ખોટી જગ્યાએ કૅમેરા રાખવાનું કહી રહ્યા હતા. સિનેમેટોગ્રાફર ભડકી ગયો. સેટનો માહોલ ગરમ થઈ ગયો હતો. ગોલ્ડીએ અમરજીતને એક બાજુ બોલાવીને સમજાવ્યું કે ભાઈ, તેં કાગળ ઊંધો પકડ્યો છે. કૅમેરાને અહીં નહીં પણ ત્યાં મૂકાવ.
બીજે દિવસે પાછી એ જ રામાયણ. ગોલ્ડીને સેટ પર તાબડતોબ બોલાવવામાં આવ્યા. આ વખતે પણ અમરજીતે કાગળ ઊંધો પકડીને ખોટી સૂચનાઓ આપી હતી. ગોલ્ડીએ વિચાર્યું કે હશે, શરૂઆતમાં ભૂલ થાય, ધીમે ધીમે આવડી જશે… પણ શીખે એ અમરજીત નહીં. તેઓ વારે વારે ભૂલો કર્યા કરતા. અમરજીતે શૂટ કરેલાં દશ્યોનાં રશીઝ દેવ આનંદ અને ગોલ્ડીએ જોયાં. બહુ ખરાબ કામ થયેલું. દેવ આનંદ ગુસ્સે થઈ ગયાઃ આ અમરજીત આપણને ડૂબાડી દેશે. કાઢી મૂકો એને. ગોલ્ડી કહેઃ ના, અમરજીત ભલે રહ્યો. કાલથી હું સેટ પર આખો દિવસ હાજર રહીશ, બસ?
ગોલ્ડી હવે સેટ પર ફુલટાઇમ હાજર રહેવા લાગ્યા. તેઓ સતત અમરજીતના અજ્ઞાનને છાવરતા. તેઓ કલાકારોને તેઓ સંવાદો પાકા કરાવતા. સાધના તો દરેક સીન પહેલાં ગોલ્ડી સાથે ચર્ચા કરવાનો ખાસ આગ્રહ રાખતાં. ગોલ્ડી સાથે રિહર્સલ થાય પછી જ એ શોટ આપવા જાય. એક દિવસ ગોલ્ડી અને દેવ આનંદ વચ્ચે ગરમાગરમી થઈ ગઈ. મહેબૂબ સ્ટુડિયોમાં શૂટિંગ હતું. સીન એવો હતો કે સાધના પોતાના ગરીબ પ્રેમી દેવ આનંદની પોતાના પિતા સાથે ઓળખાણ કરાવવા ઘરે બોલાવે છે. પિતા મોટા જાગીરદાર છે, વિશાળ બંગલામાં રહે છે. સ્ક્રિપ્ટમાં સૂચના લખી હતી કે નાયિકા નાયકનો હાથ પકડીને ઘરની અંદર દોરી જાય છે. દેવ આનંદને આ ચેષ્ટા ન ગમી. એમણે કહ્યુઃ હિરોઈને શા માટે કૂતરાને લઈ જતી હોય તેમ મારો હાથ પકડીને અંદર લઈ જવો પડે? ગોલ્ડીએ એમને ઘણા સમજાવ્યા, પણ દેવ આનંદ ન જ માન્યા. ગોલ્ડીને માઠું લાગ્યું. તેમને થયું, હું ફિલ્મનો ડિરેક્ટર નથી તોય શા માટે મારે કોઈનું ખરું-ખોટું સાંભળવું પડે? તેઓ ચુપચાપ સેટ પરથી નીકળી ગયા. દિમાગ શાંત કરવા મરીન ડ્રાઇવ પર ‘બોમ્બે લીઝ’ નામની પોતાની ફેવરિટ રેસ્ટોરાંમાં તેઓ બે-ત્રણ કલાક ત્યાં બેસી રહ્યા. આ બાજુ સેટ પર ગોલ્ડી માટે શોધાશોધ થઈ ગઈ. દેવ આનંદને ખબર હતી કે ગોલ્ડી ક્યાં બેઠા હશે. ગોલ્ડીને તેડવા એમણે એક માણસ મોકલ્યો. માણસે કહ્યું કે ગોલ્ડીસાહેબ, પ્લીઝ સેટ પર ચાલો, તમારા વગર શૂટિંગ અટકી પડ્યું છે. ગોલ્ડી સેટ પર આવ્યા. જાણે કશું બન્યું જ ન હોય તેમ દેવ આનંદે કહ્યુઃ હવે શૂટિંગ શરૂ કરીએ? ચાલો શોટ લગાડો… ને પછી ગોલ્ડીએ સ્ક્રિપ્ટમાં લખ્યું હતું એક્ઝેક્ટલી એ જ રીતે સાધના દેવ આનંદનો હાથ પકડીને ઘરમાં લઈ જતી હોય તે શોટ લેવાયો.
આખરે ફિલ્મ બની, રિલીઝ થઈ, સુપરહિટ પૂરવાર થઈ, ખૂબ વખણાઈ. દેવ આનંદ આ ફિલ્મ પછી સાચા અર્થમાં દેવ આનંદ બન્યા. ‘હમ દોનોં’એ આ વર્ષે સાઠ વર્ષ પૂરાં કર્યાં. ગોલ્ડીના જીવન અને ફિલ્મો વિશેની આવી ખૂબ બધી ઇન્ટરેસ્ટિંગ વાતો અનિતા પાધ્યા લિખિત ‘એક થા ગોલ્ડી’ નામના સરસ મજાના હિન્દી પુસ્તકમાં સંગ્રહાઈ છે. વાંચજો.
– Shishir Ramavat
#GoldieAnand #ShishirRamavat #Multiplex #DivyaBhaskar
Leave a Reply