આ રહ્યો આગામી ચૂંટણીનો મુદ્દો: મેરે દેશ કી મિટ્ટી
———————–
વાત-વિચાર, ગુજરાત સમાચાર, Edit page
————————
મેરે દેશ કી ધરતી, વતન કી મિટ્ટી, મિટ્ટી કી ખૂશ્બુ… આ બધા શબ્દોપ્રયોગો બોલવામાં ને સાંભળવામાં બહુ મીઠા લાગે છે. ભલે લાગે. આ શબ્દપ્રયોગો સાથે દેશપ્રેમની લાગણી જોડાયેલી છે. ભલે જોડાયેલી રહી. હવે સમય આવ્યો છે, આ શાબ્દિક અને ક્ષણિક દેશપ્રેમથી ઉપર ઉઠીને ધરતીની માટીને જબરદસ્ત અને સક્રિય પ્રેમ કરવાનો… પણ ધરતીની માટીને સક્રિય પ્રેમ કરવો એટલે વળી શું? મુદ્દો શું છે? વિગતવાર સમજીએ.
આપણે પર્યાવરણની, ક્લાયમેટ ચેન્જની ખૂબ વાતો કરીએ છીએ. આપણને એટલી તો ખબર છે કે વાતાવરણને પ્રદૂષિત કરવામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ખતરનાક વિલનનું કામ કરે છે. હવામાંથી કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડવું હોય તો વૃક્ષો-ફૂલછોડ વાવવાં જોઈએ એવું સ્કૂલનાં બચ્ચાં પણ જાણે છે. આપણને કાર્બન ફૂટપ્રિન્ટ ને એવું બધું બોલતા આવડી ગયું છે, પણ આપણને એ હકીકતની સભાનતા નથી કે પૃથ્વીના વાતાવરણમાં ફેલાયેલા કાર્બન ડાયોક્સાઇડને શોષી લેતી ત્રણ વસ્તુઓમાં વનસ્પતિ-જંગલો તો છેક ત્રીજા નંબર પર આવે છે. પહેલા નંબરે દરિયાઈ પાણી અને બીજા નંબર પર આવે છે, પૃથ્વીના પટ પર ફેલાયેલી માટી. માટી એ કાર્બન માટેનું કુદરતી કેદખાનું છે. તે કાર્બન ડાયોક્સાઇડને શોષીને જડબેસલાક પકડી રાખે છે. વાતાવરણમાં જેટલો કાર્બન ફેલાયેલો છે એના કરતાં ત્રણ ગણો અને ફૂલ-ઝાડ-વનસ્પતિ-જંગલો કરતાં બે ગણો કાર્બન માટીએ પોતાનામાં સમાવી રાખ્યો છે. એકલા યુરાપની માટીએ ૭૫ બિલિયન ટન જેટલો ઓર્ગેનિક કાર્બન પોતાનામાં સંઘરી રાખ્યો છે. પૃથ્વી પર સૌથી વિરાટ જીવતી વસ્તુ કોઈ હોય તો તે માટી છે.
સ્પિરિચ્યુઅલ લીડર સદ્ગુરુ જગ્ગી વાસુદેવ સામે તમને સૈદ્ધાંતિક કે ઇવન આધ્યાત્મિક વાંધા પણ હોય, તોય માટીના સંવર્ધન માટે તેઓ જે વિશ્વવ્યાપી પ્રયત્નો કરી રહ્યા છે તેની પ્રશંસા કરવી પડે. માટીનું સંવર્ધન એટલે શું? આ પ્રશ્નના ઉત્તરમાં સદ્ગુરુ આંકડાબદ્ધ ઉત્તર આપે છે. પૃથ્વી પર જે વિરાટ જીવસૃષ્ટિ છે, જેમાં માણસો-પશુપંખીઓ-જીવજંતુઓ-ફૂલઝાડ સહિત બધાં જ આવી ગયાં, તેમાંના ૮૭ ટકા જીવોને પોષણ જમીનની સપાટીના ઉપરનું ૩૯ ઇંચના પડમાંથી મળે છે. જીવસૃષ્ટિ ટકી રહે તે માટે આ પડ અત્યંત મહત્ત્વનું છે, ખાસ કરીને તેના ઉપરી ૧૨થી ૧૫ ઈંચ. વર્તમાન સમયનું ભયજનક સત્ય એ છે કે આ પડનો ઉત્તરોત્તર નાશ થઈ રહ્યો છે. છેલ્લાં ૪૦ જ વર્ષમાં જમીનનું આ પડ, કે જેને અંગ્રજીમાં ટોપ સોઇલ કહે છે, તેનો ૪૦થી ૫૦ ટકા હિસ્સો નકામો થઈ ગયો છે, બિનઉપજાઉ થઈ ગયો છે.
યુનાઇટેડ નેશન્સ આગાહી કરે છે કે જો પરિસ્થિતિ આવીને આવી રહી, તો આવનારાં ૪૫થી ૬૦ વર્ષ સુધી જ ખેતી થઈ શકે એટલી માટી પૃથ્વી પર બચશે. તે પછી ધરતી પર અનાજ પેદા કરી શકે એવી જમીનનું અસ્તિત્ત્વ જ નહીં રહે. ૨૦૪૫ સુધીમાં, એટલે કે આવતા બાવીસ-ત્રેવીસ વર્ષમાં જ આપણે ૪૫ ટકા ઓછું અનાજ પેદા કરી શકીશું. તે વખતે પૃથ્વીની વસતિ થઈ ગઈ હશે સાડાનવ અબજ. માનવવસતિ વધે તે પ્રમાણે અનાજ વધારે પેદા થવું જોઈએ કે ઓછું? માણસજાતે એવાં કારસ્તાન કર્યાં છે કે એના પાપે અનાજ અને પાણીના મામલામાં ઊલટી ગંગા વહેવાની ઓલરેડી શરુ થઈ ચૂકી છે.
ભારતની વાત કરીએ. આપણા દેશની ૩૦ ટકા જમીન ઓલરેડી બિનઉપજાઉ થઈ ચૂકી છે. ભારતનાં ૯૦ ટકા રાજ્યોમાં જમીન ધીમે ધીમે રણ સમાન બની રહી છે. માટીમાં ખૂબ બધી મોઇશ્ચર (ભીનાશ) ઉપરાંત કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન અને થોડા પ્રમાણમાં સલ્ફર, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ તેમજ મેગ્નેશિયમ જેવાં તત્ત્વો હોય છે. આ છે માટીનું ઓર્ગેનિક કોન્ટેન્ટ. જો ઓર્ગેનિક કોન્ટેન્ટ ન બચે તો માટીનું માટીપણું નાશ પામે, તે લગભગ રેતી જ બની ગઈ છે એમ કહેવાય. ઓર્ગેનિક કોન્ટેન્ટ વગરની માટીમાં અન્ન ન ઉગે. દુનિયાભરની માટીમાંથી ઓર્ગેનિક કોન્ટેન્ટ ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. આજથી સો વર્ષ પહેલાં એક સંતરામાંથી માણસને જેટલાં પોષક તત્ત્વો મળતાં હતાં, તેટલાં પોષક તત્ત્વો મેળવવા માટે આજે આપણે આઠ સંતરાં ખાવા પડે છે. ગાયભેંસના પોદળાં, બકરીની લીંડીઓ, પક્ષીઓના ચરક, ખરી ગયેલાં પાંદડાં ઇત્યાદિને જરાય અન્ડરએસ્ટિમેટ ન કરતા. આ બધામાંથી માટીને ઓર્ગેનિક કોન્ટેન્ટ મળે છે.
માટીનું ઓર્ગેનિક કોન્ટેન્ટ ઘટવાનાં ઘણાં કારણો છે. ઔદ્યોગિક ક્રાંતિને કારણે માણસની ઉત્પાદનક્ષમતા વધી, કારખાનાં-મશીનો આવ્યાં, નિતનવાં ઉપકરણોની ભરમાર થતી ગઈ, ખૂબ બધી સુખ-સુવિધા મળવાને કારણે જીવન આસાન થતું ગયું, પણ મદોન્મત થઈ ચૂકેલી માણસજાત બેફામ બની ગઈ ને એણે જમીન, પાણી અને હવા આ ત્રણેયની વાટ લગાડી દીધી. શહેરીકરણ ક્રમશઃ તીવ્ર બનતું ગયું, વૃક્ષો કપાતાં ગયાં, જંગલો સાફ થતાં રહ્યાં. માણસે વધારે પાક મેળવવા માટે ઝેરી રસાયણોવાળાં ખાતર અને પેસ્ટિસાઇડ્સનો બેહિસાબ વપરાશ કરવા માંડયો. આ બધાને કારણે માટીની ગુણવત્તા સતત બગડતી ગઈ. એક અંદાજ પ્રમાણે ઔદ્યોગિક ક્રાંતિ શરુ થઈ ત્યારથી લઈને આજ સુધીમાં ધરતી પર ૧૩૫ અબજ ટન ફળદ્રુપ માટી નકામી થઈ ચૂકી છે.
માટીમાંથી મોઇશ્ચર એટલે કે ભીનાશ ઘટે જાય એટલે એ પાણી વધારે માગે ને પેદાશ ઓછી આપે. માટીની ક્વોલિટી બગડે એટલે તે કાર્બન ડાયોક્સાઇડ અને મિથેન જેવાં જોખમી વાયુઓને ‘પકડી’ રાખવાની પોતાની કુદરતી ક્ષમતા ગુમાવી બેસે. જે ઝેરી વાયુઓને માટીએ હવામાંથી શોષી લીધા હતા તેને નછૂટકે પાછા હવામાં છોડવા પડે છે. તેની સીધી અસર ક્લાયમેન્ટ ચેન્જ પર પડે છે.
માટીને બચાવવી હશે તો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળવું જ પડશે. ભવિષ્યમાં એવી કપરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે માણસજાતે સ્વેચ્છાએ નહીં તો નછૂટકે માંસાહારને ત્યજવો પડશે. કારણ બહુ સાદું છે. દુનિયાની ૬૦થી ૮૦ ટકા ઉપજાઉ જમીન મરઘાં-બકરાં-ગાય-ભેંસ જેવાં ‘ખાવાલાયક’ પ્રાણીઓને ઉછેરવામાં રોકી રાખવામાં આવી છે. આ જનાવરોને પાણી પણ પુષ્કળ પીએ. એક અંદાજ પ્રમાણે, માણસજાત જેટલી કેલરી ખાય છે એની માત્ર ૧૮ ટકા કેલરી માસૂમ પ્રાણીઓની કતલ કરીને મળતા માંસાહારમાંથી મળે છે. ગ્લોબલ વોર્મિંગનું એક મોટું કારણ માંસાહાર પણ છે તે સર્વસ્વીકૃત હકીકત છે. માણસજાત જો માંસ ખાવાનું પ્રમાણ અડધું કરી નાખે તો દુનિયાની ૩૦થી ૪૦ ટકા જેટલી ફળદ્રુપ જમીન છૂટી થઈ જાય, જે ખેતી માટે વાપરી શકાય.
આ એક વાત આપણે સૌએ સતત યાદ રાખવી જોઈએ – પૃથ્વી પર માટીનો જથ્થો અનંત નથી. પૃથ્વીના પેટાળમાં રહેલા તેલની જેમ માટીનો જથ્થો પણ મર્યાદિત છે. પૃથ્વીની સપાટીનો કેવળ ૭.૫ ટકા હિસ્સો જ ખેતીલાયક છે, જેના પર બધી ધૂમધામ છે.
ઊંચી ગુણવત્તાવાળી ઉપજાઉ માટી તરત બનતી નથી. વૈજ્ઞાાનિકો કહે છે કે માત્ર અડધા સેન્ટીમીટર જેટલી ફળદ્રુપ માટીનું પડ બનવામાં સો વર્ષ લાગી જાય. આનો અર્થ એ થયો કે આપણે જે ઝડપથી ફળદ્રુપ માટી ‘બનાવી’ શકીએ છીએ તેના કરતાં પ૦થી ૧૦૦ ગણી ઝડપે સારી માટીને ગુમાવી રહ્યા છીએ. કલ્પના કરો, પ્રત્યેક પાંચ સેકન્ડે એક ફુટબોલ ગ્રાઉન્ડ જેટલી માટીનું ધોવાણ થઈ રહ્યું છે. આપણે માટીને ખરાબ કરીએ એટલે, અગાઉ નોંધ્યું એમ, જળનિયમન તંત્ર ખોરવાય છે, ફૂડ સપ્લાય ચેઇનમાં ખલેલ પહોંચે છે અને વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ રિલીઝ થાય છે.
નિષ્ણાતો એક વાત બહુ જ સ્પષ્ટપણે કહે છેઃ માટીનો સીધો સંબંધ આપણા સૌની સુખાકારી સાથે છે. જ્યાં સુધી માટીની સમસ્યા પર કામ કરવામાં નહીં આવે ત્યાં સુધી પર્યાવરણને લગતી બીજી કોઈ સમસ્યા ઉકેલી શકાશે નહીં. સો વાતની એક વાત. દેશ કી મિટ્ટી ખરેખર આપણી મા સમાન છે. એને સગી મા જેટલો જ પ્રેમ અને આદર આપવો પડશે. નાનાં બચ્ચાં માટીમાં રમતા હોય ને હાથ બગાડતાં હોય તો યુવાન ચાંપલી મમ્મીઓ ‘છી… ડર્ટી!’ કહીને બાળકને ઊંચકી લે છે. મહેરબાની કરીને માટીને ડર્ટી ન કહો. પાણીની જેમ માટી પણ સમગ્ર જીવસૃષ્ટિની જીવનદાત્રી છે.
હવે આગામી ચૂંટણી આવે ત્યારે આપણે ઉમેદવારોને અને રાજકીય પક્ષોને આ સવાલ પૂછવાનો છે – આપણા દેશની માટીના સંવર્ધન માટે તમે કોઈ પોલિસી ઘડી છે? કશું નક્કર પ્લાનિંગ કર્યું છે તમે? માટીના સંવર્ધનને, પર્યાવરણની જાળવણીને જો આપણે ચૂંટણી માટેનો અત્યંત મહત્ત્વનો મુદ્દો નહીં બનાવીએ તો ભાવિ પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.
– Shishir Ramavat
Leave a Reply