આપણે સૌને આંતરિક પ્રકાશની શોધ હોય છેઃ પેન નલિન
————————
ઓસ્કર એન્ટ્રી તરીકે પસંદગી પામેલી ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ના ડિરેક્ટર ખાસ વાતચીત
————————–
ગુજરાત સમાચાર
————————–
‘મારી ફિલ્મો એક બીજા કરતાં ઘણી જુદી છે, પણ અમુક તત્ત્વો એવાં છે જેનું સાતત્ય બધામાં જળવાઈ રહ્યું છે. જેમ કે, સાયલન્સનો ઉપયોગ. સાયલન્સ એટલે ધ્વનિની ગેરહાજરી એમ નહીં, પણ સંવાદવિહીન સ્થિતિ. આપણે કહીએ છીએ કે સિનેમા એ જીવાતા જીવનનું પ્રતિબિંબ છે. આપણે સવારથી લઈને રાતે સુવા જઈએ ત્યાં સુધી સતત બોલતા રહેતા નથી. વચ્ચે વચ્ચે કેટલોય સમય આપણે વાણીને વિરામ આપીએ જ છીએ. તો પછી સિનેમામાં પહેલી ફ્રેમથી છેલ્લી ફ્રેમ સુધી બધા એકધારા બોલ્યા જ કરે એવું કેમ બને? સંવાદો વગર કેવળ વિઅઝ્યુઅલ્સના આધારે ફિલ્મનું નરેટિવ આગળ વધી જ શકે છે.’
આ શબ્દો છે ફિલ્મમેકર નલિનકુમાર રમણિકલાલ પંડ્યા એટલે કે પેન નલિનના, કે જેમની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ઓસ્કાર અવોર્ડ્ઝની બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ કેટેગરી માટે ભારતીય એન્ટ્રી તરીકે પસંદ થઈ છે. ‘ગુજરાત સમાચાર’ સાથે થયેલી વિશેષ વાતચીત દરમિયાન એમણે ‘છેલ્લો શો’ સંબંધિત ઘણી વાતો કરી હતી.
સહેજે સવાલ થાય કે ગુજરાતીમાં ફિલ્મનું ટાઇટલ ‘છેલ્લો શો’ છે, પણ અંગ્રેજીમાં તે ‘ધ લાસ્ટ શો’ નહીં, પણ ‘લાસ્ટ ફિલ્મ શો’ છે. અંગ્રેજી ટાઇટલમાં ‘ફિલ્મ’ શબ્દ ઉમેરેવાનું તાત્પર્ય શું છે? પેન નલિને કહ્યું હતું કે, ‘ગુજરાતીમાં ‘શો’ એટલે ફિલ્મનો શો એવો એક પ્રચલિત અર્થ આપણા માનસમાં રુઢ થઈ ગયો છે. જેમ કે, કોઈ પૂછે કે ‘ક્યા શોમાં જવું છે?’ તો આપણે તરત માની લઈએ કે સામેનો માણસ ફિલ્મના શોની જ વાત કરે છે. અગ્રેજીમાં શો એટલે ફિલ્મનો શો એવું દઢ સમીકરણ નથી. તેથી અંગ્રેજી વર્ઝન જોનારા દુનિયાભરના વિશાળ દર્શકવર્ગને ધ્યાનમાં રાખીને અમે ‘ફિલ્મ’ શબ્દ ઉમેરીને ‘લાસ્ટ ફિલ્મ શો’ એવું ટાઇટલ રાખ્યું. ‘શો’ શબ્દનો બીજો અર્થ પણ છે. અંગ્રેજીમાં ‘શો’ ક્રિયાપદ એટલે ‘દેખાડવું’. ‘છેલ્લો શો’માં ડિજિટલ સિનેમાના આગમનને કારણે કચકડાની પટ્ટીનો યુગ પુરો થાય છે એવી વાત છે. ફિલ્મનો બાળનાયક કચકડાની પટ્ટી હાથમાં લઈને જુએ છે અને બીજાઓને દેખાડે છે. એટલે કચક્ડાની પટ્ટીને છેલ્લી વાર ‘શો કરવી’ એટલે કે છેલ્લી વાર ‘દેખાડવી’ એવો ભાવ પણ આ ટાઇટલમાં છે.’
‘છેલ્લો શો’માં સિંગલ સ્ક્રીનના જમાનાનો એક નવ વર્ષનો મુગ્ધ કિશોર ફિલ્મની માયાવી દુનિયાથી વશીભૂત થઈ જાય છે. વાસ્તવમાં ‘છેલ્લો શો’ એક કિશોર અને એક આર્ટ ફૉર્મ વચ્ચેની હૃદયસ્પર્શી લવસ્ટોરી છે. ફિલ્મમાં રસોડામાં તૈયાર થઈ રહેલી ગુજરાતી વાનગીઓના ખૂબ બધા આકર્ષક શોટ્સ પણ છે. પેન નલિન કહે છે, ‘ફિલ્મમાં ઘણાં મેટાફર (પ્રતીકો) વપરાયાં છે, જેમાનું એક મેટાફર ફૂડ પણ છે. બાળનાયકની માતા જે ખાવાનું બનાવે છે તે મસાલેદાર છે. અહીં ‘મસાલો’ એ મસાલા ફિલ્મોનું અથવા મનોરંજનનું પ્રતીક છે. વળી, બાળનાયક માટે સિનેમાનો રસ્તો પ્રોજેક્શનિસ્ટના પેટમાં પસાર થાય છે! આ સિવાય ‘છેલ્લો શો’માં લાઇટ યા તો પ્રકાશ પણ એક મહત્ત્વનો મેટાફર છે. આપણને સૌને આંતરિક પ્રકાશની શોધ હોય છે. પ્રોજેક્શન રૂમમાંથી નીકળતો પ્રકાશનો શેરડો જ આખરે બાળનાયકને એના આંતરિક પ્રકાશ સુધી પહોંચાડે છે.’
અગાઉ ‘સમસારા’, ‘વેલી ઓફ ફ્લાવર્સ’ અને ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીસ’ જેવી ફિચર ફિલ્મો બનાવી ચુકેલા પેન નલિન માટે ફિલ્મમેકિંગની શૈલી, જે-તે ફિલ્મના વિષય અનુસાર બદલાતી રહે છે. જેમ કે, ‘એન્ગ્રી ઇન્ડિયન ગોડેસીસ’ ઇરાદાપૂર્વક સ્ક્રિપ્ટ વગર, ઉત્સ્ફૂર્તપણે તૈયાર થયેલી ફિલ્મ છે, ‘છેલ્લો શો’ના આખા કથાપ્રવાહનું વહન ભાવિન રબારી નામનો બાળકલાકાર કરે છે, જેને અગાઉ અભિનયનો કશો જ અનુભવ નહોતો. પેન નલિન કહે છે, ‘નોન-એક્ટર્સ સાથે કામ કરતી વખતે એ જાણવું પડે કે એના સ્વાભાવિક વર્તન-વ્યવહારમાં ‘એક્ટિંગ’ ક્યાં હોય છે. એ જ રીતે અનુભવી કલાકાર સાથે કામ કરતી વખતે એ જોવું પડે કે એ ક્યાં અને ક્યારે ‘એક્ટિંગ’ નથી કરતો. બસ, આટલી સ્પષ્ટતા મળી જાય પછી કામ કરવું આસાન બની રહે છે. અમે ‘છેલ્લો શો’નું શૂટિંગ ક્રોનોલોજિકલ ઓર્ડરમાં (એટલે કે ફિલ્મમાં જે દશ્યો છે એ જ ક્રમમાં) નહોતું કર્યું. આથી બાળકલાકારોને અભિનય અને હાવભાવના સાતત્ય વિશે સમજાવીને ધાર્યું કામ લેવું પડકારજનક હતું.’
અમેરેલી જિલ્લાના નાનકડા ગામમાં ઉછરેલા અને ફિલ્મમેકર તરીકે આતંરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકેલા પેન નલિન ટૂંક સમયમાં અમેરિકાના લોસ એન્જલસ શહેર પહોંચીને ઓસ્કર જ્યૂરી માટે ‘છેલ્લો શો’ના કંઈકેટલાય સ્ક્રીનિંગ ગોઠવવાના તેમજ પ્રમોશનના કામમાં વ્યસ્ત થઈ જશે. 24 જાન્યુઆરી 2023ના રોજ ઓસ્કર નોમિનેશન્સ જાહેર થશે અને 12 માર્ચ 2023ના રોજ ઓસ્કર અવોર્ડ સમારોહ યોજાશે. જો ‘છેલ્લો શો’ને ઓસ્કર નોમિનશન મળશે તો ‘લગાન’ (2001) પછી આ સ્તરે પહોંચનારી તે પહેલી ભારતીય ફિચર ફિલ્મ ગણાશે.
00000000
(તાજા કલમ : ગઈ કાલે અમદાવાદમાં પેન નલિન અને અભિષેક જૈન વચ્ચે પ્રશ્નોત્તરીનો મસ્તમજાનો કાર્યક્રમ યોજાયો હતો. હાજર રહેલા ફિલ્મરસિયાઓ તરફથી પણ ઉત્તમ પ્રશ્નો પૂછાયા હતા. ‘છેલ્લો શો’ વિશે છેલ્લાં કેટલાંક અઠવાડિયાઓ દરમિયાન ઓલરેડી એટલી બધી વાતો થઈ ચૂકી છે કે મારે ટૂંકી વન-ટુ-વન વાતચીતમાં વધારે કે અલગથી શું પૂછવું એ મહાપ્રશ્ન હતો! છતાંય સવાલો પૂછાયા અને પેન નલિને ઉત્કટતાપૂર્વક એના જવાબ આપ્યા. તે વાતચીતના અંશ ઉપર પેશ કર્યાં છે.)
– શિશિર રામાવત)
Leave a Reply