‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વર્સસ ‘પરઝાનિયા’
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના રાઇટર-ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી જ્યારે નરેન્દ્ર મોદીને મળ્યા હતા ત્યારે એમને કહેલું કે ભારતમાં સિનેમાનો ક્યારે એક સોફ્ટ પાવર તરીકે વ્યવસ્થિત ઉપયોગ થયો જ નથી. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મે સિનેમાની તાકાત કેટલી પ્રચંડ હોઈ શકે છે તે પૂરવાર કરી દીધું છે – મનોરંજનના સ્તરે નહીં, પણ અંતઃકરણના સ્તરે, ઇતિહાસના ચિત્રણના સ્તરે, રાજકીય સ્તરે, સામાજિક સ્તરે અને ખાસ તો સામૂહિક ચેતનાના સ્તરે.
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ની ચર્ચા કરતી વખતે એક ફિલ્મનો ઉલ્લેખ વારંવાર થયા કરે છે – ‘પરઝાનિયા’. જેમને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સામે વિરોધ છે તેઓ કહ્યા કરે છે કે મોદી અત્યારે સામે ચાલીને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પ્રમોટ કરી રહ્યા છે, પણ તેઓ જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે ગોધરાકાંડ પછી થયેલા રમખાણોને કેન્દ્રમાં રાખીને બનેલી ‘પરઝાનિયા’ (2007) ફિલ્મ પર રાજ્યમાં કેમ પ્રતિબંધ લગાવી દીધો હતો? વ્યક્તિગત રીતે હું માનું છું કે ‘પરઝાનિયા’ હોય, ‘ફના’ હોય, ‘પદ્માવત’ હોય કે બીજી કોઈ પણ ફિલ્મ હોય, એવી ફિલ્મ કે જેની સાથે ભૂતકાળમાં સુંદર કામ કરી ચૂકેલા નીવડેલા કલાકાર-કસબીઓ જોડાયેલા હોય, તે એસેન્શિયલી એક વર્ક-ઑફ-આર્ટ છે, એક ક્રિયેટિવ કે વૈચારિક એક્સપ્રેશન છે અને તેના થિયેટ્રિકલ રિલીઝ પર રોક લગાવવાની જરૂર નથી. આ એક વાત થઈ. મારે જે વાત કરવી છે તે ‘પરઝાનિયા’ના કૉન્ટેન્ટ વિશે છે.
તમે આ ફિલ્મ જોઈ છે? નસીરુદ્દીન શાહ અને સારિકા જેવાં હાઇક્લાસ અદાકારો છે આ ફિલ્મમાં, પણ મુંબઇના એક થિયેટરમાં તે જોતી વખતે મને એવો ત્રાસ થઈ ગયેલો કે તે ત્રાસની ફીલિંગ હજુ સુધી ગઈ નથી. અગાઉ કહ્યું તેમ, 27 ફેબ્રુઆરી 2002ના રોજ અયોધ્યાથી પાછા ફરી રહેલા 59 હિંદુ કારસેવકોને કોઈ પણ ઉશ્કેરણી વગર સાબરમતી એક્સપ્રેસમાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા તે ભયાનક ઘટના પછી અમદાવાદમાં ફાટી નીકળેલા કોમી રમખાણોનું બૅકડ્રોપ ‘પરઝાનિયા’માં છે. તેમાં એક પારસી કપલ અને એમના મૃત્યુ પામેલા પુત્રની વાત છે, પણ ‘મહાન’ રાઇટર-ડિરેક્ટર રાહુલ ધોળકિયાએ અમુક દશ્યો મૂક્યાં છે જેનો અર્થ એવો થાય કે, અમદાવાદના હિંદુઓએ મુસ્લિમોની કત્લેઆમ કરવાનું પ્લાનિંગ ઓલરેડી કરી જ રાખેલું. ગોધરામાં હિંદુઓને જીવતા જલાવી દેવાની ઘટના તો એમ જ યોગાનુયોગે બની ગઈ. અમદાવાદના હિંદુઓ હિંસક બન્યા તે કંઈ ગોધરાકાંડની પ્રતિક્રિયારૂપે નહોતા બન્યા. તેઓ તો આમેય મુસ્લિમોને મારવાનું પ્લાનિંગ કરીને જ બેઠા હતા, તેઓ તો રમખાણો કરવાના જ હતા. ટૂંકમાં, ‘પરઝાનિયા’ ફિલ્મે એવું નરેટિવ ચલાવવાની કોશિશ કરી હતી કે કારસેવકોને જીવતા સળગાવી દેવાની મુસ્લિમોની ‘ક્રિયા’ સામે હિંદુઓએ હિંસક ‘પ્રતિક્રિયા’ આપી તે વાત જ ખોટી. ગોધરાકાંડ તો સમજ્યા હવે, એ તો ઇન્સિડેન્ટલ છે, ગોધરાકાંડ ન થયો હોત તો પણ મુસ્લિમોની સામૂહિક હત્યા થવાની જ હતી.
કેટલું ભયાનક નરેટિવ. કેવું હલકટ જૂઠાણું. કેવી ઘાતક થિયરી.
‘પરઝાનિયા’માં રાહુલ ધોળકિયાએ આ ગંદું નરેટિવ અથવા તો કુત્સિત થિયરી લાઉડ બન્યા વગર, હળવેકથી, પણ પૂરેપૂરી સભાનતાથી વાર્તાના પ્રવાહમાં વચ્ચે ઘુસાડી દીધા છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, કે જે સત્યઘટનાઓના આધારે, વેલ-ડોક્યુમેન્ટેડ રિસર્ચના આધારે બની છે, તેને અમુક લોકો ‘પરઝાનિયા’ સાથે સરખાવવાની કુચેષ્ટા કરે છે તે કેવું? શું ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં દેખાડાયેલી ઘટનાઓ કાલ્પનિક છે? કેવળ થિયરીઓ છે? મને ખાતરી છે કે જો મહાનતમ લેખક અને ડિરેક્ટરશ્રેષ્ઠ રાહુલ ધોળકિયાને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બનાવવાનું ‘અસાઇન્મેન્ટ’ આપવામાં આવ્યું હોત તો તેઓ એવું દેખાડત કે કાશ્મીરના પંડિતો તો છૂપા ઉગ્રવાદીઓ હતા, પંડિતોએ વાસ્તવમાં સ્થાનિક મુસ્લિમોની કત્લેઆમ કરવાનું ઓલરેડી પ્લાનિંગ કરી રાખેલું, પણ આ તો શું છે કે સ્થાનિક મુસ્લિમોને આગોતરી ખબર પડી ગઈ એટલે પોતાના બચાવના ભાગરૂપે નછૂટકે કાશ્મીરી પંડિતોને મારવા પડ્યા ને કાશ્મીરમાંથી ભગાડવા પડ્યા!
રમખાણ, રમખાણ છે. પોસ્ટ-ગોધરા રાયટ્સ હોય કે કાશ્મીરની કત્લેઆમ હોય, હિંદુ-મુસ્લિમ બન્ને સમુદાયના લોકોએ કમોતે જીવ ખોયો છે. સમાજ સમયાંતરે કોમી રમખાણની ધાર સુધી ધકેલાતો રહે છે તે આપણા સૌનું દુર્ભાગ્ય છે. માણસમાત્રના જીવનનું મૂલ્ય છે.
ખેર. હું મારા અઢાર વર્ષના દીકરાને લઈને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ બીજી વાર જોવા જવાનો છું. જે ઐતિહાસિક સત્યની તીવ્રતાથી આપણી પેઢી અજાણ રહી ગઈ હતી તેનાથી કમસે કમ નવી પેઢી અજાણ ન રહી જવી જોઈએ.
– Shishir Ramavat
#thekashmirfilesmovie
Leave a Reply