‘અદભુત’ – Gujarati Drama
‘અદભુત’ : મનોજ શાહ દિગ્દર્શિત, સત્ચિત પુરાણિક લિખિત અને RJ દેવકી અભિનિત ‘અદભુત’ નામનું બ્રાન્ડ-ન્યુ નાટક તમે જોયું? મેં અમદાવાદના ઇન્ટિમેટ થિયેટર ‘સ્ક્રેપયાર્ડ’માં આ નાટકના ઓક્ટોબરમાં પ્રીમિયર શોઝ થયા ત્યારે જોઈ કાઢ્યું હતું. નાટક એટલું અનોખું છે કે મને તો જલસો પડી ગયો હતો. હું હજુ ધીમે ધીમે અમદાવાદી બની રહ્યો છું, પણ મૂળ તો મુંબઇગરો. મનોજભાઈ અને સત્ચિત પણ મુંબઇગરા. અમારાં બધાં જ નાટકો સામાન્યપણે મુંબઇમાં જ ઓપન થાય. એટલે હું મનોજભાઈને કહેતો હોઉં છું કે મને ‘અદભુત’ની ઇર્ષ્યા થાય છે, કેમ કે દેવકી, ‘સ્ક્રૅપયાર્ડ’, ‘સ્ક્રૅપયાર્ડ’ના કર્તાધર્તા કબીર ઠાકોર અમદાવાદનાં અને નાટકનું ઓપનિંગ પણ અમદાવાદમાં થયું એટલે આ તો અમદાવાદનું નાટક થયું ગણાશે!
મનોજભાઈ ફૉર્મના માણસ છે. પોતે જે કોઈ નાટક હાથમાં લે એના ફૉર્મમાં (એટલે કે ફૉર્મેટ, સ્વરૂપ યા તો પ્રેઝન્ટેશનમાં) મનોજભાઈને સૌથી વધારે રસ પડતો હોય છે, નાટક લખાતું હોય ત્યારે, કે ઇવન તે પછીય, મનોજભાઈને અલ્ટિમેટ કિક ત્યારે જ લાગતી હોય છે જ્યારે નાટકનું ફૉર્મ એમના હાથમાં આવી જાય.
‘અદભુત’ નાટકનું ફૉર્મ મને સુપર્બ લાગ્યું. હું કોઈ નાટક, કે ફોર ધેટ મેટર, નવલકથા-વાર્તા-લેખથી પ્રભાવિત કેવી રીતે થતો હોઉં છું એ કહું. જો જે-તે કૃતિ જોતી કે વાંચતી વખતે મને થાય કે, શું મેં ક્યારેય આવું લખ્યું છે? શું મને આવું લખવાનું સૂઝે? અને જવાબ જો ‘ના’ મળે તો હું એ કૃતિથી ઇમ્પ્રેસ્ડ થાઉં. ‘અદભુત’ જોતી વખતે મને મારા મનમાં જાત સાથે ડાયલોગ ચાલતો હતો કે ભાઈ શિશિર, આ વિષય પર આ રીતે લખાવાનું, આ થીમને આ રીતે હેન્ડલ કરવાનું તને ક્યારેય સૂઝ્યું નથી!
લખાણ તો પહેલું પગલું થયું. પછી ડિરેક્ટર એને સંપૂર્ણપણે ટેક-ઓવર કરી લે. તેમાં પછી ઍક્ટરની ક્રિયેટિવિટી ઉમેરાય. આમ, એક નાટક બને ત્યારે એમાં રાઇટર, ડિરેક્ટર અને ઍકટર આ ત્રણેયની ચેતના ઉમેરાયેલી હોય છે. ત્રણેયનાં વ્યક્તિત્ત્વો, ત્રણેયના માંહ્યલા એમાં પ્રતિબિંબિત થાય છે. અફ કોર્સ, સંગીતકાર, ગાયક, સેટ ડિઝાઇનર, કોસ્ચ્યુમ ડિઝાઇનર પણ ખરા. જો ફિલ્મ-સિરિયલની વાત હોય તો કેમેરામેન અને એડિટર પણ તોતિંગ ઉમરણ કરે. અરે, લોકેશનની પણ પોતાની ચેતના હોય. (હા, હા, પ્રોડ્યુસર, થોડીઘણી તમારી ચેતના પણ ખરી, બસ?) આટલી બધા લોકોની ક્રિયેટિવિટીનું યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે કોમ્બિનેશન થાય ત્યારે જ અને તો જ કૃતિ મસ્ત બને, તો જ આપણને દર્શક તરીકે તે માણવાની મજા પડે, તો જ કશુંક આપણી અંદર કશુંક ઝંકૃત થાય, તો જ આપણી ભીતર સ્પંદનો જાગે.
મનોજ શાહ પોતાના લેખકોને નાટકના વિષય આપે, એ લખતો હોય ત્યારે સતત એની સાથે રહે, પોતાના ઍક્ટર સાથે પુષ્કળ સમય વીતાવે, એની સાથે અંગત સ્તરે સૉલિડ રૅપો ક્રિયેટ કરે. ‘અદભુત’માં દેવકીનો અભિનય જોજો. તમને થાય કે આ રોલમાં દેવકી સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે. ‘અદભુત’માં દેવકી પરફૅક્ટ કાસ્ટિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. દેવકી ગુજરાતની જણસ છે. ‘અદભુત’ના શોઝ થોડા દિવસો પહેલાં મુંબઈમાં પણ થયા. અન્ય શહેરોમાં પણ થશે. સંભવતઃ વિદેશમાં પણ થશે. દેવકીનાં ઑર થોડાં નાટકો અને ફિલ્મો આવવા દો. (એમણે અગાઉ પણ સુંદર નાટકો કર્યાં જ છે.) તમે જોજો, બહુ નજીકના ભવિષ્યમાં માત્ર અમદાવાદ-ગુજરાત જ નહીં, પણ મુંબઈ સહિત દેશ-દુનિયામાં વસતી સમગ્ર ગુજરાતી પ્રજા અધિકારપૂર્વક અને વહાલપૂર્વક દેવકીને પોતાની જણસ ગણશે.
‘અદભુત’ના શોઝ અત્યારે અમદાવાદમાં લાઇન-અપ થયાં છે. એક શો તો ગઈ કાલે થઈ ગયો. આજે અને આવતી કાલે રાત્રે આઠ વાગે ‘સ્ક્રૅપયાર્ડ’માં એક-એક શો છે. અમદાવાદીઓ, ‘અદભુત’ જોઈ કાઢો. આનંદિત થઈ જશો.
– Shishir Ramavat
Leave a Reply