‘છેલ્લો શો’ને માત્ર ફિલ્મ વિશેની ફિલ્મ ગણીને સીમિત કરી નાખવા જેવી નથી
છેલ્લો શોઃ માત્ર મારે-તમારે જ નહીં, પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’વાળા વિવેકભાઈ અગ્નિહોત્રી અને ‘આરઆરઆર’વાળા એસએસભાઈ રાજામૌલિએ પણ કશુંક મસ્તમજાનું જોવું હોય, જોતાં જોતાં હસવું હોય, પોતાના બાળપણની સ્મૃતિઓમાં મુક્તપણે ભ્રમણ કરવું હોય અને ઇમોશનલ થઈને આંખો ભીની કરવી હોય તો તેમણે પેન નલિનની ‘છેલ્લો શો’ ફિલ્મ જોઈ લેવી જોઈએ. આ ફિલ્મ જોતી વખતે આ બન્ને જેન્ટલમેનને ન તો ઓસ્કર યાદ આવશે કે ન તો ‘શું કામ અમારી ફિલ્લ્મ ઓસ્કર એન્ટ્રી તરીકે સિલેક્ટ ન થઈ?’ એ પ્રકારની રાવ-ફરિયાદ યાદ આવશે એ વાતની ગેરંટી. સિનેમાની કળા સાથે સહેજ અમથો સંબંધ ધરાવનારાઓને, અરે, ફિલ્મોના માત્ર રસિયા હોય એમને પણ આ ફિલ્મ ખૂબ પોતીકી લાગશે.
જોકે ‘છેલ્લો શો’ને માત્ર ફિલ્મ વિશેની ફિલ્મ ગણીને સીમિત કરી નાખવા જેવી નથી. અહીં કદાચ સિનેમા તો કેવળ એક પ્રતીક છે. મૂળ વાત છે, પ્રેમની. કોઈ વસ્તુ પ્રત્યે પેશન હોય એમ નહીં, કોઈ વસ્તુનું વળગણ થઈ ગયું હોય એમ પણ નહીં – પેશન અને વળગણ તો ગમે ત્યારે ઓછાં પણ થઈ શકે છે – પરંતુ જે વસ્તુ પ્રત્યે માણસને સાવ સાચુકલો, સો ટચના સોના જેવો જેન્યુઇન પ્રેમ હોય તેના માટે એ કંઈ પણ કરવા, કોઈ પણ કિંમત ચુકવવા તૈયાર થઈ જતો હોય છે. મારી દષ્ટિએ ‘છેલ્લો શો’ એક લવસ્ટોરી છે. એક નવ વર્ષના કિશોર અને એક આર્ટ ફૉર્મ વચ્ચેની લવસ્ટોરી. આ છોકરાની જગ્યાએ કોઈ પણ ઉંમરની વ્યક્તિ હોઈ શકે છે ને સિનેમાની જગ્યાએ બીજું કોઈ પણ આર્ટ ફૉર્મ, ફિલ્ડ કે પ્રવૃત્તિ હોઈ શકે છે.
‘છેલ્લો શો’ ફિલ્મ વિશે એટલું બધું કહેવાઈ-લખાઈ-દર્શાવાઈ ગયું છે કે વધારે શું ઉમેરવું? માત્ર એક સૂચન છે. જ્યાં જ્યાં આ ફિલ્મ ચાલતી હોય તે મલ્ટિપ્લેક્સમાં દાળ ઢોકળી અને પાતરાંનાં કાઉન્ટર ઊભાં કરી દો. લોકો ઇન્ટરવલમાં પોપકોર્ન-સમોસા-નાચોઝ-પેપ્સીને ભૂલીને દાળ ઢોકળી પર તૂટી પડશે! આહા, ફિલ્મમાં દાળ-કઢી-રોટલી-ભરેલાં રિંગણાનું શાક-ભીંડાનું મસ્સાલેદાર શાક ને બીજી કેટલીય ગુજરાતી વાનગીઓ બનાવવાની આખેઆખી પ્રોસેસના તેમજ ટિફિનને લીલી ડુંગળી સાથે લાલ કપડામાં પેક કરવાના એવાં દૈવી-દિવ્ય-અલૌકિક શોટ્સ છે કે જોનારને જલસો પડી જાય છે. એટલે ટૂંકમાં, ‘છેલ્લો શો’માં એક બાજુ સિનેમાની લવસ્ટોરી ચાલે છે ને સમાંતરે ફૂડની મિની લવસ્ટોરી ચાલે છે!
છેલ્લી વાત. શું આ ફિલ્મ ‘સિનેમા પેરેડિસો’ નામની ઇટાલિયન ફિલ્મથી પ્રેરિત છે? મેં ઈટાલિયન ફિલ્મ જોઈ નથી, પણ જે કંઈ વાંચવા-જોવા મળે છે તેના પરથી લાગે છે કે ‘છેલ્લો શો’ પર ‘સિનેમા પેરેડિસો’નાં અમુક એલિમેન્ટ્સની અસર જરૂર છે. પણ એ બધું ઠીક છે. ફિલ્મ સમગ્રપણે એટલી પાવરફુલ છે કે દર્શક માટે આ બધી વાતો ઇરરિલેવન્ટ બની જાય છે. ઓસ્કર જ્યુરી માટે ‘સિનેમા પેરેડિસો’ના પ્રભાવનું કેટલું મહત્ત્વ હોઈ શકે છે તે હાલ આપણે જાણતા નથી.
‘છેલ્લો શો’ જોજો. સુંદર સિનેમા માટેનો ટેસ્ટ ડેવલપ કરી ચૂકેલા દર્શકો માટે આ એક યાદગાર ફિલ્મ બની રહેવાની છે.
– Shishir Ramavat
Leave a Reply