‘મૃગતૃષ્ણા’માં એવું તે શું છે?
—————————
આજે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’ વર્લ્ડક્લાસ ઇરાનિયન સર્જક માજિદ મજિદીની ફિલ્મને હરાવીને બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવોર્ડ જીતી ચૂકી છે.
—————————–
ચિત્રલોક પૂર્તિ, ગુજરાત સમાચાર
—————————–
છેલ્લી ત્રણ ગુજરાતી ફિલ્મોનાં પ્રીમિયરમાં મારાથી જવાયું નહીં (કહેવતલાલ પરિવાર, નાયિકાદેવી, સોનુ તને મારા પર ભરોસો નઈ કે?), પણ તાજી ગુજરાતી ફિલ્મ ‘મૃગતૃષ્ણા’ મેં બહુ પહેલાં, લૉકડાઉન દરમિયાન જોઈ કાઢી હતી, એક ઇન્ટિમેટ સ્ક્રીનિંગ દરમિયાન, ટીવી સ્ક્રીન પર. થેન્ક ગૉડ ફોર ધેટ! મને તો એ પહેલા વ્યુઇંગમાં જ ફિલ્મ જબરી અડી ગઈ હતી.
આમ જુઓ તો સાવ સાદી અમથી વાત. નદીકિનારે એક સુંદર મજાનું ગામ છે. ગામમાં વસતાં ચાર બાળકો વચ્ચે પાક્કી દોસ્તી. આ ચારેયની એક જ ફરિયાદ છેઃ અમે નદીની પેલે પાર ક્યારેય ગયાં નથી. નદી ઓળંગવાની વાત કરીએ ત્યાં જ વડીલો ભડકી ઉઠે છેઃ ભૂલેચુકેય એ તરફ જવાનું વિચારતા પણ નહીં. જે કોઈએ નદીને પેલે પાર જવાની કોશિશ કરી છે એ ક્યારેય પાછા આવ્યા નથી! ચારેય બચ્ચાંના મનમાં એક જ સવાલ છેઃ એવું તે શું હશે નદીને પેલે પાર? એમના મનમાં બાળસહજ કુતૂહલ કૂદાકૂદ કરે છે અને આ ઉત્કંઠાને તેઓ કોઈ પણ રીતે શમાવવા માગે છે.
બસ, આટલી જ વાત. આટલા બારીક તંતુ ફરતે ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટર Dr. Darshan Ashwin Trivediએ આખી ફિલ્મ વણી છે. ફિલ્મનો ઉઘાડ જ એક બાઉલ ગીત શૈલીમાં ગવાયેલા ને કંપોઝ થયેલા ગુજરાતી ગીતથી થાય છે. (ગીતકારઃ તુષાર શુક્લ, સંગીતકારઃ નિશીથ મહેતા.) ફિલ્મમેકર જાણે કે તમને શરુઆતમાં જ કહી દે છે કે અટેન્શન, આ કોઈ ટિપિકલ ગુજરાતી ફિલ્મ નથી! ફિલ્મના પ્રારંભમાં નદી અને પહાડનાં મસ્તમજાનાં વિઝ્યુઅલ્સ છે. (સિનેમેટોગ્રાફરઃ અનિલ ચંડેલ.) આ હાંફેશ્વર છે, વડોદરાથી દોઢેક કલાકના અંતરે આવેલું નદીકિનારાનું ગામ. આપણને થાય કે આટલું ખૂબસુરત લોકેશન ગુજરાતી ફિલ્મોમાં કેમ હજુ સુધી એક્સપ્લોર થયું નહોતું?
બાહ્ય સપાટી પર ભલે આ એક સીધીસાદી બાળફિલ્મ લાગે, પણ એનો સૂર અને સંદેશો ગહન છે, ફિલોસોફિકલ છે. ફિલ્મની સેન્ટ્રલ થીમ છે અનનોન, અજ્ઞાત. જેના વિશે આપણે કશું જ જાણતા નથી એવું અજ્ઞાત તત્ત્વ આપણામાં પાર વગરની જિજ્ઞાસા અને ભય બન્ને પેદા કરે છે. ફિયર ઑફ અનનોન! ‘મૃગતૃષ્ણા’નો સૌથી મોટો પ્લસ પોઇન્ટ જ આ છેઃ આવી અર્થગંભીર વાત કરવા માટે ફિલ્મમેકરે બાળસહજ નિર્દોષતાને માધ્યમ બનાવ્યું છે. જબરું કોમ્બિનેશન છે. જીવનના સૌથી જટિલ પ્રશ્નોને સમજવા માટે આપણે સૌએ બાળક જેવા શુદ્ધ નથી બનવું પડતું શું? ફિલ્મમાં ખૂબ બધાં પ્રતીકો અને રુપકો છે. જેમ કે, એક મંદિરનું દશ્ય છે, જેના ગર્ભગૃહને સદંતર અંધકારમય દેખાડવામાં આવ્યો છે. ગર્ભગૃહની મૂર્તિ કે કશું જ આપણને દેખાતું નથી, સઘળું અજ્ઞાત રહે છે. ઈશ્વર પર અજ્ઞાત જ છેને આપણા માટે!
મજાની વાત એ છે કે આ આ ફિલ્મને ‘આર્ટહાઉસ સિનેમા’ બનવાના કોઈ ધખારા નથી. ફિલ્મનો કથાપ્રવાહ સહજ રીતે વહેતો જાય છે, યોગ્ય સમયે તમારી ભીતર અપેક્ષિત સ્પંદનો પેદા કરતો જાય છે. આ કોઈ ચીલાચાલુ ગુજરાતી ફિલ્મ નથી. ઇન ફેક્ટ, આ ફિલ્મ હિન્દી, મરાઠી, મલયાલમ, બંગાળી, સ્પેનિશ, ઇટાલિયન કે બીજી કોઈ પણ ભાષામાં હોઈ શકત. યુનિવર્સલ થીમ ધરાવતી આ ફિલ્મ માણવા માટે ‘કલ્ટિવેટેડ ટેસ્ટ’ની જરુર પડે છે એ તો ખરું.
‘મૃગતૃષ્ણા’ એ ટ્રિલોજીનો પ્રથમ મણકો છે. તેના ડિરેક્શન ઉપરાંત કથા-પટકથા પણ દર્શન ત્રિવેદીએ જ લખી છે. Ankit Gor અને ગૌરાંગ આનંદે એમને સંવાદલેખનમાં સાથ આપ્યો છે. કરણ પટેલ, નિષ્મા સોની, આર્ય સાગર, ખુશ તાહિલરામાણી ઉપરાંત જયેશ મોરે, Ragi Jani, હેપી ભાવસાર, શર્વરી જોશી, વિશાલ શાહ જેવાં કલાકારોએ સરસ અભિનય કર્યો છે. ફિલ્મ જરાય ઢીલી ન પડે તે રીતે બુર્ઝિન ઉનવાલાએ તેને એડિટ કરી છે.
ફિલ્મ ફેસ્ટિવલ સર્કિટમાં ‘મૃગતૃષ્ણા’ ઓલરેડી ખૂબ બધા અવોર્ડઝ જીતી ચૂકી છે. ઇરાનમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ફોર ચિલ્ડ્રન એન્ડ યુથ (૨૦૨૦)માં વર્લ્ડક્લાસ ઇરાનિયન ફિલ્મમેકર માજિદ મજિદીની ફિલ્મ ‘ધ સન’ પણ હરીફાઈમાં હતી. તેને હરાવીને ‘મૃગતૃષ્ણા’એ બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ જીતી લીધો હતો. આના કરતાં વધારે મોટું સર્ટિફિકેટ બીજું કયું હોવાનું?
– શિશિર રામાવત
Leave a Reply