‘વશ’ કેવી છે?
——————————-
તો હવે કૃષ્ણદેવ યાજ્ઞિકને ઓફિશિયલી ગુજરાતી સિનેમાના આજની તારીખના સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી વર્સેટાઇલ ડિરેક્ટર ઘોષિત કરી દઈએ? જો તમે એમની લેટેસ્ટ ફિલ્મ ‘વશ’ જોઈ ચુક્યા હશો તો તરત કહેશોઃ હા, બિલકુલ.
‘વશ’ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું તે પહેલાં હિતેનભાઈએ (એટલે કે ફિલ્મમાં બ્રિલિયન્ટ પર્ફોર્મન્સ આપીને ગજ્જબ ઇમ્પેક્ટ ઊભી કરનાર લીડ એક્ટર, હિતેનકુમારે) પોતાના પાત્ર વિશે સંક્ષિપ્તમાં વાત કરી હતી તે વખતે, અને થોડા મહિનાઓ પછી ફિલ્મનું ટ્રેલર જોયું ત્યારે મનમાં થયું હતું કે ઓકે, આ એક હોરર-સાઇકોલોજિકલ થ્રિલર-સુપરનેચરલ પ્રકારની ફિલ્મ છે, પણ આમાં કૃષ્ણદેવ યાજ્ઞિક શું નવું લાવશે? આપણે રોમન પોલન્સ્કીની ઓલટાઇમ ક્લાસિક ‘રોઝમેરીઝ બેબી’થી લઈને રામગોપાલ વર્માની ઇન્ટરેસ્ટિંગ ‘કૌન?’ અને વિક્રમ ભટ્ટની નબળી ‘રાઝ’ સિરીઝથી માંડીને ‘ધ કન્જ્યુરિંગ’ની લેટેસ્ટ કડી સુધીની દુનિયાભરની હોરર – સાઇકોલોજિકલ થ્રિલર – સુપરનેચરલ ફિલ્મો તેમજ વેબ શોઝ ઓલરેડી જોઈને બેઠા હોઈએ એટલે સહેજે થાય કે કોઈ પણ ફિલ્મમેકર માટે આ જૉનરમાં મૂળભૂત રીતે તદ્દન નવી વાત લાવવા માટે ખરેખર કેટલો અવકાશ હોઈ શકે? ટેક્નોલોજી સતત વિકસતી જાય છે, અપડેટ થતી રહે છે એટલે જો પેલું ‘નવું’ આવવાનું હશે તો એ મુખ્યત્ત્વે વિઝ્યુઅલ ઇફેક્ટ્સના એલિમેન્ટ સ્વરૂપે જ આવશેને! બાકી પિનડ્રોપ સાયલન્સ વચ્ચે ચીંઈઈઈ અવાજ કરીને ખૂલતાં બારણાં ને વિકૃત મોઢાંવાળા ભૂતડા ને ગોળગોળ ફરતી ગરદન ને મોટી મોટી આંખોવાળા ભૂવા ને જમ્પ-સ્કેર પેદા કરવા ધડામ્ કરતું આવતું મ્યુઝિક ને એવું બધું એટલી બધી વાર આવી ગયું છે કે નાની યા મોટી સ્ક્રીન પર તે જોઈને આજકાલનાં બચ્ચાઓને પણ ડર લાગતો નથી.
‘વશ’ની આ જ મજા છે. અહીં આમાંનું કશું જ નથી. ને છતાંય દર્શકના હાંજા ગગડી જાય છે, એનો જીવ તાળવે ચોંટી જાય છે, એને અરેરાટી થઈ આવે છે. અહીં એક અતિ વિકૃત સાઇકોપેથ છે, જે એક નિર્દોષ પરિવાર પર કોણ જાણે ક્યાંથી ત્રાટક્યો છે. પહેલી નજરે સાવ સાધારણ લાગતો આધેડ વયનો આ માણસ સાઇકોપેથ શા માટે બની ગયો, એ શા માટે આવું કરે છે? આની કશી જ સ્પષ્ટતા ફિલ્મમાં કરવામાં આવતી નથી. આ માણસ અતીત-શૂન્ય છે, એણે પોતાના ભૂતકાળને પણ ચાવી નાખ્યો છે. ‘એ તો છેને નાનપણમાં એની સાથે આવું-આવું થયું હતુંને એટલે એ હવે આવો બની ગયો છે’ – આવું કશું જ જસ્ટિફિકેશન કરવામાં આવતું નથી. બસ, એ છે. એ આવો જ છે. ફિલ્મમાં એકાદ-બે જગ્યાએ એ જોકે એવા મતલબનું બોલે છે કે બીજાઓ પર ત્રાસ ગુજારવામાં મને મજા આવે છે. જો તમારે જસ્ટિફિકેશન જોઈતું જ હોય તો બસ, આટલું જ છે.
-અને હિતેનકુમારે જે રીતે પોતાના આ પાત્રને જમાવ્યું છે… બોસ! સી ઇટ ટુ બિલીવ ઇટ. આ પ્રકારના રોલમાં એક્ટર પાસે પુષ્કળ અવકાશ તેમજ પ્રલોભન હોય છે, લાઉડ થઈ જવાનો. કોઈ નબળો એક્ટર હોત તો એ કદાચ ઓવર-એક્ટિંગમાં સરી પણ પડ્યો હોત, પણ હિતેનકુમારે માપીતોલીને, બિલકુલ કરેક્ટ સૂર પકડીને પાતાના કિરદારને શત પ્રતિશત ન્યાય આપ્યો છે. ઇઝીલી વન ઓફ હિઝ કરીઅર-બેસ્ટ પર્ફોર્મન્સીસ. હિતેનકુમાર મૂળભૂત રીતે તો પાછા સ્ટાઇલાઇઝ્ડ એક્ટર, પણ અહીં એમણે પોતાની બોડી લેંગ્વેજ પર પણ ખૂબ સંયમ રાખ્યો છે. પહેલાં ‘ધૂંઆધાર’, પછી ‘રાડો’ અને હવે ‘વશ’… સહેજ પણ અવઢવ વગર હવે કહી શકાશે કે હિતેનકુમારે અગાઉના ગુજરાતી સિનેમા અને આધુનિક સેન્સિબિલિટી ધરાવતા આજના ગુજરાતી સિનેમા વચ્ચે સફળતાપૂર્વક, નક્કર ક્રોસ-ઓવર કરી નાખ્યું છે. હિતેનકુમાર ઓલ્ડ વાઇનની જેમ ઉંમરની સાથે ક્રમશઃ વધારે ને વધારે ખીલતા જાય છે. જે રીતે આજના યંગ ગુજરાતી ફિલ્મમેકર્સ એમની સાથે ક્રિયેટિવ કોલોબોરેશન કરી રહ્યા છે તે જોઈને ખરેખર આનંદ થાય છે.
જાનકી બોડીવાલાનું પર્ફોર્મન્સ ‘નાડીદોષ’માં ગમ્યું હતું. ‘વશ’ પછી હું એનો ફેન બની ગયો છું. પોતાના પાત્રની વલ્નરેબિલિટી, લાચારી, કારુણ્ય અને આક્રમકતાને જાનકીએ સ-રસ પેશ કર્યાં છે. ફિલ્મમાં એણે એક એવો બોલ્ડ સીન આપ્યો છે કે, મને નથી લાગતું કે ભારતની કોઈ પણ ભાષાની કોઈ પણ મેઇનસ્ટ્રીમ એક્ટ્રેસે આવો બોલ્ડ સીન ક્યારેય આપ્યો હોય. અરેરાટી છૂટી જાય છે તે દ્રશ્ય જોઈને. બ્રાવો, જાનકી.
‘વશ’ એસેન્શિયલી હિતેનકુમાર અને જાનકી બોડીવાલાની ફિલ્મ છે તે બરાબર, પણ જો નીલમ પંચાલ અને હિતુ કનોડિયાનો તગડો સપોર્ટ મળ્યો ન હોત તો ‘વશ’ સમગ્રપણે એટલી પ્રભાવશાળી ન જ બની શકી હોત જેટલી તે છે. નીલમ પંચાલની ફિલ્મોગ્રાફી એમની પ્રત્યેક નવી ફિલ્મ સાથે મજબૂત બનતી જાય છે એ તમે નોંધ્યું?
આ પ્રકારની ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ મહત્ત્વનું હોવાનું. કેદાર-ભાર્ગવે ‘વશ’ની હોરિફિક પરિસ્થિતિઓને અસરકારક બેકગ્રાઉન્ડ સ્કોર દ્વારા ઓર ઇન્ટેન્સ કરી નાખી છે. પ્રતીક પરમારની સિનેમેટાગ્રાફી ધારદાર. એક સીનમાં છરી લઈને ઊભેલી જાનકીનો પડછાયો જોજો. અને શિવમ ભટ્ટના ટાઇટ એડિટિંગની અને ફિલ્મની રાઇટિંગ પ્રોસેસનો હિસ્સો બનનાર જય ભટ્ટની પ્રશંસા ન કરીએ તો નગુણા કહેવાઈએ.
ફિલ્મ જોતી વખતે મનના એક ખૂણે વિચાર ઉછળકૂદ કર્યા કરતો હતો કે ફિલ્મનો એન્ડ કેવો આવશે. ફિલ્મનું નરેટિવ શરૂઆતથી જ સરસ મજાનું વહી રહ્યું હોય, પણ સાવ છેલ્લે આવીને એકાએક ફસકી પડે એવું આપણે કેટલીય વાર જોયું છે. ‘વશ’નો અંત જોઈને હાશકારો થયો હતો. ખાસ્સો સંતોષકારક એન્ડ લાગ્યો મને. હિતેનકુમારના પાત્રની જેમ આ આખેઆખી ફિલ્મ અતિ સ્થૂળ બની શકી હોત, જો મટીરિયલ કોઈ કાચા ફિલ્મમેકરના હાથમાં હોત તો, પણ કૃષ્ણદેવ યાજ્ઞિકે અહીં ક્યાંય પ્રેડિક્ટેબલ રુટ લીધો નથી. આખી ફિલ્મ એટલી ટાઇટ છે કે ક્યાંય કશું બિનજરૂરી લાગતું નથી.
વાત કૃષ્ણદેવથી શરૂ કરી હતી, વાત એમનાથી જ પૂરી કરીએ. ‘છેલ્લો દિવસ’ની સુપર સફળતા પછી ‘કરસનદાસ પે એન્ડ યુઝ’ જેવી શૌચાલયમાં આકાર લેતી લવસ્ટોરી બનાવવી, ‘રાડો’નું બોક્સઓફિસ રિઝલ્ટ જે આવ્યું હોય તે, પણ આ નરેટિવ સ્ટાઇલ સફળતાપૂર્વક અટેમ્પ્ટ કરવી અને હવે ‘વશ’, કે જેને ફિલ્મમેકર ફ્રેન્ડ વિજય કે. પટેલ ‘ગ્રાઇન્ડ-હાઉસ ફિલ્મ’ તરીકે વ્યાખ્યાયિત કરે છે, અને જે ભારતની કોઈ પણ ભાષામાં હોઈ શકી હોત… કૃષ્ણદેવ યાજ્ઞિક નામના આ લો-પ્રોફાઇલ યુવા રાઇટર-ડિરેક્ટર ખુદ જાણે વશીભૂત થઈ ગયા હોય તેમ જાણે-અજાણે આધુનિક ગુજરાતી સિનેમાની ક્ષિતિજો વિસ્તારવામાં મચી પડ્યા છે. તમામ મર્યાદાઓની વચ્ચે રહીને પણ ગુજરાતી સિનેમા ક્રિયેટિવ સ્તરે બબ્બે ડગલાં આગળ વધતું જાય એવું કામ તેઓ સાતત્યપૂર્વક કરી રહ્યા છે. તેમને ગુજરાતી સિનેમાના આજની તારીખના સૌથી ઇમ્પોર્ટન્ટ અને સૌથી વર્સેટાઇલ ડિરેક્ટર ઘોષિત કરી દેવા જોઈએ, ઓફિશિયલી, તેનું કારણ આ જ.
– શિશિર રામાવત
Leave a Reply