‘ધ સોશિયલ ડાયલેમા’ નામની ભયાવહ ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં એવું તે શું છે?
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 20 સપ્ટેમ્બર 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
સોશિયલ મિડિયા નામના દાનવને ઓળખી લેજો!
* * * * *
નથિંગ વાસ્ટ એન્ટર્સ ધ લાઇફ ઑફ મોરટલ્સ વિધાઉટ અ કર્સ. જેને વિરાટ કહી શકાય એવું કંઈ પણ મનુષ્યોના જીવનમાં પ્રવેશે છે ત્યારે તે એકલું હોતું નથી, એક ન સમજાય એવો – ન કળાય એવો અદશ્ય શ્રાપ પણ તેની સાથે પ્રવેશતો હોય છે.
અઢી હજાર વર્ષ પહેલાં થઈ ગયેલા ગ્રીક નાટ્યકાર સોફિકિલીસનું આ વાક્ય છે. સોફિકિલીસ ટ્રૅજેડીનો બાદશાહ ગણાતો. ‘ધ સોશિયલ ડાયલેમા’ના પ્રારંભમાં જ આ વાક્ય આ અવતરણ ફ્લૅશ થાય છે. બૅકગ્રાઉન્ડમાં ભયાવહ, લગભગ કુત્સિત કહી શકાય તેવું સંગીત ફૂંકાય છે. આ વાક્ય અને સંગીત આખી ડૉક્યુમેન્ટરી ફિલ્મનો મૂડ સેટ નાખે છે.
નેટફ્લિકસ પર તાજેતરમાં મૂકાયેલી ‘ધ સોશિયલ ડાયલેમા’ નામની દસ્તાવેજી ફિલ્મ આજકાલ ખાસ્સી ચર્ચામાં છે. ડાયલેમા એટલે દ્વિધા. ડૉક્યુમેન્ટરી ફિલ્મો શુષ્ક અને કંટાળજનક હોય છે એવું કોણે કહ્યું0 એક કલાક 34 મિનિટની ‘ધ સોશિયલ ડાયલેમા’ તમે લગભગ અધ્ધર શ્વાસે જોઈ જાઓ છો. આનું મુખ્ય કારણ તેનો વિષય છે, સોશિયલ મિડિયા, જે તમને સીધો સ્પર્શે છે. તમે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટરયુટ્યુબ વગર એક આખો દિવસ પસાર કરવાનું કલ્પી શકો છો? સોશિયલ મિડિયા આપણી સાથે કેવળ વ્યક્તિગત સ્તરે જ નહીં, પણ સામૂહિક સ્તરે પણ જે રીતે ખતરનાક રમત રમી શકે છે એની વિગતો ધ્રૂજાવી મૂકે તેવી છે.
સોશિયલ મિડિયા પહેલી નજરે નિર્દોષ લાગે એવી વસ્તુ છે. તે મનોરંજન, માહિતી, જ્ઞાન, સંપર્કો બધું જ પૂરું પાડે છે અને તે પણ બિલકુલ ફ્રી! આ ડૉક્યુમેન્ટરીમાં એક વાક્ય આવે છેઃ જો તમે કોઈ પ્રોડક્ટ માટે પૈસા ચૂકવતા ન હો તો એનો મતલબ એ થયો કે તમે પોતે જ એક પ્રોડક્ટ છો. અહીં તમે એટલે તમારો સમય, તમારું અટેન્શન. ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ… આ બધા ઇચ્છે છે કે તમે વધુને વધુ સમય આ પ્લેટફૉર્મ પર વીતાવો. સમગ્ર સોશિયલ મિડિયા એવી રીતે ડિઝાઇન થયું છે કે જેથી લોકોને તેનું બંધાણ થઈ જાય, તેઓ વધુને વધુ સમય ઓનલાઇન રહે.
જેફ ઓર્લોવ્સ્કીએ ડિરેકટ કરેલી ‘ધ સોશિયલ ડાયલેમા’ ડૉક્યુમેન્ટરીમાં સોશિયલ મિડિયા ચલાવતી ટોચની કંપનીઓમાં ચાવીરૂપ કામ કરનારા ‘અંદરના’ લોકોના ઇન્ટરવ્યુ લેવાયા છે. જ્યારે સોશિયલ મિડિયા ડિઝાઇન કરનારો માણસ ખુદ રાઝ ખુલ્લા કરવા માંડે ત્યારે વાત અધિકૃત બની જાય છે. વિખ્યાત ઇઝરાયલી લેખક યુવલ નોઆહ હરારી અવારનવાર કહ્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રતાપે એ દિવસ હવે બહુ દૂર નથી જ્યારે તમે તમારા વિશે જાણો છો એના કરતાં ઇન્ટરનેટના જુદાં જુદાં સર્ચ એન્જિન તમારા વિશે વધારે જાણતા હશે. ગૂગલસર્ચનાં રિઝલ્ટ વ્યક્તિ અનુસાર બદલાઈ જાય છે. ધારો કે એક જ વિસ્તારમાં રહેતા, એક જ ક્લાસમાં ભણતા ને દિવસમાં પુષ્કળ સમય સાથે વિતાવતા બે કોલેજિયનો છે. તેઓ જ્યારે ગૂગલના સર્ચ બૉક્સમાં કોઈ એક વિષય ટાઇપ કરશે ત્યારે ગૂગલ બન્નેને અલગ અલગ ઇન્ફર્મેશન દેખાડશે, કેમ કે બન્નેની પર્સનાલિટી અલગ છે, તેમના ગમા-અણગમા અલગ છે ને ગૂગલ આ બધું જ જાણે છે.
કેટલાય રાજકીય – સામાજિક મુદ્દા વિશે પર તમને અલગ અલગ પ્રકારના વિડિયોઝ રિકમન્ડ થતા રહે છે, જે તમને લગભગ કન્વિન્સ કરી નાખે છે કે અમુક રીતે વિચારનારા લોકો ખોટા છે અને અમુક રીતે વિચારનારા લોકો જ સાચા છે. જુદા જુદા વિડિયોઝને રિકમન્ડ કરવાનું આલ્ગોરિધમ (સાદી ભાષામાં કહીએ તો પ્રોગ્રામિંગ) દિવસે ને દિવસે વધારે સ્માર્ટ અને શાર્પ બનતું જાય છે. ફેક ન્યુઝ અને કન્સ્પિરસી થિયરીઝ આ જ રીતે ફેલાય છે. ટ્વિટર પર સાચા સમાચારની સરખામણીમાં ફેક ન્યુઝ છ ગણી વધારે ઝડપથી ફેલાય છે! આનું એ કારણ છે કે જૂઠ ચટપટું અને મસાલેદાર હોય છે, જ્યારે સત્ય બોરિંગ અને શુષ્ક હોય છે. સત્ય કરતાં જૂઠ વધારે વેચાય છે. કોરોના વિશે શરૂઆતમાં અમેરિકામાં સોશિયલ મિડિયા પર એવી માહિતી ફેલાઈ હતી કે કોવિદ-બોવિદ જેવું કશું છે જ નહીં, આ તો અસલી મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે અમેરિકન સરકારે ઊભું કરેલું ડિંડવાણું છે! સોશિયલ મિડિયાને કારણે જ્યાં-ત્યાંથી સાંભળેલી સાચી-ખોટી વાતો એટલી ભયાનક ઝડપથી ફેલાય છે કે એક તબક્કા પછી ખબર જ પડતી નથી કે સાચું શું છે ને ખોટું શું છે. કામના મુદ્દા, કામની વાતો બાજુ પર રહી જાય છે.
ગૂગલમાં અગાઉ ડિઝાઇન એથિસિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા ટ્રિસ્ટેન હેરિસ નામનો યુવાન કહે છે, ‘જો એમ કહેવામાં આવે કે ટેકનોલોજીને લીધે માનવજાત પર એક્ઝિસ્ટેન્શિયલ થ્રેટ (અસ્તિત્ત્વ પર ખતરો) ઊભી થઈ છે, તો માનવામાં ન આવે. વેલ, ખતરો ટૅકનૉલોજીમાં નથી, પણ ટૅકનૉલોજી સમાજના સૌથી ખરાબ પાસાં, સમાજનું સૌથી ખરાબ વર્તન, જે કદાચ અત્યાર સુધી ક્યારેય સપાટી પર આવ્યાં નહોતાં, તેને ઢંઢોળીને જગાડી શકે છે. ખરાબ વર્તન એટલે આંધાધૂંધી, તોડફોડ, એકબીજા પર અવિશ્વાસ, એકલા પાડી દેવું, પોલરાઇઝેશન, ઇલેક્શન હેકિંગ, મુખ્ય મુદ્દાઓથી વધારે દૂર જતા રહેવું, સમાજની ખુદના ઘાવને રુઝાવી શકવાની ક્ષમતા ક્ષીણ થતી જવી… ખતરો આમાં છે.’
ટૅક્નોલૉજીના દુષ્પ્રભાવને વધારે અસરસકાર રીતે પેશ કરવા માટે ‘ધ સોશિયલ ડાયલેમા’માં અસલી લોકોની સાથે સાથે એક ફિક્શનલ અમેરિકન પરિવારની વાત પણ વણી લેવાઈ છે. આ ડૉક્યુમેન્ટરી ખાસ જોજો. હાઇલી રિકમન્ડેડ.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2020 )
Leave a Reply