સત્યજીત રાયે એક કૉલમનિસ્ટને ફિલ્મલેખક કેવી રીતે બનાવ્યો?
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 6 જૂલાઈ 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
‘તમે આટલી સરસ રમૂજી કૉલમ લખો છે તો શક્ય છે કે તમારો કોઈ લેખ સત્યજિત રાયને બહુ ગમી ગયો હશે ને તેના પરથી એ ફિલ્મ બનાવવા માગતા હશે.’
* * * * *
44 વર્ષ પહેલાંની વાત છે. ભારતમાં તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીએ લાગુ પાડી દીધેલી કટોકટી ચરમસીમાએ પહોંચી ચૂકી હતી. મુક્તપણે લખવા-બોલવા પર પ્રતિબંધ હતો એટલે કેટલાય સ્વમાની પત્રકારોએ પોતપોતાની નોકરીઓમાંથી રાજીનામું આપી દીધું હતું. જાવેદ નામના 34 વર્ષના મુંબઇના જુવાનિયાએ પણ પોતે જે ઉર્દૂ અખબારમાં નોકરી કરતો ત્યાં જવાનું બંધ કરી દીધું હતું.
આ અરસામાં એક દિવસ જાવેદ પર શમા નામની એમની એક મિત્રનો ફોન આવ્યો, ‘જાવેદ, સત્યજિત રાય તને મળવા માગે છે.’
શમા આર્ટ ક્રિટિક તરીકે અંગ્રેજી અખબારોમાં લેખો લખતાં, નાટકો લખતાં. એમ.એસ સથ્યુની ‘ગર્મ હવા’ તેમજ શ્યામ બેનેગલની ‘ચરણદાસ ચોર’ જેવી ફિલ્મો તેઓ લખી ચૂક્યાં હતાં. ફોન પર એની વાત સાંભળીને જાવેદ ચમકી ગયાઃ હેં! સત્યજિત રાય જેવો વર્લ્ડક્લાસ ફિલ્મમેકર મને મળવા માગે છે?
‘એ તને શા માટે મળવા માગે છે એની તો ખબર નથી, પણ એ હોટલ પ્રેસિડન્ટમાં ઉતર્યા છે. કાલે બપોરે ચાર વાગ્યે એમને મળી આવજે,’ આટલું કહીને શમાએ ફોન મૂકી દીધો.
શમાનો સ્વભાવ બહુ મસ્તીખોર. જાવેદને સમજાતું નહોતું કે એણે મારી ટાંગ ખેંચવા માટે આવો ફોન કર્યો હશે કે કેમ. એમની પત્ની ફરિદાએ કહ્યું, ‘તમે આટલી સરસ રમૂજી કૉલમ લખો છે તો શક્ય છે કે તમારો કોઈ લેખ સત્યજિત રાયને બહુ ગમી ગયો હશે ને તેના પરથી એ ફિલ્મ બનાવવા માગતા હશે.’
પત્નીને મોઢે આવું સાંભળીને ખરેખર તો જાવેદે પોરસાવું જોઈતું હતું. એને બદલે તેઓ ચિડાઈ ગયા. પત્નીએ સૂચન કર્યુ, ‘હોટલ પ્રેસિડન્ટમાં ફોન કરીને તપાસ કરો.. જો સત્યજિત રાય ખરેખર ત્યાં ઉતર્યા હોય તો શમાની વાત સાચી. ને જો ન ઉતર્યા હોય તો બધું ભૂલી જવાનું.’
એક પણ પળ બગાડ્યા વગર જાવેદે હોટલનો નંબર શોધી ફોન કર્યો. જવાબ મળ્યો કે સત્યજિત રાયે અમારે ત્યાં ચેક-ઇન કર્યું છે, પણ અત્યારે એ એમની રૂમમાં પર નથી એટલે તમે વાત નહીં કરી શકો.
જાવેદના હૃદયના ધબકારા વધી ગયાઃ શમા સાચું કહેતી હતી… સત્યજિત રાયે ખરેખર મને મળવા બોલાવ્યો છે! બીજા દિવસે નિયત સમય કરતાં એક કલાક પહેલાં જાવેદ કોલાબામાં આવેલી હોટલ પ્રેસિડેન્ટ પર પહોંચી ગયા. આખરે ચાર વાગ્યે ઇન્ટરકોમથી સત્યજિત રાયના કમરામાં ફોન જોડ્યો.
‘યેસ?’ સામેથી ઘૂંટાયેલો અવાજ સંભળાયો.
જાવેદ માંડ માંડ પોતાની ઓળખ આપી શક્યા. ‘ઉપર આવી જાઓ’ – આટલું કહીને સત્યજિત રાયે ફોન મૂકી દીધો. જાવેદે ઉપર જઈને કમરાને ટકારા માર્યા. જે માણસે દરવાજો ખોલ્યો એને જોઈને જાવેદનું મોઢું પહોળું થઈ ગયું. એમને ખબર નહોતી કે સિનેમાની દુનિયામાં મૂંઠી ઊંચેરું સ્થાન ધરાવતા સત્યજિતની શારીરિક ઊંચાઈ પણ આટલી બધી હશે – 6 ફૂટ 4 ઈંચ! શ્યામ વર્ણ, સરસ રીતે ઓળાયેલા વાળ, તીખું નાક અને હોઠ પર હળવું સ્મિત. જાવેદને ખુરસી પર બેસવાનો ઈશારો કરીને પોતે પલંગ પર અઢેલીને બેઠા. પછી કહે, ‘મેં સાંભળ્યું છે કે તમે સરસ વાર્તાઓ લખો છો.’
‘સર, હું વાર્તાઓ તો નહીં, પણ છાપાંમાં કૉલમો લખું છું… અને મને ખબર નથી કે મારા લખાણને સારું કહેવાય કે કેમ,’ જાવેદે નમ્રતાપૂર્વક કહ્યું, ‘જો તમે કહેતો હો તો મારા કેટલાક લેખોનો અંગ્રેજી અનુવાદ કરીને તમને મોકલી આપીશ.’
‘એની જરૂર નથી. મેં તમને જોઈ લીધા, તમને મળ્યો. એટલું પૂરતું છે મારા માટે.’
આટલું કહીને સત્યજિત રાયે ઓશિકા પર પડેલી પ્લાસ્ટિકની એક ફાઇલ ઉંચકીને જાવેદને આપી, ‘આ મારી ફિલ્મની સ્ક્રિપ્ટ છે. તમારે એના ડાયલોગ લખવાના છે.’
અવાચક થઈ ગયા જાવેદ! એમના મનમાં હજારો વિચાર એકસાથે ફૂંકાઈ ગયા. એમણે ફાઇલ પર નજર કરી. પારદર્શક આવરણ નીચે દેખાતા કાગળ પર જાડા કાળા અક્ષરે લખાયેલું હતુઃ ‘ફોર યાર આઇઝ ઓનલી’, શું આ ફિલ્મનું વર્કિંગ ટાઇટલ હશે? જાવેદ માંડ માંડ આટલું બોલી શક્યાઃ
‘થેન્ક્યુ, સર. આઇ એમ ઑનર્ડ, સર.’
સત્યજિત રાય ઊભા થયા. કહ્યું, ‘હું એક ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કરવા તહેરાન જઈ રહ્યો છું. પાછો આવીને તમને ફોન કરીશ.’
‘જી,’ કહીને જાવેદ પણ ઊભા થયા. સત્યજિત રાયની વિદાય લઈને હોટલમાંથી બહાર નીકળ્યા ત્યાં સુધી એમને માનવામાં નહોતું આવતું કે પોતે સત્યજિત રાય જેવા સિનેમાના દેવતા ગણાતા ફિલ્મમેકર સાથે કામ કરવાના છે! એમણે પોતાનું પર્સ ચેક કર્યું. પૈસા બહુ નહોતા. તોય શમાના ઘરે જવા એમણે ટેક્સી કરી લીધીઃ ‘સાંતાક્રુઝ લે લો, જુહુ તારા રોડ.’
આખા રસ્તે જાવેદને એક જ વિચાર આવતો રહ્યોઃ
…પણ સત્યજિત રાય પાસે મારું નામ પહોંચ્યું કેવી રીતે? કોણે મારું નામ રિકમન્ડ કહ્યું હશે?’
જો કે આ તબક્કે આપણા માટે વધારે મહત્ત્વનો સવાલ આ છેઃ આ જાવેદ એટલે એક્ઝેક્ટલી કોણ? આ ક્યા કોલમનિસ્ટ વિશે વાત ચાલી રહી છે? લો, તમારા સવાલનો જવાબ આપી શકાય તે પહેલાં આ કૉલમની જગ્યા પૂરી થઈ ગઈ. વધુ આવતા રવિવારે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2020 )
Leave a Reply