અગમનિગમ, ભેદભરમ અને સિગ્મન્ડ ફ્રોઇડ
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 17 May 2020, રવિવાર
મલ્ટિપ્લેક્સ
મેલી વિદ્યા, કપાયેલી આંગળીઓ, લોહીમાં રગદોળાયેલાં નગ્ન સ્ત્રી-પુરુષો, હત્યાઓનો સિલસલો… એક બાયોપિકમાં કેટલી છૂટછાટ લઈ શકાય?
* * * * *
સિગ્મન્ડ ફ્રોઇડ એટલે આજે આપણે જેને સાઇકોઍનેલિસિસ કહીએ છીએ તેના પિતામહ. માણસજાતે પેદા કરેલા સૌથી પ્રભાવશાળી મનુષ્યોની વાત આવે અનિવાર્યપણે એમનું નામ મૂકવું પડે એટલું વિરાટ કામ સિગ્મન્ડ ફ્રોઇડ કરી ગયા છે. જ્યૂ (યહૂદી) લોકો શા માટે પૃથ્વી પરની સૌથી બુદ્ધિમાન પ્રજા ગણાય છે એની ચર્ચા કરતી વખતે આ એક વાત અવશ્ય કહેવાય છે કે જુઓ, ઇવન સિગ્મન્ડ ફ્રોઇડ પણ એક યહૂદી હતા.
જેના ઉલ્લેખો આજની તારીખે પણ સતત થયા કરતા હોય, તમે ખુદ જેમને અવારનવાર ટાંકતા હો એવા સિગ્મન્ડ ફ્રોઇડના જીવન પરથી જ્યારે આખેઆખી વેબસિરીઝ બને ત્યારે તમને તે જોવાની ઉત્કંઠા થાય જ. જો તમે ફ્રોઇડનું ઓથેન્ટિક ‘જીવન અને કર્મ’ જોવા માગતા હો તો સાવધાન, ‘ફ્રોઇડ’ નામનો આ વેબ શો તમને નિરાશ કરશે. સૌથી પહેલાં તો, આ કંઈ પરંપરાગત અર્થમાં આપણે જેને બાયોપિક કે જીવનકથા કહીએ છીએ એવો શો નથી. આમાં સિગ્મન્ડ ફ્રોઇડ હજુ યુવાન હતા ને માનસશાસ્ત્રી તરીકે પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા એ સમયગાળાના એક ટુકડાની જ વાત છે. કબૂલ, અસલી માણસના જીવન પર આધારિત ફિલ્મ, નાટક કે વેબ સિરીઝને રસાળ બનાવવા માટે થોડીઘણી ક્રિયેટિવ છૂટછાટ લેવી પડે, પણ ‘ફ્રોઇડ’ શો તો આપણે કલ્પી સુધ્ધાં કરી ન હોય તેવી ભ્રમણકક્ષામાં જતો રહે છે.
સો વાતની એક વાત એ કે ‘ફોઈડ’ વેબ શો મૂળ એક ક્રાઇમ-સસ્પેન્સ થ્રિલર છે, જેમાં સુપરનેચરલ તત્ત્વો અને અસૂરી ભેદભરમની માયાજાળ રચાઈ છે. વાત 1886ના સાલના વિયેનાની છે. વિયેના એટલે ઓસ્ટ્રિયા દેશનું ખૂબસૂરત શહેર, કે જ્યાં અસલી સિગ્મન્ડ ફ્રોઇડનું મોટા ભાગનું જીવન પસાર થયું હતું. ‘ફ્રોઇડ’ શોની શરૂઆતમાં દેખાડવામાં આવે છે કે 30 વર્ષના સિગ્મન્ડ ફ્રોઇડ (રોબર્ટ ફિન્સ્ટર) એક ભાડાના ઘરમાં એકલા રહે છે. ખડૂસ મકાનમાલિક અવારનવાર ધમકાવી જાય છે કે જો હવે ભાડું નહીં ભર્યું તો તને મકાનમાંથી બહાર કાઢી મૂકીશ. ફ્રોઇડ તે અરસામાં હિપ્નોસિસના પ્રયોગો કરી રહ્યા હતા. ફ્રોઇડની થિયરી એવી હતી કે હિસ્ટીરીયાનો (પાગલ જેવું વર્તન કરતો, ચિત્તભ્રમનો ભોગ બનેલો) પેશન્ટ વાસ્તવમાં ભૂતકાળની કોઈ પીડાદાયી ઘટનાની સ્મૃતિઓથી પીડાતો હોય છે. જો આવી વ્યક્તિને હિપ્નોટાઇઝ કરવામાં આવે તો શક્ય છે કે એની સમસ્યાના મૂળ સુધી પહોંચીને તેનો ઇલાજ કરી શકાય. ફ્રોઇડના સાથી અને સિનિયર ડૉક્ટરોને જોકે આ આખી વાત હાસ્યાસ્પદ લાગે છે.
આપણને થાય કે બરાબર છે, આ વેબ શોમાં વાત તો સિગ્મન્ડ ફ્રોઇડના જીવન વિશે જ થઈ રહી છે, પણ ત્યાં તો પહેલા જ એપિસોડમાં એક યુવતીની ભેદી હત્યા થઈ જાય છે. ક્રૂરતાપૂર્ણ સેક્સ્યુઅલ વાયોલન્સનો ભોગ બનેલી આ યુવતીની લોહિયાળ લાશને સિગ્મન્ડ ફ્રોઇડના ટેબલ પર ખડકી દેવામાં આવે છે. બસ, અહીંથી શરૂ થાય છે ‘ખૂની કોણ?’ સવાલનો જવાબ શોધવાની મથામણ. શહેરમાં એક પછી એક ભેદી હત્યાઓ થતી જાય છે ને સિગમન્ડ ફ્રોઇડ ડિટેક્ટિવ બનીને આ હત્યાઓના રહસ્ય સુધી પહોંચવામાં બિઝી થઈ જાય છે.
વેબ શોમાં ખૂબ બધાં પાત્રો છે. ફ્લર સલોમ નામની યુવતી શોની નાયિકા છે. જબરું ઇન્ટરેસ્ટિંગ કિરદાર છે આ. ફ્લેર (ઍલા રમ્ફ) એક ‘મિડીયમ’ છે. એના શરીરમાં જાતજાતના આત્માઓ પ્રવેશે છે. ભયંકર વળગાડ થઈ ગયો હોય તેમ એ પુરુષ જેવા ઘોઘરા અવાજે બોલવા લાગે છે. વશીભૂત અવસ્થામાં એને ભૂતકાળ અને ભવિષ્યની ઘટનાઓનાં દશ્યો દેખાય છે. ફ્લર એક અનાથ યુવતી છે. એને ઓસ્ટ્રિયાના એક શાહી દંપતીએ નાનપણથી દત્તક લીધી હતી. ફ્લરની દત્તક મા સોફિયા મહામાયા છે. શો આગળ વધતો જાય તેમ આપણને ખબર પડે કે સોફિયા તો સામેના માણસને હિપ્નોટાઇઝ કરવાની કળામાં સિગ્મન્ડ ફ્રોઇડ કરતાંય ચાર ચાસણી ચડે એવી છે. સોફિયા વાસ્તવમાં ફ્લરનો ઉપયોગ કરીને પોતાના ખતરનાક ઇરાદાઓને અંજામ આપવા માગે છે.
ફ્લરનું પાત્ર લૂ આન્દ્રિયા સલોમ નામની યુવતી પર આધારિત છે. લૂ અસલી સિગ્મન્ડ ફ્રોઇડની વિદ્યાર્થિની, મિત્ર અને વિશ્વાસુ હતી. એ જોકે મિડીયમ નહોતી ને આત્માઓને પોતાના શરીરમાં બોલાવી શકતી નહોતી, પણ કહે છે કે સામેની વ્યક્તિને પારખી લેવામાં એનો જોટો જડે તેમ નહોતો.
એક પછી એક એપિસોડની સાથે અજીબોગરીબ ઘટનાઓનો સિલસિલો પણ આગળ વધતો જાય છે. અગમનિગમ ને મેલી વિદ્યાના ભયાવહ પ્રયોગો, જીવતા માણસનું માંસ ખાતાં પાત્રો, કપાયેલી આંગળીઓ, લોહીમાં રગદોળાયેલાં નગ્ન સ્ત્રી-પુરુષો – આ સૌની આ શોમાં ભરમાર છે. જો તમને સુપરનેચરલ તત્ત્વોમાં રસ પડતો હોય તો ‘ફ્રોઇડ’ તમને સારું એવું મનોરંજન આપશે. ‘ફ્રોઇડ’ ઉચ્ચ કક્ષાનું પ્રોડક્શન વેલ્યુ ધરાવતો શો છે, જેમાં તમામ અદાકારોએ મજબૂત એક્ટિંગ કરી છે. અંગ્રેજીમાં ડબ થયેલો ને નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થયેલો આ જર્મન વેબ શો તમારે જોવો જોઈએ કે નહીં તે હવે તમે જાતે નક્કી કરવાનું છે.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2020 )
Leave a Reply