કરોડો કમાવી આપતી ફિલ્મ લખવાની કળા
દિવ્ય ભાસ્કર – રસરંગ પૂર્તિ – 1 ડિસેમ્બર 2019, રવિવાર
મલ્ટિપ્લેક્સ
પચ્ચીસ કરોડના બજેટમાં બનેલી હિટ ફિલ્મ ‘બાલા’ દોઢસો કરોડ રૂપિયાનો બિઝનેસ ઓલરેડી કરી નાખ્યો છે. આ ફિલ્મના ભાવનગરી લેખક નીરેન ભટ્ટની ક્રિયેટિવ પ્રોસેસની વાતો સાંભળવા જેવી છે.
* * * * *
નવેમ્બરના પહેલા શુક્રવારે સિનેમાપ્રેમી ગુજરાતીઓને હરખ થાય એવી એક નહીં, પણ બે ઘટના બની હતી. એક તો, ‘હેલ્લારો’ ફિલ્મનું રિલીઝ થવું અને બીજું, આયુષ્યમાન ખુરાનાની હિન્દી ફિલ્મ ‘બાલા’નું રિલીઝ થવું. ‘બાલા’ની સ્ટોરી-સ્ક્રીનપ્લેનું સહલેખન અને ડાયલોગ્ઝનું સંપૂર્ણ લેખન મૂળ ભાવનગરી અને હવે પાક્કા બમ્બૈયા બની ગયેલા નીરેન ભટ્ટે કર્યું છે. ‘હેલ્લારો’નાં મોજાં એવાં ઊછળ્યાં કે ટ્રેડિશનલ મીડિયા અને સોશિયલ મીડિયા બન્નેનું સઘળું ધ્યાન તેના તરફ ખેંચાયેલું રહ્યું. પરિણામે નીરેન ભટ્ટની કામિયાબી એટલી સેલિબ્રેટ ન થઈ જેટલી થવી જોઈતી હતી. ‘બાલા’ હિટ થઈ, રાષ્ટ્રીય કક્ષાના લગભગ તમામ સ્ટાર-રિવ્યુઅર દ્વારા ‘બાલા’નાં લખાણનાં ભારોભાર વખાણ થયા, તો પણ.
‘ઓહ, ‘હેલ્લારો’ની કામિયાબીથી હું પણ એટલો જ આનંદિત છું જેટલા સૌ કૌઈ છે,’ મુંબઇની એક કૉફી શોપની પારદર્શક દીવાલ નજીક ચેર પર ગોઠવાઈને નીરેન ભટ્ટ વાતચીતની શરૂઆત કરે છે, ‘હું ગુજરાતી સિનેમાના આ ન્યુ વેવ સાથે ‘બે યાર’ના સમયથી સંકળાયેલો છું. ‘કેવી રીતે જઈશ?’ (2012) અને ‘બે યાર’ (2014)થી શરૂ થયેલી ગુજરાતી સિનેમાની આ યાત્રા અત્યારે ‘હેલ્લારો’ સુધી પહોંચી છે. હું ખુદ અત્યંત રોમાંચિત છું ત્યારે દેખીતું છે કે હું કંઈ સ્વાર્થી બનીને એવી ફરિયાદ કરવા ન બેસું કે ‘બાલા’ની સફળતામાં મારાં કન્ટ્રીબ્યુશન વિશે કેમ ઝાઝી વાત થઈ રહી નથી?’
નીરેન ભટ્ટ સ્વયં જોકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સતત વાતચીતનો વિષય બની રહ્યા છે. ‘બે યાર’નું સહલેખન કર્યા પછી એમણે નેશનલ અવૉર્ડ વિનિંગ ‘રોંગ સાઇડ રાજુ’ (2016)નું સહિયારું લેખન કર્યું, સુપરહિટ મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ને ગુજરાતીમાં ઉતારી અને 28 ગુજરાતી ફિલ્મોનાં ગીતો, કહોને કે આખેઆખાં આલ્બમ લખ્યાં. સિંગલ ગીતો તો અલગ. ‘વાલમ આવોને આવો ને… માંડી છે લવની ભવાઈ’, ‘ગોરી રાધા ને કાળો કાન… ગરબે ઘુમે ભુલી ભાન’ જેવાં નીરેન ભટ્ટે લિખિત રચનાઓ પર આજે આખું ગુજરાત ઝુમે છે. ‘તારક મહેતા કા ઊલટા ચશ્મા’ના એમણે લખેલા એપિસોડ્સ આ શોના ચાહકોને હજુય હસાવે છે.
‘રોંગ સાઇડ રાજુ’ના ડિરેક્ટર મિખિલ મુસળેએ પોતાની પહેલી હિન્દી ફિલ્મ ‘મેઇડ ઇન ચાઇના’ બનાવી ત્યારે એની રાઇટિંગ ટીમમાં નીરેન ભટ્ટ પણ હતા. દિવાળી પર આવેલી ‘મેઇડ ઇન ચાઇના’ બૉક્સઑફિસ પર જોકે ન ચાલી, પણ એના બીજા જ અઠવાડિયે રિલીઝ થયેલી અને પચ્ચીસ કરોડના બજેટમાં બનેલી ‘બાલા’નો બિઝનેસ, આ લખાઈ રહ્યું છે ત્યારે, દોઢસો કરોડના આંકડાને પાર કરી ચુક્યો છે.
‘જેમની સાથે કામ કરવાનું સપનું જોયું હોય એવા બૉલિવુડના કેટલાય મોટામાં મોટા ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ તરફથી મને અભિનંદનના ફોન અને મેસેજીસ આવી રહ્યા છે,’ નીરેન મલકાય છે, ‘ટોચના પ્રોડક્શન હાઉસીસ સાથે મારી લાગલગાટ મારી મીટીંગ્સ થઈ રહી છે. આઇ એમ હૅપી!’
હૅપી કેમ ન હોય! ‘બાલા’ની સફળતાએ નીરેન ભટ્ટનું નામ બૉલિવુડના ‘એ’-લિસ્ટ લેખકોની સૂચિમાં હકથી મૂકી દીધું છે.
‘મેઇડ ઇન ચાઇના’ અને ‘બાલા’ બન્ને મડોક ફિલ્મ્સ બેનરની ફિલ્મો છે. નીરેન કહે છે, ‘મડોકના પ્રોડ્યુસર દિનેશ વિજાનને ‘મેઇડ ઇન ચાઇના’ના મારા ડાયલોગ્ઝ ખૂબ ગમતા હતા. એમણે મને ‘બાલા’ લખવાની ઑફર આપી. મૂળ વાર્તા પાવેલ ભટ્ટાચારજી નામના બંગાળી લેખકની હતી. એમાં એવું હતું કે બનારસમાં રહેતો હીરોના વાળ જુવાનીમાં ખરવા લાગે છે. એનું કારણ ગંગાનું પ્રદૂષિત પાણી છે અને આ પ્રદૂષણ માટે કોઈ મોટી કંપની જવાબદાર છે. હીરો પછી પર્યાવરણના મુદ્દે આ કંપનીની સામે જંગે ચડે છે, વગેરે. ‘બાલા’ના ડિરેક્ટર અમર કૌશિક મૂળ આ ફિલ્મના ક્રિયેટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયા હતા. મેં એમને કહ્યું કે આ વાર્તા મને ખાસ એક્સાઇટિંગ લાગતી નથી. જોગાનુજોગે અમરના વાળ પણ નાની ઉંમરે ખરવાના શરૂ થઈ ગયા હતા. તેઓ પોતાના અનુભવો અમારી સાથે શૅર કરતા. જેમ કે એ નહાવા બેસે ત્યારે દર વખતે ટેન્શન એ વાતનું હોય કે આજે કેટલા વાળ જશે. નાહ્યા પછી વાળ ઓળે ત્યારે પહેલી નજર અરીસામાં નહીં, પણ દાંતિયા તરફ જાય! અમર ખુદ ગોરા-ચિટ્ટા હેન્ડસમ માણસ છે, પણ અકાળે ટાલ પડવાને કારણે તેઓ પરેશાન થઈ ગયા હતા. મેં કહ્યું કે વાર્તા ખરેખર આ છે. પર્યાવરણની પળોજણમાં પડવાને બદલે આપણે અકાળે ટાલિયા થઈ રહેલા હીરોના મનમાં મચેલા ઘમાસાણને કેન્દ્રમાં રાખીને આખી વાર્તા ગુંથીએ.’
જેમ જેમ લેખનપ્રક્રિયા આગળ વધી તેમ તેમ સમજાતું ગયું કે આ વાર્તામાં ધાર્યા કરતાં ઘણું વધારે કૌવત છે. માત્રા ટાલિયા જ નહીં, પણ જાડા, સૂકલકડી, બટકા, કાળા આ સૌનો આત્મવિશ્વાસ એમના દેખાવને કારણે ઘવાતો હોય છે. મુદ્દો સેલ્ફ-ઇમેજનો છે. નીરેન ભટ્ટ અને ક્રિયેટિવ ટીમ સામે સ્પષ્ટ થતું ગયું કે ફિલ્મમાં આપણે વાળ ખરવાની વ્યથા સુધી સીમિત રહેવાને બદલે ઘણી મોટી વાત કહી શકીએ તેમ છીએ. પોતાની જાતને ચાહવામાં, ખુદને જેવા હોઈએ તેવા સ્વીકારી લેવામાં જ સુખની ચાવી છે એવા મતલબનું સ્ટેટમેન્ટ આ ફિલ્મ દ્વારા કરી શકાય તેમ છે. અમર કૌશિક, કે જેઓ ‘સ્ત્રી’ જેવી સુપરહિટ ડેબ્યુ ફિલ્મ આપી ચુક્યા છે, તેમને એટલી મજા આવી ગઈ કે એમણે ‘બાલા’ના ક્રિયેટિવ પ્રોડ્યુસર રહેવાને બદલે ડિરેક્ટર બનવાનું પસંદ કર્યું.
‘મેં ગયા વર્ષે 18 ઓક્ટોબરે ‘બાલા’ લખવાની શરૂઆત કરી હતી,’ નીરેન કહે છે, ‘જાન્યુઆરીમાં પહેલો ડ્રાફ્ટ પૂરો થયો. મેં શરૂઆતમાં જ વાળનો વૉઇસઓવર (જેને અવાજ વિજય રાઝે આપ્યો છે) લખ્યો હતો, જે બધાને બહુ ગમ્યો. આ વૉઇસઓવરથી ફિલ્મનો ટોન સેટ થઈ જતો હતો. મે મહિના સુધીમાં કુલ દસ-અગિયાર ડ્રાફ્ટ્સ લખાયા. જેમ જેમ લખાતું ગયું તેમ તેમ સ્પષ્ટતા વધતી ગઈ, સૂક્ષ્મતાઓ અને લેયર્સ ઉમેરાતાં ગયાં. ફિલ્મની કથાનું લોકાલ કાનપુર છે. અમર કૌશિક ખુદ કાનપુરના છે. એમના ઇનપુટ્સ મને ખૂબ ઉપયોગી બન્યા. ફિલ્મ લખાતી હતી તે દરમિયાન અમે કાનપુર ગયા, એમના થિયેટરના અને બીજા દોસ્તોને મળ્યા. મને કાનપુરની બોલીની તાસીર સમજાતી ગઈ. જેમ કાઠિયાવાડી-અમદાવાદી-મહેસાણી અને સુરતી ગુજરાતી એકબીજાથી જુદી છે, તેમ બનારસી-લખનવી-કાનપુરી હિન્દીના લહેકા પણ એકમેકથી અલગ છે. કાનપુરી હિન્દીમાં આપણી કાઠિયાવાડી જેવો ‘સ્વૅગ’ છે, એક પ્રકારની ‘ટણી’ છે! ‘મેક જૉક ઑફ’ નામની યુટ્યુબ ચેનલનું કોન્ટેન્ટ પણ સ્થાનિક બોલીના રેફરન્સ તરીકે મને ઉપયોગી બન્યું.’
‘બાલા’ના સ્ક્રીનપ્લે ઉપરાંત કાનપુરી લહેજામાં બોલાતા સંવાદોની વિશેષપણે પ્રશંસા થઈ છે. સવાલ જ નથી. પૂછવા જેવો સવાલ આ છેઃ ભાવનગરમાં મોટો થનાર, સિવિલ એન્જિનીયર બનીને અને માસ્ટર ઓફ એન્જિનીયરીંગ (એમઇ) તેમજ એમબીએમાં ગોલ્ડ મેડલ મેળવનાર અને આર્થિક સલામતી આપતી કોર્પોરેટ જોબ સ્વીકારનાર નીરેન ભટ્ટ નામનો આ તેજસ્વી છોકરો બોલિવૂડનો સફળ લેખક શી રીતે બની ગયો? વચ્ચેનાં વર્ષોમાં શું શું બન્યું? સફળતાનો સ્વાદ ચાખતાં પહેલાં એમણે કેવા સંઘર્ષ, કેવી નિષ્ફળતાઓની કડવા ઘૂંડવા પીવા પડ્યા? આ પ્રશ્નોના ઉત્તર હવે પછી.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2019 )
Leave a Reply