તમારો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ કેટલો છે?
દિવ્ય ભાસ્કર– કળશ પૂર્તિ – 5 ડિસેમ્બર 2018
ટેક ઓફ
સુખી અને શાંતિમય જીવન જીવવા માટે આઇક્યુ (બુદ્ધિમત્તા) અને ઇક્યુ (લાગણીઓ મેનેજ કરવાની ક્ષમતા)ની સાથે તમારો એસક્યુ (આધ્યાત્મિક આંક) પણ સારો હોવો જોઈએ!
* * * * *
છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં જે બન્યું તે શું ધાર્મિક ઘટના હતી? તે ઘટનાના કેન્દ્રમાં એવું તે કયું પ્રચંડ શક્તિશાળી તત્ત્વ હતું કે જેની તીવ્રતા આજે 26 વર્ષ પછી પણ અનુભવી શકાય છે? અમુક બાબતો બુદ્ધિ કે તર્કથી સમજાવી શકાતી નથી. ભારત દેશ સદીઓથી આધ્યાત્મિકતાની વિશ્વ-રાજધાની રહ્યો છે. દુનિયાભરના લોકો આધ્યાત્મિક અનુભૂતિની ખોજમાં ભારત આવે છે. છઠ્ઠી ડિસેમ્બર 1992ના ઘટનાક્રમને આધ્યાત્મિકતાની ફૂટપટ્ટીથી પણ માપી શકાય તેમ નથી!
ધર્મ અને અધ્યાત્મ બન્ને અલગ વસ્તુઓ છે. જ્ઞાનીઓ કહે છે તેમ, ધર્મ અને અધ્યાત્મ ક્યારેક તદ્દન વિરુદ્ધ સ્થિતિઓ હોઈ શકે છે! ધર્મ, અથવા મોટા ભાગના લોકો જેને ધર્મ સમજે છે તે, શ્રદ્ધાળુ માણસને સ્પષ્ટ માર્ગદર્શિકા આપી દે છેઃ આ ભગવાનની વાણી છે, આ ભગવાનના આદેશો છે, આ ભગવાને દોરી આપેલી હદરેખા છે, આ જ સત્ય છે. જીવનમાં આટલું કરવાનું, આટલું બિલકુલ નહીં કરવાનું! સામે પક્ષે, આધ્યાત્મિકતા માણસને ખોજ કરતાં પ્રેરે છે. ધર્મની જડ સંકલ્પના સીમાઓ દોરે છે, ચોકઠાં પાડે છે – આ હિંદુનું ચોકઠું, આ મુસ્લિમનું ચોકઠું, આ ખ્રિસ્તીનું ચોકઠું… જ્યારે અધ્યાત્મ આ વાડાબંધી અને સીમારેખાઓને ભૂંસી નાખે છે. ધર્મ રેડીમેડ જવાબો આપી દે છે, જ્યારે અધ્યાત્મ સવાલો પૂછતાં શીખવે છે – હું કોણ છું? શા માટે છું? મારું ખરું સ્વરૂપ શું છે? મારા જીવનનું પ્રયોજન શું છે? અધ્યાત્મ કહે છે કે જીવનના આ મૂળભૂત પ્રશ્નોના ઉત્તર તમારે જાતે શોધવાના છે, અનુભૂતિના સ્તરે સમજવાના છે. ધર્મગ્રંથોમાં લખાયું ને તમે વાંચી લીધું, એમ નહીં. ધાર્મિક વડાઓએ કહ્યું ને તમે માની લીધું, એમ પણ નહીં. ધર્મ પાસે ચુકાદા છે, પૂર્ણવિરામો છે, જ્યારે અધ્યાત્મ પાસે પ્રશ્નાર્થચિહ્નો ભરમાર છે!
ભારતીયો વધારે ધાર્મિક છે કે આધ્યાત્મિક? આધ્યાત્મિક ખોજ માટે ભારત આવેલા પશ્ચિમના લોકો આજના શહેરી ભારતીયોની મહત્ત્વાકાંક્ષી તાસીર જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. ભારતની મહાયાત્રા કરી રહેલો એક અમેરિકન યુવાન કહી રહ્યો હતો કે હું અને મારા દોસ્તારો કાયમ શહેરી જીવન છોડીને કન્ટ્રી-સાઇડ એટલે કે શાંત ગામડામાં સેટલ થઈને સીધુંસાદું જીવન જીવવાનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ, પણ જ્યારથી હું ભારત આવ્યો છું ત્યારથી મેં ઇન્ડિયનોના મોઢે પૈસા કમાવાની અને ભૌતિકવાદી સુખ-સુવિધાઓની વાતો જ સાંભળી છે! ભારતીયો વધારે વેસ્ટર્નાઇઝ્ડ થઈ ગયા છે અને પશ્ચિમના લોકો વધારે ‘આપણા જેવા’ બની રહ્યા છે. કદાચ એટલે જ પશ્ચિમે ‘સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ’ એવો શબ્દપ્રયોગ પેદા કરી લીધો છે.
વીસમી સદીના પ્રારંભમાં ઇન્ટેલિજન્સ ક્વોશન્ટ એટલે કે આઇક્યુ (બુદ્ધિઆંક) શબ્દપ્રયોગનો જન્મ થયો. 1990ના દાયકાના પ્રારંભથી ઇમોશનલ ક્વોશન્ટ એટલે કે ઈક્યુ ચલણમાં આવ્યો. પશ્ચિમને પછી જ્ઞાન લાધ્યું કે સુખી અને સંતુલિત રીતે જીવવા માટે માત્ર આઇક્યુ અને ઇક્યુ પૂરતા નથી, માણસ પાસે સારો એસક્યુ પણ હોવો જોઈએ. એસક્યુ એટલે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ. આધ્યાત્મિક આંક!
1997માં ડાના ઝોહર નામની લેખિકાએ ‘રિવાયરિંગ ધ કોર્પોરેટ બ્રેઇન’ નામનાં પુસ્તકમાં સૌથી પહેલી વાર ‘સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ’ એવો ચોટડુક શબ્દપ્રયોગ કર્યો. અન્ય લેખકો અને અભ્યાસુઓએ તે ઊંચકી લીધો. બે વર્ષ પછી ડાના ઝોહરે બીજું પુસ્તક લખ્યું – ‘એસક્યુઃ કનેક્ટિંગ વિથ અવર સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ’. ધીમે ધીમે આ શબ્દપ્રયોગ એક મર્યાદિત વર્તુળમાં જાણીતો બન્યો. આજે એવી સ્થિતિ આવી ગઈ છે કે ફોર્ડ, બોઇંગ, એટી એન્ડ ટી, નાઇકી, આજે વિપ્રો, ટાટા ટી જેવી મોટી કંપનીઓની કોર્પોરેટ પોલિસીથી માંડીને સ્કૂલે જતાં બાળકોના રિપોર્ટ કાર્ડ સુધી સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટના તરંગો ફેલાઈ ચુક્યા છે. મુંબઇ-દિલ્હી અને અન્ય મહાનગરોનાં સ્કૂલી બચ્ચાઓની એપ્ટિટ્યુડ ટેસ્ટ (બાળકના ગમા-અણગમા, વલણો વગેરે ચકાસતી કસોટી)નાં પરિણામમાં આજે બાળકના આઇક્યુ અને ઈક્યુ ઉપરાંત એનો અધ્યાત્મ આંક કેટલો છે તે પણ લખાયેલું હોય છે.
આઇક્યુનો સંબંધ માણસની સમજશક્તિ, તર્ક-ગણતરી-વિષ્લેષણ કરી શકવાની શક્તિ વગેરે જેવી કોગ્નિટિવ સ્કિલ્સ સાથે છે. ઇક્યુનો સંબંધ બીજાઓની અને ખુદની લાગણીઓને સમજી શકવાની ક્ષમતા, પારસ્પરિક સંબંધો જાળવવાની આવડત, પોતાની જાત પરનો અંકુશ અને આત્મવિશ્વાસ સાથે છે. એસક્યુ (સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ) આ બન્ને કરતાં એક ડગલું આગળ વધે છે. એ નીતિમૂલ્યો અને નૈતિકતાને ગણતરીમાં લે છે. સાદી રીતે કહીએ તો, એસક્યુ આપણને સવાલ કરે છે કે તમે જે કરો છો યા કરવા માગો છો એની આસપાસના માણસો, સમાજ, સમગ્ર માનવજાત કે પર્યાવરણ પર માઠી અસર તો નહીં થાયને? એસક્યુ કોઈ પણ પરિસ્થિતિમાં આંતરિક તેમજ બાહ્ય શાંતિ જાળવી રાખીને, સ્વાર્થ છોડીને, અન્યો પ્રત્યે કરૂણામય વર્તન કરવાનો આગ્રહ કરે છે, આ વિરાટ બ્રહ્માંડમાં તમારું સ્થાન સૂક્ષ્મ કણ જેટલું પણ નથી તે વાસ્તવ પ્રત્યે સતત સભાન રહેવા પ્રેરે છે. નોકરીધંધા-પરિવાર-મિત્રો અને આંતરિક વિકાસનું આ તમામ વચ્ચે સંતુલન જાળવવાનું સૂચન કરે છે.
આપણી પાસે આજે જેટલી સુખસુવિધાઓ છે એટલી માણસજાત પાસે ભૂતકાળમાં ક્યારેય નહોતી. ભૌતિક સવગડ ઉત્તરોત્તર વધતી જાય છે, પણ શું એની સાથે આપણે વધારે સુખી અને સંતુષ્ટ બનતા જઈએ છીએ? ના. આપણે ઊલટાના વધારે એકલવાયા ને બેચેન બનતા જઈએ છીએ. માણસનો આઇક્યુ બહુ ઊંચો હોય, એ સાધનસંપન્ન હોય છતાંય સુખી ન હોય એવું ચોક્કસ બની શકે. આધ્યાત્મિકતાની જરૂર અહીં પડે છે.
એક નિરીક્ષણ એવું છે કે માણસ દુન્યવી સ્તરે જેટલો વધારે સફળ અને સંપન્ન બનતો જાય છે એટલી એની આધ્યાત્મિક જરૂરિયાત તીવ્ર બનતી જાય છે, કેમ કે અધ્યાત્મનો સંબંધ આંતરિક સ્થિરતા અને માનસિક શાંતિ સાથે છે. મોટી કોર્પોરેટ કંપનીઓના સાહેબલોકોના કેઆરએ (કી રિસ્પોન્સિબિલિટી એરિયા, મુખ્ય જવાબદારીઓ)માં આજકાલ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વિશેષ ભાર મૂકાય છે. કંપનીમાં ચાવીરૂપ પોઝિશન ધરાવતા સિનિયર ઓફિસરોને પોતાની હાથ નીચે કામ કરતા સ્ટાફનું સ્ટ્રેસને મેનેજ કરતાં આવડવું જ જોઈએ! આજે મોટી કોર્પોરેટ કંપનીઓ પોતાની ઇવેન્ટ્માં સદગુરુ, શ્રી શ્રી રવિશંકર જેવા અધ્યાત્મના ક્ષેત્રમાં આદરપાત્ર ગણાતી વ્યક્તિઓને વકતવ્યો આપવા માટે આમંત્રિત કરે છે. હાઇ-પ્રોફાઇલ બિઝનેસ કોન્ફરન્સીસમાં દેશ-વિદેશના બિઝનેસમેન અને ડિપ્લોમેટ્સની સાથે ઘણી વાર સદગુરુ પણ દેખા દે છે. આ બદલાઈ રહેલા સમયની જરૂરિયાતનું પ્રતિબિંબ છે.
એક લેટેસ્ટ થિયરી એવી છે સારા કોર્પોરેટ લીડર બનવા માટે માણસમાં આ ચાર વસ્તુઓ હોવી અનિવાર્ય છે – એકક્યુ, આઇક્યુ, ઇક્યુ અને પીક્યુ. પીક્યુ એટલે ફિઝિકલ ક્વોશન્ટ. સાદી ભાષામાં, ફિટનેસ. માણસમાં બીજા બધા ગુણ હોય, પણ જો એ સરખો ઊભો પણ રહી ન શકતો હોય તો શું કામનો! સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટને બાકીના ત્રણેય ક્વોશન્ટની પહેલાં મૂકવામાં આવ્યો છે એ તમે નોંધ્યું?
આઇક્યુની માફક સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટને માપી શકાય ખરો? આ દિશામાં પ્રયત્નો જરૂર થયા છે. અમેરિકામાં વસતા ભારતીય ચિંતક-લેખક દીપક ચોપરાએ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ માપવાની એક સરળ ફોર્મ્યુલા સૂચવી છે. તેઓ કહે છે કે સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ એટલે કર્મ (ડીડ, ‘ડી’) ભાગ્યા અહમ (ઇગો, ‘ઈ’). એસક્યુ ઇઝ ઇક્વલ ટુ ‘ડી’ ડિવાઇડેડ બાય ‘ઈ’! માણસ કર્મ ખૂબ કરે, પણ અહમ ન રાખે તો એનો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ વધે. જો અહમ તદ્દન નામશેષ થઈ જાય તો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ અનંત જેટલો વિરાટ બની જાય. આપણે ગણિતમાં શીખ્યા છીએ કે કોઈપણ આંકડાને ઝીરો વડે ભાગીએ તો જવાબ ઇન્ફિનિટી (અનંત) આવે. માણસ જોકે સંપૂર્ણપણે અહમશૂન્ય થઈ શકતો નથી. છેલ્લે ‘હું માણસ છું’ યા તો ‘હું જીવું છું’ એટલી આત્મસભાનતા તો બચે જ છે. દીપક ચોપરા ઉપરાંત અમુક ઉત્સાહી અભ્યાસુ-સંશોધકોએ પણ સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટ માપવા માટે આપણને ચક્કર આવી જાય એવી કોમ્પ્લિકેટેડ મેથેમેટિકલ ફોર્મ્યુલાઓ બનાવી છે.
સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટની સંકલ્પનાની ટીકા પણ થઈ છે. એક વર્ગ કહે છે કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સને કંઈ તમે બુદ્ધિમત્તાનું એક સ્વરૂપ ન ગણી શકો. આઇક્યુની જેમ કંઈ એસક્યુને માપી ન શકાય. આધ્યાત્મિક હોવું તે માણસની અંગત અને આંતરિક બાબત છે. અધ્યાત્મના રસ્તે તમે ક્યાં પહોંચ્યા છે ને કેટલો વિકાસ કર્યો તે બાહ્ય ફોર્મ્યુલા વડે કેવી રીતે જાણી શકાય? જે ખરેખર આધ્યાત્મિક ઉન્નતિ ઇચ્છે છે, જેણે આ દિશામાં ઓલરેડી પગલાં માંડી દીધાં તે જો સ્પિરિચ્યુઅલ ક્વોશન્ટની ફોર્મ્યુલાને ધ્યાનમાં લઈને ગુણાકાર-ભાગાકાર કરવા બેસશે તો ઊલટાનું નુક્સાન થશે.
સો વાતની એક વાત એ છે કે એકવીસમી સદીમાં, આ ડિજિટલ યુગમાં, આર્ટિફિશીયલ ઇન્ટેલિજન્સ અને કમ્પ્યુટર આલ્ગોરિધમ વડે સંચાલિત થનારા આવનારા સમયમાં માણસજાતને આધ્યાત્મિક સ્થિરતાની સૌથી વધારે જરૂર પડવાની છે. યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન વગેરેનું મહત્ત્વ ઉત્તરોત્તર વધતું જવાનું છે. આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરીશું તો ભવિષ્યમાં કદાચ છઠ્ઠી ડિસેમ્બર 1992 પ્રકારના ઘટનાક્રમ સર્જાવાની આવશ્યકતા નહીં રહે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year Dec, 2018 )
Leave a Reply