Sun-Temple-Baanner

સરહદો નહીં, ફક્ત ક્ષિતિજો… અને આઝાદી!


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


સરહદો નહીં, ફક્ત ક્ષિતિજો… અને આઝાદી!


સરહદો નહીં, ફક્ત ક્ષિતિજો… અને આઝાદી!

દિવ્ય ભાસ્કર – કળશ પૂર્તિ – 17 ઓક્ટોબર 2018

ટેક ઓફ

સુપર સેલિબ્રિટીની માફક જીવેલાં અને રહસ્યમય મૃત્યુ પછી લેજન્ડ બની ગયેલાં વિક્રમસર્જક મહિલા પાઇલટ અમેલિયા ઇયરહાર્ટને ક્યારેય ‘મી ટૂ’ કહેવાની જરૂર નહોતી પડી!

* * * * *

જો શાંતિથી જીવવું હશે તો જિંદગી તમારી પાસેથી આ એક વસ્તુની અપેક્ષા રાખશે – હિંમતની.

દંતકથારૂપ બની ગયેલાં અમેરિકન મહિલા પાઇલટ અમેલિયા ઇઅરહાર્ટનું આ ક્વોટ અત્યારના ‘મી ટુ’ માહોલમાં એકદમ બંધ બેસે છે. અંગ્રેજીમાં ‘મી ટૂ’ એટલે ભૂતકાળમાં હું પણ જાતીય શોષણનો ભોગ બની ચૂકી (કે ચૂક્યો) છું એવી જાહેરમાં હિંમતભેર કબૂલાત કરવી. મી ટૂ મુવમેન્ટની અસર બાહ્ય અને આંતરિક એમ બન્ને સ્તરે થાય છે. સેક્સ્યુઅલ હેરેસમેન્ટના નિશાન શરીર પરથી તો રૂઝાઈ જાય છે, પણ સ્તબ્ધ થઈ ચૂકેલા ઘાયલ મન પર ક્યારેક વર્ષો સુધી, દાયકાઓ સુધી રુઝ આવતી નથી. ભીતર ધરબાયેલી પીડાને હિંમત એકઠી કરીને આખરે વ્યક્ત કરી દેવાથી સંભવતઃ એની તીવ્રતા હળવી થઈ જાય છે, મનને શાંતિ મળે છે. અલબત્ત, અત્યારે મી ટૂનું જે વાતાવરણ બન્યું છે એની ગરમીનો ગેરલાભ ઉઠાવીનો હઇસો હઇસો કરનારા (રાધર, કરનારી) પણ ખુલ્લા મેદાનમાં આવી જશે, કોઈ નિર્દોષ પુરુષ લેવાદેવા વગર કૂટાઈ જાય એવું ય બનશે, પણ સમગ્રપણે આ આખી મૂવમેન્ટ સામાજિક સ્વાસ્થ્ય માટે સારી છે જ.

પુરુષોના આધિપત્યવાળા ઉડ્ડયન ક્ષેત્રમાં, એ પણ છેક 1930ના દાયકામાં, પોતાનું નિશ્ચિત સ્થાન બનાવનાર અમેલિયા ઇઅરહાર્ટને ક્યારેય ‘મી ટૂ’ કહેવાની જરૂર પડી નહોતી. યુરોપ, આફ્રિકા કે મિડલ ઇસ્ટથી અમેરિકા જવું હોય કે ત્યાંથી પાછા ફરવું હોય તો વિરાટ એટલાન્ટિક સમુદ્ર ઓળંગવો પડે. કો-પાઇલટની મદદ લીધા વિના સોલો ટ્રાન્સ-એટલાન્ટિક ફ્લાઇટ કરનારાં એમેલિયા ઇઅરહાર્ટ દુનિયાનાં પહેલાં મહિલા પાઇલટ છે. એમના નામે આ એક નહીં, કેટલાય સિદ્ધિઓ બોલે છે. 1923માં પાઇલટનું લાઇસન્સ મળ્યું ત્યારે તેઓ છવ્વીસ વર્ષનાં હતાં. ઉડ્ડયન જેવા પૌરુષિક ક્ષેત્રમાં મહિલાઓની ભુમિકા ડિફાઇન કરવામાં અમેલિયાનું મોટું યોગદાન છે. એમણે બેસ્ટસેલિંગ પુસ્તકો લખ્યાં છે, દુનિયાભરમાં ફરીને વકતવ્યો આપ્યાં છે, સહેજ પણ કર્કશ બન્યા વિના કે ખુદને ઝંડાધારી ફેમિનિસ્ટ ગણાવ્યા વગર સ્ત્રીઓને પુરુષો જેટલા જ અધિકારો અપાવવાની દિશામાં નક્કર કામગીરી કરી છે.

અમેલિયા પ્લેનમાં સવાર થઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માગતાં હતાં. તેઓ પેસિફિક મહાસાગર પરથી ઉડી રહ્યાં હતાં ત્યારે અચાનક ગ્રાઉન્ડ કંટ્રોલ સાથેનો એમનો સંપર્ક તૂટી ગયો. એમેલિયા પ્લેન સહિત ગાયબ થઈ ગયાં. આ 1937ની ઘટના છે. શું એમનું પ્લેન અધવચ્ચે તૂટી પડ્યું હતું? એમને શોધવા માટે પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પણ ન એમેલિયાનું બોડી મળ્યું, ન પ્લેનના ભંગારનો ટુકડો સુધ્ધાં મળ્યો. એમેલિયાનું મોત એક એવું રહસ્ય બનીને રહી ગયું જે આજની તારીખે પણ ઉકેલાયું નથી.

અમેલિયાની વાતોમાં ને લખાણોમાં સ્વાભાવિક રીતે જ ઉડ્ડયનનાં સંદર્ભો ખૂબ જોવા મળે છે. સપનાં સાકાર કરવાનાં સંદર્ભમાં એક જગ્યાએ એમણે કહ્યું છે કે, ‘પ્લેનને ટેક ઓફ કરાવવા માટે રનવે જોઈએ. આપણામાંથી અમુક લોકો પાસે ઉત્તમ રનવે પહેલેથી તૈયાર હશે. જો તમારો રનવે રેડી હોય તો રાહ શાની જુઓ છો? આકાશ તમારી રાહ જુએ છે! ધારો કે રનવે બંધાયેલો ન હોય તો પણ શું? ઉઠાવો પાવડો ને મચી પડો. તમારો રનવે તમે જાતે તૈયાર કરો. તમે બાંધેલો રનવે તમને એકલાને જ નહીં, બીજાઓને પણ પછી કામ આવશે.’

સાહસ કરવા માટે ભરપૂર પરિશ્રમ કરવાનો હોય, પૂર્વતૈયારીઓ કરવાની હોય, આંધળૂકિયાં નહીં. એટલે જ અમેલિયા કહે છે કે, ‘સાહસનો પોણા ભાગનો હિસ્સો એની પૂર્વતૈયારી રોકે છે. લોકોને જે દેખાય છે એ તો સાહસનો પચ્ચીસ ટકા ભાગ માંડ હોય છે.’

અમેલિયાની પ્રેરણાદાયી વાતો ખોખલી નથી. એમના શબ્દો સ્વાનુભવમાંથી જન્મેલા છે. ઘણા લોકોને ચિંતા કર-કર કર્યા કરવાની ખરાબ આદત હોય છે. અમેલિયા કહે છે, ‘ચિંતા કર્યા કરવાથી આપણી ક્રિયા-પ્રતિક્રિયાઓ ધીમી પડી જાય છે. જે નિર્ણયો સાવ ઘીના દીવા જેવા સ્પષ્ટ હોય તે લેવાનું પણ અશક્ય લાગવા માંડે છે.’

ઘણા લોકોને રોદણાં રડવાની, વાંધાવચકા કાઢતા રહેવાની કુટેવ હોય છે. અમેલિયા સ્ત્રીઓને ઉદ્દેશીને કહે છે કે, ‘જે નોકરીઓ પહેલેથી અસ્તિત્ત્વ ધરાવે છે એમાં જ ફિટ થઈ જવાનું તમારું લક્ષ્ય ન હોવું જોઈએ. તમે એટલી કાબેલિયત કેળવો કે તમારા માટે તદન નવી જોબ, નવી પોઝિશન ઊભી થાય. જે સ્ત્રી જાતે જોબ ક્રિયેટ કરી શકે છે એને કીર્તિ અને સમૃદ્ધિ બન્ને મળે છે.’

અમેલિયાની આ વાત પણ સરસ છેઃ ‘કોઈ પણ કામ કરવાનો નિર્ણય લેવો તે સૌથી અઘરું પગલું છે. એક વાર નિર્ણય લઈ લો પછી તમારે ફક્ત એને દઢતાપૂર્વક વળગી રહેવાનું હોય છે. ડરો નહીં. ડર કાગળના વાઘ સમાન છે. તમે એક વાર નિર્ણય લઈ લેશો પછી જે ધાર્યું હશે તે કરી શકશો. આપણે આપણી પર્સનાલિટીમાં જેવું ઇચ્છીએ એવું પરિવર્તન લાવી શકીએ છીએ. પોતાના જીવનની લગામ પોતાના જ હાથમાં રાખવા આપણે સમર્થ છીએ.’

અમેલિયાની ડિક્શનરીમાં ડર નામનો શબ્દ નહોતો, પણ લગ્નનાં કલ્પના માત્રથી તેઓ કાંપી ઉઠતાં! એમનાં પ્રકાશક જ્યોર્જ પટનમે એમને લગ્ન માટે છ-છ વાર પ્રપોઝ કર્યું હતું. અમેલિયા ના-ના કર્યાં જ કરે. આખરે માંડ માંડ તેઓ લગ્ન માટે રાજી તૈયાર થયાં. લગ્ન પહેલાં એમણે ભાવિ પતિને નિખાલસતાપૂર્વક એક પત્ર લખ્યો હતો, જે પછી કશેક છપાયો ને ખૂબ જાણીતો બન્યો. અમેલિયાએ સંપૂર્ણ પારદર્શિતા સાથે લખ્યું કે –

* * * * *

પ્રિય જીપી,

અમુક બાબતો વિશે આપણે લગ્ન પહેલાં જ સ્પષ્ટ થઈ જવું જોઈએ. આમાંની મોટા ભાગની બાબતો વિશે જોકે આપણે અગાઉ ચર્ચા કરી ચુક્યાં છીએ. હું લગ્નથી શા માટે દૂર ભાગતી હતી એનું કારણે તમારે ફરી એક વાર જાણી લેવું જોઈએ. મારું કામ અને કરીઅર – આ બે વસ્તુ જે મને અતીશય વહાલી છે. મને ડર છે કે લગ્નને કારણે એમાં અવરોધો પેદા થશે. આ ક્ષણે મને લગ્ન કરવાનું પગલું મૂર્ખતાપૂર્ણ લાગે છે. અલબત્ત, લગ્ન કરવાનાં અમુક ફાયદા પણ છે જ, પરંતુ ભવિષ્ય તરફ નજર કરવામાં મને ડર લાગે છે.

આપણે લગ્ન કરીને સહજીવન શરૂ કરીશું પછી હું વફાદારીનો મુદ્દો આગળ કરીને તમને બાંધી નહીં રાખું. એ જ પ્રમાણે હું પણ વફાદારીના નામે બંધાઈને નહીં રહું. વફાદારીની સંકલ્પના હવે સાવ જૂનવાણી થઈ ચુકી છે. મને લાગે છે કે જો આપણે એકમેક પ્રત્યે પ્રામાણિક રહીશું તો ઝઘડા-વિખવાદથી બચી શકીશું.

આપણે એકમેકનાં કામ કે ખુશાલીને આડે નહીં આવીએ. આપણાં સુખની અંગત ક્ષણો વિશે કે આપણી વચ્ચેના વિચારભેદ વિશે આપણે દુનિયા સામે ઢોલનગારાં નહીં વગાડીએ. હું એક અલાયદું ઘર પણ રાખીશ કે જ્યાં હું ઇચ્છું ત્યારે જઈ શકું અને હું જેવી છું એવી રહી શકું. લગ્નનાં પાંજરું મને કાયમ ગમશે જ એવી ગેરંટી હું તમને આપતી નથી. મારે તમારી પાસેથી પથ્થર કી લકીર જેવું પ્રોમીસ જોઈએ છે. તે કે જો આપણાં લગ્નજીવનમાંથી મને સુખ મળતું નહીં હોય તો વર્ષમાં એક વાર તમે મને આપણાં અલાયદા ઘરમાં એકલી રહેવા જવા દેશો. હું દરેક સ્તરે મારું શ્રેષ્ઠ આપવાની કોશિશ કરીશ.

– એ.ઈ. (અમેલિયા ઇયરહાર્ટ)

* * * * *

જ્યોર્જ આ પત્રમાં લખાયેલા બધા મુદ્દા સાથે સહમત થયા. બન્ને પરણ્યાં ને 39 વર્ષની વયે અમેલિયા સંભવતઃ સમુદ્રમાં ગાયબ થયાં ત્યાં સુધી બન્ને સાથે રહ્યાં. અમેલિયા સુપર સેલિબ્રિટીની માફક જીવ્યાં અને મૃત્યુ પછી દંતકથા બની ગયાં. એમનાં ઘટનાપ્રચુર જીવન અને અકળ મૃત્યુ પર પુસ્તકો લખાયાં, ગીતો લખાયાં, ડોક્યુમેન્ટરી બની, એક કરતાં વધારે ફિલ્મો બની. અમેલિયાનું એક સરસ ક્વોટ છેઃ ‘સરહદો નહીં, ફક્ત ક્ષિતિજો… અને આઝાદી!’ અમેલિયાના જીવનનો સમગ્ર અર્ક આ એક વાક્યમાં સમાઈ જાય છે!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year Oct, 2018 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.