મળો, હિમાલયનાં જાસૂસને…
સંદેશ – અર્ધ સાપ્તાહિક પૂર્તિ – 18 એપ્રિલ 2018
કોલમઃ ટેક ઓફ
કોઈ પણ ક્ષેત્રમાં ઓથોરિટી બનવા માટે માણસે કેટલી શિસ્ત કેળવવી પડે? કેટલી મહેનત કરવી પડે0 કેટલું સાતત્ય જાળવવું પડે?
* * * * *
ગયા અઠવાડિયે આપણે જોન હન્ટ વિશે વાત કરી હતી. જોન હન્ટ એટલે દુનિયાના સર્વોચ્ચ પર્વતીય શિખર માઉન્ટ એવરેસ્ટ પર સૌથી પહેલી વાર પગ મૂકનાર એડમન્ડ હિલેરી અને તેનઝિંગના સિનિયર, આ બન્ને પર્વતારોહકોની જે ટુકડીના સભ્ય હતા, તેના બ્રિટીશ વડા. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવી છે, જેણે એવરેસ્ટનું શિખર તો શું, એવરેસ્ટના બેઝકેમ્પમાં પણ પગ મૂક્યો નથી. આમ છતાંય હિમાલયના એક શિખરનું નામ આ મહિનાના નામ પરથી પાડવામાં આવ્યું છે – પીક હોલી!
આ માનુનીનું આખું નામ છે, એલિઝાબેથ હોલી (એચ-એ-ડબલ્યુ-એલ-ઇ-વાય). ગઈ 26 જાન્યુઆરીએ 94 વર્ષની વયે એમનું અવસાન થયું. એમને જીવતેજીવ ‘શેરલોક હોમ્સ ઓફ હિમાલય’નું બિરુદ મળી ગયું હતું. એવું તે શું કર્યું હતું એલિઝાબેથે કે એમને આટલાં બધાં માન-પાન મળ્યાં? વેલ, એલિઝાબેથ મૂળ તો અમેરિકનાં નાગરિક, પણ એમણે જિંદગીના છેલ્લા છ દાયકા કાઠમંડુમાં વીતાવીને હિમાલય-આરોહણનાં તમામ સાહસોનું પાક્કું દસ્તાવેજીકરણ કરવાનું કામ કર્યું. દુનિયાભરના ક્યા પર્વતારોહકે એક્ઝકેટલી કેવી રીતે હિમાલય ખૂંદ્યો, આ સાહસમાં એમને કઈ કક્ષાની સફળતા મળી તે વિશેની ટકોરાબંધ માહિતી એમણે એકત્રિત કરી અને સાચવી. એમણે નેપાળ, ભારત અને ચીનમાં પડતાં હિમાલયનાં 340 જેટલાં શિખરો પર થયેલાં આશરે 80,000 આરોહણો વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરી છે… અને આ 2011ના આંકડા છે! છેલ્લાં સાત વર્ષમાં ઉમેરાયેલી વિગતો નોખી! ક્યાંક કશોક વિવાદ થાય કે એટલે તરત એલિઝાબેથના ડેટાબેઝને રિફર કરવામાં આવે. એલિઝાબેથે જે લખ્યું હોય એ ફાયનલ. કોઈ પણ ક્ષેત્રમાં આ પ્રકારની અધિકૃતતા તેમજ વિશ્વસનીયતા હાંસલ કરવા માટે કઈ કક્ષાની શિસ્ત, ખંત અને મહેનત જોઈએ?
અમેરિકામાં જન્મેલાં અને ઊછરેલાં એલિઝાબેથ મૂળ તો પત્રકાર. 1957માં, 33 વર્ષની ઉંમરે તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. તે વખતે તેઓ વિખ્યાત ‘ફોર્ચ્યુન’ મેગેઝિન સાથે સંકળાયેલાં હતાં. રાજીનામું શા માટે આપ્યું? કોઈ પણ પ્રકારના ભાર વગર, રજાઓ ખતમ થવાની ચિંતા કર્યા વગર દુનિયા ખૂંદી શકાય તે માટે! ન્યુ યોર્કના પોશ મેનહટન વિસ્તારમાં તેમને ગૂંગળામણ થવા માંડી હતી. એમના મનમાં એવું પણ હતું કે દુનિયાભરમાં ફરીશ તો કદાચ કરીઅર માટે બીજાં વિકલ્પો પણ નજરમાં આવશે. પશ્ચિમી સમાજના એક મોટા વર્ગનો આ પ્લસ પોઇન્ટ છે. તેઓ ઘર અને નોકરીને લઈને બેસી રહેતા નથી. એકની એક ઘરેડમાં, વાસી થઈ ગયેલા કમ્ફર્ટ ઝોનમાં જીવ્યા કરતા નથી. આર્થિક કે સામાજિક અસલામતીની ચિંતા કર્યા વિના તેઓ પ્રવાસી બનીને, ખભે થેલો ભરાવીને વિશ્વભ્રમણ કરવા નીકળી પડે છે. બે મહિના, છ મહિના, એક વર્ષ, ક્યારેક તો પાંચ-સાત-દસ વર્ષ! બસ, વર્તમાનમાં જીવવાનું, જે કોઈ દેશમાં હોય ત્યાંની સંસ્કૃતિ વિશે જાણકારી મેળવવાની, મિત્રો બનાવવાના, જરૂર પૂરતું થોડુંઘણું કમાઈ લેવાનું, જે-તે સમાજની લાઇફસ્ટાઇલને સમજવાની કોશિશ કરવાની અને ખુદની આંતરિકતા સમૃદ્ધ કરતા જવાનું.
એલિઝાબેથ આ માનસિકતા સાથે 1957-59 દરમિયાન ખૂબ ફર્યાં. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન યુરોપ, સોવિયેત યુનિયન, મિડલ ઇસ્ટ, નોર્થ આફ્રિકા, સાઉથ એશિયા વગેરે. આટલાં બધાં પ્રદેશોમાંથી તેઓ કોણ જાણે કેમ પણ નેપાળના કાઠમંડુ શહેરે એમને સૌથી વધારે પ્રભાવિત થયાં. અમેરિકા પાછાં ફરતી વખતે તેમણે મનોમન નિર્ણય કરી લીધોઃ હું કાઠમંડુ પાછી જરૂર આવીશ!
આ ઠાલો વિચાર નહોતો. એક વર્ષ પછી એલિઝાબેથ ખરેખર કાઠમંડુ પાછાં આવ્યાં. બસ, આવ્યાં તે આવ્યાં. કાઠમંડુને એમણે પોતાનું વતન બનાવી દીધું. અહીં તેમણે બે બેડરૂમનો એક મસ્તમજાનો ફ્લેટ પહેલાં ભાડે લીધો હતો, જે પછી ખરીદી લીધો. આ જ ફ્લેટમાં તેમણે જિંદગીનાં બાકીનાં 58 વર્ષ ગાળ્યાં! તેઓ રોઇટર ન્યુઝ એજન્સીના પ્રતિનિધિ તરીકે કાઠમંડુમાં બેઠાંબેઠાં રિપોર્ટ્સ મોકલતાં. પછી તો ‘ધ ન્યુ યોર્ક ટાઇમ્સ’ સહિતનાં દુનિયાભરનાં કેટલાંય છાપાં-મેગેઝિનોમાં લખતાં.
આ બધું તો જાણે બરાબર છે, પણ સવાલ એ છે કે એમને હિમાલય વિશે લખવાનો નાદ કેવી રીતે લાગ્યો? બન્યું એવું કે 1963માં અમેરિકાની સર્વપ્રથમ ટુકડી એવરેસ્ટ સર કરવા કાઠમંડુ આવી હતી. તોતિંગ રસાલો હતો – 18 પર્વતારોહકો અને તેમનો સામાન ઊંચકવા માટે 900 જેટલા પોર્ટરો0 રોઇટરના સાહેબોએ એલિઝાબેથને અસાઇન્મેન્ટ આપ્યુઃ લિઝ, તારે આ અમરિકન એક્સપિડીશન કવર કરવાનું છે. લિઝ કહેઃ ઓકે. કાઠમંડુમાં તે વખતે બીજા ત્રણ વિદેશી પત્રકારો પણ આ સાહસ કવર કરવા માટે આવ્યા હતા. એલિઝાબેથે નક્કી કરી લીધું કે આપણી સ્ટોરી એક્સકલુઝિવ જ હોવી જોઈએ. તેમણે અમેરિકન એમ્બેસીનાં પોતાનાં કનેક્શન્સનો ઉપયોગ કરીને એવું સેટિંગ કરી નાખ્યું કે જેથી પર્વતરોહકોનું રેડિયો કમ્યુનિકેશન પોતે લાઇવ સાંભળી શકે. હરીફ પત્રકારો ગાફેલ રહી ગયા. એવરેસ્ટ તરફ આગળ વધી રહેલા પર્વતારોહકો રેડિયો દ્વારા જે બાતમી આપતા હતા અને બેઝકેમ્પ પરથી એમને જે રીતે સૂચનાઓ અપાતી હતી તે સમગ્ર દિલધડક ઘટનાક્રમનાં એલિઝાબેથ સાક્ષી રહ્યાં. આ રીતે એકઠી કરેલી માહિતીના આધારે એમણે જે અહેવાલ તૈયાર કર્યો તે અફલાતૂન ન બને તો જ નવાઈ. જુદા જુદા રિપોર્ટરોને તંત્રીસાહેબ રાજકારણ, ક્રાઇમ, શિક્ષણ, મનોરંજન જેવી અલગ અલગ બીટ (ક્ષેત્ર) સોંપતા હોય છે. 1963ના અમેરિકન એક્સપિડીશનને કારણે એલિઝાબેથને પોતાની બીટ મળી ગઈઃ હિમાલય!
એલિઝાબેથે પછી હિમાલય ખૂંદવા માટે આવનારા એકેએક પર્વતારોહકોનું ઇન્ટરવ્યુ લેવાનું શરૂ કર્યું. હિમાલયનાં જુદા જુદા શિખરો સર કરવા માટે કયા દેશમાંથી કઈ ટુકડી ક્યારે આવવાની છે તે બધું અગાઉથી નક્કી થયેલું હોય છે. જરૂરી સરકારી પરવાનગી મળે તે પછી જ એક્સપિડીશન પર નીકળી શકાતું હોય છે. પર્વતારોહકોને પરવાનગી આપતી નેપાળની ટુરિઝમ મિનિસ્ટ્રી, પર્વતારોહણ માટેની જુદી જુદી સંસ્થાઓ, એજન્સીઓ, હોટલો સહિતની સઘળી જગ્યાએ એલિઝાબેથનાં સોલિડ કોન્ટેક્ટ. કઈ ફ્લાઇટમાં ક્યો પર્વતારોહક કાઠમંડુ પહોંચવાનો છે અને એરપોર્ટ પરથી એ કઈ હોટલમાં જવાનો છે તેની આગોતરી માહિતી એલિઝાબેથ પાસે પહોંચી ગઈ હોય. આથી કેટલીય વાર એવું બને કે પર્વતારોહકે હજુ તો હોટલમાં પગ મૂક્યો હોય, ખભા પરથી બેગ પણ નીચે ઊતારી ન હોય અને હાથમાં રૂમની ચાવી પણ આવી ન હોય ત્યાં રિસેપ્શનિસ્ટ એને સંદેશો આપેઃ મિસ્ટર સો-એન્ડ-સો, તમારા માટે મિસ એલિઝાબેથ હોલીનો ફોન છે! રિસેપ્શન કાઉન્ટર પરથી આગંતુક પર્વતારોહક ફોન પર વાત કરે એટલે એલિઝાબેથ પોતાની ઓળખાણ આપીને મુદ્દાની વાત કરેઃ મારે તમારો ઇન્ટરવ્યુ કરવો છે. બોલો, ક્યારે ફાવશે? આજે કે પછી કાલે સવારે?
ત્યાર બાદ નક્કી કરેલા સમયે એલિઝાબેથ પોતાની આસમાની કલરની ક્યુટ ફોક્સવેગન બીટલ કારમાં હોટલ પહોંચી જાય. હોટલની લોબી કે ગાર્ડનમાં એ પર્વતારોહક પર સવાલોની ઝડી વરસાવવાનું શરૂ કરેઃ તમારું બેકગ્રાઉન્ડ શું છે, અગાઉ ક્યાં શિખરો સર કર્યાં છે, હિમાલયનું કયું શિખર કઈ તારીખે અને કેવી રીતે સર કરવાનું તમે પ્લાનિંગ કર્યું છે, વગેરે. માત્ર પર્વતારોહકો જ નહીં, સામાન ઉપાડનારા અને રસ્તો દેખાડનારા ક્યા ક્યા શેરપા સાથે જવાના છે તેની માહિતી પણ એલિઝાબેથ નોંધી લે. પ્રત્યેક વ્યક્તિને એ એક રેફરન્સ નંબર આપે કે જેથી ફોલો-અપ કરવામાં સરળતા રહે.
ના, વાત અહીં પૂરી થતી નથી. એલિઝાબેથ પ્રત્યેક વ્યક્તિ દીઠ બે પ્રકારની માહિતી એકઠી કરેઃ ‘ઓન અરાઇવલ’ અને ‘ઓન રિટર્ન’ એટલે કે સાહસ શરૂ કરતાં પહેલાંની માહિતી અને સાહસ કરી લીધા પછીની માહિતી! પ્રત્યેક પર્વતારોહક હિમાલય ચડીને પાછો ફરે એટલે એલિઝાબેથ પ્રત્યેકનો નવેસરથી ઇન્ટરવ્યુ લેઃ તમારું ફલાણા ફલાણા શિખર પર જવાનું પ્લાનિંગ હતું એમાંથી કેટલું કરી શક્યા? શું ન કરી શક્યા? શા માટે? એલિઝાબેથ પર્વતારોહણના રુટની પાક્કી વિગતો અને ફોટા પણ માગે. એક્ઝેક્ટલી કઈ ઊંચાઈએ ક્યારે પહોંચ્યા તે સઘળી ડિટેલ્સ કઢાવે. કોઈ પર્વતારોહક જુઠું બોલતો હોય તો એલિઝાબેથ તરત પકડી પાડે. કેટલા લોકો એક્સપિડીશન પૂરું કરી શક્યા, કોણ સાહસ અધૂરું મૂકીને વહેલા પાછા આવી ગયા, કેટલા મૃત્યુ પામ્યા વગેરે જેવી તમામ વિગતો એલિઝાબેથ પાસે નોંધાયેલી હોય. એટલેસ્તો દુનિયાભરનાં પર્વતારોહકો ઉપરાંત મિડીયા, સ્કોલરો, સંશોધકો તેમજ માઉન્ટેનિયરિંગ એસોસિયેશનો હિમાલયમાં થયેલાં આરોહણોના મામલામાં એલિઝાબેથે તૈયાર કરેલા ડેટાબેઝને સર્વશ્રેષ્ઠ અને અંતિમ માને છે.
એલિઝાબેથ સ્વભાવે આકરાં. તડ ને ફડ કરનારાં. નેપાળના શાહી પરિવાર અને ટોચના રાજકારણીઓ સાથે તેમણે ઘરોબો કેળવ્યો હતો. કાઠમંડુમાં યોજાતી હાઇ પ્રોફાઇલ પાર્ટીઓમાં એલિઝાબેથની હાજરી અનિવાર્ય ગણાતી. એમણે હિમાલયનું એક પણ શિખર સર નહોતું કર્યું તો પણ હિમાલયન માઉન્ટેનિયરીંગ કમ્યુનિટીમાં એમની એક પ્રકારની ધાક વર્તાતી! એલિઝાબેથ આજીવન અપરિણીત રહ્યાં. જોકે માઉન્ટ એવરેસ્ટ પર સૌથી પહેલી વાર પગ મૂકનાર એડમન્ડ હિલેરી સાથે એમનો રોમેન્ટિક સંબંધ હતો તેવી ગોસિપ ખાસ્સી ઉડી હતી. એલિઝાબેથના જીવન પરથી એક પુસ્તક પણ લખાયું છેઃ ‘કીપર ઓફ ધ માઉન્ટન્સઃ ધ એલિઝાબેથ હોલી સ્ટોરી’.
આમજનતાને એલિઝાબેથ હોલીએ તૈયાર કરેલો ડેટાબેઝ ભલે ઉપયોગી ન બને, પણ જ્યાં સુધી હિમાલય ખૂંદનારાઓ પેદા થતા રહેશે ત્યાં સુધી એમણે તૈયાર કરેલો વિશદ ડેટાબેઝ રિલેવન્ટ રહેશે. બાય ધ વે, એલિઝાબેથે પોતાના આસિસ્ટન્ટ્સને પૂરતી તાલીમ આપી દીધી હતી કે જેથી એમના મૃત્યુ પછી પણ ડેટાબેઝ અપડેટ કરવાનું કામ ચાલતું રહે!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2018 )
Leave a Reply