સ્વમૂત્રપાન, ફિલ્મમાં એક્ટિંગ અને મોરારજી દેસાઈ!
સંદેશ – અર્ધ સાપ્તાહિક પૂર્તિ – 28 ફેબ્રુઆરી 2018
ટેક ઓફ
‘જીવનમાં કેવાં કર્મ કરવા છે તે નક્કી કરવામાં કંઈ નસીબનો હાથ હોતો નથી. હા, તે કર્મનાં તમને કેવાં ફળ મળે છે તે જરૂર નસીબની વાત છે. નસીબ એ ભગવાને આપેલી વસ્તુ નથી. ભગવાન એવું કહેતા નથી કે જા ભાઈ, આ તારું નસીબ, આ પેલાનું નસીબ. ભગવાન ખુદ જો પક્ષપાત કરવા માંડે તો એ ભગવાન શાના?’
* * * * *
મોરારજી દેસાઈની જન્મજયંતિ ગણવી ભારે કઠિન છે, કેમ કે તે દર ચાર વર્ષે એક જ વાર આવે છે – 29મી ફેબ્રુઆરીએ! છતાંય સગવડ ખાતર કહી શકાય કે જો મોરારજીભાઈ આજે જીવતા હોત તો આજે 122 વર્ષ પૂરાં કરીને 123મા વર્ષમાં પ્રવેશવાની તૈયારી કરતા હોય. આઝાદ ભારતે બે જ ગુજરાતી વડાપ્રધાન જોયા છે – મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી.
મોરારજીભાઈ 1977થી 1979 દરમિયાન 27 મહિના સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા. ઇંદિરા ગાંધીએ 1975-’77 દરમિયાન દેશમાં કટોકટી લાદી હતી તે સમયગાળા દરમિયાન મોરારજી દેસાઈની અટકાયત થઈ હતી. એમને હરિયાણામાં એક જગ્યાએ રાખવામાં આવેલા. અટકાયત દરમિયાન એમની દિનચર્યા કેવી હતી તે વિશે મોરારજીભાઈએ પોતાની આત્મકથામાં જે વર્ણન કર્યું છે તેમાંથી એમનું વ્યક્તિત્ત્વ આબાદ ઊપસે છે. રોજિંદા શેડ્યુલની આ વિગતો મોરારજીભાઈના શબ્દોમાં જ વાંચોઃ
3.00 – વહેલી સવારે ઊઠતી વેળાએ ટૂંકી પ્રાર્થના, પ્રાતઃ ક્રિયાઓ – કુદરતી હાજતો, એકાંતરે હજામત ને સ્નાન.
4.15 – પૂજા, મારી પેટીમાં મારી પૂજાની સામગ્રી હું જોડે લઈ ગયો હતો. પુષ્પો વિના હું મારી પૂજા કરતો. પૂજા દરમિયાન હું ગીતાપાઠ કરતો.
5.00 – એક કલાક પદ્માસન.
6.00 – એક કલાક ફરવા જતો ને ચાલતાં ચાલતાં ગીતાપાઠ કરતો. સવારના ફરવા જતી વેળાએ આખી ગીતાના હું પાઠ કરતો. (શરૂઆતના ત્રણ કે ચાર સપ્તાહ તો મેં ખંડમાં જ આંટા મારવાનું રાખેલું.)
7.00 – દૂધ
7.30 – કાંતણ, વાચન. કાંતણ દરરોજ હું અચૂકપણે 1000 મીટર કાંતતો. કેટલાક દિવસો 2000 મીટર ને અટકાયત વખતે તો એમ મહિના સુધી દરરોજા 3000 મીટર છ કલાક કાંતતો હતો.
10.30 – સવારનું ભોજનઃ ગાયનું દૂધ, કેરી, સફરજન ને ચીકુ જેવાં ફળો. ક્યારેક લાંબો સમય ચાલે એવાં ફળો પદ્મા લાવતાં અને જાળવી રાખવાને રેફ્રિજરેટર ત્યાં હતું. ભોજન પછી એક કલાક સુધી આરામ. સૂવાનું નહીં પણ માત્ર લાંબા થઈ પડી રહેવાનું રાખતો.
1.00 – એક કલાક પદ્માસન ને ગાયત્રી મંત્રનો જપ.
2.30 – વાચન અને કાંતણ. મારી વિનંતીને માન આપીને ફરજ પરના અધિકારી મારા માટે રામચરિતમાનસ લઈ આવ્યા હતા.
5.00 – ત્રીસ-ચાળીસ મિનિટ સુધી સાંજે ફરવા જવાનું.
6.00 – સાંજનું ભોજન, દૂધ અને ફળ.
6.45 – પ્રાર્થના અને એક કલાક સુધી પદ્માસન.
9.00 – ઊંઘી જતા પહેલાં ટૂંકી પ્રાર્થના અને શયન.
વડાપ્રધાનપદ ગુમાવ્યા પછી મોરારજીભાઈ પોતાના પુત્ર કાંતિભાઈ દેસાઈ સાથે રહેવા મુંબઈ આવી ગયેલા. મુંબઈના દક્ષિણ કાંઠે મરીન ડ્રાઇવ તરીકે ઓળખાતા પોશ વિસ્તારમાં કાંતિભાઈનો વિશાળ સી-ફેસિંગ ફ્લેટ હતો. તેમાંથી અરબી સમુદ્ર, ગળામાં પહેરેલા હાર (ક્વીન્સ નેકલેસ) જેવો અર્ધવર્તુળાકારે ખેંચાયેલો રોડ અને મલબાર હિલની થોડીક પટ્ટી પણ નજરે ચડે.
મોરારજીભાઈ પોતે સખત ચોક્સાઈવાળા માણસ. કાયમ સ્ટાર્ચવાળાં ધોતિયું-ઝભ્ભો જ પહેરે. કોઈને પણ ધારી લેવાનું મન થાય કે એમના ઘરમાં એમનો કમરો જબરો ચોખ્ખોચણક રહેતો હશે. સંભવતઃ હકીકત જરા જુદી હતી. ‘સોસાયટી’ નામના અંગ્રેજી મેગેઝિને સપ્ટેમ્બર, 1980ના અંકમાં મોરારજી દેસાઈનો વિસ્તૃત ઇન્ટરવ્યુ છાપ્યો હતો. આ મુલાકાત લેવા જનાર બિનોય થોમસ નામના પત્રકાર નોંધે છે કે મોરારજીભાઈનો ઓરડો આપણે અપેક્ષા રાખી હોય એવો વ્યવસ્થિત નહોતો. બે કબાટની ઉપર ડઝન જેટલી સુટકેસો એકની ઉપર એક ખડકાયેલી હતી. એક બાજુ અડધો ડઝન જૂતાં અને એના કરતાંય વધારે સ્લિપરો પડ્યાં હતાં. દીવાલ પર થોડી તસવીરો લટકતી હતી, જેમાંની એક તસવીર કદાચ એમના પિતાજીની હતી. ખાસ ધ્યાન તો જળાશય પાસે માછલી પકડી રહેલી એક સ્ત્રીનું યુરોપિયન પેઇન્ટિંગ ખેંચતું હતું. પલંગની બાજુમાં સાઈડ ટેબલ પર એક રેડિયો પડ્યો હોય. આખા કમરામાં મોડર્ન કહી શકાય એવી કોઈ ચીજ હોય તો તે આ જ.
એ અરસામાં મોરારજીભાઈ ભાગ્યે જ ઘરની બહાર જતા. ઘરમાં જ થોડી લટાર મારીને ચાલવાની કસરત કરી લેતા. પોતાની પથારી પર બેસીને મુલાકાતીઓને મળે અને પોતાના જ હસ્તાક્ષરોમાં પત્રોના જવાબ લખે. મોરારજીભાઈએ પોતાની આસપાસ કોઈ કિલ્લા નહોતા ચણ્યા. એમને મળવું હોય તો તાવડે નામના એકદમ હસમુખ સ્વભાવના એમના પર્સનલ આસિસ્ટન્ટને ફોન કરવાનો. તાવડે અટકધારી આ ત્રીસ-પાંત્રીસ વર્ષનો એકદમ મળતાવડો જુવાનિયો 1967થી મોરારજીભાઈની સાથે હતો. ઘણા મુલાકાતીઓ આવીને આદર વ્યકત કરવા માટે ફર્શ પર એમના પગ પાસે બેસતા. મોરારજીભાઈ જોકે બધાને એકસરખા જ ટ્રીટ કરતા. મુલાકાતી સામે ચાલીને આવ્યો હોય તો મોરારજીભાઈ એને ચા-કોફીનું પૂછવાનો વિવેક સુધ્ધાં ન કરે. એમને લાગતું કે આવા ઠાલા શિષ્ટાચારની કશી જરૂર નથી.
સેલિબ્રિટી વ્યક્તિ વૃદ્ધ થાય (જેમ કે દિલીપકુમાર) એટલે છાશવારે એના મૃત્યુની અફવા ફેલાતી રહે છે. આ કંઈ આજકાલનું નથી. 1980ના ગાળામાં એક તબક્કે ‘મોરારજીભાઈ ગુજરી ગયા’ એવા મતલબની મજબૂત અફવા ફેલાઈ હતી. તેના સંદર્ભમાં મોરારજીભાઈએ કહેલું કે, ‘મને તો મારા મરવાની અફવાઓ સાંભળીને મોજ પડે છે. મને મૃત્યુનો ભય નથી. હું તો આ ક્ષણે મરવા માટે તૈયાર છું.’ (મોરારજીભાઈનું નિધન, બાય ધ વે, 1995માં થયું હતું.)
સફળ માણસ પોતાના કયા કેન્દ્રીય સત્યના જોરે આખું જીવન વ્યતીત કરતો હોય છે? અથવા તો, ભરપૂર જીવન જીવી લીધા પછી જો એ પાછું વળીને જુએ તો એને એવો કયો મંત્ર કે કઈ ગાઇડલાઇન દેખાતી હશે જેના દિશાસૂચન પ્રમાણે એણે આખી જીવનયાત્રા કરી હોય? મોરારજી દેસાઈના જીવનની ફિલોસોફી સાદી હતી – ‘ટેક લાઇફ એઝ ઇટ કમ્સ.’ એટલે કે જિંદગી જે રીતે આંખ સામે ખૂલતી જાય તે રીતે જીવતા જવાનું. લાંબા લાંબા પ્લાનિંગ કરવાનો બહુ મતલબ નથી.
‘જીવનમાં કેવાં કર્મ કરવા છે તે નક્કી કરવામાં કંઈ નસીબનો હાથ હોતો નથી,’ મોરારજીભાઈ કહે છે, ‘હા, તે કર્મનાં તમને કેવાં ફળ મળે છે તે જરૂર નસીબની વાત છે. નસીબ કંઈ ભગવાને આપેલી વસ્તુ નથી. ભગવાન એવું કહેતા નથી કે જા ભાઈ, આ તારું નસીબ, આ પેલાનું નસીબ. ભગવાનના રાજમાં આવો અન્યાચ ન હોય. ભગવાન ખુદ જો પક્ષપાત કરવા માંડે તો એ ભગવાન શાના’
પોતે જોકે દેશના વડાપ્રધાન પદ પર બિરાજમાન થઈ શક્યા તે ઘટનાને મોરારજીભાઈ પોતાનું નસીબ ગણતા. કહે છે, ‘હું પ્રાઇમ મિનિસ્ટર બન્યો તે મારાં કર્મોનું ફળ નહોતું, પણ હા, પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી મેં જે કોઈ પગલાં ભર્યાં તે માટે સંપૂર્ણપણે હું જ જવાબદાર કહેવાઉં. જો મેં કંઈ ખોટું કર્યું હશે તો મારે એની કિમત ચૂકવવી જ પડશે.’
મોરારજી દેસાઈ એમની વિચિત્રતાઓ માટે જાણીતા હતા. ખાસ કરીને, એમનો સ્વમૂત્ર (એટલે કે પોતાનો જ પેશાબ) પીવાનો પ્રયોગ ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો હતો. ઇવન વિદેશનું મિડીયા પણ મોરારજીભાઈની યુરિન-થેરપીની ઠેકડી ઉડાવતું, પણ સ્વમૂત્રપાનથી શરીરની કેટલીય બીમારીઓ દૂર થાય છે એવું મોરારજીભાઈ દઢપણે માનતા. વાતની શરૂઆત 1959માં થઈ હતી. બન્યું એવું કે મોરારજી દેસાઈએ ‘માનવ મૂત્ર’ નામનાં એક પુસ્તકની પ્રસ્તાવના લખી. તેઓ તે વખતે દેશના નાણાપ્રધાન હતા. સંસદના એક સેશન દરમિયાન કોઈ કમ્યુનિસ્ટ સાંસદે ઊભા થઈને સવાલ કર્યો કે ભારતના ફાયનાન્સ મિનિસ્ટર સ્વમૂત્રપાન જેવી ગંદી વસ્તુ લખી જ શી રીતે શકે? મોરારજીભાઈએ જવાબ આપ્યો કે, ‘આ મેં ભારતના નાણાપ્રધાન તરીકે નહીં, પણ એક અદના નાગરિક તરીકે લખ્યું છે. હું મિનિસ્ટર બન્યો એનો અર્થ એવો થોડો છે કે મારી કોઈ પર્સનલ લાઇફ ન હોય!’
શું યુરિન-થેરપી ખરેખર ફાયદો થાય છે ખરો? સ્વમૂત્ર પીવાથી શરીર સારું રહે છે એવી થિયરીને કોઈ નક્કર સાયન્ટિફિક આધાર ખરો? આ સવાલના જવાબમાં મોરારજીભાઈ શું કહ્યું હતું?
‘મને કેટલાય લોકો કાગળ લખીને જણાવે છે કે યુરિન-થેરપીથી એમને ખૂબ ફાયદો થયો છે… અને તમે કયા સાયન્ટિફિક રિસર્ચની વાત કરો છો? આ રિસર્ચ એક પ્રકારનું તૂત જ છે. લોકોને એલોપોથિક દવાઓ વિશેના રિસર્ચની વિશે જાણ હોય છે ખરી? તઓ કેટલી હાનિકારક દવાઓ ખાધા કરે છે એ તો તમે જુઓ. વિટામીનની ગોળીઓ લોકો આડેધડ લીધા કરે છે.’
આટલું કહીને દેસાઈસાહેબ લોરેન્સ આર્મસ્ટ્રોંગ નામના વિદેશી માણસનું ઉદાહરણ આપે છે, ‘લોરેન્સ ટીબીથી પીડાતો હતો. એક વાર એ બાઇબલ વાંચતો હતો. એમાં એક વાક્ય આવ્યું કે, ‘તકલીફ હોય ત્યારે પોતાના જ કુંડમાંથી પીવું’. એને નવાઈ લાગી કે આ વાક્યનો શો અર્થ થયો? પછી એને એકાએક સમજાયું કે આ મૂત્ર વિશે વાત થઈ રહી છે. એણે જોયું કે પશુઓના દવાખાનામાં કોઈ જનાવર માંદું પડે તો ડોક્ટર એને એનું જ (એટલે કે બીમાર પ્રાણી ખુદનું જ) મૂત્ર દવા તરીકે આપતા હતા. જંગલમાં રહેતાં પશુ-પક્ષીઓ પણ આ જ કરે છેને! લોરેન્સે પછી પૂરા પિસ્તાલીસ દિવસ સુધી પોતાનુ તમામ મૂત્ર પીધું. પિસ્તાલીસ દિવસને અંતે એનામાં જાણે પાછી જુવાની ફૂટી. પછી એણે ‘વોટર્સ ઓફ લાઇફ’ નામનું પુસ્તક પણ લખ્યું.’
વેલ, મોરારજીભાઈના સ્વમૂત્રપાન વિશેની વાતોમાંથી સૌથી પોતપોતાની રીતે યથામતિ તારણ કાઢવાનું છે. મોરારજી દેસાઈ વિશેની ઓર એક ફન-ફેક્ટ જાણો છો? એમણે એક ફિલ્મમાં એક્ટિંગ પણ કરી છે! 1961માં બનેલી એક બાળફિલ્મમાં એમણે ગાંધીજીનાં અવતરણો બોલવાના હતા. આઠથી દસ મિનિટનો રોલ હતો અને મોરારજીભાઈ એક પણ રિહર્સલ વગર કે કોઈ પણ જાતના લખાણ વગર એક જ ટેકમાં શોટ ઓકે કરી નાખ્યો હતો0
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2018 )
Leave a Reply