ઈલુ ઈલુ જિંદગી!
સંદેશ – સંસ્કાર પૂર્તિ – ૪ જૂન ૨૦૧૭
મલ્ટિપ્લેકસ
“આપણું જીવન સીમિત છે. આ જીવન આપણને ખુદૃને સાચું લાગે તે રીતે જીવવાનું હોય, બીજાઓની ખરા-ખોટાની વ્યાખ્યા પ્રમાણે નહીં. એવું શું છે જેના થકી આપણે ભરપૂરપણે જીવી શકીએ? આત્મિંચતન કરીને આના ઉત્તરો શોધવાના કે જેથી આપણો એકેએક દિૃવસ સ્પષ્ટતા અને પેશન સાથે પસાર થાય….” આ મનીષા કોઈરાલાના શબ્દો છે. એ હવે સંપૂર્ણપણે કેન્સરમુક્ત જીવન જીવે છે. આ મહારોગનો મુકાબલો એણે એટલી સરસ રીતે કર્યો છે કે હવે એનું આખું વ્યકિતત્વ સાલસતા અને પોઝિટિવિટીથી તર-બ-તર બની ગયું છે.
* * * * *
નાજુક નાજુક, માસૂમ માસૂમ, ફુલની કળી જેવી જોબનવંતી કન્યા કોને કહેવાય એનો જવાબ આપણને મનીષા કોઈરાલાને જોઈને મળ્યો હતો, ૧૯૯૧માં, એની સૌથી પહેલી ફિલ્મ ‘સૌદૃાગર રિલીઝ થઈ હતી ત્યારે. આ ફિલ્મના ‘ઈલુ ઈલુ’ ગીતે જબરી ધૂમ મચાવી હતી. ઈલુ એટલે ‘આઈ લવ યુ’નું શોર્ટ ફોર્મ. મનીષાએ શાનદૃાર એન્ટ્રી મારી ત્યારે ઇન્ડસ્ટ્રીમાં શ્રીદેવી, માધુરી દૃીક્ષિત અને જુહી ચાવલાનાં નામના સિકકા પડતા હતા. આ સમકાલીન હિરોઈનોની વચ્ચે રહીને મનીષાએ ‘૧૯૪૨ – અ લવસ્ટોરી’, ‘બોમ્બે’, ‘દિૃલ સે’, ‘અકેલે હમ અકેલે તુમ’ અને ‘ખામોશી’ જેવી યાદૃગાર ફિલ્મો આપી. જોકે રામગોપાલ વર્માની ‘કંપની’ (૨૦૦૨) પછી એની કરીઅર ઠંડી પડતી ગઈ. લાંબા અંતરાલ પછી મનીષાએ ‘ડિયર માયા’ ફિલ્મથી બોલિવૂડમાં કમ-બેક કર્યું છે. મનીષાની કારકિર્દૃીની ઝડપી ઝલક અહીં પૂરી થઈ. હવે મુખ્ય વિષય પર આવીએ.
મનીષાને લોકો અભિનેત્રી ઉપરાંત કેન્સર સર્વાઈવર તરીકે વિશેષ યાદૃ રાખશે. મનીષાને જોકે ‘કેન્સર ક્રુસેડર’ શબ્દૃપ્રયોગ વધારે પસંદૃ છે (ક્રુસેડર એટલે કોઈ સિદ્ધાંત માટે ઝુંબેશ કરનાર). ૪૬ વર્ષની મનીષાએ એકાધિક્ જાહેર મંચ પરથી નિખાલસતાપૂર્વક પોતાની કેન્સરકથાનાં પાનાં ખોલ્યાં છે, મિડીયાને મુલાકાતો આપી છે. પોતાના કેન્સરના અનુભવોેને કેન્દ્રમાં રાખીને એ પુસ્તક પણ લખવાની છે.
કઠણાઈની શરુઆત ૨૦૧૨માં થઈ હતી. પહેલાં સમ્રાટ દૃહલ નામના નેપાળી બિઝનેસમેન સાથે કરેલાં લગ્નનો બે જ વર્ષમાં અંત આવી ગયો (ફેસબુક પર ઈલુ ઈલુ થયાં પછી મનીષાએ એની સાથે લગ્ન કરેલાં) અને પછી તે જ વર્ષે કેન્સર ડિટેક્ટ થયું.
‘આપણા સગાવહાલા-મિત્રો-પરિચિતોમાં ઘણાને કેન્સર થતાં હોય છે, પણ આ બીમારી આપણને પણ લાગુ પડી શકે છે એવી કલ્પના સુધ્ધાં આપણે કરતા હોતા નથી,’ મનીષા એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘હું વચ્ચે વચ્ચે માંદૃી પડ્યા કરતી હતી, પણ એ તો ફ્લુ, ફૂડ પોઈઝિંનગ કે એવાં બધાં કારણોને લીધે. મારું પેટ ખરાબ રીતે ફુલવા લાગ્યું હતું. હું જિમમાં પરસેવો પાડતી, પણ એનાથી શરીરના બીજાં બધાં અંગો પરથી ચરબી ઓછી થતી, પેટ એવું ને એવું જ રહેતું. મને થયું કે હશે, ઉંમર થાય એટલે આવી બધી તકલીફો તો રહેવાની.’
દૃરમિયાન એક વિચિત્ર ઘટના બની ગઈ. મનીષાની કોઈ દૃોસ્તારે પાર્ટી ગોઠવેલી એમાં એક માઓરી હીલરને ખાસ આમંત્રણ આપવામાં આપેલું. ન્યુઝીલેન્ડમાં વસતા માઓરી જાતિના અમુક લોકોમાં રોગનું નિદૃાન અને ઇલાજ કરવાની ખાસ પ્રકારની સ્પિરિચ્યુઅલ શકિત હોય છે એવું માનવામાં આવે છે. આ મહિલાએ મનીષાને જોતાંવેંત કહ્યું – ‘તને તારી ઓવરીઝ (અંડાશય) પર ખૂબ ગુસ્સો છે એટલે તારે આ ક્રોધ ઓછો કરીને ઓવરીઝ તરફ પ્રેમભરી એનર્જી મોકલવાની જરુર છે.’ મનીષાને નવાઈ લાગી. એને થયું કે હું શું કામ મારી ઓવરીઝ પર ગુસ્સો કરું? હા, લગ્ન પછી સંતાનપ્રાપ્તિ માટે એણે આઈવીએફ ટ્રીટમેન્ટ જરુર લીધી હતી. મનીષાએ વિચાર્યું કે આ ટ્રીટમેન્ટ ચાલુ ન રાખી તેને કારણે હું મારા અંડાશય પર રોષે ભરાઈ છું એવું આ મહિલાને લાગ્યું હશે. આ ઘટનાના થોડા જ અરસા બાદૃ મુંબઈની જસલોક હોસ્પિટલમાં ડોક્ટરે નિદૃાન કર્યું કે મનીષાને ઓવરીઝનું કેન્સર છે અને તે પણ લાસ્ટ સ્ટેજમાં.
‘પેલી માઓરી હીલરે મારા શરીરને હાથ સુધ્ધાં લગાડ્યો નહોતો, છતાં એણે સંકેત આપી દૃીધેલો કે મારા અંડાશયમાં કશીક ગંભીર તકલીફ છે!’ મનીષા કહે છે, ‘પછી મેં એ મહિલાનો સંપર્ક પણ કરેલો. જોકે મને અંડાશયનું કેન્સર નીકળશે એવું તો એણે પણ ધાર્યું નહોતું.’
ન્યુયોર્કની પ્રખ્યાત સ્લોઅન-કિટરીંગ હોસ્પિટલમાં મનીષાની છ મહિના ટ્રીટમેન્ટ ચાલી. મનીષાએ નકકી કરેલું કે હકારાત્મક ઉર્જાથી છલકાતા લોકોને જ મળવાનું. ‘અરેરેરે, કિમો તો ઝેર કહેવા, આ ઝેર લોહીમાં ભળે એટલે મોત પાકું… કેન્સર એટલે કેન્સલ..’ ને એવું બધો બકવાસ કર્યા કરતા સોગિયા લોકોને એણે દુર રાખ્યા. મનીષાની એક સહેલીની બહેનને કેન્સર થયેલું. આ સહેલીએ સરસ ટિપ આપી – હું કિમો થેરપી લઉં છું એવું બોલવાનું જ નહીં, હું વિટામિન શોટ્સ લઉં છું એમ બોલવાનું! મોડલ-ટર્ન્ડ-એકટ્રેસ લિસા રે પણ કેન્સરને લડત આપીને હેમખેમ બહાર આવી છે. મનીષા હોસ્પિટલના બિછાને સૂતાં સૂતાં લિસાના બ્લોગ વાંચતી. (યોગાનુયોગે, ‘ડિયર માયા’ રિલીઝ થઈ એ જ દિવસે લિસાને ચમકાવતી ‘દૃોબારા’ નામની હોરર ફિલ્મ પણ રિલીઝ થઈ છે.) દૃર્દૃી કિમો થેરપી લે એટલે માથાના વાળ ખરી જાય. લિસાએ પોતાના બ્લોગ પર મૂંડાવેલા માથાવાળો ફોટો મૂકીને લખેલું – મારી નવી હેરસ્ટાઈલ – કિમો કટ! (સાધના કટ અને બોબ્ડ કટની જેમ કિમો કટ.)
મનીષા ફિલ્મસ્ટાર તરીકે સક્રિય હતી ત્યારે દૃોસ્તોનાં ટોળેટોળાં ઊભરાતાં, પણ એ કેન્સર સામે ઝઝૂમી રહી હતી એ અરસામાં આ કહેવાતા ફિલ્મી ‘ફ્રેન્ડ્ઝ’ કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયા. મળવા આવવાની તો વાત દુર રહી, તેમણે ખબરઅંતર પૂછવા ફોન કરવાની પણ તસદૃી ન લીધી. આ આખા સંઘર્ષમાં મનીષાની પાસે સતત ખડપગે રહેનારા આ ત્રણ જણ હતાં – એની મમ્મી, પપ્પા અને ભાઈ. આ જ માપ હોય છે સાચા સંબંધોનું. હા-હા-હી-હી કરવા કે સાથે દૃારુ પીવા, પાર્ટી કરવા કે વોટ્સએપ-ફેસબુક પર ચેટીંગ કરવા હજારો ફ્રેન્ડ્ઝ મળી જવાના. કટોકટી વખતે લોહીના સંબંધ ધરાવતા સ્વજનો અને જેની સાથે દિૃલથી સચ્ચાઈભર્યો નાતો કેળવ્યો છે એવા પ્રિયજનો જ તન-મન-ધનથી ઘસાતા હોય છે.
‘જોકે હું ફિલ્મી દુનિયાના મિત્રોનો ખાસ દૃોષ જોતી પણ નથી,’ મનીષા કહે છે, ‘કદૃાચ એમને સમજાતું નહોતું કે મારી સાથે શું વાત કરવી, કેવી રીતે વાત કરવી. હું લાંબા સમય માટે મારાં મમ્મીપપ્પાને ત્યાં નેપાળ જતી રહેલી અને કોઈના ફોન ઉપાડતી નહોતી તે પણ કારણ હોઈ શકે.’
છેલ્લાં ચાર વરસથી મનીષા સંપૂર્ણપણે કેન્સરમુકત છે. આ મહારોગનો મુકાબલો એણે એટલી સરસ રીતે કર્યો છે કે હવે એનું આખું વ્યકિતત્વ સાલસતા અને પોઝિટિવિટીથી તર-બ-તર લાગે છે. જાહેર મંચ પર સ્પીચ આપતાં પહેલાં એણે પ્રેરણાની ચોપડીઓનાં પાનાં ઊથલાવાની કે પંદૃર-વીસ સારાં સારાં વાકયો ગોખીને પોપટપાઠ કરવાની જરુર પડતી નથી. એના શબ્દૃો હૃદૃયના ઊંડાણમાંથી, સ્વાનુભાવમાંથી અને અનુભૂતિનાં સત્યોમાંથી નીકળે છે.
મોતની સંભાવના જ્યારે આંખ સામે ઊભી હતી ત્યારે મનીષાએ પોતાની જાતને વચન આપ્યું હતું કે ઉપરવાળો જો એને જીવાડશે તો જે ત્રણ અમૂલ્ય ભેટ આપી છે એને એક દિૃવસ માટે પણ નહીં ભુલે. આ ત્રણમાંની પહેલી ભેટ એટલે તંદુરસ્તી. શરીરની ચુસ્તી-દુરસ્તી જાળવી રાખવા મારે મનીષા એક્સરસાઈઝ, યોગસાધના સહિત જે પણ કંઈ કરવું પડે તે સઘળું કરે છે. મનીષાએ અગાઉ બેફામ જિંદૃગી જીવી હતી, કુટેવોનો ભોગ બની હતી, ખોટી સંગત અને હાનિકારક સંબંધોએ એનું જીવન ઊધઈની જેમ ખોતરી નાખ્યું હતું. મનીષાને આજે સાચા સંબંધોની કીમત સમજાઈ છે. પોતાનાં માતાપિતા અને ભાઈ સાથેના સંબંધોમાં આજે જેટલા સન્માન અને વિશ્ર્વાસની લાગણી છે એટલી ભૂતકાળમાં ક્યારેય નહોતી. જે સાચા મુઠ્ઠીભર મિત્રો છે એની સાથેનો સંબંધ ઘણો વધારે ઊંડાણભર્યો અને અર્થપૂર્ણ બન્યો છે. ત્રીજું, કામ. ભૂતકાળમાં મનીષાએ ઘણી ફિલ્મો વગર વિચાર્યે, આડેધડ સ્વીકારી હતી જેની માઠી અસર એની કરીઅર પર પડી હતી. મનીષાને સમજાઈ ગયું છે કે પોતાનાં કામને, સફળતાને જરાય ટેકન-ફોર-ગ્રાન્ટેડ ન લેવાં. હવે એ સમજીવિચારીને ફિહ્લમો પસંદૃ કરે છે.
‘મને એક ચોથી ભેટ પણ મળી છે. એ છે, સેવાભાવનું મહત્ત્વ. હું ન્યુયોર્કની હોસ્પિટલમાં હતી ત્યારે મને મળવા આવનારા લોકો બહુ ઓછા હતા, પણ એક મહિલા દૃર રવિવારે મારી પાસે આવતી. સાંકડું સ્ટૂલ મારી બાજુમાં ખસેડીને એ બેસે અને આખો દિૃવસ મારી સાથે વીતાવે. એનું નામ છે, નવનીત નરુલા. એ ખુદૃ ડોકટર છે, ન્યુયોર્કમાં પેથોલોજિસ્ટ તરીકે કામ કરે છે. મને બહુ નવાઈ લાગતી. મેં એકવાર એમને પૂછ્યું કે આપણે એકબીજાને કંઈ અગાઉથી ઓળખતાં નથી, તમે મારાં ફેન તો બિલકુલ નથી. તમારી ખુદૃની લાઈફસ્ટાઈલ આટલી બિઝી છે તો પણ શા માટે આખેઆખા રવિવાર મારી સાથે વીતાવો છો? એમણે શું જવાબ આપ્યો, ખબર છે? એણે કહ્યું, મનીષાજી, આ હું એટલા માટે કરું છું કે મને આશા છે કે ભવિષ્યમાં આવું તમે પણ બીજાઓ માટે કરશો! કેટલી સાદૃી પણ કેટલી મોટી વાત! તે ઘડીએ મેં મારી જાતને ચોથું વચન આવ્યું કે જો ભગવાન મને જીવવાનો સેકન્ડ ચાન્સ આપશે તો હું બીજાઓ માટે મારાથી થાય એટલું બધું જ કરી છુટીશ. હું હવે કેન્સર પેશન્ટોમાં આશા અને હિંમત જગાવવાનું કામ કરું છું. નેપાળમાં ધરતીકંપ થયેલો ત્યારે પણ હું રાહતકાર્યમાં સક્રિય હતી, વગેરે.’
જીવનમાં અચાનક્ આખા અસ્તિત્ત્વને ખળભળાવી મૂકે એવી ઘટનાઓ બનતી હોય છે. મનીષા કહે છે, ‘ઘટનાઓને માત્ર સ્થૂળ ઘટના તરીકે જોવાની હોતી નથી. આપણી સાથે આ જે કંઈ બન્યું એનું કારણ શું છે? કુદૃરત મને શો સંદેશ આપવા માગે છે? આના જવાબો, આ સત્યો એટલાં સાદૃાં હોય છે કે આપણે તેને ગંભીરતાથી લેતાં નથી. મને સમજાયું કે આ મનુષ્યજીવન એક અમૂલ્ય ભેટ છે તે વાક્ય બહુ ચવાઈ ગયેલું લાગશે, પણ આ સચ્ચાઈ છે. આ જીવનમાં જે કંઈ બને છે એ સઘળું ઈશ્ર્વરે આપેલી ભેટ છે. આ મનુષ્યદેહ એક કીમતી ભેટ છે. આ ભેટ બદૃલ કૃતાર્થતા અનુભવવી જ રહી, આ શરીરને સાચવવું જ રહ્યું. આપણા જીવનના માર્ગમાં જે લોકો આપણને મળે છે એ બધા પણ ભેટસમાન છે. બીજી વાત, આત્મમંથન. ખુદૃની અંદૃર ઊતરીને પોતાનાં સત્યો શોધવાં. આપણું જીવન સીમિત છે. આ જીવન આપણને ખુદૃને સાચું લાગે તે રીતે જીવવાનું હોય, બીજાઓની ખરા-ખોટાની વ્યાખ્યા પ્રમાણે નહીં. એવું શું છે જેના થકી આપણે ભરપૂરપણે જીવી શકીએ? આત્મિંચતન કરીને આના ઉત્તરો શોધવાના કે જેથી આપણો એકેએક દિૃવસ સ્પષ્ટતા અને પેશન સાથે પસાર થાય. છેલ્લ વાત, જિંદૃગીમાં પડકારો આવવાના જ. આપણી સામે બે વિકલ્પો છે – મુશ્કેલીના બોજ તળે ચગદૃાઈ મરવું છે? કે પછી, આ મુશ્કેલી આપણા માટે જે સંદેશો લઈને આવી છે તે સમજીને આ મુશ્કેલી પર વિજય મેળવવો છે, કોઈ પણ વિઘ્નમાં ખુદૃના વિકાસની તક જોવી છે? વિઘ્નોને પાર કરવાની િંહમત અને સૂઝસમજ આપણી અંદૃર હોય જ છે.’
કેટલી સરસ વાત. મનીષા કોઈરાલાની અફલાતૂન ટેડએકસ ટોકનો વિડીયો યુટ્યુબ પર અવેલેબેલ છે. જોજો.
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply