ઇટેરી વાવ / લાખા વણઝારાની વાવ (૧૧ મજલા-૭૨ કોઠા)
ભૂતકાળના મૌનને વર્તમાન સમયમાં પણ ઊંડાણે ધરબી દઈને પોતાના વિનાશને પણ મોજથી માણવાનો ગુણ તમે આ વાવ પાસેથી શીખી શકો છો. કારણ કે મહેસાણા શહેર માટે આ એક જ બેનમૂન ટુરિસ્ટ પ્લેસ હોવા છતાં એની યોગ્ય જાળવણી ન કરીને પોતાને બાંઝ બનાવવામાં સ્થાનિકોએ પૂરતો સહયોગ આપ્યો છે.
મેસાજી (મેહસાજી) ચાવડા દ્વારા સ્થાપિત મહેસાણા શહેરના ભવ્ય ઇતિહાસમાં વિનાશના આરે તરફડતો ભૂતકાળ જે સ્થિતિમાં દમ તોડી રહ્યો છે, એની ચીખ ૭૨ કોઠાની સુવર્ણ ઇતિહાસ સાચવી દમ તોડવા મજબુર બનેલ વાવમાં પડઘાય છે. ઇટ, માટીયાળ પથ્થરો અને ચૂનાના મિશ્રિત બાંધકામ દ્વારા સર્જાયેલી આ વાવ મહેસાણા શહેરનું પોતાનું અને ૧૯મી સદીમાં બંધાયેલું શ્રેષ્ઠ અને બેનમૂન સ્થાપત્ય છે. (થોડા ક જ દિવસોમાં હતું એવું કહેવાશે તો પણ એમાં કોઈ જ શંકાને સ્થાન નથી.)
ઘણાને તો કદાચ એમ પણ થાય કે ડૂબતા સૂરજની જેમ વિખેરાઈ જતા સ્થાપત્ય જોવામાં વળી કોને રસ પડે…? તો એનો બસ હું એટલો જ જવાબ આપી શકીશ કે દરેક ડૂબતો સૂરજ કરોડો જીવનના ૨૪ કલાક વર્તમાનમાંથી ભૂતકાળ બનાવે છે. દરેક ડૂબતો સૂરજ સમયના ગર્ભમાં એક ઇતિહાસને પોતાના ઊંડાણમાં દફનાવે છે. જે સુવર્ણમયી પણ હોઈ શકે છે, અને કલાન્તિત પણ…
મહેસાણા શહેરના ધબકતા દિલ (તોરણવાળી ચોક) માં થઈને ધોબીઘાટ (ધોબી તળાવ) પાસેથી ત્યાં જઈ શકાય છે. પરા વિસ્તારમાં સ્થાયી અને અંતને શરણ થવા મજબુર બનેલી વાવ આજે પણ પોતાના ભૂતકાળને હૈયાના ઊંડાણમાં આબાદ જીવતો રાખીને બેઠી છે. અંબાજીપરું કે જ્યાં મહેસાણાની સામાન્યમાંથી ભવ્ય રંગે રૂપે કંડારાયેલ મુક્તિધામ નિર્માણ પામ્યું છે, એની બિલકુલ સામેના વિરાન પડેલા પ્રાંગણમાં આ વાવ પોતાના બેહાલ જીવનને જીવી રહી છે. એક પ્રકારે સામસામે આવેલ આ દ્રશ્ય જ માણસાઈ અને એની ભૂતકાળ તરફની ઉપેક્ષિત દ્રષ્ટિને છતું કરે છે.
જો કે સ્થાનિક તંત્રના મત મુજબ અઢળક વખત ત્યાં સમારકામ અને જાળવણી કામ થયું છે. પણ એનું કોઈ પરિણામ આંખો સમક્ષ દેખાતું નથી. એની સફાઈ માટે અવારનવાર રજૂઆતો પણ થઈ છે, રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે, પણ કોઈ જ બદલાવ ત્યાં આજે પણ આવ્યો નથી. છતાં સત્તાપક્ષ, મ્યુનિસિપાલિટીની, સ્થાનીક લોકોની તથા પુરાતન ખાતાની ઘોર નીંદર અને અવગણના નો ભોગ આ સ્થાપત્યે નિરંતર ભોગવવો પડ્યો છે.
મહેસાણા શહેરના મુખ્ય બજાર સુધી રીક્ષા દ્વારા પહોંચ્યા પછી, તોરણવાળી માતા નામે ઓળખાતો વિસ્તાર શરૂ થાય છે. આ મહેસાણાનું ધબકતું હૈયું છે, એટલે કે મેઈન બજાર. અહીંથી લગભગ બધા જીવન જરૂરી સંસાધનો મળી રહે છે. ટ્રાફિક, હોર્ન અને વાતાવરણમાં ફેલાયેલા દૂષિત વાયરાથી ઘેરાયેલું આ બજાર દિવસભર હર્યુ ભર્યું અને ભીડભાડથી ખદબદતું રહે છે. તોરણવાળી માતા (ચામુંડ માતા) નું ઐતિહાસિક મંદિર પણ અહીં જ છે, જે વર્ષો પુરાણું મનાય છે. જો કે એનો વારંવાર સુધાર અને જીર્ણોદ્વાર થયો છે, એટલે જ કદાચ આજ પણ એની મહિમા અને ચમક યથાવત છે. આ મંદિરના કારણે આ વિસ્તાર તોરણવાળી ચોક તરીકે ઓળખાય છે.
સામાન્ય રીતે જ્યાં આપણે રહેતા હોઈએ ત્યાં આપણે માત્ર રહેતા જ હોઈએ છીએ. અને જ્યાં આપણે ફરતા હોઈએ છીએ ત્યાં માત્ર ફરતા જ હોઈએ છીએ. આ સામાન્ય વાત ઘણા ઊંડા અર્થે પણ લઈ શકાય એમ છે, કારણ કે જ્યાં રહેતા હોઈએ ત્યાં ઘણીવાર એવા સ્થાન ધ્યાન બહાર હોય જે ખરેખર જોવા જોઈએ. મારી સાથે પણ એમ જ બન્યું. સમજણ આવ્યા પછી જીવનના ૧૬ વર્ષે મને આની જાણ થઈ. લગભગ જન્મથી જ અહીં રહુ છું, છતાં આ વાવ વિશે મને જાણ જ ન હતી. પાટણની રાણીની વાવ, અડાલઝની વવા, સૂર્ય મંદિર, નાડોલમાં આવેલ વાવ, જેવી અનેકો નાની મોટી વાવ અંગે મેં સાંભળેલું અને જોયેલી પણ ખરી. છતાંય આ વાવ મારા માટે અજાણ જ રહી, જો કે જાણ થયા પછી આ વાવના ઇતિહાસે એટલો હરખ જગાવ્યો કે ત્યાર બાદ એક અન્ય વાવ વિશે પણ જાણ મળી. મહેસાણા શહેરમાં જ અન્ય એક અંતને શરણ થઈને ભૂસાયેલ ઇતિહાસમાં સમાઈ ગયેલી બોગાસીયાની વાવ પણ છે. આ વાવની પણ મુલાકાત લેવા જેવી ખરી. આ મૂલાકાત વધુ કાંઈ તો નહિ પણ ભૂંસાતા ભૂતકાળની પ્રત્યક્ષ ઝાંખી જરૂર કરાવશે.
તો વાત કરીએ સફરની,
એ દિવસે આખાય ઇતિહાસ અને ભૂતકાળને નરી આંખે જોવા માટે હું અને પરેશ એમ બંને મિત્રો બાઇક લઈને નિકળી પડ્યા. લગભગ અંતર અમે કાપ્યું, તોરણવાળી માતા અને પછી પરા વિસ્તાર તરફ સાંઈબાબા માર્ગે આગળ વધ્યા. સાંકડી ગલીઓમાં ગોઠવાયેલા વેપારીઓના સાજસમાન એ રીતે મુકાયેલ જેથી રસ્તો હતો એમા અમુક ફૂટ વધારે રોકાઈ જતો હતો. પરિણામે ચાલવા માટેનો બહુ ઓછો માર્ગ રહી જતો હતો. જો કે બાઇકમાં વાંધો ન હતો એટલે અમે ત્યાંથી મંદ ગતિએ મુક્તિધામ તરફ આગળ વધ્યા. ધીમા ચાલવા પાછળ એક કારણ એ પણ હતું કે ૭૨ કોઠાની વાવ છે ક્યાં, એનાથી પણ અમે હજુ સાવ અજાણ હતા. મોટા ભાગના મહેસાણા શહેરમાં રહેતા લોકો પોતે જ નથી જાણતા કે એવી કોઈ વાવ મહેસાણામાં અસ્તિત્વ ધરાવે છે. છેવટે અમે પરા નિશાળ નજીક આવીને ત્રણેક જણાને પૂછ્યું, પણ ખાસ કોઈ પાસે ઉત્સાહી જવાબ ન મળ્યો. આંગળી લાંબી કરીને માર્ગ બતાવતા એમણે બસ એટલું જ કહ્યું કે ત્યાં લોકો કચરો નાખે છે.
‘કચરો નાખે છે…?’ સાંભળવામાં જ વિચિત્ર અને અવિશ્વાસ જન્માવે એવું આ વાક્ય મેં બરાબર સાંભળ્યું. પણ અત્યારે કોઈની પાસેથી હું એ વિશે સાંભળવા તૈયાર ન હતો. એટલે મેં બાઇક હંકાર્યું. સ્કૂલમાં રિસેસના સમયને કારણે માર્ગ પર બાળકો આમતેમ જતા આવતા હતા. સાંઈબાબા વાળો માર્ગ છોડી અમે મુક્તિધામ વાળા માર્ગે ફંટાયા. એની સામે જ અમને ઈશારો કરાયેલો પણ ત્યાં કોઈ ખાસ સ્થાપત્ય જેવું નજરે ન પડ્યું, અને અમે છેક મુક્તિધામ સુધી જઈ બેઠા. સહેજ વિચાર અને વૈવિધ્ય જોવાની જિજ્ઞાસા વસ મેં બે ચાર જણાને પૂછ્યું, પણ કોઈએ ખાસ જોઈતો જવાબ ન આપ્યો. જે દિશામાં એમણે આંગળી કરી, એ દિશામાં જોઇ લેવાથી પણ કાંઈ સમજાય એવું ત્યાં ન જોવા મળ્યું. એટલે મેં ફરી પૂછ્યું કે કેટલું દૂર…? એણે સાવ ગુસ્સેલ નજરે મારી સામે નજર વાળીને કહ્યું. આ સામું દેખાય એ જ… મેં ફરી ત્યાં નજર નાખી પણ મને તો ત્યાં કાંઈ ન દેખાયું.
પરેશ મારા ચહેરાના બદલાવ જોઈ રહ્યો હતો. બહુ વિચિત્ર સુમસાન અને ગંદી જગ્યા તરફ એ લોકોએ અમને ઈશારો કર્યો, એક જણ તો ત્યાં કચરાની થેલી લઈને જતો પણ દેખાયો. જેટલી ઝડપે એ ગયો એટલી જ ઝડપે એ ખાલી હાથે પાછો પણ ફર્યો. અજીબ… ત્યાં તો કોઈ ડમ્પયાર્ડ હોવું જોઈએ…? હા, એ જ તો છે, તમારું મોગેરું સ્થાપત્ય. પેલા ઉભેલા યુવાને અન્ય બે સામે જોઇને એવું હાસ્ય રેલાવ્યું જાણે એણે કોઈ બહુ મોટો ઝોક ન માર્યો હોય. ( જો કે અંતે જ્યારે પાછો વાળ્યો ત્યારે મને એની અણસમજ, કુબુદ્ધિ અને અજ્ઞાન વિસે અસહજ દયાભાવ પણ જન્મ્યો.)
‘ચલ ત્યાં જઈને જોઈએ. આઈ થિંક ત્યાંથી જ જવાતું હશે. યુ નો વાવને આ બધું બહુ રહસ્યમયી રીતે બનાવવામાં આવે છે.’ મેં બાઈકનો સેલ મારતા કહ્યું.
‘ત્યાં મને પણ કાંઈ નથી લાગતું.’
‘પણ આપણે જોવું જોઈએ.’
‘ઓકે…’
એની મંજૂરી સાથે અમે સહેજ દૂર પેલા સુમસાન ગંદા વિસ્તાર પાસે રોકાયા. ભાંગેલી દીવાલ વડે રક્ષાયેલું એ ગંદકીમાં ખદબદતું સ્થળ મને પ્રથમ નજરે જ રહસ્યમયી લાગ્યું. પણ ત્યાં ઉપર તરફના ઢોળાવ સિવાય કાંઈ જ દેખાયું નહીં. એનાથી સહેજ આગળ નજર નાખતા પરા માધ્યમિક શાળા બરાબર દેખાય છે. આ સ્થળ એના બિલકુલ પાછળનો ભાગ છે. જેમ જેમ આગળ ગયા તેમ રહસ્યો ઉઘાડા થવાના ઘંટારવ થયા. એક જુનવાણી કુવા જેવી રચના દેખાઈ… ત્યાંથી થોડેક જ દૂર પાણી ભરવા ઉભા રહેવા બનાવાયેલો માર્ગ હતો. કદાચ આ કોઈ મોહલ્લાનો કૂવો હોઈ શકે.
અમે લોકો મોબાઈલ ક્લિક સાથે સ્થળ માપવા આગળ વધી રહ્યા હતા. એક ઊંધું વળી ગયેલું પડેલ પાટિયું દેખાયું. જેના પર લખાયેલું હતું. અંબાજીપરું… ત્યાંથી સહેજ આગળ વધતા સમજાયું કે આ કુવાને સમાંતર એક લાંબી દીવાલ પણ ચણાયેલી છે. માંડ એકાદ મીટર ઊંચી, બે એક વેંત પહોળી અને નાનકડા ઓટલાને સમાંતર ઉભેલી જર્જરિત દીવાલ. ટ્યુબવેલ ઉતારીને ત્યાં સમારકામ થયાની કોશિશના પુરાવા દેખાય એ પહેલાં અમે દોડીને પેલા કુવા પાસે પહોંચી ગયા. આ કુવા જ વાવ છે…? મારા મનમાં પ્રશ્ન ગુંજયો જ હતો ત્યાં નજર કુવાની સમાંતર દીવાલ પરથી છેક છેલ્લા ખૂણા સુધી લંબાઈ ગઈ. ( ઓહ માય ગોડ.) આ કુવાને જોડતા એક ભૂ રચના છે જે પાણી ભરવા કરાઈ હશે, તેમજ અહીં એક નહીં પણ એકબીજા સાથે જોડાયેલા બે કુવાની રચના પણ છે. બંને કુવાની વચ્ચે ઉતારવા માટેના પગથિયાં પણ છે. અને વચ્ચે ચાલી શકાય એવો માર્ગ પણ, હા ભૂતકાળના પુષ્ઠ પર પડેલી વર્તમાનની અણઘડ મારે એને સૌંદર્યહીન બનાવવા પૂરતો પ્રયાસ કર્યો હોય એમ સ્પષ્ટ દેખાય છે.
એક સાથે જોડાયેલા બે પશ્ચિમાભિમુખ પ્રવેશદ્વાર વાળી વાવના બીજા છેડાના એ કુવાઓની રચના સમજવા પ્રયત્ન હજુ થાય એ પહેલાં જ સામેની ઝલકે મારા દિમાગના બધા ફ્યુઝ ઉડાળી દીધા. જ્યારે બંને કુવાના માધ્યમાં નીચે જતા સંકોરા માર્ગમાં ઉતરીને લાંબી દ્રષ્ટિએ જોઉં છું તો આ શું…? આજ તે વાવ. આંખો સામે આખુંય ભવ્ય, અદભુત અને જર્જરિત વાવનું દ્રશ્ય દેખાવા લાગ્યું. ઇટેરી વાવ અથવા લાખા વણઝારાની જર્જરિત છતાં ઔલોકીક ભાસતી વાવ… અહીં સમયનું વહેણ સાવ અટકી જાય છે. આજના સમયમાં પણ શહેરની ભીડ ભાડથી દૂર આ વાવ અનંત ઊંડાણનો અહેસાસ કરાવે છે. વાવના અહોભાવમાં વાતાવરણમાં પ્રસરેલ ગંદી વાસ છતાં જાણે કુદરતના ખોળામાં આળોટતું મૌન વધુ માણવા જેવું લાગતું હતું.
વર્તમાન સ્થિતિ જોતા એના ભૂતકાળની ઈર્ષ્યા થઈ આવે છે. કારણ કે આટલી ભવ્ય ઇમારત જો આ સ્થિતિમાં હોય તો આવનારા સમયમાં આવા સ્થાપત્યોની શુ દશા હશે…? આ વાવ લગભગ મુઘલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં બંધાઈ હોવાનું મનાય છે, તો અમુક વાયકાઓમાં આ બાબર યુગમાં નિર્માણ પામી હોવાનું પણ મનાય છે. આ વાવની ગહેરાઈ તપાસતા પહેલા એનો ઇતિહાસ તપાસવો જાણવો અને સમજવો જરૂરી છે. કારણ કે ઇતિહાસ એના ઉપયોગ અને જરૂરિયાતને સ્પષ્ટ દર્શાવે છે.
——–
★ ઇટેરી વાવ : લોક વાયકાઓ પ્રમાણે ૭૨ કોઠાની વાવનો પ્રાચીન ઇતિહાસ
સામાન્ય રીતે આ વાવનો ઇતિહાસ પણ ઇમારતની જેમ જ સમયના માર સાથે જર્જરિત થતો રહ્યો છે. એક આરસપહાણની તકતી સિવાયનો કોઈ દાર્શનિક પુરાવો વાવ પાસે હયાત નથી. આ તકતી પ્રવેશ પછી ઉતરતી જતી સીડીઓમાં બીજા મજલા પર જોવા મળે છે. જ્યાં સફેદ પથ્થર પર ફારસી અને પાલી ભાષામાં કોતરણી કામ જોવા મળે છે. છતા પણ એની શોધ અને જાણકારી મેળવવા કરાયેલા પ્રયત્નો દ્વારા અમુક લોક વાયકાઓ પ્રમાણે ઇતિહાસ જાણવા મળ્યો છે, જે નીચે પ્રમાણે છે… (આ લોક વાયકાઓ જ સત્ય છે એની કોઈ ખાતરી નથી, પણ આ વાયકાઓ વાવના ઇતિહાસની ઝાંખી રજુ કરવામાં ઇતિહાસને સમાંતર સાબિત થાય છે.)
દિવ્ય ભાસ્કર દ્વારા પ્રકાશિત થયેલ એક લેખ મુજબ કંઈક આમ વર્ણન છે, કે ૩૪ વર્ષ ઐતિહાસિક વારસાને નામે કરનાર મહેસાણા શહેરના જવાહર મહેતાના જણાવ્યા મુજબ ગુજરાતમાં દરેક ત્રણ વર્ષે દુષ્કાળ પડતો. ત્યારે વટેમાર્ગુઓ અને અહીંની પ્રજાને પીવાના પાણીની સગવડ મળી રહે એ હેતુથી ૭૨ કોઠાની ૧૧ મજલા વાવ ખારી નદીના કિનારે એવી રીતે બાંધવામાં આવી હતી જેથી ખરી નદી ભરાયતો પાણી આ વાવ અને પરા તળાવમાં આવે. તેમ જ એવું નિર્માણ પણ હતું કે વાવ ઉભરાય તો પાણી પાછું નદીમાં વહી જાય.
અન્ય વાયકાઓ પ્રમાણે છેક ૧૮મી સદીના સમયગાળા દરમીયાન જ્યારે દિલ્લી સલતનત પર મુઘલ બાદશાહ બાબરનું શાસન હતું. ત્યારે ખજાનો લઈને છુપાઈ જવાના આશયથી આ વાવનું બાંધકામ ગામથી દૂર અહીં ઇટ અને ચૂનાના ઉપયોગથી કરવામાં આવ્યું હતું.
જ્યારે ત્રીજી લોક વાયકા પણ આ જ વાતને સમર્થન આપે છે, પણ એમાં થોડોક ઇતિહાસ સંકળાયેલો જોવા મળે છે. આ વાવને એટલે જ કદાચ લાખા વણઝારાની વાવ પણ કહેવાય છે. કારણ કે આ લોકવાયકા મુજબ વણઝારા સમૂહ જ્યારે પોતાની માલમત્તા સાથે કુચ કરી રહ્યો હતો, ત્યારે આગળ એમને મોંઘલ સિપાહીઓ લૂંટવા ઉભા હોવાની વાવડ મળી હતી. પરિણામે આ લોકોએ આગળ જવાના વિચારને ત્યજી દઈને હાલના મહેસાણા નજીક જ રહેવાનું નક્કી કર્યું. આ રોકાણ કરવા માટે જ વણઝારા સમૂહ દ્વારા આ વવાનું નિર્માણ કાર્ય કરાયું હતું. જ્યાં છુંપાઈને એ લોકો પોતાના પરિવાર અને સંપત્તિને પણ બચાવી શકે. એમણે અમુક સમય રોકાણ પછી પોતાની સંપત્તિ અહીં જ સંતાડી દઈને વળતી વખતે ફરી લઈ લેવાનું નિર્ધારિત કરીને આગળ વધાવનું વિચાર્યું.
જો કે કેટલો સમય એ લોકો અહીં રોકાયા. કેટલા સમયમાં પાછા ફર્યા, અથવા અહીં જ માર્યા ગયા કે પછી આગળ વધી ગયા અને ક્યારેય પાછા જ નથી આવ્યા એ અંગેના કોઈ પુરાવા કે વર્ણન અથવા વાયકાઓ જાણવા મળતી નથી.
——–
પશ્ચિમાભિમુખ પ્રવેશદ્વારના બીજે છેડે એકબીજા સાથે જોડાયેલા કુવાના મધ્યમાં બનેલા બંને કિનારાઓ જોડતા પાતળા સીડીયો વડે ઉતરતા માર્ગના મધ્યમાં ઉભા રહીને લાંબી નજરે વાવને જોતા એ ભવ્યતા આંખોને સ્પર્શી જાય છે. જો કે જ્યાં ઉભા રહી આ નજારો જોઈ શકાય છે, ત્યાં બંને બાજુ કુવા છે. અંદાઝ પ્રમાણે જો વાવ રહેવા માટે કે છુપાઈ જવા પ્રયોજાતી હોય તો આ બંને કુવા પાણી માટે ઉપયોગમાં લેવાયા હશે. જો કે ભૂતકાળનો અભાવ માહિતીની પણ અસ્પષ્ટતા દર્શાવે છે. સ્થાપત્ય અને કોતરણી કાર્યોમાં સાવ સરળ અને નહિવત વૈવિધ્ય ધરાવતી આ વાવ પોતે જ મુલાકાતી અને જિજ્ઞાસુ લોકો માટે એક અજોડ વૈવિધ્ય સર્જે છે.
કુવા વચ્ચેના એ ભાગ માંથી નીકળી અમે બંને જણા એના પ્રવેશ દ્વાર તરફ વળ્યા. પ્રવેશ દ્વાર ઊંચી દિવાર વડે બંધ કરવામાં આવ્યું હતું, એ અમને છેક જોડાયેલા કુવાથી પચીસેક મીટરના અંતરે પહોંચીને ખબર પડી. અંદર ઉતરાવનો માર્ગ પણ બંધ હતો અને વાવની સ્વચ્છતા પણ જેવી તેવી દેખાઈ રહી હતી. પણ આ વાવના રહસ્યો વિશે જાણ્યા પછી હું આ વાવ જોવા એટલો ઉત્સાહી હતો કે બે મીટરનો ગહેરાઈ વાળો ભાગ કૂદીને હું વાવના ઊંડાણ તરફ ઉતરતી સીડીઓ તરફ ચાલ્યો. અદભુત અને આહલાદક વાતાવરણ અને મૌનનો ઘૂઘવતો ઇતિહાસ અહીં અંદર રહસ્યમયી રીતે ધરબાયેલો અનુભવતો હતો.
સામાન્ય રીતે સચવાયેલા સ્થાપત્યોમાં ઘણી વાસ્તવિકતા આધુનિકતાના શરણે આવી ગઈ હોય છે, પણ ધિક્કારાયેલો વારસો પોતાના વાસ્તવિક સ્વરૂપે મૌનમાં ડૂબેલો રહે છે. ૭૨ કોઠામાંથી માંડ ૧૨ કોઠા જોઈ શકાય એવી આ વાવ ગંદગી દ્વાર ખદબદતી જોવા મળે છે. પણ એકવાર એના અહેસાસને માણ્યા પછી ગંદગી અંગેની આ કડવાહટ પણ માનમાથી નીકળી જાય છે. સીડીયો ઉતરવામાં જે ઉત્સાહ હતો એ બહુ ટૂંકો જ છે, અવમ કહીને મારા ફ્રેન્ડે પને ટોક્યો. પણ મારી દ્રષ્ટિ કંઈક અલગ જ શોધવામાં વ્યસ્ત હતી. હું સ્થાપત્યની સ્વકચ્છતા કરતા એની ભવ્યતા અને રહસ્યમયી બનાવટમાં ઓતપ્રોત થઈ રહ્યો હતો.
ઇટેરી વાવ… માટીયાળ ખડકો દ્વારા નિર્મિત સ્થાપત્ય આટઆટલા વર્ષોની ઉબડખાબડ અને માવજત વગરની માર ખાધા વગર ઓન મક્કમ કઈ રીતે ઉભું રહી શકે…? મનમાં આ પ્રશ્નો સાથે તર્કો ઉદભવતા થયા, પણ અંતે તો આ બધું અમાન્ય તર્કોનું પાંગળુ બચાવ કાર્ય જ ને…? આ કોઈ જ પ્રકારે આરસપહાણ કે એવા પથ્થરો દ્વારા નિર્મિત સ્થાપત્ય તો હતું જ નહી, કે એની અખંડિતતા આટઆટલી માર પછી જીવંત રહે…? છતાંય આજ પણ અડીખમ ભૂતકાળને પોતાનામાં જીવંત રાખી આ વાવ કઈ રીતે વર્તમાનને પડકારી રહી ચેએ સમજવું મુશ્કેલ બની રહ્યું હતું. હજુ માંડ પંદરેક સિડી ઉતર્યો હતો, બીજો માળ કહી શકાય… મૂળ તો વાવ ૧૧ માળ ઊંડી માનવામાં આવે છે, પણ સમયાંતરે આ માળ અને કોઠાઓ (જેના આધારે કદાચ ૭૨ કોઠાની વાવ કહેવાતી હશે. કોઠા એટલે ચતુષ્કોણીય વિભાગ જ સમજવો રહ્યો.)
બીજા માળ પછી ત્રીજા માળને કદાચ ૬ વર્ષ પહેલાં ૩/૪ ભાગે જોઈ શકાતો હતો જે સમયાંતરે ૧/૪ પણ નથી રહ્યો. કદાચ આવનારા ભવિષ્યમાં બીજો માળો પણ નેસ્તનાબૂદ થઈ જાય તો શંકા કે તર્કને સ્થાન નથી. કાળું, વાસી અને કચરાના ખડકલાઓ વડે સતત ઉપર તરફ ગતિ કરતું ગંદકીનું સામ્રાજ્ય આ વાવને તબાહ કરવા ઉપર ઉઠી રહ્યું છે, પણ એની રક્ષા માટે ન તો સ્થાનિક સરકાર છે, ન મ્યુનિસિપલ તંત્ર કે ન તો કોઈ પુરાતત્વ ખાતાને આમાં રસ દેખાઈ રહ્યો છે.
સોળમી સીડી પર આવીને મેં ચારેય કોર નજર કરી. અહીંથી વાવનો જે ઉત્તમ નજરો માણી શકાય છે, એ અપ્રતિમ છે. જો નીચેના ગંદા પાણી વાળા ભાગને અવગણી દેવામાં આવે તો આ સુરેખ ઊંડાણ ધરાવતી વાવ અદભુત અને અકલ્પનિય સ્વરૂપ ધરાવે છે. મેં આ દ્રશ્ય નિહાળવા એ જ સિડી પર પાંચેક મિનિટ આસન જમાવી લીધું. કપડાં બગડવાની ચિંતા ન હતી, અને વાતાવરણમાં પ્રસરેલી વાસની પરવા પણ ન હતી. ચારેય તરફનો સુનકાર મને ઘેરી વાળ્યો હતો. પ્રકૃતિનો અવાજ અહીં સુરમ્ય સંગીત રૂપે કાનમાં જાને કૃષ્ણની વાંસળીની જેમ ગુંજી રહ્યો હતો. આ અલૌકિક આનંદ કદાચ ત્યાં આવીને વાવના સૌંદર્યમાં ઓતપ્રોત થનાર ને જ સમજાતું હશે…?
લીલીતરી દ્વારા છવાયેલું આ ખંડર હજારો પ્રાર્થના દ્વારા મળતા કુદરતી અહેસાસોમાં ભીંજવી દેવા સક્ષમ હતું. અહીં પંખીઓનો કલરવ સ્પષ્ટ સાંભળી અને માણી શકાતો હતો. વાવના અદભુત દ્રશ્યને ગંદકીના આરપાર હું જોઈ શકતો હતો. ઘણા દ્રશ્યો જીવંત ન હોવા છતાં વિચારો, અભિપ્રાયો અને જાણકારી એને સાક્ષાત બનાવી દે છે. મારી આંખો સામે એક સ્પષ્ટ સુંદર અને જીવંત વાવ જાણે પ્રત્યક્ષ લાગતી હતી. એ જ સૌંદર્ય કે એક જીવંત વાવનું અભિન્ન અંગ હોય છે, એજ કુદરતી અહેસાસ જે એક રહેવા યોગ્ય વાવમાં હોવું જોઈએ, એ જ અપ્રતિમ બાંધકામ જે કોઈ પણ સ્થાપત્યને ભવ્યતાથી ઓતપ્રોત કરી નાખે છે. હું વધુ એના ઐશ્વર્યમાં ડૂબું એ પહેલાં જ મારા મિત્રે મને નીકળવા માટે કહ્યું. પણ હજુ ઘણું સમજવા જોવાનું કહી મેં એને રોકી લીધો.
હું ત્યાંથી ઉઠ્યો, કારણ કે સમય સતત વીતી રહ્યો હતો. સાંજ ઢળી રહી હતી અને અહીં રાતના સમયે રહેવું ખતરાથી ખાલી નથી, કારણ કે અવાવરું જગ્યાના ઘણા ગેરકાયદેસર ઉપયોગ થતા હોવાની પણ પૂરતી સંભાવનાઓ હોય છે. સાથે આવેલા મિત્રનો ઈશારો હું સમજી રહ્યો હતો, પણ સમય મુજબ હજુ કલાક હતો. મેં ફરી સહેજ નીચે પગલાં ઉપડ્યા. મરાથી ત્રીસેક પગથિયાં પછી વાવના સૌંદર્યને કાળા ગંદા પાણીનું ગ્રહણ લાગી જતું હતું, આ વાવની રાહસ્યમયતા સમજવામાં મર્યાદા પણ હતી અને બધા પણ…
વાવમાં નજર કરતા ચારેક સ્થાને તકતી મુકાયાના અંદાઝ મૂકી શકાય એવા નિર્માણ દેખાય છે, ઓન ત્યાં કાંઈ નથી. શક્ય છે મોંઘલ આક્રમણ કારીઓ દ્વારા આ ગુપ્ત માહિતી તોડી પાડવામાં આવી હોય અને વણઝારા સમૂહનો ખજાનો લૂંટી લેવાયો હોય…? શક્ય છે એ નિર્માણ અન્ય સમયકાળમાં નાશ પામ્યું હોય…? શક્ય છે એ નિર્માણ ભ્રમ ખાતર રચાયું હોય…? અથવા ગાયકવાડ સમયમાં જ્યારે એને પુનઃ સમારકામ દ્વારા જીવંત બનાવવામાં આવી ત્યારે દૂર કરાયા હોય. વાવની અંદર નહિવત કોતરણી છે. અથવા જર્જરિત દીવાલો સાથે નાશ પામી છે, કહી શકવું મુશ્કેલ છે.
આખી વાવમાં ત્રીસેક સીડીયો પછીના બીજા મજલા પર એક તખતી છે. જેના પર અંદાજીત પર્શિયન અને પાલી કે સ્થાનિક ભાષાનું લખાણ જોવા મળે છે. જો કે આ તખતીનો મધ્ય ભાગ પણ ભૂસવા પ્રયત્ન થયેલો હોય એવું લાગે છે, છતાં લખાણ અમુક અંશે જાણકાર દ્વારા વાંચી શકાય એમ છે. આ તખતીનો શો અર્થ હોઈ શકે એ તખતીનો જાણકાર વ્યક્તિ સિવાય કોઈ ઉઘાડી શકે એમ નથી.
બીજા માલથી સહેજ નીચે ઉતર્યા પછી આગળ જવાનો માર્ગ બંધ થઈ જાય છે. પણ ત્યાંથી વાવની સુરેખ નજરે દેખાતી તસ્વીર મોથી ‘વાહ’ શબ્દને વહેતો કરી નાખે છે. જો કે કાળા પાણીમાં પણ આપણને આગળનો મજલો જાણે જીવંત ભાસે છે, બસ આ વાવ જાણે વારંવાર પોતાના ઇતિહાસના રહસ્યો ઉકેલવા ફરિયાદ કરતી જ ભાસે છે. લાચાર, વિવશ અને અંતને શરણ થતા વારસાઈ ઇતિહાસને બચાવવા અસક્ષમ સ્થાપત્ય…
કલાક સમય ક્યાં વીતી ગાયો એની જાણે સમજ જ ન પડી. ચારે કોરની દીવાલો, ઉપરની ભવ્યતા અને સુરેખ દ્રષ્ટિએ અનુભવતો વાવનો અવર્ણીય દેખાવ આંખોને આંજી દેવા સક્ષમ છે. જર્જરિત છતાં જાજરમાન ઇતિહાસ અને રહસ્યો દ્વારા ગર્ભિત અવસ્થામાં અંતને શરણ થતું ભૂતકાળનું વૈવિધ્ય…
છેલ્લે અનિચ્છાએ સમયાભાવે અમે બહાર નીકળ્યા. આસપાસનો લીલોતરી તેમજ શાંતિના સાનિધ્યમાં વસેલો આ વિસ્તાર શા માટે વાવ બાંધકામ માટે ઉપયોગમાં લેવાયો એની સાક્ષય આપે છે. અહીં વાતવરણ સોળે કલાએ ખીલી ઉઠે છે અને પ્રકૃતિ એના વૈવિધ્ય તેમજ નિર્મળતા દ્વારા મન મોહી લે છે. હું અને પરેશ ફરી એકવાર જાજરમાન સ્થાપત્ય તરફ આદરભાવ ભરી દ્રષ્ટિએ જોઈ રહ્યા… આ ડૂબતો સૂરજ ઇતિહાસના ઘણા રહસ્યો અસ્ત કરશે એની ગમગીન યાદો સાથે અમે ત્યાંથી વિદાય લીધી…
પણ આ સ્થાપત્ય એટલી હદે હચમચાવી ગયું કે આ વાવના સુધારા બાબતે તેમજ ઇતિહાસને લાગતો એક લેખ લખી PMO મારફતે સરકાર સમક્ષ રજુ કર્યો. માંડ પાંચેક મહિને એનો જવાબ મળ્યો, પણ ત્યાંથી સ્થાનિક સરકારને સોપાયેલા કાર્યનો આજ પણ નિકાલ નથી આવ્યો. લગભગ આ પ્રસંગને ઓછામાં ઓછા બે વર્ષ થયાં હશે. પણ આજે પણ કોઈ જવાબ નથી… એક મીડિયા હાઉસ દ્વારા પણ રજુઆત કરવા પ્રયત્ન કર્યો પણ એનો કોઈ અર્થ ન સર્યો. કદાચ કોઈને આ ડૂબતા વાહણને બચાવવામાં રસ નથી, પણ મેં હિંમત નથી હારી. આ માટે મેં પ્રયત્નો કર્યા છે, કરતો રહીશ…
★ મહેસાણા : ચાવડા શાસન દરમિયાન સ્થાપિત થયેલ શહેર
મહેસાણા શહેરની સ્થાપના ચાવડા વંશના શાસન દરમીયાન મેહસાજી (મેસાજી) ચાવડા દ્વારા થઇ હતી. જેમણે તોરણનું (એક પ્રકારે દરવાજો.) નિર્માણ કરાવ્યું જે માતાજીના મંદિર દ્વારા વિક્રમ સંવત ૧૪૧૪ (1358 Ad) ભદ્રપદ શુદે અર્પણ કરાયું. (આ પ્રસંગનો ઉલ્લેખ જયસિંહ બ્રહ્મભટ્ટની ૧૯૩૨ દરમિયાન લખાયેલ કાવ્યમાં જોવા મળે છે.) ચામુંડા માતાના મંદિરને અર્પણ થયેલા તોરણના કારણે આજે એ જ મંદિર તોરણવાળી માતા તરીકે ઓળખાય છે. એક અન્ય વાયકા મુજબ મહેસાણા સ્થાપનાનો આ સમય વિક્રમ સંવત ૧૩૭૫ (1319 AD) માનવામાં આવે છે.
ગાયકવાડ દ્વારા બરોડા જીત્યા પછી ૧૭૨૧માં બરોડા સ્ટેટનું નિર્માણ થયું. ત્યાર બાદ ઉચ્ચકાર્ય માટે પાટણ રાજધાની બનાવવામાં આવ્યું જે ૧૯૦૨ આસપાસ મહેસાણા ખસેડવામાં આવ્યું. જ્યાં એમણે ૧૯૦૪ આસપાસ રાજમહેલનું નિર્માણ કરાવ્યું. વર્ષો સુધી મહેસાણામાં આ રાજમહેલ ડિસ્ટ્રીકટ કોર્ટ તરીકે ૨૦૧૭ સુધી કાર્યનવંતી રહ્યો. જો કે હવે ફરી રાજમહેલ ખાલી કરી દેવામાં આવ્યો છે. આ રાજ મહેલનો અંદાઝી ખર્ચ સાડા ચાર લાખ હતો, એનું નિર્માણ અંગ્રેજ આર્કિટેક્ટ સ્ટીવન્સ દ્વારા કરવામાં આવ્યું હતું. ૧૯૦૮ પછી આ રાજમહેલ મ્યુનિસિપલ ઓથોરિટીને હસ્તાનતરણ કરવામાં આવ્યો.
રાજમહેલ સિવાય પણ દૂધસાગર ડેરીનો સમાવેશ કરી શકાય. કારણ કે મહેસાણા શહેરમાં આવેલી દૂધસાગર ડેરી ભારતમાં જ નહીં પણ સંપૂર્ણ એશિયા ખંડમાં સૌથી મોટી છે. જ્યાં એવરેજ ૧.૪૧ મિલિયન દૂધનું પ્રતિદિન પ્રોસેસિંગ થાય છે. જે દૂધ એકત્ર કરવાનું અને ઉત્પાદન કરવાનું સૌથી વિશાળ નેટવર્ક ધરાવે છે.
★ મહેસાણા શહેરમાં જોવા લાયક સ્થળો :-
ગાયકવાડ સમયનો રાજમહેલ (જ્યાં. કોર્ટ હતી પણ હવે એને ખસેડવામાં આવી છે.),
૭૨ કોઠાની વાવ,
બોગાસીયા (બાડીયાસી : વિકિપેડિયા મુજબ) ની વાવ અને બિલાડીબાગ,
તોરણવાળી માતા મંદિર,
ધોબીઘાટ,
સ્વામિનારાયણ મંદિર (રાધનપુર અને મોઢેરા રોડ),
જૈન દેરાસર (મોઢેરા સર્કલ),
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply