જાવેદ અલી – તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ
Sandesh – Sanskaar Purti – March 19, 2017
મલ્ટિપ્લેક્સ
બોલિવૂડમાં આજે ગાયકોની કમી નથી, પણ જાવેદ અલી એક એવો ગુણી કલાકાર છે જે લાંબી રેસનો ઘોડો છે અને એ ખૂબ લાંબી ઈનિંગ્સ ખેલવાનો છે.
* * * * *
જાવેદ અલી આજની પેઢીનો સુપર ટેલેન્ટેડ પ્લેબેક સિંગર છે તે સર્વસામાન્ય અને સર્વસ્વીકૃત હકીકત છે. ભલે હિન્દી ફ્લ્મિ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે વર્ષો સુધી ‘સોનુ નિગમ યુગ’ ચાલ્યો હતો અને જે રીતે આજે ‘અરિજિત સિંહ યુગ’ ચાલી રહૃાો છે તે રીતે કયારેય ‘જાવેદ અલી યુગ’ આવ્યો નથી, પણ જાવેદની પ્રતિભા, એની રેન્જ અને એનાં ગીતોના લોકો દીવાના છે. એક તરફ્ એ ‘કહને કો જશ્ન-એ-બહારા હૈ’ (જોધા અકબર) અને ‘તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ’ (ગજિની) જેવાં રોમેન્ટિક ગીતો આપે છે, બીજી બાજુ ‘અર્ઝીયાં’ (દિલ્હી-સિકસ) અને ‘કુન ફાયા કુન’ (રોકસ્ટાર) જેવા હૃદય સોંસરવા ઉતરી જાય એવાં સૂફી સોંગ્સ ગાય છે, તો વળી ત્રીજી તરફ્ એ ‘નગાડા નગાડા’ (જબ વી મેટ) અને ‘ટિન્કુ જીયા’ (યમલા પગલા દીવાના) જેવા જોશીલા અને ઢીન્ચાક ગીતો પણ પેશ કરી શકે છે.
૩૪ વર્ષનો આ ગાયક મીડિયાને મુલાકાતો આપતી વખતે પોતાના ગુરુઓ અને સંગીતકારો વિશે વિસ્તારપૂર્વક વાતો કરવાનું ચૂકતો નથી. આ રસપ્રદ વાતોને અલગ તારવીને એના જ શબ્દોમાં સાંભળીએ.
ઉસ્તાદ હમીદ હુસેનઃ મારા પિતા, મારા ગુરુ
દિલ્હીના પંચકોણીયા રોડ પર આવેલી એક કોલોનીમાં મારો જન્મ. આ એરિયા કવ્વાલોના ઈલાકા તરીકે ઓળખાય છે. હું સંગીતમય માહોલમાં ઉછર્યો છું. મારા ડેડી ઉસ્તાદ હમીદ હુસેન મારા પહેલા ગુરુ છે. તેઓ મને સવારે વહેલો ઊઠાડીને રિયાઝ કરવા બેસાડી દેતા. સ્કૂલે જવાનું શરૂ કર્યું તેની પહેલાંથી મેં સંગીતનો રિયાઝ શરૂ કરી દીધો હતો. ઘરમાં બીજા કલાકારો આવે ને સંગીતની સેશન ચાલતી હોય ત્યારે હું ખૂણામાં ઊભો ઊભો જોયા-સાંભળ્યા કરતો. ડેડી મને એમની સાથે સ્ટેજ શોઝમાં લઈ જતા. મને કીર્તન અને પ્રાઈવેટ કમ્પોઝિશન્સ શીખવતા, જે હું લોકો સામે ગાતો. હું અલગ-અલગ શૈલીનું સંગીત શીખી શકું તે માટે ડેડીએ મને કેટલાય સંગીતકારો પાસે મોકલ્યો હતો. એ સૌ મારા પ્રારંભિક ગુરુઓ છે.
ગુલામ અલીઃ એમની અટક, મારી ઓળખ
વિખ્યાત પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલી ખાં સાહેબ એકવાર દિલ્હી આવેલા ત્યારે ડેડી મને તેમની પાસે લઈ ગયા હતા. ગુલામ અલી ખાં સાહેબે મને સાંભળ્યો, એટલું જ નહીં, મને તાલીમ પણ આપી. નાનો હતો ત્યારે હું તેમની માફ્ક ગઝલ ગાયક બનીને સ્ટેજ શોઝ કરવા માગતો હતો. તે વખતે ફ્લ્મિોમાં ગાવાની તો કલ્પના પણ નહોતી કરી. મેં ગુલામ અલી ખાં સાહેબનો ઋણ સ્વીકાર કરવા તેમની અટક અપનાવી છે. તેથી જ હું ‘જાવેદ હુસેન’ નહીં, પણ ‘જાવેદ અલી’ તરીકે ઓળખાઉં છું.
કલ્યાણજીભાઈઃ મુંબઈ આવી જા, દોસ્ત
નાનો હતો ત્યારે દિલ્હીમાં કલ્યાણજી-આણંદજીવાળા ક્લ્યાણજીભાઈ સાથે મારી મુલાકાત થઈ હતી. એમણે મારી ગાયકી વખાણી. એ વખતે હું ટીનેજર માંડ થયો હતો ને મારો અવાજ પણ હજુ ક્રેક થયો નહોતો એટલે છોકરી જેવા અવાજમાં ગાતો હતો. એક વાર કોઈક કારણસર મુંબઈ જવાનું થયું ત્યારે ફરી કલ્યાણજીભાઈને મળ્યો. એમણે મને દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ જવાની સલાહ આપી. આવો વિચાર પણ અગાઉ કયારેય આવ્યો નહોતો. પિતાજીએ મને મુંબઈ જવાનું પ્રોત્સાહન આપ્યું. મુંબઈમાં મારા કઝિન્સ રહેતા હતા. હું થોડા વર્ષો મુંબઈ-દિલ્હી વચ્ચે આવ-જા કરતો રહૃાો. મારો કંઠ ફૂટયો અને હું પરિસ્થિતિને અલગ દષ્ટિકોણથી જોવા લાગ્યો. મેં જોયું કે પ્લેબેક સિંગિંગ એક એવું માધ્યમ છે, જેમાં તમે ભજન અને ગઝલથી લઈને રોમેન્ટિક અને રોક સુધીના તમામ પ્રકારનું ગાયન કરી શકો છો. મેં પ્લેબેક સિંગિંગ વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ ર્ક્યું. કલ્યાણજીભાઈ સાથે સમય વીતાવ્યો, પ્લેબેક સિંગિંગના માધ્યમની સમજ કેળવી. મેં ગીતો ડબ કરવાનું શરૂ કર્ર્યું. (ગીત ડબ કરવું એટલે, ઘણી વાર સંગીતકાર મુખ્ય ગાયકની ગેરહાજરીમાં ગીત કોઈ અન્ય ગાયકના અવાજમાં કામચલાઉ ડબ એટલે કે રેકોર્ડ કરી લે છે. પછી મુખ્ય સિંગર પોતાની અનુકૂળતાએ આવે, ગીત નવેસરથી ગાય અને એના અવાજને અગાઉ રેકોર્ડ થઈ ચુકેલા અવાજની જગ્યાએ રિપ્લેસ કરી નાંખવામાં આવે.) મારી કરિયરનું સૌથી પહેલું ગીત મેં કલ્યાણજીભાઈના દીકરા વીજુ શાહ માટે ગાયું (ડબિંગ નહીં, પણ ફયનલ રેકોડિંર્ગ.) તે હતું ગોવિંદાની ‘બેટી નંબર વન’ (૨૦૦૦) નામની ફ્લ્મિનું ગીત, જેના શબ્દો હતા, ‘ચોરી ચોરી આંખ’. કમનસીબે આ ફ્લ્મિ વ્યવસ્થિત રીતે રિલીઝ ન થઈ શકવાથી ગીત લોકોના ધ્યાનમાં ન આવ્યું.
પ્રીતમઃ ઊંચી રેન્જ, ઊંચા ગીતો
‘બેટી નંબર વન’ પછી પણ મેં કેટલાક ગીતો ગાયાં, જેમાં ‘બન્ટી ઔર બબલી’ (૨૦૦૫)નું સુપરડુપર હિટ સોંગ’કજરારે કજરારે’ પણ આવી ગયું. મુખ્ય સ્ત્રીસ્વર આલિશા ચિનોયનો હતો અને મારી સાથે શંકર મહાદેવન પણ હતા. મારું પહેલું સોલો હિટ ૨૦૦૭માં આવ્યું, જે અબ્બાસ-મસ્તાનની ‘નકાબ’ ફ્લ્મિ માટે પ્રીતમદાએ મારી પાસે ગવડાવ્યું હતું. તે હતું ‘એક દિન તેરી રાહોં મેં… બાહોં મેં પનાહોં મેં આઉંગા.. ખો જાઉંગા… એક દિન તેરા હો જાઉંગા’. ફ્લ્મિ ખાસ નહોતી ચાલી, પણ આ ગીત ખૂબ ચાલ્યું. તે જ વર્ષે પ્રીતમદાએ મને બીજું ગીત આપ્યું, ‘જબ વી મેટ’ માટે. તે હતું, ‘નગાડા નગાડા બજા’. ફ્લ્મિ અને ગીત બંને સુપરહિટ પુરવાર થયા.
પ્રીતમદા મારી પાસે હાઈ સ્કેલવાળા, સૂફી ફ્લેવરવાળા અને રોમેન્ટિક ગીતો ગવડાવે છે. રણબીર કપૂર-કેટરિનાની ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ (૨૦૦૯)ના ‘આ જાઓ મેરી તમન્ના’ ગીતમાં મેં પહેલી વાર ફોલ્સેટોનો ઉપયોગ કર્યો. (ફોલ્સેટો એટલે પુરુષ ગાયક પોતાની નોર્મલ રેન્જ કરતાં કયાંય વધારે ઊંચી રેન્જમાં, ખૂૂબ તીણા અવાજે ગાય, તે). આજે પણ હું કોલેજોમાં આ ગીત ગાઉં છું ત્યારે જબરદસ્ત રિસ્પોન્સ મળે છે. (જાવેદ અલીએ ‘બજરંગી ભાઈજાન’ માટે ગાયેલું અને પ્રીતમે કમ્પોઝ કરેલું ‘તૂ જો મિલા’ ગીતનું અફ્લાતૂન અનપ્લગ્ડ વર્ઝન યુ-ટયૂબ પર જોજો. જલસો પડી જશે.)
એ.આર. રહેમાનઃ ડ્રીમ-કમ-ટ્રુ
હું કાયમ રહેમાનસર સાથે કામ કરવાનાં સપનાં જોયાં કરતો. મને થતું કે કયારે મને રહેમાનસર ગીત ગાવાનો મોકો આપશે અને કયારે હું એમના સ્ટુડિયોમાં રેકોડિંર્ગ કરીશ. એક વાર હું ફેમિલી સાથે વેકેશન ગાળવા ગયો હતો ત્યારે ઓચિંતા ફોન આવ્યોઃ તાબડતોબ ચેન્નાઈ આવી જાઓ. એ.આર. રહેમાન તમારી પાસે ગીત ગવડાવવા માગે છે! આ ગીત હતું, ‘જોધા અકબર’ (૨૦૦૮)નું રિતિક રોશન-ઐશ્વર્યા રાય પર ફ્લ્મિાવાયેલું ‘કહને કો જશ્ન-એ-બહારા હૈ… ઈશ્ક યે દેખ કે હૈરાં હૈ’. આ ગીતે મારી જિંદગી પલટી નાંખી. પછીનાં વર્ષે રહેમાનસરે મારી પાસે બે ગીત ગવડાવ્યા – ‘ગજિની’નું ‘તૂ મેરી અધૂરી પ્યાસ પ્યાસ’ અને ‘દિલ્હી-સિકસ’નું ‘અર્ઝીયાં’. રહેમાનસર સાથેના મારા આ બધાં ગીતો એટલા સુપરહિટ નીવડયાં કે મારે ફરી કયારેય પાછા વળીને જોવું પડયું નથી.
રહેમાનસર એટલા નમ્ર માણસ છે કે નવાઈ લાગે. તેઓ કયારેય સિંગર પર દબાણ નહીં કરે. પોતાનાં કમ્પોઝિશનને જડતાથી વળગી રહેવાને બદલે તેઓ ગાયકના કર્મ્ફ્ટ ઝોનના હિસાબે ગીતની ધૂનમાં ફેરફાર કરી આપશે. એમનાં ગીતોમાં એક જાદુ હોય છે, જે હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. એમની સાથેના મારા ગીતો અલગ તરી આવે છે એનું કારણ ક્દાચ એ હોઈ શકે કે એમનો અને મારો સૂફી અંદાજ મેચ થાય છે. ‘રોકસ્ટાર’નું ‘કુન ફાયા કુન’ના રેકોર્ડિંગ પહેલાં રહેમાનસરે મને કહેલું કે માઈક સામે જતાં પહેલાં તું નમાજ પઢી લે, કેમ કે આ એક પવિત્ર ગીત છે, સૂફી સોંગ છે. તે દિવસે સ્ટુડિયોમાં અમે ત્રણ જ જણ હતા – રહેમાનસર, હું અને ગીતકાર ઈર્શાદ કામિલ. સ્ટુડિયોને અંદરથી લોક કરી દેવામાં આવ્યો. મોડી સાંજે આઠ વાગે અમે રેકોર્ડિંગ શરૂ કર્યું જે બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી ચાલ્યું હતું. રહેમાનસર ઉપરાંત દક્ષિણના અન્ય સંગીતકારોએ મારી પાસે સાઉથ ઇન્ડિયન ભાષામાં પણ કેટલાય ગીતો ગવડાવ્યા છે.
ગમ્મતની વાત કહું? રહેમાનસરનો ફોન મોટે ભાગે ત્યારે જ આવે છે જ્યારે હું વેકેશન પર હોઉં છું! એક વાર હું વાઈફ્ અને મારી બે દીકરીઓ સાથે ગોવા ગયો હતો. ફોન આવ્યો કે આવતી કાલે જ રેકોર્ડિંગ છે! વેકેશનનો અધવચ્ચેથી વીંટો વાળી, ફેમિલીને મુંબઈ ડ્રોપ કરી હું બીજા દિવસે વહેલી સવારે ચેન્નાઈ પહોંચી ગયો. આવું ત્રણ વાર બન્યું છે!
અમિત ત્રિવેદી, ઇસ્માઈલ દરબાર, શાંતનુ મોઈત્રાઃ ટેલેન્ટેડ ત્રિપુટી
મને યાદ છે, ‘ઈશકઝાદે’નું ટાઈટલ સોંગનું રેકોર્ડિંગ પૂરું થતાં જ અમિત ત્રિવેદી મને ભેટી પડયા હતા અને કહ્યું હતું, ‘બચ્ચે કી જાન લોગે કયા?’ આ સાંભળીને હું ખૂબ રાજી થયો હતો. અમિત ત્રિવેદી પણ એક એવા કમ્પોઝર છે, જે ગાયકને પોતાની રીતે ગીત એકસપ્લોર કરવા દે છે. શાંતનુ મોઈત્રા ઔર ઇસ્માઈલ દરબાર દોનોં રુહ સે કમ્પોઝ કરતે હૈં. મેં આ બંને સાથે કામ કર્યું છે અને હું દઢપણે માનું છું કે તેઓ પાવરહાઉસ કમ્પોઝર્સ છે.
આજે ભલે કૂડીબંધ ગાયકો ફૂટી નીકળ્યા હોય, પણ જાવેદ અલી એક એવો ગાયક છે બહુ લાંબો દાવ ખેલવાનો છે. થ્રી ચિયર્સ ટુ જાવેદ!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply