આ વખતે આ ગુજરાતી એકટર ઓસ્કર જીતશે?
Sandesh – Sanskaar purti – 12 Feb 2017
Multiplex
દેવ પટેલને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ‘લાયન’ નામની વિદેશી ફિલ્મની ચર્ચા આજકાલ દુનિયાભરમાં ચાલી રહી છે. ઓસ્કરની છ કેટેગરીમાં નોમિનેટ થયેલી આ સત્યકથનાત્મક ફિલ્મનો વિષય હૃદય વલોવી નાખે એવો છે.
* * * * *
જી, બિલકુલ. આ વખતે એક ગુજરાતી એક્ટર ઓસ્કરની રેસમાં ધમધમાટ કરતો દોડી રહૃાો છે. નામ છે એનું દેવ પટેલ. ‘લાયન’ નામની અફ્લાતૂન અંગ્રેજી ફ્લ્મિ માટે એને બેસ્ટ સપોર્ટિંગ એકટરનું ઓસ્કર નોમિનેશન મળ્યું છે. એના પપ્પા રાજ પટેલ અને મમ્મી અનિતા પટેલ મૂળ કેનિયાનાં. ૧૯૭૦ના દાયકામાં પ્રેસિડેન્ટ ઈદી અમીને ઉપાડો લીધો હતો ત્યારે કેનિયા-યુગાન્ડામાં વસતાં કેટલાય ભારતીયો સ્થળાંતર કરીને ઈંગ્લેન્ડ જતા રહેલા. એમાં અનિતા અને રાજ પટેલના પરિવારો પણ હતા. દેવ પટેલનો જન્મ અને ઉછેર બંને લંડનમાં થયા છે એટલે એને કેટલું ગુજરાતી આવડતું હશે તે એક સવાલ છે. ખેર, દેવ પટેલ વિશે વધારે વાત કરતાં પહેલાં એની લેટેસ્ટ ફ્લ્મિ ‘લાયન’ વિશે વિગતે વાત કરીએ. આજકાલ દુનિયાભરમાં ‘લાયન’ની ખૂબ ચર્ચા ચાલી છે. આંખો અને હૃદય બંનેને ભીંજવી નાખે એવી આ ફ્લ્મિ સત્યઘટના પર આધારિત છે.
સરુ નામનો એક પાંચ વર્ષનો મુસ્લિમ છોકરો છે. મધ્યપ્રદેશમાં ખંંડવા પાસે આવેલા કોઈ નાનકડા ગામમાં એ રહે છે. એના પિતાજી પરિવારને ત્યજીને જતાં રહૃાા હતા એટલે એની ગરીબડી મા કડિયાકામ કરીને ચાર-ચાર બાળકોનું પેટિયું ભરે છે. સરુથી મોટા બે ભાઈઓ છે – ગુડ્ડુ અને કલ્લુ. એક નાની બહેન છે – શકીલા. ઘરમાં ખાવાના સાંસા છે એટલે મોટા ભાઈઓ રેલવે સ્ટેશને જઈને કાં તો સ્ટોલ્સ પરથી ખાવાનું ચોરી લાવે અથવા ભીખ માગે. સરુ ઘરે રહીને નાની બહેનને સાચવે. 1986ની આ વાત છે. એક દિવસ સરુ જીદ કરીને મોટા ભાઈ ગુડ્ડુની સાથે રેલવે સ્ટેશન ગયો. બંને ભાઈઓ ખંડવાથી સિત્તેર કિલોમીટર દૂર આવેલા બુરહાનપુર નામના ગામે જતી ટ્રેનમાં ચડી ગયા. બુરહાનપુર સ્ટેશને ઉતરીને સરુ પ્લેટફોર્મ પર પેસેન્જરો વધેલા બિસ્કિટ કે બીજું કંઈ ખાવાનું છોડી ગયા હોય તે વીણી વીણીને ખાવા લાગ્યો. થોડી વારમાં થાકી ગયો એટલે એક બેન્ચ પર લાંબો થયો. મોટા ભાઈએ કહ્યું – અહીં જ રહેજે. કયાંય આઘોપાછો થતો નહીં. આટલું કહીને ગુડ્ડુ જતો રહૃાો. સરુને ઊંઘ આવી ગઈ. આંખો ખૂલી ત્યારે રાત થઈ ગઈ હતી. ભાઈ આસપાસ કયાંય દેખાતો નહોતો. પ્લેટફોર્મ પર એક ટ્રેન ઊભી હતી. ભાઈ આ ટ્રેનમાં હશે? સરુ ટ્રેનમાં ચડી ગયો. આખી ટ્રેન ખાલી હતી. સરુ એક સીટ પર આડો પડયો. એને પાછી ઊંઘ આવી ગઈ.
ઊંઘ ઊડી ત્યારે સવાર પડી ગઈ હતી અને ટ્રેન ધડધડાટ કરતી કોણ જાણે કયાંથી પસાર થઈ રહી હતી. આખરે ગાડી ઊભી રહી. સરુ નીચે ઉતર્યો ત્યારે એને ખબર નહોતી કે એ પોતાના ગામથી ૧૫૦૦ કિલોમીટર દૂર છેક કોલકાતા પહોંચી ગયો છે! પાંચ વર્ષના આ ટેણિયાને પોતાના ગામનું શું, પોતાનું આખું નામ બોલતા પણ આવડતું નહોતું. એ ગભરાઈને ભીડથી છલકાતા હાવડા સ્ટેશને આમતેમ દોડતો રહૃાો. હવે ઘરે પાછા કેવી રીતે જવું? એ પ્લેટફેર્મ પર ઊભેલી કોઈપણ ટ્રેનમાં ચડી જાય, પણ આ ટ્રેનો હરીફરીને એને પાછો હાવડા જ લઈ આવે. સરુ પ્લેટફેર્મ પર સીંગદાણા કે એવું કંઈ વેરાયેલું હોય તે ખાઈ લે.
આ રીતે મહિનાઓ વીત્યા. નાનકડો સરુ કોલકાતાની સડકો પર ભટકતો રહૃાો. કોઈ ભલી બાઈએ એને રહેવા માટે આશરો આપ્યો, એને પોલીસ સ્ટેશન લઈ ગઈ, પણ સરુને પોતાનાં નામ-ઠામની કશી ખબર નહોતી એટલે એને કાયદેસર રીતે લાપતા ઘોષિત કરીને બાળસુધાર કેન્દ્રમાં મૂકી દેવામાં આવ્યો. અહીં જ એ બાળકો દત્તક અપાવવાનું કામ કરતી એક સંસ્થાની નજરમાં આવ્યો.
આ સંસ્થા પાસે એક યુવાન ઓસ્ટ્રેલિયન દંપતી આવ્યું. જોન બ્રાયર્લી અને સૂ બ્રાયર્લી એમનું નામ. મહિલાને એકવાર સપનાંમાં એક ઘઉંવર્ણા રંગનું બાળક દેખાયું હતું. બસ, ત્યારથી એના મનમાં વાત બેસી ગઈ હતી કે મારે ભારતમાંથી એક ઘઉંવર્ણા અનાથ બાળકને દત્તક લેવો છે. દંપતીએ સરુને કાયદેસર રીતે અડોપ્ટ કર્યો અને તેને પોતાની સાથે ઓસ્ટ્રેલિયા લઈ ગયા. એને સ્કૂલમાં બેસાડવામાં આવ્યો. હજુ હમણાં સુધી રેલવે પ્લેટફોર્મ પર કે રસ્તાઓ પર ભૂખ્યોતરસ્યો રખડ્યા કરતો સરુ ઓસ્ટ્રેલિયામાં વ્યવસ્થિત જીવન જીવવા લાગ્યો.
ઉપરવાળાએ સરુને ફોટોગ્રાફ્કિ મેમરી આપી હતી. એના સ્મરણપટ પરથી એની સગી મા, પરિવાર અને ગામ કદી ભૂસાયા નહીં. મોટા થયા પછી પણ એ પોતાના મૂળિયાં ભૂલ્યો નહીં. એને હંમેશાં થયા કરતું કે મારી સગી મા અને ભાઈ-બહેન શું કરતાં હશે? કયાં હશે? એમને મારે કઈ રીતે શોધવા? સરુને આનો જવાબ ગૂગલ અર્થમાંથી મળ્યો. ગૂગલ અર્થ એ કમ્પ્યૂટર પ્રોગ્રામ છે, જેમાં દુનિયાભરના ઠેકાણાંની સેટેલાઈટ તસવીરો તેમજ ભૌગોલિક માહિતી સંગ્રહાયેલા છે.
૨૦૧૧ની એક રાત્રે સરુ ગૂગલ અર્થ ખોલીને બેઠો હતો. એને પાણીની ઊંચી ટાંકી યાદ હતી. એક રિંગ રોડ હતો, એક ફુવારો હતો, એક નદી અને એની ઉપર પુલ હતો… અને મારા ગામનું નામ ગિનેસ્ટલે કે એવું કંઈક હતું. ગિનેસ્ટલે? આવું કંઈ નામ હોય? સરુ ભારતના નકશા પર રેન્ડમ સર્ચ કરતો રહૃાો. બંગાળ, ઝારખંડ, ઓરિસા, યુપી, એમપી… અચાનક એની નજરે ‘બુરહાનપુર’ નામ પડયું. બુરહાનપુર? નામ તો પરિચિત લાગે છે. ભાઈ જે રેલવે સ્ટેશન પરથી ગાયબ થઈ ગયો હતો એ સ્ટેશનનું નામ બુરહારપુર હતું? કે પછી બ્રાહમપુર, બહારામપુર, બિરામપુર, બેરામપુર… શું હતું? એણે વધારે સર્ચ કર્યું. બુરહાનપુરમાં પાણીનો ઊંચો ટાંકો દેખાય છે, રિંગ રોડ, ફૂવારો, નદી અને પુલ પણ દેખાય છે. શું આ જ એ ગામ હશે? બાજુમાં ખંડવા નામનું સ્ટેશન પણ દેખાય છે, પણ મારા ગામનું નામ તો ગિનેસ્ટલે કે એવું કશુંક હતુંને?
સરુની મદદે હવે ફેસબુક આવ્યું. એણે જોયું કે ફેસબુક પર ‘ખંડવાઃ માય હોમટાઉન’ નામનું એક પેજ છે. એણે મેસેજ મૂકયોઃ ‘કોઈ મને મદદ કરશે, પ્લીઝ? મારું વતન કદાચ ખંડવાની આસપાસ કયાંક છે, પણ ચોવીસ વર્ષથી હું ત્યાં ગયો નથી. શું ખંડવામાં કોઈ સિનેમાહોલ અને મોટો ફુવારો છે?’
કોઈએ જવાબ આપ્યોઃ ‘અહીં એક સિનેમાહોલની નજીકમાં બગીચો છે, પણ એમાં જે ફુવારો છે એ તો નાનો અમથો છે. સિનેમાહોલ પણ વર્ષોથી બંધ પડયો છે. વધારે કંઈક ઇર્ન્ફ્મેશન આપી શકો?’
સરુએ લખ્યું – ‘ખંડવાની નજીકમાં ‘જી’ અક્ષરથી શરૂ થતું કોઈ ગામ છે? મને એકઝેકટ નામ ખબર નથી, પણ ગિનેસ્ટલે કે એવા ટાઈપનો એનો ઉચ્ચાર થાય છે. તે ગામમાં એક બાજુ મુસ્લિમોની વસાહત હતી અને બીજી બાજુ હિંદુઓની વસાહત હતી. આવું કોઈ ગામ તમારા ધ્યાનમાં છે?’
જવાબ આવ્યોઃ ‘શું તમે ગણેશ તલાઈ ગામની વાત કરી રહૃાા છો?’
ગણેશ તલાઈ! યેસ, આ જ હોવું જોઈએ. ગિનેસ્ટલે નહીં પણ ગણેશ તલાઈ…
સરુને લાગ્યું કે એના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ છે. અગિયાર મહિના પછી સરુ ખંડવામાં હતો. અહીં પગ મૂકતાં જ સઘળું સપાટી પર આવવા લાગ્યું. એ જ ફુવારો, એ જ થાંભલા, એ જ રસ્તા જ્યાં એ રખડયા કરતો. એને પોતાના ઘરનો રસ્તો પણ યાદ આવી ગયો. એણે જોયું કે પોતે જ્યાં રહેતો હતો તે જગ્યા તો ખંડેર બની ગઈ છે. પાડોશમાં પૃચ્છા કરી. સરુ હિંદી સદંતર ભૂલી ચૂકયો હતો, પણ એણે ઓસ્ટ્રેલિયન અંગ્રેજીમાં સમજાવવાની કોશિશ કરવા માંડીઃ ‘હું સરુ. મારાથી મોટા બે ભાઈ હતા, કલ્લુ અને ગુડ્ડુ…’
સરુ પાસે ઓસ્ટ્રેલિયન મા-બાપે પાડેલા એના નાનપણના ફોટા હતા. એક માણસ આગળ આવીને કહેઃ ચાલ, મારી સાથે.
એ સરુને થોડે દૂર એક ઘરમાં લઈ ગયો. સામે એક આધેડ સ્ત્રી ઊભી હતી. એને દેખાડીને કહેઃ
આ રહી તારી મા!
સ્ત્રીએ ફોટો જાયો. એ સ્તબ્ધ થઈ ગઈઃ ‘આ તો મારા શેરુનો ફોટો…!’ મા-દીકરાનું કલ્પનાતીત મિલન થયું. સરુને હવે ખબર પડી કે આટલાં વર્ષોથી એ પોતાનું નામ પણ ખોટું ઉચ્ચારતો આવ્યો છે. એનું સાચું નામ ‘સરુ’ નહીં, પણ ‘શેરુ’ છે. શેરુ મુનશી ખાન! સરુને એ પણ ખબર પડી કે પચ્ચીસ વર્ષ પહેલાં બુરહાનપુર સ્ટેશને મોટો ભાઈ ગુડ્ડુ એને એકલો મૂકીને જતો નહોતો રહૃાો, પણ અકસ્માતે ટ્રેન નીચે આવી જવાથી કપાઈ ગયો હતો. બંને દીકરા લાપતા થઈ ગયા પછી બે દિવસે મા કમલાને ગુડ્ડુની લાશ મળી હતી. સરુ આખા પરિવારને મળ્યો. બીજો ભાઈ કલ્લુ એક ફેકટરીમાં કામ કરતો હતો. એને ત્રણ બચ્ચાં હતા. નાની બહેન શકીલા પણ બે બાળકોની મા બની ગઈ હતી.
આછીપાતળી સ્મૃતિઓ, ગૂગલ અર્થ અને ફેસબુકે ખરેખર કમાલ કરી દેખાડી. સરુનું આ રીતે પોતાના મૂળ પરિવાર સાથે મિલન થવું તે ઘટના કોઈ ચમત્કાર કરતાં સહેજે કમ નહોતી. મીડિયાએ પણ આ ઘટમાળને ખાસ્સું કવરેજ આપેલું. ઓસ્ટ્રેલિયા પાછા જઈને સરુએ પોતાના જીવનની આ અસાધારણ સફર વિશે આત્મકથનાત્મક પુસ્તક લખ્યું. એને નામ આપ્યું, ‘અ લોન્ગ વે હોમ’.
…અને આ પુસ્તક પરથી બનેલી ફ્લ્મિ એટલે ‘લાયન’!
‘લાયન’માં નાનકડા સરુના રોલમાં સની પવાર નામના મુંબઈના એક ટેણિયાએ કામ કર્યુંં છે. બે હજાર બચ્ચાઓમાંથી સાવ સાધારણ ઘરના આ છોકરાને પસંદ કરવામાં આવ્યો હતો. છ (હવે આઠ) વર્ષના સનીએ આ ફ્લ્મિમાં એવું સરસ અને નેચરલ પરફેર્મન્સ આપ્યું છે કે એકલા હોલિવૂડનો જ નહીં, પણ ઇન્ટરનેશનલ મીડિયાનો પણ એ લાડકો બની ગયો છે. દુભાષિયો સાથે રાખીને આજકાલ એ અમેરિકન ટીવી ચેનલો પર મોજથી ઇન્ટરવ્યૂઝ આપી રહૃાો છે.
પુખ્ત વયના સરુનું કિરદાર છવીસ વર્ષીય દેવ પટેલે નિભાવ્યું છે. નિકોલ કિડમેન જેવી ટોચની હોલિવૂડ સ્ટાર દેવની ઓસ્ટ્રેલિયન મમ્મી બની છે. ‘લાયન’માં નવાઝુદ્દીન સિદ્દીકી, દીપ્તિ નવલ, તનિષ્ઠા ચેટર્જી, પલ્લવી શારદા (‘બેશરમ’ ફિલ્મમાં રણબીર કપૂરની હિરોઈન બની હતી એ) અને પ્રિયંકા બોઝ જેવાં ભારતીય કલાકારોએ પણ નાના-મોટા રોલ કર્યા છે.
દેવ પટલેને આપણે ‘સ્લમડોગ મિલિયોનેર’ (૨૦૦૮)માં સૌથી પહેલી વાર જોયો હતો, લીડ રોલમાં. દેવની એ પહેલી જ ફિલ્મ હતી. આ ફ્લ્મિે આઠ-આઠ ઓસ્કર એવોર્ડ્ઝ જીતી લઈને તરખાટ મચાવી દીધો હતો. ત્યાર બાદ દેવ પટેલ ‘ધ લાસ્ટ એરબેન્ડર’, ‘ધ બેસ્ટ એકઝોટિક મેરીગોલ્ડ હોટેલ’, ‘ચેપી’, ‘ધ મેન હુ ન્યુ ઇન્ફિનિટી’ વગેરે ફ્લ્મિોમાં દેખાયો.
તમને યાદ હોય તો, થોડા અઠવાડિયા પહેલાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફ્ંકશનમાં અભિનયસમ્રાજ્ઞાી મેરીલ સ્ટ્રિપે લાઈફ્ટાઈમ એવોર્ડ સ્વીકારતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશીઓને અમેરિકામાં પ્રવેશ પર નિયંત્રણ લાવતી નીતિ વિરુદ્ધ મારફાડ સ્પીચ આપી હતી. આ સ્પીચ સાંભળીને ડોનાલ્ડ ટ્રમ્પ રાતાપીળા થઈ ગયા હતા. પોતાના આ વકતવ્યની શરૂઆતમાં મેરીલ સ્ટ્રિપે ખૂબ માનપૂર્વક દેવ પટેલનો ઉલ્લેખ કર્યો હતો.
દેવ પટેલને ‘લાયન’ માટે ગોલ્ડન ગ્લોબ પછી હવે ઓસ્કર નોમિનેશન મળ્યું છે. હરીફાઈ તગડી છે, પણ નસીબ જોર કરતું હશે તો દેવ પટેલ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકેનો ઓસ્કર જીતી પણ શકે. હુ નોઝ? ખેર, ઓસ્કર નાઈટ આવે તેની પહેલાં, ચોવીસ ફેબ્રુઆરીએ, ગર્થ ડેવિસના ડિરેકશનવાળી ‘લાયન’ ભારતમાં રિલીઝ થઈ જશે. મિસ ન કરતા!
૦૦૦ ૦૦૦ ૦૦૦
– Shishir Ramavat
( Note – This Article is Originaly Written in Year 2017 )
Leave a Reply