Sun-Temple-Baanner

‘રોંગસાઈડ રાજુ’ – Movie Review


Post Published by


Post Published on


Post Categories


,

Search Your Query


Explore Content


Reach Us


Drop a Mail

hello@sarjak.org

Donate Us


Help us to enrich more with just a Cup of Coffee

Be a Sarjak


‘રોંગસાઈડ રાજુ’ – Movie Review


‘રોંગસાઈડ રાજુ’ – A Facebook Post

(A Facebook post, sometime in October)

* * * * *

‘રોંગસાઈડ રાજુ’ વિશે ભારોભાર ઉત્કંઠા હોવા છતાં ફિલ્મની રિલીઝ પહેલાં મુંબઈમાં ગોઠવાયેલાં ત્રણ પૈકીના એકેય સ્પેશિયલ સ્ક્રીનિંગમાં જઈ શકાયું નહોતું. મનમાં હતું હતું કશો વાંધો નહીં, ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં ખેલ પાડી દઈશું. ઈન્સિડન્ટ્લી ફર્સ્ટ અને સેકન્ડ ડે પણ કોરા ગયા. આખરે રવિવારે બપોરે સપરિવાર ફિલ્મ જોઈ ત્યાં સુધીમાં ફેસબુક પર ફિલ્મના રિવ્યુઝનો મહાસાગર ઊછળી ચુક્યો હતો. કશો વાંધો નહીં. મોડા તો મોડા, આ રહી ‘રોંગસાઈડ રાજુ’ માટેની મારી પ્રતિક્રિયા. પ્રતિક્રિયા હં, રિવ્યુ નહીં.

તમે ઓફિશિયલ રિવ્યુઅર હો એટલે ફિલ્મ જોતી વખતે અને રિવ્યુ લખતી વખતે તટસ્થતાની હેલ્મેટ પહેરી લેવી પડે અને કોણ જાણે કેટલી જાતના માપલા ને કાટલા ને સરખામણીનો ડેટા ને રેફરન્સીસનો આખો કોથળો માથા પર ઊંચકી રાખવો પડે. મોટા ભાગના કેસમાં આ જરૂરી હોય છે. વર્ષો સુધી રિવ્યુઝ લખ્યા છે એટલે આ વાત સારી રીતે સમજું છું. સાથે સાથે એવું પણ દઢપણે માનું છું કે દરેક ફિલ્મ પોતાનું આગવું વાતાવરણ, આગવી સેન્સિબિલિટી અને પર્સનલ હિસ્ટરી લઈને આવતી હોય છે. આ પરિબળોને પણ માન આપવાનું જ હોય. તમામ ફિલ્મોને બાંધેલા નિશ્ર્ચિત માપદંડોથી ન જ મપાય, એક જ જાતની લાકડીઓથી ન જ હંકારાય.

શાહરુખ ખાનની ‘ફેન’ જુઓ ત્યારે ‘લે, એમાં શું? આવું બધું તો હોલિવૂડની ફલાણી ફિલ્મમાં આવી ગયું હતું’ એવું વિચારીને રોમાંચની બાદબાકી થોડી જ કરી નખાય! સલમાન ખાનના સુંદર પફોર્મન્સવાળી મસ્તમજાની ‘સુલતાન’ને સિલ્વેસ્ટર સ્ટેલોનની ‘રોકી’ સિરીઝની ફિલ્મો સાથે કે એ પ્રકારની બીજી કોઈ પણ વિદેશી ફિલ્મ સાથે સરખાવ-સરખાવ કરીએ તો લોકો આપણને ગાંડા ગણે. અફ કોર્સ, ‘ફેન’માં બહુ બધા લોચા હતા જ, પણ શાહરુખે વર્ષો પછી આ ફિલ્મમાં જે પ્રકારનો અભિનય કર્યો છે તથા ફિલ્મના મેકર્સ જે પ્રકારની કમ્પ્યુટર-જનરેટેડ ઇફેક્ટ્સ અચીવ કરી શકયા છે તેને સેલિબ્રેટ કરવાની હોય. સલમાન જેવો નોન-એક્ટર ‘બજરંગી ભાઈજાન’ કે ‘સુલતાન’માં સહેજ સારી એક્ટિંગ કરે તો એને વધાવી લેવાનો હોય. વાત અતિ ઉદાર થવાની નથી, વાત થોડુંક મળ્યું તો પણ ખુશ થઈ જવાની પણ નથી, વાત નીચું નિશાન તાકવાની તો બિલકુલ નથી, પણ પ્રત્યેક ફિલ્મને એના કરેક્ટ પર્સપેક્ટિવમાં જોવી જોઈએ, માણવી જોઈએ અને ઇવેલ્યુએટ કરવી જોઈએ.

એમાંય આપણે જેને ન્યુ વેવ ગુજરાતી સિનેમા કહીએ છીએ તેની વાત કરતા હોઈએ ત્યારે તો ખાસ!

એક વૃદ્ધ માણસની કલ્પના કરો. લાચાર, અશક્ત, બીમાર, સાવ ખખડી ગયેલો, ચેતનાહીન, સત્ત્વહીન, મરવાના વાંકે જીવી રહેલો માણસ. એ ગમે તે ઘડીએ ઉકલી જાય તેમ છે. આ ડોસાબાપા એટલે થોડાં વર્ષો પહેલાંનું આપણું ગુજરાતી સિનેમા. અચાનક આ ડોસાબાપાની જગ્યાએ આપણે એક તંદુરસ્ત, ક્યુટ ક્યુટ, જોતાં જ એને ઉંચકી લઈને એના ચરબીદાર ગાલ ખેંચવાનું મન થાય એવાં બાળકને જોઈએ છીએ. બચ્ચું હજુ તો ભાખોડિયાં ભરે છે, પણ એ છે એટલું બધું એનર્જેટિક કે વાત ન પૂછો. આ બાળક એટલે આપણે આજનું ગુજરાતી સિનેમા. બાળક ભલે ગમે તેટલું હૃષ્ટપુષ્ટ હોય, પણ એ હજુ બાળક જ છે. એને સંભાળની જરૂર છે. એ હજુ તો ચાલતાં માંડ શીખી રહ્યું છે. ચાલતાં ચાલતાં એ કેટલીય વાર પડશે, આખડશે. એનાં ગોઠણ છોલાશે. માંદું પડશે. કદાચ એને ક્યારેક હોસ્પિટલમાં એડમિટ પણ કરવું પડે, પણ ધીમે ધીમે બચ્ચું નક્કર ડગલાં માંડતાં શીખી જશે. પછી દોડવા માંડશે ને જોતજોતામાં એવી સ્પીડ પકડશે કે ઝાલ્યું ઝલાશે નહીં.

ગુજરાતી સિનેમાની સ્થિતિ અત્યારે એક્ઝેક્ટલી આ ભાખોડિયાં ભરતાં બાળક જેવી છે. એનામાં ખૂબ એર્નજી છે, એ ચીસાચીસ કરે છે, શોરબકોર કરે છે ને સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચાય તે માટે પ્રયત્નો કરે છે. આ એની બાળસહજ સ્વાભાવિકતા છે. બચ્ચાં આમ જ કરે. એ આમ જ મોટું થાય. ગુજરાતી પ્રજા તરીકે (જેમાં ગુજરાતી મિડીયા પણ આવી ગયું) આપણે સતત યાદ રાખવાનું છે આ બઢતા બચ્ચાને અટેન્શનની, કેરની અને વહાલની જરૂર છે. આ એટિટ્યુડ ખૂબ જરૂરી છે.

– અને હા, ‘ધ રોડ રોડ’ જેવી તદ્દન ઘટિયા અને બેઈમાન ગુજરાતી ફિલ્મ બને ત્યારે બઘું જ ભુલી જઈને તેને બરાબરની ધીબેડવી પણ જોઈએ. આપણે આ કામ પણ કર્યું જ છે.

લો, બોલો. મૂળ વાત તો સાઈડમાં રહી ગઈ. આપણે વાત માંડી હતી ‘રોંગસાઈડ રાજુ’ની. સરસ ફિલ્મ છે આ. ગુજરાતી પડદા પર આવી સ્ટોરી, આવાં કિરદાર, આવી ટ્રીટમેન્ટ, આવાં પર્ફોર્મન્સીસ આપણે તો પહેલી વાર જોયાં. ઇન ફેક્ટ, કેટલા બધા સર્વપ્રથમ જોડાયેલા છે આ ફિલ્મ સાથે. ‘ક્વીન’ જેવી લેન્ડમાર્ક ફિલ્મ બનાવી ચુકેલા અને અનુરાગ કશ્યપ-વિક્રમાદિત્ય મોટવણે-વિકાસ બહલ જેવા હિન્દી સિનેમાના સુપર ટેલેન્ટેડ ફિલ્મમેકરોએ ઊભા કરેલા ફેન્ટમ બેનરનું ગુજરાતી સિનેમા સાથે જોડાવું એ જ સૌથી પહેલાં તો બહુ વજનદાર વાત છે. અરિજિત સિંહ જેવા સુપર સિંગરે પહેલી વાર કોઈ ગુજરાતી ગીત ગાયું. પહેલી વાર કોઈ ગોરી કન્યા ગુજરાતી ફિલ્મની હિરોઈન બની.

‘રોંગસાઈડ રાજુ’ ઈમાનદારી સાથે બનાવવામાં આવેલી ફિલ્મ છે. ક્યાંય બિનજરૂરી કોમ્પ્રોમાઈઝ કરવામાં આવ્યા નથી. કારણ વગર કશુંય ઘુસાડવામાં આવ્યું નથી. નીરેન ભટ્ટ અને સાથી લેખકોએ સરસ ગૂંથણી કરી છે. આ બોલિવૂડના કેરિકેચર જેવી, હિન્દી ફિલ્મની મિમિક્રી જેવી wannabe ફિલ્મ જરાય નથી. ‘રોંગસાઈડ રાજુ’માં બોલિવૂડના પ્રોડ્યુસરો, સંગીતકાર, ગાયકો, સિનેમેટોગ્રાફર ઉપરાંત ઇમ્પોટેર્ડ હિરોઈન ઇન્વોલ્વ્ડ હોવા છતાં ફિલ્મે તેણે પોતાનું ગુજરાતીપણું, પોતાની ગુજરાતી આઇડેન્ટિટી અકબંધ રાખી છે. આ ફિલ્મે ન્યુ વેવ ગુજરાતી સિનેમાને નવી ઉર્જા, નવી ગતિ અને નવાં પરિમાણો આપી દીધાં છે એ વાત તો નક્કી.

પ્રતીક ગાંધીએ, મારા બક્ષીબાબુએ મસ્ત કામ કર્યું છે રાજુના પાત્રમાં. (પ્રતીકની વાત આવે એટલે ‘હું, ચંદ્રકાંત બક્ષી…’ નાટકનો ઉલ્લેખ હું કરીશ જ, ઓકે? પછી ભલે અમારા આ નાટકના પ્લગિંગ જેવું લાગે! LOLz…) પ્રતીક ગાંધી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી સિનેમા બન્નેમાં સમાંતરે અને સાથે સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે એ કેટલી સરસ વાત છે. સ્ટેજ અને સિનેમા બન્નેમાં એકસાથે ગ્રો થઈ રહ્યો હોય એવા બીજો કોઈ એક્ટર મને તો યાદ નથી આવતો. ઘણો ફર્ક હોય છે સ્ટેજ પર અને કેમેરા સામે એક્ટિંગ કરવામાં. પ્રતીક ઇન્સટકિં્ટીવલી આ ફર્કને પામી શકે છે અને માધ્યમ અનુસાર પોતાના પર્ફોર્મન્સને કેલિબ્રેટ કરી શકે છે. આ એની અદાકાર તરીકેની તાકાત છે. ‘રોંગસાઈડ રાજુ’માં પ્રતીકના સાયલન્ટ શોટ્સ જોજો. કશું જ બોલ્યા વિના માત્ર આંખોથી અને ચહેરાની રેખાઓથી એ કેટલું બધું વ્યક્ત કરે છે.

ફિલ્મનું સરપ્રાઈઝ પેકેજ તો મારા હિસાબે જયેશ મોરે છે. ઓહ, એબ્સોલ્યુટલી. તગડી શક્યતાઓ જોઈ શકાય છે મૂળ રંગભૂમિના આ દમદાર એક્ટરમાં.

ઓકે, ‘રોંગસાઈડ રાજુ’માં મને ક્યાં કચાશ લાગી? આ એક સારી ફિલ્મ છે, નો ડાઉટ, પણ તે કંઈ પરફેક્ટ ફિલ્મ નથી. સૌથી મોટી સમસ્યા પેસિંગની છે. આ એક થ્રિલર છે અને થ્રિલરમાં એક પછી એક ઘટના એટલી સટ-સટ-સટ કરતી બનતી રહેવી જોઈએ, નવાં નવાં ટિવસ્ટ્સ-એન્ડ-ટર્ન્સ આવતાં રહેવાં જોઈએ કે પ્રેક્ષકને બીજું કશું વિચારવાનો સમય જ ન મળે. ‘રોંગસાઈડ રાજુ’ આ અચીવ કરી શકતી નથી. એક થ્રિલર હોવાના નાતે ફિલ્મ બહુ ધીમી છે જે એક ગંભીર માઈનસ પોઈન્ટ ગણાય. રાજુ અને ગોરી હિરોઈનનો લવ-ટ્રેક પૂરો ડેવલપ થયો નથી. ફિલ્મ જોતી વખતે અને જોયા પછી એવી ફીલિંગ થતી રહે કે આ ફિલ્મ ઘણી વધારે ધારદાર, વધારે ચુસ્ત અને સમગ્રપણે બહેતર ફિલ્મ બની શકી હોત.

‘રોંગસાઈડ રાજુ’ ગુજરાતી સિનેમાને ચાર ડગલાં આગળ ગઈ છે અને કેટલાંય નવા દરવાજા ઊઘાડી આપ્યા છે તે વાત સાચી, પણ સ્ટ્રિક્ટલી એક પ્રેક્ષક તરીકે કહું તો, મને આજેય ‘રોંગસાઈડ રાજુ’ કરતાં

‘બે યાર’ ચઢિયાતી ફિલ્મ લાગે છે. (અભિષેક, એક્સેપ્ટ ઇટ.) ‘બે યાર’ એટલી ફર્સ્ટક્લાસ ફિલ્મ હતી કે એને ગ્રેસના માર્કસની કે જાતજાતના ખુલાસાની કે કૃપાદષ્ટિની યાચના કરવાની સહેજ પણ જરુર નહોતી. મને યાદ નથી કે ‘બે યાર’ જોતી વખતે હું પડદા પર સર્જાયેલી દુનિયામાંથી એક મિનિટ માટે પણ બહાર આવ્યો હોઉં. ‘રોંગસાઈડ રાજુ’ જોતી વખતે ડિસ-એન્ગેજ થઈ ગયો હોઉં એવી ક્ષણો આવી હતી.

ઓલ સેઈડ એન્ડ ડન, શું ‘રોંગસાઈડ રાજુ’ જોવી જોઈએ (તમે ઓલરેડી જોઈ ન લીધી હોય તો)? અફકોર્સ જોવી જોઈએ. શું આ એક ઈમ્પોર્ટન્ટ ફિલ્મ છે? અફકોર્સ, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્મ છે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે.

ન્યુ વેવ ગુજરાતી સિનેમા નામનો પુત્ર હાલ પારણામાં ઝુલે છે. આ પુત્રનાં લક્ષણો જોઈને આપણને ખાતરી થાય છે કે આગળ જતા નક્કી યે બાબલા બડા નામ કરેગા ઔર બેટા ડેફિનેટલી બડા કામ કરેગા. આ વેવલી સેન્ટીમેન્ટાલિટી કે વિશફુલ થકિંિંગ નથી. આ હકીકત છે. આવતા પાંચ-દસ-પંદર વર્ષમાં ગુજરાતી ફિલ્મોદ્યોગ સાચા અર્થમાં ઈન્ડસ્ટ્રી બનીને ધમધમવાની છે ને આપણી છાતી ગજ ગજ ફુલે એવી ફિલ્મો પેદા કરવાની છે. તમે લખી રાખો!

૦૦૦ ૦૦૦ ૦૦૦

– Shishir Ramavat

( Note – This Article is Originaly Written in Year 2016 )

DISCLAIMER


All the rights of Published Content is fully reserved by the respective Owner / Writer. Sarjak.org never taking the ownership of the content, we are just a Platform to publish content to serve the readers. Any Dispute or Query related Content on Platform, Do inform Us at bellow links First. We will Respect, take care of it and Try to Solve it Out as fast as Possible.

Please Do Not Copy the Content, Without Prior Written Permission of there Respective Owner.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copying, distributing, or sharing our content without permission is strictly prohibited. All content on this website is sole property of Respective owners. If you would like to use any of our content, please contact us for permission. Thank you for respecting our work.